મેર કાળવા ઓડેદરા
જન્મ : વિક્રમ સંવત 1796 વૈશાખ સુદ અખાત્રીજ બુધવાર
બલિદાન : વિ.સં.1831 ફાગણ વદ બીજ ગુરૂવાર
પોરબંદર પંથકના ઓડદર ગામે વિક્રમ સંવત 1796 વૈશાખ સુદ અખા ત્રીજને બુધવારના પવિત્ર દિવસે ઓડેદરા (સુમરા) આલા મહેરને ત્યાં કાળવાનો જન્મ થયો. કાળવા ઓડેદરા પહાડી માણસ અને અખુટ શક્તિના સ્વામી હતા. કાળવાની શૂરવીરતા દાતારી અને ખાનદાનીની ગાથાઓ ચોમેર છવાઈ હતી.
ઓડદર ગામની કોઈ દીકરી સાસરે જતી ત્યારે કાળવા એને પાંચ કોરીનું કાપડું આપતા. કાળવાની ખ્યાતિને લઈને જૂનાગઢ નવાબને તેની સાથે મૈત્રી સંબંધ હતા. નવાબે કાળવાને પોતાના દરબારમાં મોભાભર્યું સ્થાન આપી કેટલાક ગામોની પાટો પણ આપી હતી.
કાળુજી મેર જૂનાગઢની ચાકરીમાં હતો. તેને ઘેર એક બહેન હતી. નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી. નવાબ બેભાન બન્યો. એણે કાળુજીને તેડાવ્યો. દલીલ કરી: “દેખો ભાઈ! રાણીજાયા બી સોઈ, ઓર બીબીજાયા બી સોઈ, સમજ ગયા? માગ લો, ચાય ઇતની સોનામહોર માગ લો, કાળુજી મેર! રાણીજાયા બી સોઈ, બીબીજાયા બી સોઈ!”
“હું વિચારી જોઈશ.” એમ કહીને કાળુજી ઊઠ્યો. થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે.
કામાંધ નવાબ કરડો થયો. “હેં! એમ કેમ જાવા દેશું? જોરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો. જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો.”
કાળુજીએ ઉચાળા પડતા મૂક્યા. બાળબચ્ચાંને રામરામ કર્યા. અંધારી રાતે એણે બહેનને પડકારી: “બહેન! આવી જા ઘોડી માથે, મારી બેલાડ્યે. કાં તો ભાઈ-બહેન નીકળીએ છીએ ને કાં બેઉ જણાં ભેળાં જ પ્રાણ કાઢીએ છીએ.”
એક જાતવંત ઘોડી ઉપર ભાઈ-બહેન અસવાર થયાં. બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો.
હાથમાં લીધી તરવાર. બહેનના હાથમાં ઝલાવ્યો ભાલો. કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી. ભાઈ-બહેન કંઈક મિયાંમુગલોને કાપતાં બરાબર કાળવે દરવાજે આવી ઊભાં રહ્યાં. ત્યાંથી એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળીના સબકારા સમી ગઢની બહાર ગઈ. ઘનઘોર વનરાઈમાં ઘોડી અદૃશ્ય થઈ. બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી.
પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો, એવી ઊણપ એના મનમાં રહી ગઈ. ફકીરને વેશે પાછો જૂનાગઢ આવ્યો. નવાબના દરવાજામાં સાંઈ મૌલાને કોઈ રોકે નહિ. કાળુજીને ખબર હતી કે કઈ મેડી ઉપર શાહજાદો અને વજીરજાદો એકલા રમે છે. ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો; અને પછી અંદરથી ત્રાડ નાખી: “જૂનાગઢના નવાબ! મારી બહેનનું માગું નાખવાનાં મૂલ પણ કેવાં મોંઘાં છે તે જોઈ લે. હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છું.”
મેડીને દાદરે માણસોની ઠઠ્ઠ જામી. નવાબ બહાર ઊભો ઊભો કરગરવા લાગ્યો: “કાળુજી! તું માગે તેટલાં જવાહિર આપું.”
નેજે જે નવાબ, ઊભો અરદાશું કરે,
જોરાવર જવાબ, કઢ્ઢે મેર કાળવો.
નવાબ ઊભો ઊભો આજીજી કરે છે, અને કાળુજી જોરાવર જવાબ કાઢે છે.
કાળુજીએ જવાબ વાળ્યો: “જવાહિર જોતાં હોત તો મારી બહેનને જ તારા જનાનામાં વેચાતી ન આપી દેત? પણ અમે જેઠવા વંશનું પડખું સેવ્યું છે. મેરને જવાહિર કરતાં આબરૂ વધુ વહાલી છે. હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે. હેમખેમ જાવા દે એટલું માગું છું.”
નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવવો. પણ નવાબના પેટમાં પાપ હતું. કાળુને માટે એણે ઘોડી મંગાવી. કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ 15 જડેલી દેખી, ઘોડી બદલાવી. બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા. પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો, કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી.
નાસતો નાસતો કાળુજી ગોંડલનો આશરો લેવા આવ્યો. ગોંડળમાં તે વખતે ભા’ કુંભાજીનો પહોર ચાલતો હતો.
એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢના બહારવટિયાને ન સંઘર્યો. ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેડાનાર નદી ટપીને ઓખામંડળના પોહિત્રા ગામમાં પહોંચી. ઓખાના વાઘેરોએ એને આશરો દીધો.
એક વખત ફુલરામાં ગામની સીમ બાબતે નવાબના દીવાન અમરજી તથા કાળવાના ભાણેજ અરજણ જાડેજા વચ્ચે ખટરાગ થાય છે, ત્યારે કાળવાની વાત માન્ય રાખી નવાબ ફુલરામા ગામનો હવાલો પુન: જાડેજા મહેરોને સોંપે છે.
ખંધો દીવાન અમરજી આ બાબતથી નારાજ થઈ મનમાં વેર રાખી મોકો મળતા મીતી અને બગસરા (ઘેડ) ની વચ્ચે ધરમવાવની પાસે એકલા મળેલા અરજણ જાડેજાને અમરજી દીવાન પોતાના માણસો દ્વારા તેનુ દગાથી ખૂન કરે છે. પોતાના ભાણેજના ખૂનનો બદલો વાળવા કાળવા ઓડેદરા નવાબ મહમુદ બહાદુરખાન બીજા સામે જંગે ચડવાના નિર્ધાર સાથે જૂનાગઢ આવે છે.
કાળવા સાથે એનો ભેરૂબંધ પાદરીયા ગામનો જેમલ ખાંટ સાથ આપે છે. જેમલની યુક્તિથી કાળવો ફકીરના વેશે શાહજાદાની શાળામાં જઈ એને પકડી ગરદને કટાર રાખે છે. કાળવાના પંજામાં ફસાયેલા શાહજાદાને છોડાવવા નવાબ કરગરીને આજીજી કરે છે. ત્યારે કાળવો પોતાની શરતો રાખતા નવાબને કહે છે કે,
હું જે દરવાજેથી આવ્યો તે દરવાજાનું નામ કાળવો દરવાજો રાખવું. અહીં જે ચોક છે તે ચોકનું નામ ‘કાળવા ચોક’ રાખવું. નવસો કોરીનો દંડ કરૂ છું તે રોકડી આપવી. સાત સાંતી જમીનનો લેખ ત્રાંબાના પત્રે કરી દેવો.કુંવરને મુક્ત કરૂ પછી મારી પાછળ નવ દિવસ સુધી વાર ન આવવી જોઈએ. મારા ભત્રીજા વજદે ઓડેદરાને હાજર કરવો. બે જાતવંત ઘોડા મને આપવા.
આ બધી શરતો નવાબ મંજૂર રાખે છે. નવ સોરઠના ધણીને નમાવીને નીકળેલા કાળવા તથા તેના ભત્રીજાને નવાબની બીકથી કોઈ રજવાડું આશરો આપતું નથી. ત્યારે ઓખામંડળમાં પોશીત્રા ગામે વાઘેરો આશરો આપે છે. આ વાતની જાણ થતા નવાબ વેરની આગમાં કાળઝાળ બને છે
અને તુરંત જ નવાબ તેના સહાયક રજવાડા જેવાકે; શેખ મીંયા (માંગરોળ), ભા.કુંભાજી મહારાજ(ગોંડલ), જામનગરના જામ જસાજીના મેરૂ ખવાસ, મોરબી ઠાકોર સાહેબના જીવાજી કાંયાજી, ભાવનગર વજેસંગ મહારાજનો સુબો, ઝાલા માનસિંહજી(ધાંગધ્રા-હળવદ), ખુદ નવાબના દિવાન અમરજી સાથે સાતેય રાજની ફોજે પોશીત્રા ગામે કાળવા ઉપર હલ્લો કર્યો.
આ વખતે જોરદાર જંગ જામે છે. પોશીત્રાનો કિલ્લો ઊંચો હતો અને દારૂગોળો પુરતો હોવાથી કાળવે નવાબની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.
નવાબની સેનાની બધી યુક્તિઓ પર પાણી ફેરવતાં કાળવો જોરદાર લડત આપતો હતો. એક મહીના સુધી આ ધીંગાણું ચાલ્યું.
પોહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગ ખોદાવી. સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલ થાળીમાં મગના દાણા થરથરવા લાગ્યા. કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે. એણે પોતાનાં તમામ કુટુંબીઓને નાઠાબારીમાંથી રવાના કર્યાં, પણ એનો શૂરવીર પુત્ર વેજો બાપની વહમી વેળાએ વેગળો થાય ખરો કે? એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો. એને આમ મરતો અટકાવવા કાળુજીએ કહ્યું: “હું તો જગતમાં નામ રાખીને મરું છું, પણ બેટા, નાહક તું કાં ગુડા ? ભીંત હેઠે કચરાઈ મરવામાં કાંઈ કીરત છે? મારું સાચું ફરજંદ હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને!”
વીર વેજો પણ ચાલ્યો ગયો. કાળુજીએ વિચાર્યું: ‘વાહ ભાઈ! આવી જાન ફરી ક્યારે જોડાવાની હતી ? આજ મરવાની પણ મજા છે.’ ઘીના કુડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મૂઓ પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો. તે દિવસ વિ.સં.1831 ફાગણ વદ બીજ ને ગુરૂવારનો હતો.
આ ધીંગાણામાં કાળવાને મદદ કરવામાં 350 વાઢેર રાજપૂતો, 280 વાઘેર વિરગતી પામે છે. આજે પણ કાળવાની રણખાંભી પોશીત્રા તથા પાળિયો બખરલાને ઉગમણે પાદરે બિરાજમાન છે અને કાળવા ચોક તરીકે ઓળખાતા જૂનાગઢના ચોકમાં તેની જાજરમાન પ્રતિમા આજે પણ એ ઇતિહાસની સાક્ષી પૂરે છે.
તેં કીધી કાળવા, લાખાત વાળી લી,
સુબો નવ સોરઠ તણો, તેને દંડયો ધોળે દી.
કોટિ વંદન બધા બલિદાનીઓને વંદે માતરમ્ જય માતાજી જય હિંદ