સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.
જન્મ : ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ નડિયાદ ગુજરાત
મૃત્યુ : ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ મુંબઈ મહારાષ્ટ્ર
તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.
જન્મ અને કૌટુંબિક જીવન
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.[૧] તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.[૨] ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.
વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો - એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો.[૩] વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી - તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો) કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.
વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા.[૬] તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.
૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા. વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.
આઝાદીની લડત
મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધીકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે “પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે”.[૯] પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા. ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા અંગ્રજી, કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજીક ભાષા હતી, તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આર્કષાયા હતા – જેમાં રાજકીય નેતા ઍની બૅસન્ટની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મુકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કુચ કરવા પણ કહ્યું હતું.
વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતીત થઈ હતી. વલ્લભભાઈએ હવે 'વેઠ' – ભારતીયો દ્વારા યુરોપિયનોની ફરજીયાત બેગારી સામે સ્ફુર્તિથી લડ઼વાનું ચાલુ કરી દીધુ હતું તથા ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું.[૧૦] ખેડા જિલ્લાના ખેડુતોને કર માંથી રાહત આપવની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથી પોતાનું નામ આગળ ધર્યું જે વાતની ગાંધીજીને ખુશી હતી.[૧૧] તેમણે આ નિર્ણય ત્વરિત કર્યો હોવા છતાં પાછળથી વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબધ્ધતાને અનુસરવાના તેમના નિર્ણય પર પહોંચતા પહેલા તેમણ ખુબ આત્મચિંતન કર્યું હતું, કારણકે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો.
કૅબિનેટ મિશન તથા વિભાજન
જ્યારે અંગ્રેજ મિશને સત્તા સોંપણી માટે બે અલગ યોજનાઓ સુચવી ત્યારે તે બન્ને યોજનાઓનો કૉંગ્રેસમાં વિરોધ થયો. ૧૬ મે ૧૯૪૬ની યોજનાના પ્રસ્તાવ પ્રમાણે છુટ્ટા રાજ્યોનો સંઘ, કે જેમાં દરેક પ્રાંતને વિસ્તૃત સ્વાયત્તતા આપવામાં આવે તથા પ્રાંતોનું સામૂહીકરણ ધાર્મિક બહુમતીના આધારે કરવામાં આવે, તેવું સૂચવવામાં આવ્યું હતું. ૧૬ જૂન ૧૯૪૬ની યોજનાનાં પ્રસ્તાવ પ્રમાણે ભારતનું વિભાજન ધાર્મિકતાનાં આધારે કરવામાં આવે તથા ૬૦૦ રજવાડાઓને પૂર્ણ સ્વતંત્રતા કે પછી બેમાંથી કોઈ પણ એક રાજ્ય સાથે જોડાઈ જવાનો વિકલ્પ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ લીગે બન્ને યોજનાઓને માન્યતા આપી હતી, જ્યારે કૉંગ્રેસે ૧૬ જૂનની યોજનાનો સજ્જડપણે અસ્વીકાર કર્યો. ૧૬ મેની યોજનાની ટીકા કરતા ગાંધીજીએ તેને અંતગર્તરુપે વિભાજનાત્મક વર્ણવી હતી, આમ છતાં સરદારને જાણ હતી કે જો કૉંગ્રેસ તે યોજનાનો પણ અસ્વીકાર કરશે તો માત્ર મુસ્લિમ લીગને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવશે અને તેથી સરદારે કૉંગ્રેસ કાર્યકારી સમિતિને ૧૬ મેની યોજનાને મંજૂરી આપવા રાજી કરવા માટે મહેનત કરવા માંડી હતી. તેમણે અંગ્રેજ રાજદુતો, સર સ્ટ્રેફ્રોડ ક્રિપ્સ તથા લોર્ડ પૅથીક લોરેન્સ સાથે મંત્રણા કરીને તેમની બાંહેધરી મેળવી હતી કે સામૂહીકરણની જોગવાઈને લગતા કોઈપણ નક્કર પગલાં ભરવામાં નહીં આવે અને તેજ સમયે તેમણે નેહરુ, રાજેન્દ્રપ્રસાદ તેમજ રાજગોપાલાચાર્યને ૧૬ મેની યોજનાને મંજૂરી આપવા તૈયાર કરી લીધા. જ્યારે મુસ્લિમ લીગે ૧૬ મેની યોજના માટે પોતાની મંજુરી પાછી ખેંચી લીધી ત્યારે વાઇસરોય લોર્ડ વૅવલે કૉંગ્રેસને સરકાર બનાવવા માટેનું આમંત્રણ મોકલ્યું. નેહરુની પ્રમુખતા હેઠળ, કે જેમને વાઇસરોયની કારોબારી સમિતિના ઉપ-પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા, સરદારે ગૃહ બાબતો તથા માહિતી ને પ્રસારણ વિભાગોની દોરવણી સંભાળી હતી. તેઓ ૧, ઔરંગઝેબ રોડ, દિલ્હી ખાતે આવેલા સરકારી મકાનમાં રહેવા ગયા કે જ્યાં તેઓ ૧૯૫૦માં તેમાના દેહાંત પર્યંત રહ્યાં.
સરદાર પટેલ એવા જુજ કૉંગ્રેસી નેતાઓમાંના એક હતા કે જેમણે ભારતના ભાગલાને મહમ્મદ અલી જીન્નાના નેતૃત્વ હેઠળ ચાલેલી મુસ્લિમ અલગાવવાદની ચળવળના ઉપાય તરીકે અપનાવી લીધો હતો. જીન્ના દ્વારા આયોજાયેલા ‘ડાયરેક્ટ ઍકશન ડૅ’ તેમને ખુબજ ધૃણાસ્પદ લાગ્યો હતો કે જેનાથી દેશભરમાં સાંપ્રદાયીક હિંસા વિફરી હતી, તેમજ બંધારણીયતાના આધારે હિંસા બંધ કરાવવાની તેમની ગૃહ ખાતાંની યોજનાને જ્યારે વાઇસરોયે તેમનો મતાધિકાર વાપરીને અમલમાં મુકાતા રોકી ત્યારે સરદાર ખુબ રોષે ભરાણા હતા. તેમણે મુસ્લિમ લીગના મંત્રીઓને સરકારમાં ભાગ આપવા, તેમજ કૉંગ્રેસની મંજૂરી વિના સામૂહીકરણની જોગવાઈની પરત માન્યતા આપવાના વાઇસરોયના નિર્ણયની આકરી ટીકા કરી હતી. મુસ્લિમ લીગે સરકારમાં આવ્યા પછી જ્યારે વિધાનસભાનો બહિષ્કર કર્યો તથા ૧૬ મેની યોજનાનો અસ્વીકાર કર્યો ત્યારે સરદાર ખુબ રોષે ભરાયા હોવા છતાં તેમને એ વાતની જાણ હતી કે જીન્નાને મુસ્લિમોનો લોકપ્રિય ટેકો હતો અને જીન્ના સાથે કે પછી રાષ્ટ્રવાદીઓની સાથે ખુલ્લા સંઘર્ષમાં ઉતરવાથી હિંદુ-મુસ્લિમ વચ્ચે આન્તરવિગ્રહની વિનાશક પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા હતી. સરદારના મત પ્રમાણે જો વિભાજીત તેમજ નબળી સરકાર અસ્તિત્વમાં હોત તો તેનાથી ભારતના વધુ ભાગલા પડવા તેમજ ૬૦૦ રજવાડાઓને પોતપોતની સ્વાત્રંતતા મેળવવા માટે વધુ પ્રોત્સાહનરુપ નીવડી હોત.[૪૦] ડિસેંબર ૧૯૪૬ થી જાન્યુઆરી ૧૯૪૭ની વચ્ચેના મહીનાઓ દરમ્યાન તેઓએ સરકારી સનદી વી. પી. મેનનના સુચન પ્રમાણે તેમની સાથે મળીને મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાંથી પાકિસ્તાનું નિર્માણ કર્યું. જાન્યુઆરી તેમજ માર્ચ ૧૯૪૭માં પંજાબ તેમજ બંગાળમાં થયેલા કોમી રમખાણે તેમને વિભાજનના નિર્ણયની આધારભુતતાની વધુ ખાતરી કરાવી. પંજાબ તેમજ બંગાળના હિંદુ બહુમતીવાળા ક્ષેત્રોનો પણ પાકિસ્તાનમાં સમાવેશ કરવામાં આવે તેવી જીન્નાની માંગણીનો સખત વિરોધ સરદારે કર્યો હતો તથા તે પ્રાંતોના ભાગલા કરાવી તેમને પાકિસ્તાનમાં જોડાતા અટકાવ્યા હતા. પંજાબ અને બંગાળના ભાગલા માટે સરદારે દેખાડેલી નિર્ણાયક્તાએ તેમના માટે ભારતીય જનસમુદાયમાંથી ઘણા ચાહકો જીતી આપ્યા કે જેઓ મુસ્લિમ લીગના કરતૂતોથી કંટાળી ચુક્યા હતા, છતાં ગાંધી, નેહરુ, બિનસાંપ્રદાયિક મુસ્લિમો તેમજ સમાજવાદીઓના મતે તે બાબતમાં તેમણે ઉતાવળ કરવા માટેની ટીકા મેળવી હતી. જ્યારે લોર્ડ લુઈ માઉન્ટબેટને આ પ્રસ્તાવની ૩જી જુન ૧૯૪૭ના દિવસે ઘોષણા કરી ત્યારે સરદારે તેને મંજુરી આપી તેમજ નેહરુ અને બીજા કૉંગ્રેસી નેતાઓને પણ તેમ કરવા મનાવ્યા હતા. ભાગલાની યોજના બાબત ગાંધીજીની ગહન વેદનાની લાગણીની તેમને જાણ હોવાથી તેમણે ગાંધીજી સાથે ખાનગી મુલાકાતો દરમ્યાન સંભવિત કૉંગ્રેસ-મુસ્લિમ લીગ વચ્ચેની વાસ્તવિક બિનકાર્યક્ષમ સંધી, વધતી હિંસા તેમજ આન્તરવિગ્રહના ડર વિષે નિખાલસ ચર્ચાઓ કરી હતી. જ્યારે યોજના ઉપર મત લેવા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી ત્યારે સરદારે કહ્યું હતું કે:
"હું આપણા ભાઈઓનો (મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં વસતા) ડર સમજી શકું છું. કોઈને ભારતના ભાગલા થાય તે ગમતું નથી. મારું હ્રદય પણ ભારે છે. પણ અત્યારે પસંદગી એક ભાગલા કે પછી ઘણા ભાગલાઓ વચ્ચે છે. આપણે તથ્યનો સામનો કરવો જોઈએ. આપણે ભાવનાત્મક્તા તથા લાગણીપ્રધાનતાને આધીન ન થવું જોઈએ. કાર્યકારી સમિતિએ ડરીને આ પગલું નથી ભર્યું. પણ મને એકજ વાતનો ડર છે કે આપણા આટલા વર્ષોનો પરીશ્રમ તથા સખત મહેનત એળે જશે અને ફળદ્રુપ પુરવાર નહીં થાય. મારી ૯ મહીનાની કાર્યકારી અવધી દરમ્યાન કૅબિનેટ મિશનની યોજનાના કહેવાતા ફાયદાઓ તરફનો ભ્રમ ભાંગી ચુક્યો છે. અમુક આદરણીય અપવાદોને બાદ કરતા, ઉપરના અમલદારોથી લઈને નીચેના ચપરાસી સુધીના બધાજ મુસ્લિમો મુસ્લિમ લીગ માટે કામ કરી રહ્યા છે. મિશન દ્વારા મુસ્લિમ લીગને અપાયેલા સાંપ્રદાયિક વિટોએ (ઠરાવ નામંજુર કરવાનો મતાધિકાર) દરેક સ્તરે ભારતની પ્રગતી અટકાવી હોત. આપણને ગમે કે નહીં, પણ પંજાબ અને બંગાળમાં અનૌપચારિક પાકિસ્તાન અત્યારે પણ મોજુદ છે જ. અને આ પરિસ્થિતિમાં હું એક ઔપયારિક પાકિસ્તાનની પસંદગી કરીશ કે જેનાથી મુસ્લિમ લીગ કદાચ વધુ જવાબદાર બનશે.. સ્વતંત્રતા આવી રહી છે. આપણી પાસે ૭૫ થી ૮૦ ટકા ભારત છે જેને આપણે પોતાની પ્રતિભાથી વધુ મજબુત બનાવશું. બાકીના દેશનો વિકાસ મુસ્લિમ લીગ કરી શકે છે.[૪૧]
યોજનાને ગાંધીજી તેમજ કૉંગ્રેસની મંજુરી મળ્યા બાદ સરદારે ભાગલા સમિતિમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું જ્યાં તેમના નિરીક્ષણ હેઠળ લોક સંપત્તિની વહેંચણી કરવામાં આવી તથા તેમણે નેહરુ સાથે મળીને ભારતીય મંત્રી મંડળના સભ્યોની પસંદગી કરી. આમ છતાં સરદારે કે બીજા કોઈ ભારતીય નેતાએ ભાગલા વખતે થયેલી અતિ હિંસા તથા જનસમુદાયના થયેલા સ્થળાંતરની અપેક્ષા નહોતી કરી. તે વખતે સરદારે અત્યાવશ્યક જરૂરીયાતો પુરી પાડવા તેમજ સહાયકાર્યોનું આયોજન કરવામાં આગેવાની લીધી હતી. શાંતી જાળવવાના પ્રયાસ રુપે પાકિસ્તાની નેતાઓ સાથે મળીને તેઓએ સરહદ પાસના વિસ્તારોની મુલાકાત લીધી. આ પ્રયત્નો છતાં આશરે ૨ લાખથી લઈને ૧૦ લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે અને બન્ને દેશોમાં મળીને શરણાર્થીઓની સંખ્યા ૧.૫ કરોડ઼થી વધુ હોવાનો અંદાજ છે. સરદાર જાણતા હતા કે દિલ્હી તેમજ પંજાબની પોલીસ, કે જેમની ઉપર મુસ્લિમો વિરુદ્ધ હુમલા આયોજીત કરવાના આરોપો હતા, તે લોકો પણ ભાગલા વખતની કરુણ પરિસ્થિતિથી પ્રભાવિત થયા હતા અને તેથી પરિસ્થિતિને સામાન્ય કરવા તેમણે દક્ષિણ ભારતથી સેનાની ટુકડીઓ મંગાવી તેમને કડક સંચારબંદી લાગુ કરવા તેમજ દેખો ત્યાં ઠાર કરવાના આદેશો આપ્યા હતા. દિલ્હીના નિઝામુદ્દીન ઔલિયા વિસ્તારમાં, કે જ્યાં હજારો મુસ્લિમો ઉપર હુમલા થવાનો ભય હતો, ત્યાંની દરગાહે જઈ તેમણે પ્રાર્થના કરી હતી તેમજ લોકોને મળીને પોલીસની મોજુદગીને વધારે મજબુત કરી હતી. વળતી હિંસાને રોકવા માટે પાકિસ્તાનમાં હિંદુઓ તેમજ શિખો ઉપર થતા અત્યાચારોની ખબરો તેમણે પ્રેસમાં છપાતા અટકાવી હતી. પાટનગરમાં સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવા સરદારે દિલ્હી ઈમરજન્સી કમીટીની સ્થાપના કરી અને અમલીઓને પક્ષપાત તેમજ અવગણથી દુર રહેવાની જાહેરમાં તાકીદ આપી હતી. જ્યારે સરદારને ખબર પડી કે શિખોના મોટા જુથ પાકિસ્તાન તરફ જઈ રહેલા મુસ્લમાનો ઉપર હુમલા કરવાનું આયોજન કરી રહ્યા છે ત્યારે તેઓ ઉતાવળે અમૃતસર પહોંચી હિંદુ અને શિખ નેતાઓને મળ્યા. તેમણે એવી દલીલ મુકી કે નિ:સહાય ઉપર હુમલો કરવો તે કાયરતાભર્યું તેમજ અનૈતિક વર્તન છે અને તેનાથી પાકિસ્તાનથી ભારત આવી રહેલા હિંદુ તેમજ શિખો ઉપરના હુમલાઓ વધશે. તેમણે કોમના નેતાઓને બાંહેધરી આપતા કહ્યું હતુ કે જો તેઓ શાંતી અને સંયમ જાળવવાનો પ્રયત્ન કરી, મુસલમાનોની સલામતીનું ધ્યાન રાખશે તો પાકિસ્તાન દ્વારા તેની અવગણા સામે ભારત સરકાર આકરા પગલાં લેશે. આ ઉપરાંત તેમની સભાના અંતે જ્યારે બે લાખ લોકો તેમના ગાડીના કાફલાને ઘેરી વાળ્યા ત્યારે તેમને સંબોધતા સરદારે કહ્યું હતું કે:
અહીંયા, આજ શહેરમાં, જલિયાંવાલા બાગમાં થયેલી ખૂનરેજી વખતે હિંદુ, શિખ અને મુસ્લમાનોનું લોહી એક થઈને વહ્યું હતુ. હું એ વિચારતાં શોક અનુભવું છું કે પરિસ્થિતિ એવી વણસી છે કે કોઈ મુસલમાન અમૃતસરમાં ફરી નથી શકતો કે પછી કોઈ હિંદુ કે શિખ લાહોરમાં રહેવાનું વિચારી નથી શકતો. નિર્દોષ અને અરક્ષિત પુરુષો, મહીલાઓ તેમજ બાળકોની કત્લેઆમ શુરવિર માણસોને છાજતી નથી. મને ખાતરી છે કે ભારતનું હિત એમાંજ છે કે તેના પુરુષો અને સ્ત્રીઓને સરહદ પારથી સુખરુપ ભારતમાં લઈ આવવા તેમજ પુર્વ પંજાબમાંથી બધા મુસ્લમાનોને સરહદ પાર મોકલવા. હું તમારી પાસે એક ખાસ અરજી લઈને આવ્યો છું. શહેર પાર કરતા મુસ્લમાનોની સલામતીની બાંહેધરી આપો. તેમા ઉભી થતી કોઈપણ રુકાવટો અને કઠણાઈઓ આપણા શરણાર્થીઓની, કે જેઓ સહનશિલતાની અદ્દભુત કામગીરી બજાવી રહ્યા છે, પરિસ્થિતિ વધુ ખરાબ કરશે. આપણે લડવું છે, પણ તે લડાઈ ચોખ્ખી હોવી જોઈએ. અને તે લડાઈ માટે અનૂકુળ સમય અને પરિસ્થિતિની રાહ જોવી જોઈએ તેમજ તેના કારણો કે જગ્યાની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરણાર્થી સાથેની લડાઈ તે કાંઈ લડાઈ ન ગણાય કોઈપણ સભ્ય માણસો વચ્ચેના માણસાઈ કે લડાઈ લગતા કાયદાઓ શરણ અને રક્ષણ માંગતા લોકોના કત્લેઆમને માન્યતા નથી આપતા. ત્રણ મહીના માટે યુદ્ધવિરામ થવા દો કે જે દરમ્યાન બન્ને તરફથી શરણાર્થીઓની આપ-લે પુરી પાડી શકાય. આ જાતના યુદ્ધવિરામને તો યુદ્ધના કાયદા હેઠળ પણ માન્યતા છે. હુમલા અને વળતા હુમલાના આ અન્યોન્યાશ્રયી ઘટનાક્રમને તોડવા માટે આપણે પહેલ કરીએ. એક અઠવાડિયાં માટે તમારા હાથ રોકીને જુઓ. તમારા સ્વયંસેવકોના બળથી શરણાર્થીઓનો માર્ગ મોકળો કરો અને પાકિસ્તાનને શરણાર્થીઓને આપણી સરહદ ઉપર પહોંચતા કરવા દો."[૪૨]
કોમી નેતાઓ સાથેના તેમના સંવાદ તેમજ તેમણે આપેલા ભાષણ બાદ મુસ્લિમો વિરુદ્ધ કોઈ નવા હુમલાઓ થયા નહી તેમજ આખા વિસ્તારમાં શાંતી તેમજ વ્યવસ્થાની પુન:સ્થાપના થઈ હતી. આમ છતાં ભારતના બાકીના પ્રાંતોના મુસ્લિમો ભારત છોડીને જાય તેવી તેમની કેહવાતી ઈચ્છાની ટીકા નેહરુ અને બિનસાંપ્રદાયિક મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી તેમજ ગાંધીજીએ તે બાબત ઉપર નારાજગી વ્યક્ત કરી હતી. જોકે સરદારે જોર પુર્વક આવા આરોપોને ફગાવ્યા હતા, પણ જ્યારે દિલ્હીના શિખ પોલિસ કમિશનર, કે જેમની ઉપર પક્ષપાતના આરોપો મુકવામાં આવ્યા હતા, તેમને બરતરફ કરવાની માંગણીને સરદારે માન્ય ન રાખી ત્યારે મૌલાના આઝાદ તેમજ બીજા બિનસાંપ્રદાયિક મુસ્લિમ નેતાઓ દ્વાર સરદાર પ્રત્યેના આરોપોની તીવ્રતા વધી હતી. એક બાજુ હિંદુ તેમજ શિખ નેતાઓ પાકિસ્તાન સામે કડક વલણ ન અપનાવાનો સરદાર ઉપર આરોપ મુકી રહ્યા હતા ત્યારે બીજી બાજુ મુસ્લિમ નેતાઓએ સરદારની કહેવાતી નીતિની ટીકા કરી હતી કે જેના હેઠળ પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોની જરૂરીયાતોની અવગણના કરીને ભારત આવી રહેલા હિંદુ તેમજ શિખ નિરાશ્રીતો માટે વધુ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોના ખાલી થયેલા મકાનોની વહેંચણીના મુદ્દા ઉપર સરદારના નેહરુ તેમજ આઝાદ કરતા અલગ વિચારો હતા. જ્યારે નેહરુ અને આઝાદનું એમ માનવું હતું કે તે ઘરો બેઘર થયેલા મુસ્લિમોમાં વહેંચાવા જોઈએ ત્યાર સરદારનો તર્ક એ હતો કે કોઈ પણ સરકાર કે જે પોતાને બિનસાંપ્રદાયિક ઘોષિત કરતી હોય તેણે આવો ભેદ ન કરવો જોઈએ. જોકે ગાંધીજીએ જાહેરમાં સરદારનો પક્ષ લીધો હતો તેમજ બહોળા સ્તરે તેમના વખાણ થયા હતા અને સાંપ્રદાયિક મુદ્દાઓ ઉપર નિખાલસતાથી બોલવા તેમજ અવ્યવસ્થા તેમજ હિંસાને કાબુમાં લાવવા માટે તેમણે વાપરેલી મક્કમતા તેમજ ઉપાયચતુરાઈતા માટે તેમને ટેકો મળ્યો હતો.
જય સરદાર જય ગુજરાત જય ભારત