*માનગઢ નરસંહાર-૧૭ નવેમ્બર*
માનગઢ-ગુજરાત,રાજસ્થાન, મહાપ્રદેશની સીમાઓ પર આવેલી એક પહાડી.
માનગઢ પર મહારાણા પ્રતાપના સૈનિક એવા ભીલ જનજાતિના હિંદુઓ રહે.
બાંસિયા(બેડીયા) ગામના ગોવારિયા જાતિના એક વણઝારા પરિવારના *ગોવિંદ ગુરુ* એ વાગડ ક્ષેત્રમાં સામાજિક-આધ્યાત્મિક ઉન્નતિની ગતિવિધિઓ શરૂ કરી હતી.
તેમણે વર્ષ ૧૯૦૩માં *સમ્પ સભા* સ્થાપી *ભગત આંદોલન* દ્વારા સૌને સાથે લઈ *સમાજમાંથી દારૂ-માંસ-ચોરી વગેરે દુષણોને દૂર કરવા, પરિશ્રમ કરી સાદું જીવન જીવવું, પ્રભુ ભક્તિ કરવી, બાળકોને શિક્ષણ આપવું, અંગ્રેજોના ગુલામ જાગીરદારોને વેરો ન આપવો, બેગાર(મૂલ્ય ચૂકવ્યા વગર શ્રમ કરાવવો) પ્રથાનો વિરોધ, વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરવો* જેવા વિષયોને લઈને ગામડે ગામડે પ્રચાર કરતા.
જોતજોતામાં લાખો લોકો તેમના અનુયાયી બન્યા.
પ્રતિવર્ષ *માગસર માસની પૂર્ણિમાના રોજ માનગઢની પહાડી પર વાર્ષિક મેળો* ભરાતો. તેમાં બધા જનજાતિના લોકો ખભા ઉપર પોતાના પરંપરાગત શસ્ત્ર લઈ આવતા અને મેળામાં સામાજિક-રાજનૈતિક સમસ્યાઓની ચર્ચા અને સમાધાન કરી, ઘી સાથે નાળિયેરની યજ્ઞમાં આહૂતિ આપતા.
સમાજ જાગૃતિના આ કાર્યથી બ્રિટિશ સરકાર અને સ્થાનિક સામંતો વિરોધની આગમાં સળગવા લાગ્યા.
વર્ષ ૧૯૧૩ની ૧૭ નવેમ્બર માગસર પૂર્ણિમાના રોજ મેળો ભરાવવાનો હતો. *ગુરુ ગોવિંદ ગુરુએ દુષ્કાળથી પીડિત જનજાતિ ઉપર ખેતી ઉપર લાગતો વેરો ઓછો કરવા, ધાર્મિક પરંપરાઓનું પાલન કરવા દેવા જેવા વિષયોને લઈને બ્રિટિશ શાસનને પત્ર લખેલ.* મેળા માટે લાખો લોકો માનગઢ પહાડી ઉપર એકત્રિત થાય છે. પોલીસ પહાડીને મશીનગન અને તોપો ગોઠવી ઘેરી લે છે અને માનગઢ છોડવાનો આદેશ આપે છે, પણ લોકો તેનો વિરોધ કરે છે. *એકત્રિત લાખો ભગત લોકો ઉપર અંગ્રેજોની પોલીસ ગોળીબાર* ચાલુ કરે છે અને થોડા જ સમયમાં લગભગ *૧૫૦૦થી વધુ લોકો વીરગતિ* પામે છે.
ભારતના પુત્રવત સમાજ દ્વારા શરુ થયેલ ધાર્મિક આંદોલન-આઝાદીના આંદોલનમાં વીરગતિ પામનાર આપણા બાંધવોની આત્માને શ્રદ્ધા સુમન અર્પણ.
જલિયાંવાલાથી મોટો માનગઢ-નરસંહાર અને ગુલામીની અનેકો કરુણ ઘટનાઓ આપણને સ્મરણ કરાવે છે કે સ્વતંત્રતાના સુખમાં માતૃભૂમિ ભારતને ક્યારેય ભૂલી ન જતા.