દેવાયત બોદર _ રા નવઘણ ભાગ ૧ અને ૨
ભાગ ૧
"લે આયરાણી , તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર ." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયો અને અક્કેક થાનોલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો . ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો .
એણે પૂછ્યું : “ કોણ આ ? ”
આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું “ મોદળનો રા ' – જૂનાણાનો ધણી.
” આંહીં ક્યાંથી ? ”
“ એ ... જૂનાગઢનો રાજપલટો થયો . ગુજરાતમાંથી સોળંકીનાં કટક ઊતર્યા . ને તે દી સોળંકીની રાણિયું જાત્રાએ આવેલી તેને દાણ લીધા વિના રા ' ડિયાસે દામેકંડ ના'વા નો'તી દીધી ખરી ને , અપમાન કરીને પાછી કાઢી'તી ને , તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીઓએ રાજા દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રા'ને રસાલા સોતો જમવા નોતર્યો. હથિયાર - પડિયાર ડેલીએ મેલાવી દીધાં . પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ , બેય જીતી લીધાં. ”
"આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું ?” દીકરા - દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી .
બીજી રાણિયું તો બળી મૂઈ , પણ આ સોમલદેને ખોળે રાજબાળ ધાવણો હતો ખરો ના , એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો રખડીરવડીને મરી ગઈ , પણ બેટડાને એક વડારણે આંહીં પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે . ”
“ અહોહો ! ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યોતરસ્યો હશે. ઝટ લાવો એને , આયર !'' એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી . બોલી : “ બાપ જાહલ ! મારગ કર આ આપણા આશરા લેનાર સારુ . તું હવે ઘણું ધાવી ; ને તું તો દીકરીની જાત : પા'ણા ખાઈનેય મોટી થાઈશ ; માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ.”
એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠો મુકાવીને પોતાનું થાન દીધું . ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા મંડ્યો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઊઠ્યો, પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઊભરાયું .
દેવાયત નિહાળી રહ્યો . બાઈએ કહ્યું : “તમતમારે હવે ઉચાટ કરશો મા. મારે તો એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડી પડીય વધશે . એનો વાંધો નહિ.”
પણ તું હજી સમજતી નથી લાગતી .
" કાં ? ''
“ વાંસે દા બળે છે , ખબર છે ને ? સોળંકીઓએ જૂનાને માથા થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે, ડિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થાશે તો આપણું જડમૂળ કાઢશે .''
'' ફકર નહિ , મોરલીધરનાં રખવાળાં , તમતમારે છાનામાના કામે લાગી જાવ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય . તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહિ મરે. ભલે સોળંકિયુનો થાણદાર જીવતું ચામડું ઉતારતો.”
દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને આંહી આહીરાણી માતા એના નવા બાળને અંગે અંગે હાથ ફેરવતી , મેલના ગોળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી . બાપા ! તું તો આઈ ખોડિયાર નો, ગળધરાવાળીનો દીધેલો . તારી વાત મેં સાંભળી છે . તું તો રા'ડિયાસના ગઢનું રતન ; તારાં વાંઝિયાં માવતરને ઘરે નવ સરઠુંનાં રાજપાટ હતાં. છતાં , ચકલાંયે એના ઘરની ચણ્ય નો'તાં ચાખતાં , તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈ ખોડિયારને ઓરડે પહોંચી’તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીનાં વરદાનથી તારાં ઓધાન રિયાં'તાં . અને , મારા ફૂલ ! તારી માને તો તું જરાપણમાં જડેલો : મા તારી માગતી'તી કે :
દેવી દેને દીકરો, (હું) ખાંતે ખેલાવું,
જોબન જાતે નો જડ્યો , (હવે) જરપણે ઝુલાવું.
‘ ને તારાં તો ઓધાન પણ કેવાં દોયલાં હતાં ! તું તો માનો દુશ્મન હતો , ડાયલા ! '' એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો . ‘ તું તો માના ઓદર માંથી નીકળતો'તો જ ક્યાં ! તુંને ખબર છે ? તારી અપરમાયુએ કામણટુમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા'ર નીકળ ને ! પૂતળું ભોમાં ભંડારેલ , ત્યાં સુધી તુંયે માના પેટમાં પુરાયલ : પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ , એણેય સામાં કપટ કર્યા. ખોટેખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો . હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભોમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું ત્યાં તો , હે દોંગા ! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચોસાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું , મારા મોભી ? ''
(આ આખી કથા છે, એ અલગથી રજુ કરીશ)
કોઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળો મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતો દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણેય છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણેય જણાં ઘૂઘવાટા કરવા લાગ્યાં ..
પાંચેક વરસની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ માનો ખોળો મૂકીને ફળીમાં રમતાં થયાં છે . ત્રણેય છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે.
એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ વણથળીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું . થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાઓને તેડાવી ઝરડકી દેવા માંડી : “ બોલો , દેવાયત બોદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી ? ''
તમામ આહીરોએ માથાં ધુણાવીને ના પાડી : “ હોય તો રામ જાણે ; અમને ખબર નથી . ”
“ બોલો , નીકર હું જીવતી ખોળ ઉતરડી દઈશ . હાથપગે નાગફણિયું જડીશ .''
આહીરાણીનું ધાવણ ધાવેલા એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડ્યો. પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઈ ગયું હતું. લાલચના માર્યા , કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું . થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે.
એને સોલંકીએ પૂછયું : “ આપા દેવાયત , તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ વાત સાચી ?"
રૂપેરી હોકાની ઘુંટ લેતાં દૉગું મોટું કરીને દેવાયતે ઉત્તર દીધો : “ સાચી વાત , બાપા ! સહુ જાણે છે . મલક છતરાયો જ નવઘણ મારે ઘેર ઊઝરે છે .”
આલિદર - બોડીદરના આહીર ડાયરાના મોઢા ઉપર મશ ઢળી ગઈ. સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું . દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઈ દેશે .
“આપા દેવાયત ! " થાણદારે મે'ણું દીધું : “ રાજાના શત્રુને દૂધ પાઓ છો કે ? રાજનું વેર શીદ વહોર્યુ ? સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડ્યાં છે કે ? ”
“ કાવતરું હોત તો સાચું શા સારુ કહી દેત ? "
‘ ત્યારે ? ''
“ મારે તો રાજભક્તિ દેખાડવી હતી . ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી , પણ કેદમાં રાખેલ છે . એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકિયુંને સોંપી દેત . હું સોળંકીઓનો લૂણહરામી નથી.
આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયો લાગ્યો . કંઈકને દેવાયતના દેહના કટકે કટકા કરવાનું મન થયું . પણ ચોગરદમ સોલંકીઓની સમશેરો વિંટાઈ વળી હતી . ત્યાંથી કોઈ ચસ દઈ શકે તેમ નહોતું.
‘'ત્યારે તો ઝાઝા રંગ તમને , આપા દેવાયત ! રાજ તમારી ભક્તિને ભૂલશે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો .”
''ભલે બાપ ! અબઘડી ! લાવો દોતકલમ ! ઘર ઉપર કાગળ લખી દઉં ''
દેવાયતે અક્ષરો પાડ્યા કે “ આયરાણી, નવઘણને બનાવી-ઠનાવી રાજની રીતે આંહીં આ આવેલા આદમી હારે રવાના કરજે .” વધુમાં ઉમેર્યું કે ...
''રા ' રખતી વાત કરજે ."
ભાગ ૨
દેવાયતે અક્ષરો પાડ્યા કે " આયરાણી , નવઘણને બનાવીઠનાવી રાજની રીતે અહી આ આવેલા આદમી હારે રવાના કરજે . ” વધુમાં ઉમેર્યું કે “ રા ' રખતી વાત કરજે .
” રા ' રખતી વાત કરજે ! " એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ , સોલંકીના અસવારો હોશે હોશે પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડ્યા . જઈને આહીરાણીને આહીરનો સંદેશો દીધો . વાહણની માં બધું છલ વરતી ગઈ .
હં - બાપુ ! અમે તો ઈ જ વાટ જોઈને બેઠાં'તાં ; ઈ લાલચે તો છોકરાને ઉઝેર્યો છે લ્યો , તૈયાર કરીને લાવું છું "
એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને , નવઘણને ને જાહલને ત્રણેય બચ્ચાંને દીઠાં . “ વાહણ ! દીકરા ! ઊઠય , આંહીં આવ ! તને તારો બાપ કચેરીમાં તેડાવે છે . લે , નવાં લૂગડાં - ઘરેણાં પહેરાવું ; ”
એમ કહી સાદ દબાવી , આંખો લૂછી , એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું . ત્યાં બાકીના બને છોકરાં દોડ્યાં આવ્યાં : ' મા , મને નહિ ? માડી , મને નહિ ? મારેય જાવું છે ભાઈ ભેળું . ” એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો .
આજ એને પહેલી જ વાર દુ:ખ લાગ્યું , બાળહૈયાને ઓછું આવ્યું . આજ સુધી તો મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી , અને આજ મને કાં તારવે છે ? વાહણભાઈને હથિયાર - પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઈ , ચોખા ચોડેલા ચાંદલા સોતો જયારે વળાવ્યો , ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો .
“ બેટા વાહણ ! વે'લો આવજે ” એટલું બોલી મા ઓરડે થંભી રહી . એણે દીકરાને જીવતોજાગતો હત્યારાના હાથમાં દીધો . એના હૈયામાં હજારો ધા સંભળાઈ : ` વાહણને છેતરીને વળાવ્યો : આશરાધર્મના પાલન સાટુ '
"લ્યો , બાપા ! આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સંભાળી
લ્યો ! ” એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી . એને એક કોરે આહીરાણી સાંભરતી હતી , બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો હતો . ‘ આયરાણી ! ઝાઝા રંગ છે તને , જનેતા ! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો . '
આહીર ડાયરાએ છોકરાને ઓળખ્યો . દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી , એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઈ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો . દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો ; પણ એની મુખમુદ્રામાં ક્યાંયે ઝાંખપ ન દેખાઈ .
ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કે : ' તમે દેવાયતને હજુ ઓળખતા નથી . નક્કી એણે નવઘણને સંતાડ્યો છે . '
"ત્યારે આ હત્યા કોની થઈ ? ” " એના પોતાના છોકરાની .
"જૂઠી વાત , દેવાયત તો હસતો ઊભો હતો . "
" દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે . પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે . ” .
ત્યારે હવે શી રીતે ખાતરી કરશો ? ''
" બોલાવો દેવાયતની ધણિયાણીને , અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો . જો ખરેખર આ એના પેટનો જણ્યો હશે , તો તે માતાની આંખોમાં પાણી આવશે . પુત્રની આંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે .
' આહીરાણીને બોલાવવામાં આવી , એને કહેવામાં આવ્યું ' જો આ તારો બાળક ન હોય તો એની આંખો પર પગ મૂક.
' દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો જાણે સાતેય આકાશ જાણે તૂટી પડ્યાં ,
પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી , એ ખબર આજે પડી ; હસતે મોએ આહીરાણીએ વાહણની આંખો ચગદી . સૂબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો . દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજ્યના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી .
પાંચ વરસનો નવઘણ જોતજોતામાં પંદર વરસની વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભોયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું , પણ દેવાયત એને નીકળવા કેમ દે !
એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો . ખેતરમાં ગયો . દેવાયત ઘેર નહોતો . ખેતરે હતો . નવઘણને જોઈને એને બહુ ફાળ પડી . પણ પછી તો ઇલાજ ન ૨હ્યો .
સામે જ સાંતી ઊભું હતું : નવઘણ ત્યાં પહોંચ્યો . સાંતી હાંકવા લાગ્યો . થોડે આવે ચાલતાં જ સાંતીના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું . બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ . નવઘણ માટી ઉખેળીને જુએ ત્યાં તો દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું ઊંચકાતાં ઊંચકાતું નથી . જમીનમાં બહુ ઊંડું એ કહું કોઈ ચીજની સાથે ચોંટ્યું હોય એમ લાગ્યું .
અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું . દેવાયત સમજી ગયો . તે વખતે તો સાંતી હાંકી બધાં ઘેર ગયાં , પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું . અંદરથી સોનામહોરભર્યા સાત ચરુ નીકળ્યા . દેવાયતે જાણ્યું કે “ બસ ! હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો .
' દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા . ગામેગામના આહીરોને કંકોતરી મોકલી કે “ જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો , સાથે અક્કેક હથિયાર લેતા આવજો . ' પહાડ સમા અડીખમ શરીરોવાળા , ગીરના સિહોની સાથે જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને આંગણે જમાવટ થઈ . સહુ ની પાસે ચકચકતાં ઢાલ , તરવાર , કટારી , ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે . કાટેલી કે બૂઠી તરવારને ધાએ પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભોગળ સમી ભુજાઓ હતી .
આખી નાત આલિદર બોડીદરને પાદર ઠલવાઈ ગઈ . આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા . આજે એ નાતના પટેલને ઘરઆંગણે પહેલો જ અવસર હતો , એમ સમજીને મહેમાનોનાં જૂથ ઊતરી પડ્યાં . દેવાયતે તેડું મોકલેલું કે , ‘ પાઘડીનો આંટો લઈ જાણનાર એકેએક આયર આ સમો સાચવવા આવી પહોચજો . ' આહીરની આખી જાત હૂકળી .
દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું : '' આ મારે પહેલવહેલો સમો છે . વળી હું સોળંકીરાજનો સ્વામીભક્ત છું . આજે મારે ઉંબરે સોરઠના રાજાનાં પગલાં કરાવવાં છે , ભાઈઓ ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે . "
ઘોડે સાંઢિયે રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા . આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે . રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે . ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે . સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા . સોલંકીઓનાં ઠાણમાં ઘોડાંએ ખૂંદણ મચાવી .
જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા , ત્યારે મહારાજ મેર બેસતા હતા . ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની ટૂકેટૂકે દીવા તબકતા'તા .
દેવાયતનું વેણ ફરી વળ્યું : ‘ ભાઈઓ , ઘોડાં લાદ કરી લ્યે એટલી વાર સહુ હેઠા ઊતરો . સહુ પોતપોતાનાં ઘોડાં - સાંઢિયાના ઊગટા બરાબર ખેચી વાળો . અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો .
” સોય પડે તોય સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને પૂછ્યું : " આને તમે ઓળખો છો ? "
સહુ ચૂપ રહ્યા .
“ આ પંડે જ ડિયાસનો દીકરો નવઘણ . તે દી એને સાટે કપાયો એ તો હતો નકલી નવઘણ : મારો વાહણ હતો એ . જોઈ લ્યો સહુ , આ જૂનાણાના ધણીને ."
ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયો હતો .
દેવાયતે કહ્યું : “ આહીર ભાઈઓ ! આજ આપણે સોલંકી રાજને વિવાનું તેડું કરવા નથી જતા , પણ તેમની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ . પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી . દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે . જાહલને તું અટાણે એવી કઈ ઠાર કે પરણાવું ? આની મા મારી ધર્મની માનેલ બોન - મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે ? "
દેવાયતે નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો " જુવાન ! તું મોદળનો ધણી છો . આજ તારે હાથે રાજપલટો કરાવવો છે , ઉપરકોટના દરબારમાં એક કાળજૂનું નગારું પડ્યું છે . જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે . કૈક જુગનું એ પડ્યું છે . સોળ વરસથી એ અબોલ બેઠું છે . આજ તારી ભુજાઓથી એને દાંડીના ઘાવ દેજે , એકોએક આયર બચ્ચો તારી ભેરે છે . ”
નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં . આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી . જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી . એણે પોતાની તેગ ઉપર હાથ મૂક્યો . વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને માટે કપાયો હતો , તેનું વેર રાતનાં અંધારામાંથી જાણે પોકારી ઊઠ્યું .
ત્યારે શું ? જે મોરલીધર ! ' ' દેવાયતે સવાલ પૂછ્યો .
જે મોરલીધર ! ” ડાયરાએ બોલ ઝીલ્યો .
કટક ઊપડ્યું , દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘોડો આગળ કરાવ્યો પોતે પછવાડે હાંકતો હાલ્યો .
જય મુરલીધર જય માતાજી