કાનિયો ઝાંપડો

કાનિયો ઝાંપડો

Bipinladhava
કાનિયો ઝાંપડો 

વંચિત સમાજના શૌર્ય,શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવ ગાથાઓ ધરતીના પેટાળમાં ધરબાઈને પડી છે. આવી જ એક શૌર્ય અને સ્વાર્પણની કથા છે વાલ્મીકિ સમાજના કાના ઢોલીની. પોતાના ગામ સુદામડા અને ગામધણી શાદૂળ ખવડને માળિયાના મિયાણાથી બચાવવા જતા,પ્રાણની આહુતિ આપનાર વંચિત સમાજના ઢોલી કાનિયાના શૌર્ય અને સ્વાર્પણની હૃદયસ્પર્શી કથાને ઝવેરચંદ મેઘાણીએ "સૌરાષ્ટ્રની રસધાર" -૩ માં 'કાનિયો ઝાંપડો' શીર્ષકથી આપી છે :

કથા કંઈક આવી છે : ઝાલાવાડના સાયલા પાસે સુદામડા નામનું નાનકડું ગામ. દરબાર શાદૂળ ખવડ એનાં ગામધણી. ગામ આખાની વસ્તી સરખી ભાગીદાર હતી. સંવત ૧૮૦૬થી 'સમે માથે સુદામડા'ના કરાર થયેલા.

એક દિવસ સંધ્યા સમયે સીમમાંથી રખોલિયાએ હાંફતા હાંફતા આવી વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એક સામટી સો- સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા હાલ્યું આવે છે.

સમાચાર સાંભળીને દરબાર શાદૂળ ખવડના માથામાં ચસકો નીકળી ગયો. આજ એને પોતાની આબરૂ ધૂળમાં મળવાનું ટાણું આવ્યું લાગ્યું. ગામના યુવાન કાઠીઓ ગામતરે ગયા હતા. ગામમાં ઘરડાં- બુઢ્ઢા વિના કોઈ લડનારો ન મળે. હથિયાર હતાં નહીં તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તીયે નહોતી. ઘડીક વાર લમણે હાથ દઈને શાદૂળ ખવડ બેસી રહ્યા.

'પાળ આવે છે ! મિયાણાનું મોટું પાળ આવે છે.' એવો પોકાર આખા સુદામડામાં પડી ગયો અને એ પોકાર સાંભળ્યા ભેળા તો લોકો ઘરમાંથી ધમાકા દેતા બહાર આવ્યાં. કાઠિયાણીઓ સાંબેલા લઈને ઉંબરે ઊભી રહી.છોકરાઓ તો પા'ણાની ઢગલીઓ કરી શત્રુઓની સામે ધિંગાણું મચાવવા ટોળે વળ્યા.

કોઈએ કહ્યું કે, 'બાપુ ! મુંઝાઈને બેઠા છે. માણસ નથી.ગામ લૂંટાશે. બાઈયુંને માથે તરકડાઓના હાથ પડશે એટલે બાપુ તલવાર ખાઈને મરશે.'

'અરે મર્યા મર્યા ! અમે શું ચૂડીયું પે'રી છે ?' નાનાં ટાબરિયા અને ખોખડધજ બુઢ્ઢાઓ બોલી ઊઠ્યા. 

'અને અમે ચૂડલીયુંની પે'રનારીયું શું એમ અમારે માથે પારકા હાથ પડવા દેશું?અમારો ચૂડલો જેને માથે ઝીંકશું એની ખોપરીના કાચલા નહીં ઊડી જાય ? જાવ, બાપુ પાસે, એમને હરમત આપો.' 

વસ્તીના જે દસ વીસ માણસો હતા તે શાદૂળ ખવડની ડેલીએ ગયા.જઈને હોંકારા કરી ઊઠ્યા કે, 'એ આપા શાદૂળ ! એલા શાદૂળો થઈને આમ કયારના વિચાર શું કરછ ? અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામડાનો ઝાંપો વળોટી શકે? અરે, હથિયાર બાંધ્ય,તારા ગામની બાયડિયું કછોટા વાળીને ઊભી થઈ ગઈ છે !' 

વસ્તીના આવાં વેણ સાંભળી શાદૂળ ખવડની છાતી ફૂલવા માંડી. એણે હથિયાર બાંધ્યાં. કાનિયો ઝાંપડો કોઠી જેવડો ઢોલ ગળામાં ટાંગીને પોતાના મજબુત હાથ વડે તરઘાયો વગાડવા માંડ્યો.એની જોરાવર દાંડી પડી એટલે જાણે કે આસમાન ગૂંજવા લાગ્યું.

ગામના ગઢના દરવાજે ઝાંપા આડા આખા ગામનાં ગાડાં ગોઠવી દીધા. એની આડા દસ - દસ માણસો તલવાર લઈને ઊભા રહ્યાં. મિયાણા આવી પહોંચ્યા. મોખરે એનો સરદાર લખો પાડેર હતો. લખા પાડેરના હાથમાં જે જામગરી ઝગતી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરાબર ચોખ્ખી દેખાતી હતી. સામસામા પ્રહારો શરૂ થયા.મિયાણાની જામગરીની ગોળીઓ ગાડાં સાથે અથડાઈને નીચે પડવા માંડી.



આ બાજુથી એક ગોળી છૂટીને મિયાણાના સરદાર લખા પાડેરની ખોપરી ઊડી ગઈ. અને પછી તો 'દ્યો... દ્યો...' એમ દેકારો થવા માંડ્યો. અંધારામાં કશું દેખાતું ન હતું.મિયાણા આકુળવ્યાકુળ થઇ ગયા. મનમાં વિચારવા લાગ્યા કે ઝાંપામાં કોણ જાણે કેટલા જોદ્ધાઓ બેઠા હશે. ગોકીરો પણ કાળા ગજબનો થઈ પડ્યો. પથરા છૂટ્યા. મિયાણાની જામગરીઓ બંદૂકોના કાનમાં ચંપાવા લાગી.કંઈકને ઘાયલ કરીને લખા પાડેરની લાશ લઈ મિયાણા રવાના થયા.

ઝાંપા ઉપર તો રંગ રાખી દીધો, પણ કાનિયો ઢોલી શોધે છે કે, 'આપો શાદૂળ ક્યાં ?' ઝાંપે ડંકતા- ડંકતા જે ઘાયલો પડ્યા હતા તે કહે, 'કાનિયા ! આપા શાદૂળને ગોત, એને બચાવજે.' 

કાનિયો ઢોલી ગામધણીને ગોતવા લાગ્યો.

આ બાજુ હાથમાં ઉઘાડી તલવાર લઈને આપો શાદૂળ ગઢની રાંગે રાંગે અંદરથી તપાસતાં તપાસતાં ચાલ્યા જાય છે. બીજું કોઈ આદમી એની પાસે નથી. એને ડર એ હતો કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેસી જશે.

મિયાણા પણ બહારના રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલતાં જતા હતા. એવામાં તેઓએ ગઢની દિવાલમાં એક નાનકડું ગરનાળું દીઠું.લાગ જોઈને મિયાણા અંદર પ્રવેશવા લાગ્યા અને પડખે એક મોટો નળો પડ્યો હતો એ ઉપાડીને આપા શાદૂળને માથે ઝીંક્યો. પહેલવાન મિયાણાના પ્રચંડ ઘાએ આપા શાદૂળ બેહોશ થઈ ધરતી પર ઢળી પડ્યા.કાનિયાએ આ જોયું. ઢોલ પડતો મેલી દરબારની તલવાર લઈ દુશ્મનોને પડકારે છે. ગઢની ગળબારીએ આડશમાં ઉભો રહી જેવો દુશ્મન અંદર પ્રવેશવા જાય કે કાનિયાનો ઘા પડે ને દુશ્મનનું ડોકું ધડથી અલગ. અંધારામાં એની એકલી ભુજાએ પંદર પંદર ઝાટકા સામટા પડતા હોય એટલી ઝડપથી તલવાર વીંઝવા માંડી. કંઇક મિયાણા ત્યાં ખતમ થઈ ગયા. બચેલા મિયાણા કાનિયાનું રૌદ્ર રૂપ જોઈ જીવ બચાવવા ભાગી છૂટયા. સુદામડાને સહુથી વધુ બચાવનાર કાનિયો હતો.

આપા શાદૂળની કળ ઊતરી.એણે આંખો ઉઘાડી પડખે જુએ ત્યાં પચ્ચીસ પચ્ચીસ ઘામાં કટકા થઈ ગયેલો કાનિયો પડ્યો છે.

'બાપુ ! સુદામડા....' એટલું જ એ બોલી શક્યો.એના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો. વિજય થયો પણ કાનિયો શહીદ થયો. ગામધણી અને ગામની રક્ષા કરતા રખેવાળ કાનિયો ઝાંપડો ઈતિહાસમાં અમર થઈ ગયો.

સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસનાં વેણ કાઢ્યાં.આપા શાદૂળની બિરદાવલી ગાઈ.

પોતાના પરાક્રમનું ગીત સાંભળીને શાદૂળ ખવડે ઉદાસ મુખે ડોકું હલાવ્યું.
ગઢવી પૂછે છે : 'કાં,બાપ ! કાંઈ મોળું કહ્યું ?'
 'ગઢવા ! કવિની કવિતાએ આભડછેટથી બીતી હશે કે ?'
' કાંઈ સમજાણું નહીં,આપા શાદૂળ !'
' ગઢવા ! તમારા ગીતમાં મારો કાનિયો ક્યાં ?  કાનિયાના નામ વિનાની કવિતાને હું શું કરું?' 

ચારણને ભોંઠામણ આવ્યું ને પછી કાનિયાની વીરતાનું ગીત ઉપાડ્યું :
         ( ગીત- જાંગડુ)
અડડ માળિયો કડડ સુદામડે આફળ્યો;
ભજ નગર વાતનો થિયો ભામો,
કોડ અપસર તણા ચૂડલા કારણે;
સૂંડલાનો વાળતલ ગિયો સામો.
( માળિયાના મિયાણા સુદામડા ઉપર તૂટી પડ્યા.જાણે ભુજ અને નગર વચ્ચે યુદ્ધ મંડાણુ. એ વખતે રણક્ષેત્રમાં મરીને અપ્સરાઓને પરણવાના કોડથી એક ઝાડું કાઢનાર, સૂંડલાનો વાળનાર શત્રુઓ સામો ગયો.)

વરતરિયા  તણો નકે રિયો વારિયો;
 ધધુંબ્યો પાળ ને ચડ્યો ઘોડે,
ઢોલના વગડાવતલ કેમ નવ ધડકીયા;
ઢોલનો વગાડતલ ગિયો ઘોડે.
( પોતાની પત્નીનો વાર્યો પણ એ ન વર્યો. લશ્કર તૈયાર થયું ને પોતેય ઘોડે ચડ્યો અને એની પાસે ઢોલ વગડાવનારાઓને-
શૂરવીરોને તો હજી શૌર્ય ચઢતું રહ્યું ત્યાં તો ઢોલ વગાડનારો પોતે જ રણઘેલો બનીને દોડ્યો.)

વીભડા તણાં દળ કરમડે વાઢયાં;
સભાસર આટકે લોહી સૂકાં,
અપસરા કારણે ઝાટકે આટકી,
ઝાંપડો પાળ વચ્ચે થિયો ઝૂકા.
( શત્રુઓના ટોળાને એણે તલવારથી કાપી નાખ્યા. અપ્સરાને વરવાનો ઉત્સાહી એ કાનિયો ઝાંપડો લડીને આખરે શેરી વચ્ચે મર્યો.)

ભડયા બે રખેહર જેતપર ભોંયરે;
વજાડી ખાગ ને, આગ વધકો,
રંગે ચડ્યો ગામને, સામે કસળે રિયા,
એટલો કાનિયાનો મરણ અધકો.
( અગાઉ પણ બે અછૂતો લડેલા હતા; એક જેતપુરમાં ચાંપરાજ વાળાના યુદ્ધ વખતે ને બીજો ભોંયરગઢની લડાઈમાં. તે બંનેએ પણ પોતાના ગામને ખાતર ખડગ વાપર્યા. પણ કાનિયાનું મરણ એથી અધિક છે કેમકે એક તો એણે ગામને વિજયનો રંગ ચડાવ્યો, ને વળી પોતાના માલિકને એણે કુશળ રાખ્યા.)

નોંધ : સાયલા ચોકડીથી પાળિયાદને રસ્તે સુદામડા ૧૨ કિં.મી.ના અંતરે આવેલું છે. સુદામડા ગામે વાલ્મીકિ સમાજના ચકુભાઈ પુંજાભાઈ વાળા ( ઉ. વર્ષ આશરે ૮૦), તેમનાં પત્ની મરઘાબેન, તેમના પુત્ર દીપકભાઈ તથા પૌત્ર રવિભાઈની મુલાકાત લેતાં તેમણે જણાવ્યું કે,ચકુભાઈ કાનિયા ઝાંપડાની પાંચમી પેઢીના વંશજ છે. તેમની પાસેથી જાણવા મળ્યું કે,કાનિયાની અટક (શાખ) ' વાળા ' હતી. એનું મૂળ ગામ તો ધાધલપર હતું. અહીં તો મોસાળ હતું. તે મોસાળમાં મામાને ત્યાં આવીને રહ્યો અને પછી તો સુદામડાનો જ થઈને રહ્યો.

સુદામડા ગામમાં દરબારોની ખાંભીઓની સાથે જ બજારમાં કાનિયાની ખાંભી છે. આજે ત્યાં ઓટો બનાવવામાં આવ્યો છે. એ ખાંભી તેના માથાની છે. ત્યાંથી થોડે દૂર બળદેવભાઈ વિઠ્ઠલભાઈ ચોહાણ ( પ્રજાપતિ)ના ફળિયામાં એક ખાંભી છે તે કાનિયાના ધડની હોવાનું તેઓએ જણાવ્યું. રૂબરૂ મુલાકાત વખતે આ બંને ખાંભી મેં જોઈ છે. ચકુભાઈના ઘર પાસે મેલડી માતાજીના મંદિર પાસે કાનિયાનો પાળિયો છે.તેના વંશજો કાનિયાની ખાંભીએ સવાશેર ઘઉંની ઘૂઘરી,ધજા અને શ્રીફળનો નિવેદ ધરાવે છે.

ગામ અને ગામધણીને બચાવનારા કાનિયાનું ઋણ ચૂકવવા વાલ્મીકિ સમાજના યુવા અને ઉત્સાહી અગ્રણી સોતાજભાઈ યાદવે શહીદ વીર કાનિયા ઝાંપડાની સ્મૃતિમાં ગામના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરી એને શહીદ વીર કાનિયા ઝાંપડાનું નામ આપવાનું નક્કી કર્યું છે.

           સંદર્ભ : સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૩ :      
                                  ઝવેરચંદ મેઘાણી
To Top