પુંજાજી_નો_પાળિયો (વીરતા ની ખાંભી )
(પુંજાજી ચૌહાણ )
ભરડવા ગામ ની પાદરે જગદંબા મહી માતાજી નું સ્થાનક છે. એને મહિમાતા નું પાટિયું ( સ્ટેશન) પણ કહે છે. એ પાટિયા થી સુઈગામ બાજુ ના રોડ પર એક થી દોઢ કિલોમીટર ના અંતરે રોડ થી જમણી બાજુ ઉતરતા એક વિશાળ ગૌચર આવે છે. કારતક સુદ એકમ એટલે આપણા વિસ્તાર ના ઝારબટારા (ઝાયાની) અથવા તો બેહતું વરહ ના દિવસે આ ગૌચર માં ખોડાયેલ ખાંભી ( પાળિયા ) ને જોહારવા ( પૂજન કરવા ) પાડણ ના ચૌહાણ પરિવાર અચૂક આવે છે. અને તમામ સામગ્રી અને પાણી પણ સાથે લઈ ને આવે છે. અમારા ગામ ના ચૌહાણ પરિવાર સાથે ઘરેણ (પારિવારિક સબંધ ) હોવાથી ઘણી વખત પાળિયા ને જોહારવાનો અવસર ભાગ્ય થી મળ્યો છે. ઘણી વખત આ પાળિયા વિશે જાણવાની કોશિશ કરી છે. પણ જેને કહેવાય કે લોકવાર્તા ઓ સ્વરૂપે માહિતી મળી છે. તટસ્થ માહિતી મળી નથી અને એ લોકવાર્તાઓ ના આધારે અહીંયા થોડોક ઇતિહાસ મૂકવાનો પ્રયત્ન કરું છું . હું લખું તે બધું સત્ય છે એવો દાવો નથી કરતો પરંતુ લોકમુખે કહેવાતી વાતો સાવ ખોટી ના જ હોય એવો મને વિશ્વાસ છે માટે આપ ની સમક્ષ આવી વાતો મૂકી રહ્યો છું.
મળતી માહિતી અનુસાર સુઈગામ સ્ટેટ જાગીર ની સ્થાપના સંવત પંદરસો થી સોળસો ની આસપાસ પચાણજી ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. વાવ સ્ટેટ ના રાજવી પરિવાર ના કૌટુંબિક ભાઈઓ દ્વારા રડોસણ અને આજુ બાજુ ના પાંચ ગામ વાવ દરબાર દ્વારા એમને આપેલ હતા . એ સમયે સુઈગામ રબારી માલધારીઓ નો સુઈ નેહડો હતો .પચાણજી ચૌહાણ એક સુરવીર અને સારા કુશળ શાશક હોવાની લોકો ના હૃદય માં છાપ ઊભી કરવામાં સફળ રહ્યા અને એ સમયે રાધનપુર પર નવાબ નું શાસન હતું અને ત્યાં આજુ બાજુ ના ગામડાઓ માં નવાબે વહીવટ માટે જત સુબાઓ ને આપેલા હતા . પ્રજા અવ્યવહાર અને અત્યાચાર થી પીડાતી હતી એ સમયે પચાણજી એ પ્રજા ની પડખે થઈ ને જતો પાસે થી રાધનપુર નવાબ ના ઘણા ગામડાઓ જીતી લીધા. અને સુઈ નેહડા ને સુઈગામ નામ આપી ને સુઈગામ સ્ટેટ (જાગીર ) સ્થાપના કરી આવું ઇતિહાસ ના પાને થી જાણવા મળે છે. સમય અંતરે સુઈગામ દરબાર દ્વારા પરિવાર ના પોતાના ભાઈયાતો ને અલગ અલગ ગામ નો વહીવટ જાગીર આપી.ભરડવા એvવખતે પણ એક મોટું ગામ. ભરડવા ગામ ની જાગીર જે પરિવાર ને આપવામાં આવી હતી એ પરિવાર માં એક વિર પુરુષ એટલે પુંજાજી ચૌહાણ
સુઈગામ જાગીર સાથે ઘણી બાબતો થી પુજાજી ને ખટરાગ રહેતો હતો. અને ખટરાગ નું મૂળ કારણ હતું જતો સાથે રાજ દરબાર ના સારા સબંધો અને કચેરી માં ઘણા પદ પર વજીરો અને જતો ને મહત્વ આપવામાં આવતું હતું .ઘર માં પડ્યા ઠામડા પણ ખરભડે એમ ખટરાગ હોવા છતાં પણ મૂળ તો એક જ પરિવાર એટલે વાત વણસે એ પહેલા કઈક ને કંઇક સમાધાન નો મારગ નીકળી જાય. પરંતુ જ્યારે કમજોરી અને કુસંપ ની વાત દુશ્મન સુધી પહોંચે ત્યારે પરિણામ ભયંકર આવતું હોય છે. એટલે આવી જ ઘટના ભરડવા ને પાદરે ઘટી અને એના જખમ આજ દિવસ સુધી રૂઝાણા નથી એવું કહી શકાય. પુજાજી અને સુઈગામ દરબાર વચ્ચે ખટરાગ છે એની ખબર જ્યારે જતો ને પડી એટલે એમણે એક ષડયંત્ર કર્યું . પરિવાર અંદરો અંદર લડી મરે અને સુઈગામ જાગીર નું પતન થઈ જાય એવા કોડ લઈ ને દુશ્મનો એ કાવતરું કર્યું અને એમાં સહકાર આપ્યો એ સમયે ભરડવા માં વસતા વિશ્વાસઘાતી મિત્રો એ જે ફક્ત સારું લગાડવા પૂરતા એમની સાથે હતા . બાકી અંદર થી બહુ જ ઝેર ભર્યું હતું. એ સમય માં ગામ માથે ચડી ને આવવું ગામ ને લૂંટવું આવું કામ ડાકુઓ, લૂંટારા અને બહારવટિયા કરતા . એટલે પોતાનું નામ બહાર ના આવે એમ સિંઘ પંથક ના લૂંટારાઓ ને બાતમી આપી અને કાવતરા ના ભાગીદાર બનાવ્યા .
સવાર ના સુરજ નારાયણ એકાદ નાડાવા ધરતી થી ઉપર આવ્યા હશે પુંજાજી સૂરજ ના દર્શન કરી પગે લાગી ને પોતાની કોટડી (ડેલી) માં અમલ (કસુંબો) ગાળે છે.એવામાં ભરડવા ગામ ના પાદરે હાકલા અને પડકાર થવા માંડ્યા . ગામ ને ત્રણ બાજુ થી દુશ્મનો એ ઘેરો ઘાલ્યો અને ગામ ની રૈયત ના ખોરડાં અને માલમતા ની લૂંટ કરે છે. ગામ માં કાળોકેર વર્તાઈ રહ્યો છે. પુજાજી ના કાને પ્રજા ની પીડા અને દરદ ની ચીસો અથડાણી ત્યાં તો પૂજાજી ના રૂંવાડે રૂંવાડે ક્રોધ દાવાનળ ની જેમ ભભૂકી ઉઠ્યો. કોટડી ની ખીલિયે લટકાવેલ તલવાર પર હાથ નાખ્યો અને પોતાની ઘોડી ને હાકલ કરી અને ઘોડી જાણે મામલો પારખી ગઈ હોય એમ તૈયાર હતી . પુંજાજી વારે નીકળતા પરિવાર ના બાકી લોકો ને હાકલ કરી કે હથિયાર સાબદા કરો આ વખત છે પરજા (પ્રજા) ના રખોપાં કરવા નો અને પોતે મારતે ઘોડે નીકળ્યા . આખો કારસો કાવતરા નો હતો એનાથી પુંજાજી અજાણ હતા. જેવા કોટડી થી થોડેક દૂર ગયા ત્યાં સામે પ્રજા જેવા વેશ ધારણ કરી ને દુશ્મનો મળ્યા અને કળકળતા સ્વરે બોલ્યો કે દુશ્મનો આપણી ગામ ની ગાયો અને આબરૂ લઈ ને રણ કાંધી બાજુ નીકળ્યા છે . પુંજાજી પાસે ઉત્તર આપવાનો વખત નહોતો એટલે ઘોડી ને એડી મારી ત્યાં તો પવન વેગે ઘોડી ગામ થી આથમણી બાજુ નીકળી ગઈ . પણ ત્યાં દુશ્મનો સંતાઈ ને વાટ જોઈને બેઠા હતા. લાગ જોઈ ને પૂંજાજી માથે પાછળ થી હુમલો કર્યો .
પુંજાજી સમય ને પરખે એના પહેલા તો પચાસેક તલવારો ભાલા બરછી જેવા લોહી તરસ્યાં હથિયારો પુંજાજી ની કાયા ની આરપાર થઈ ગયા. પૂંજાજી ને પરિસ્થિતી ની હવે ધીરે ધીરે જાણ થવા માંડી હતી કે અહીંયા આ ગામ ના કાળમુખા લોકો પણ આમાં ભળ્યા છે. અને બીજા એ જત ભળ્યા છે જે સુઈગામ દરબાર પાસે ચાપલૂસી કરે છે. પણ હવે એકજ મારગ હતો કે જેટલા વિશ્વાસઘાતી હાથ માં આવે એટલા ના ઢીમ ઢાળી ને ભૂમિ પર નો ભાર ઓછો કરવો . પછી તો ઘાયલ સાવજ ની જેમ કેસરિયા કરી ને પુંજાજી ની તલવાર માથા તોળવા માંડી . રાજપૂત જ્યારે રણ મેદાન માં કેસરિયા કરે ત્યારે એમ કહેવાય કે યમરાજ થી પણ વિકરાળ રૂપ ધારણ કરે એમ પુંજાજી ની તલવાર માથા વાઢે છે. થોડીવાર માં તો સામટા આવેલ દુશ્મનો ના પેટ માં ફાળ પડવા માંડી કે આજ પુંજાજી અહીંયા થી કોઈ ને જીવતા જવા નહિ દે. કઈક ડરપોક અને કાયર ભાગ્યા.
પૂંજાજી ની કાયા ના રૂવાડે રૂંવાડે ઘા લાગ્યા છે. આખી કાયા રક્ત માં તરબોળ છે. હજારો ઘા ઝીલી ને પણ પુંજાજી પોતાના ક્રોધ ને શાંત પાડવા નથી દેતા . અને પડકારી પડકારી ને દુશ્મનો ને મારે છે. કઈક વેતરાઈ ગયા અમુક ભાગી ગયા . ધીરે ધીરે જેમ ઘા ઠરે છે એમ હવે પુંજાજી ની આંખો સામે અંધકાર છવાતો જાય છે. ગામ માંથી બીજા વાર લઈ ને પહોંચ્યા . પણ ત્યારે તો પુંજાજી ના આત્મા અને જમ ને વાદવિવાદ ચાલતો હોય એવી પરિસ્થિતિ હતી . દોડી ને પુંજાજી નું મસ્તક કુટુંબી જનો એ ખોળા માં લીધું .
પુજાજી પોતાની અંતિમ ઘડીમાં હાકલ કરી ને પરિવાર ને કહ્યું કે આ ગામ માં હવે તમારા અંજળપાણી ખૂટ્યા છે. આ ગામ છોડી દેજો અને આ ગામ નું પાણી પણ હરામ કરજો . આ ગામ હવે તમારા લાયક નથી . આપણી સાથે બહુ મોટું કાવતરું કરવામાં આવ્યું છે. રાજ દરબાર માં ખબર કરજો . હવે મારી પાસે વખત નથી મે મારી ફરજ પૂરી કરી છે. અને બાકી રહેલ મારું વેર હવે રણબાંકો સુઈગામ ની ગાદીએ બેહશે તે કરશે . ( આ પુંજાજી ની ભવિષ્યવાણી હતી કે રાસુરજી અવતાર થશે અને જતો અને ગદ્દારો નો સંહાર કરશે ) સુઈગામ દરબાર ને મારા છેલ્લા જોહાર કહેજો. કે પુંજાજી એક વિર ની જેમ મોત ને વહાલું કર્યું છે.આટલું તૂટક જીભે બોલતા બોલતા પુંજાજી નો દિવ્ય આત્મા ખોળિયું છોડી ને કૈલાશધામ સિધાવી ગયો.
આખી વાત અને ઘટના ની જાણકારી સુઈગામ દરબાર પાસે પહોંચી. દરબાર ગઢ માં શોક પ્રસરી ગયો.પછી પુજાજી ના પરિવાર ના ચાર કુટુંબો ને બે ગામ ગીરાસ આપવામાં આવ્યા એમાંથી બે પરિવાર પાડણ માં અને બે પરિવાર બોરુ માં રાજ ના તાંબપત્રક પર લખી ને ગીરાસ આપવામાં આવ્યો. આજ પણ આ પરિવારો આ બંને ગામો માં વસે છે. હજુ પણ આ પરિવારો ભરડવા નો અપૈયો છે. આજ પણ બેસતા વર્ષે પોતાના વડવા એવા પુંજાજી પાળિયા ને જોહારવા અચૂક જાય છે.
આજે પણ ભરડવા ગામ ની સીમ માં ત્રણેક ગૌચર છે જે પુંજાજી ના ગૌચર તરીકે ઓળખાય છે. એમાંથી ગામ ની આથમણી બાજુ આવેલ ગૌચર માં પાળિયો છે તે સમરાંગણ ભૂમિ (યુદ્ધ ભૂમિ ) તરીકે ઓળખાય છે. એક એવો સમય જ્યારે વાત સ્વાભિમાન, ધર્મ , નીતિ આવે ત્યારે પોતાના લીલા માથા ઉતારી દેનાર આવા વિરો ને નમન કરવા આવી વાતો લખી ને આપ ની સમક્ષ મૂકી રહ્યો છું. આ લેખ લોક મુખે સાંભળી ને લખ્યો છે. અમુક વાતો એમના પરિવાર ના સભ્યો પાસે થી સાંભળી છે. છતાં પણ આમાં કોઈ પ્રકાર ની ભૂલ હોય તો કરબધ્ધ ક્ષમા ચાહું છું. આ પ્રયાસ છે આપણી ભૂમિ ની વાતો અને ઉજળા ઇતિહાસ ને આપણી ભાવિ પેઢી સુધી પહોચાડવાનો .. 🙏.. અહીંયા વાત ને વિરમું છું 🙏