વાવ ગામના તોરણ
થરાદ માથે પુંજાજી ચૌહાણનાં બેસણાં હતાં. પૃથ્વીરાજ ચૌહાણના વંશજોએ વીરતાને જાળવી જાણી હતી. આવા ચૌહાણોનાં રખવાળાંથી થરાદ થડક્યા વગર જીવતું હતું. એમાં એક દિ' વાવડ આવ્યા કે થરાદ માથે દલ્લીની ફોજ આવે છે. વાવડ સાંભળતાં જ પુંજાજી ચૌહાણે ફોજની સામે બાખડી લેવા સાબદાઇ કરી.
તોતિંગ દરવાજા આડે ઊંટ મુકાણાને હાથીઓનાં માથાં ભટકાવા માંડયાં. સાંજ થાતાં તો દરવાજાનાં કમાડનો કડુસલો બોલાવી ફોજ થરાદમાં દાખલ થઇ ગઇ. ચૌહાણોએ સામનો કર્યો. પણ ગંજાવર ફોજની સામે ટક્કર ઝીલતા મોતને ભેટયાં.
રાણા પુંજાજીએ પોતાના સામંતો, સુભટ્ટો, પટાવતો સાથે સોડ તાણી. પુંજાજી પડયાની વાત રાજદરબારમાં પૂગી. વાત સાંબળતાં જ પાતળી પરમાર્ય વીજળીના કટકા જેવી આગ વરસાવવા લાગી. પણ વખત વસમો હતો. અને બીજા જીવનું જતન કરવું હતું. ભભૂકેલા કાળઝાળ ક્રોધને કાળજામાં ભંડારી ભાગી છૂટવાની તૈયારી કરી.
રેતીની ડમરીઓ અંધારામાં અટવાતી હતી. એવે ટાણે રાજદરબારને વેગળો કરીને રાજરાણી ઉતાવળે પગલે થરાદને પાછળ મૂકી રહી હતી. એને દુશ્મનોના દળ કટકની નજર પડે એ પહેલાં પીયર પૂગવું હતું. હૈયામાં હામ હતી. કાળજું કઠણ હતું. ઘેરાં અંધારાં વીંધીને એ ભાંગી રાતે થૂંમડે આવી પૂગી.
થૂંમડા ઉપર ત્યારે એક કડીના પાંચસો ભીલોનો વાસ હતો. દીપો ભીલોનો મોવડી હતો. 'ભાઇ ! દીપા ભીલનું ઝૂંપડું દેખાડશો ?' એક ભીલે મહેમાનને અદબથી પૂછ્યું : 'દીપાને ઝૂંપડે જાવું છે ને? હાલો મારી હાર્યે.' ભીલ જુવાન દીવો લઇને મોઢાગળ થયો. દીપાને ઝૂંપડે જઇને ભીલે હાકલ દીધી.'દીપા! મેમાન છે.'
અવાજ સાંભળતાં જ દીપો ખાટલામાંથી ઊભો થઇને માથે ફટકો બાંધ્યો. 'આવો ! આવો ! કહેતાં બે ડગલાં સામે ચાલ્યો. બાઇને જોઇને છેડો ઊભો રહીને બોલ્યો : ' બેસ, બોન!' 'દીપાભાઇ, બેસવાનું વેળું નથી.' 'કાં?' 'માથે મોત ઝળુંબે છે.' 'એવો કોણ છે બે માથાનો? હું દીપો ભીલ, જોયા છે. મારા જુવાનડા, પીંખી નાખે હોં.'
'હા ભાઇ, તુંને ય જાણું છું ને તારા ભીલ ભડવીરોનેય જાણું છું.' 'તો બીક શેની છે!' 'દુશ્મન મોટો છે. દુશ્મન સામે બાખડવાનું વેળુંય નથી. ટાણું આવશે તે દિ' પડકારીશ તઇ ચીંથરાં ફાડતો નંઇ. ભાઇ, ભડ થઇને ઊભો રે'જે.' 'અટાણે ય ભડ છું.' આટલાં દુ:ખમાં ય ગરાસણી ગરવું હસીને વદી : 'થરાદ માથે દલ્લીની ફોજ ફરી વળી છે.'
'દલ્લીની ને ?' 'હા, ભાઇ! દલ્લીની એટલે જ કઉં છું કે વેળુ નથી. ઠાકોર લડાઇમાં કામ આવી ગયો છે ને હું થરાદની રાણી ભાગી નીકળી છું. ઉદરમાં ઓધાન છે, જો કુંવર અવતરશે તો તારે આંગણે આવીશ.' 'અરે ! બેન, હવે તમે આ આંગણેથી ક્યાં જાશો. પાંચસો કામઠીઆ તમારી રક્ષા કરશે. ભલે આવે દલ્લીની ફોજું, મરી ફીટશું.'
'ખમ્મા! મારા વીર, તને ભગવાન કોડ વરસનો કરે, પણ અટાણે મારાથી રોકાવાય એવું નથી. મને અબ ઘડી ઠેકાણે પુગાડી દે.' 'ક્યાં જાશો ?' 'પિયરમાં, કચ્છના થરપારકર, ત્યાં ખાટલો ઢાળીશ.' ભલે કહીને દીપાએ સાંઢણી માથે કાઠું નાંખ્યું ને રાતો-રાત સાંઢણી વેતી કરી કચ્છના થરપારકરના માથે. પવનવેગી સાંઢણી રાજરાણી અને ઊછરતા રાજબીજને લઇને સવાર થાતાં તો થરપારકરના રાજદરબારમાં આવીને ઉભી. કચ્છના રાવ દીપાનો વાંસો થાબડયો ઉરથી આદર દીધા.
થરાદની રાણીબા પિયરમાં દિવસો કાઢવા માંડી, એની મીટ તો બનાસકાંઠાની પોતાના ધણીની ઉપર મંડાયેલી હતી. પણ ચૌહાણનું ડીટ રહેવા પામ્યું ન હતું અને દિલ્હીની શાહીફોજને ખાળી શકે એવી કોઇની તાકાત નહોતી. એમાં બીજું કંઇ થાય એમ પણ નહોતું.
પૂરા નવ માસે રાણીબાની કુખે કુંવર અવતર્યો. પાતળી પરમાર્યના હૈયામાં હુલાસ ક્યાંય મા'તો નહોતો. ઇશ્વરે એની આશા પૂરી કરી હતી. બનાસકાંઠા પરગણામાંથી જડામૂળ નીકળી ગયેલા ચૌહાણોનો વંશવેલો વહેતો રહે એવી હૈયા ધારણા મળી. ચૌહાણ વંશનો એકનો એક છોડ મોસાળમાં ઉજરવા માંડયો. રાણીએ રાજના કુળદિપકનાં દિલથી જતન આદર્યો. પુત્રનું નામ વજોજી પાડયું.
રાજકુમાર વજોજી ચૌહાણ ચપળ અને ચબરાક હતો. એથી રાજમાતાનાં રોમરોમમાં આનંદના ઓઘ ઉછળતા હતા. મોટો થઇને ગયેલી બાપની ધરતી પાછી ઘરે કરશે એવા એંધાણ દેખાતાં હતાં.
રાજકુંવર વજોજી મોટો થતાં રાજમાતાએ એક દિ' પોતાના ભાઇ થરપાકરના રાવને કહ્યું 'ભાઇ! હવે મારી અવધી પૂરી થાય છે.' 'ક્યાં જશો બેન ?' 'ભાઇના ઘરે' 'ભાઇ તો હું એક જ છું !' 'બીજો છે.' 'ક્યાં છે ?' 'થૂંમડે' 'કોણ?' 'દીપો ભીલ' 'ત્યાં જઇને શું કરશો ?' ' દીપો એના પાંચસો ભીલ લઇને કુંવરની ભેર કરશે.' 'અહીં તમને ઓછું આવે છે ?'
'ના મારા વીરા ! આંઇ તો ! હું ફૂલની જેમ રઇ છું પણ હવે મને મારી ધરતી હૈયે ચડી છે. હવે ખોટી નહિ થાઉં. ઝટ કરો. વેલડું જોડાવો એટલે અમે મારગ કાપવા માંડીએ. વેલડું આવ્યું.
રાજમાતા સાબદ થતાં. ગૂઢા મલિરમાં ઢબુરાયેલા ગોરા દેહના અજવાળા પાથરતા કનડા રાજકુંવર વજોજીને લઇને 'જે જગદંબા' કહીને વેલડામાં બેઠાં. આભલે મઢ્યાં ને હીરના ભરતે ભરેલા માફાવાળા વેલડાએ મારગ પકડયો થૂંમડાનો.
રોઢો ઢળતાં વેલડું થૂંમડાના દીપા ભીલને ઝૂંપડે આવીને ઉભું રહ્યું. લાંબો પંથ કાપીને આવેલી વેલડા માથે કચ્છની ધૂળ ભરાણી હતી. એક ધારો કાપીને બળદોના પગ તળવાઇ ગયા હતા. વેલડાનો ચક ઊંચો કરીને રાજમાતાએ ટહુકો કર્યો :'દીપાભાઇ ઘરમાં છે!'
ઝુંપડીનું બારણું ઉઘાડીને દીપાએ ડોકું તાણ્યું તો આંગણે કચ્છનું વેલડું આવીને ઉભેલું જોયું. જોતાં જ દીપાએ હડી કાઢીને બોલ્યો 'આવો આવો બેન.' રજપુતાણીએ કુંવરને આંગળીએ વળગાડી વેલડામાંથી ઉતરી કે દીપાએ રાજકુમાર વેજાજીને તેડી લેતાં બોલ્યો : 'આવ્યો મારો રાજા.'
ઝૂંપડીના પરસાળમાં ખાટલા માથે ધડકી નાખીને રાજમાતાને બેસારતાં બોલ્યો : 'બોલો બેન, શો હુકમ છે.' 'હુકમ તો બીજો કાંઇ નહીં, તમારી તેવડ હોય તેટલી ધરતી કુંવરને વાળી દ્યો એટલે હાંઉ.' 'ભલે બેન.' કહીને દીપાએ શિગડું ફૂક્યું. શિંગડાને અવાજે શીશમના લાકડામાંથી પૂતળાં કોતર્યા હોય ને માથે વારનીશ કર્યો હોય ને પૂતળાં ઝગારા મારે એવા ઝગારા મારતી ચામડીવાળા પાંચસો ભીલો ઝૂંપડાં ઉઘાડાં મૂકીને દીપાને આંગણે આવી ઉભા રહ્યાં.
દીપાએ રાજકુમાર વજાજી ઉપર આંગળી ચીંધી આદેશ દીધો કે : 'આ આજથી આપણો રાજા. આપણે એની રૈયત' સૌએ માથાં ઝુકાવી બાળ રાજાને માન દીધું ને પાંચસો ભીલો લઇને દીપો ઉપડયો. થરાદ પરગણાની જમીન ઉપર નવું ગામ વસાવ્યું. ગામનું નામ 'વાવ' રાખ્યું અને દીપાએ વાવ ગામનું તોરણ બાંધી બાળા રાજા વેજાજીની આણ વર્તાવી.
(નોંધ: આ બનાવ ઇ.સ. ૧૨૪૪ માં બન્યો હોવાનું કહેવાય છે.)
ધરતી નો ધબકાર -- દોલત ભટ્ટ