ખડીરબેટમાં આવેલ: ઘડીઘટુકા પાળીયો
______________________________
ખડીરમાં આવેલી પુરાતનકાળની ભીમગુડો નદીની બાજુમાં એક ટેકરા ઉપર ભીમનો અને ઘટોત્કચનો પાળિયો આવેલો છે અહીંયાની લોકવાયકા પ્રમાણે આ પાળિયો ભીમનો અને ઘટોત્કચનો છે.આ ટેકરો એક નાનો એવો ડૂંગર છે જેને જાતરથડો તરીકે ઓળખે છે જાતર એટલે કે કોઈ પણ પ્રસાદ ધરાવવામાં આવે છે તેને જાતર સ્થાનિક ભાષામાં કહેવાય છે અને થડો એટલે સ્થાનક એટલે તેને જાતરથડો કહે છે.
જાતરથડા ઉપર ચારેબાજુ અવશેષો જોવા મળે છે તેના મધ્ય ભાગમાં ગોળ રાઉન્ડ આકારે જૂના પત્થરોની દીવાલ બનેલી છે જેમાં પત્થર ઉપર પત્થર રાખી ને બનાવેલી જોવા મળે છે અને તે ગોળ રાઉન્ડમાં ભીમનો અને ઘટોત્કચનો પાળીયો આવેલો છે.
લોકવાયકા પ્રમાણે મહાભારતના આદિપર્વમાં હૈડિમ્બેયની કથા છે હિડીબા ભીમસેન પર મોહી પડી અને પ્રિતિદાન માંગ્યું ભીમે હિંડિમ્બ રાક્ષસને પૃથ્વી ઉપર રોળ્યો અને તેની છાતીમાં ગોઠણ ભરાવીને તેને ભાંગી નાખ્યો. પછી ભીમના હિંડીબા સાથે લગ્ન થયાં. પાંડુપુત્ર ભીમસેનને આ હિંડિમ્બા રાક્ષસીની કુંખે પુત્રની પ્રાપ્તિ થઈ. પછી ભીમે હિંડીબાની રજા લીધી એમનો એ પુત્ર જન્મ્યો ત્યારે એનું માથું ઘડા જેવડું અને બિલકુલ વાળ વગરનું હોવાથી એનું નામ ઘટોત્કચ પડ્યું. દેખાવે એ ભયંકર નીવડ્યો અને મોટો થયે એને મરજીમાં આવે એવડું રૂપ ધરવાની તથા ગુપ્ત રહેવાની વિદ્યા પ્રાપ્ત થઈ. એણે પોતાની ધજા ઉપર ગિંધનું ચિત્ર રાખેલું. ભીમ સાથે આ ઘટોત્કચની મુર્તિ ખડીરના જનાણ પાસે ભીમગુડા પાસે આવેલી છે જેને ઘડીઘટુકા નામે જાણીતી છે.
બાભણકાની બધી બાભણ વસતીના આ ઘડીઘટુકો આરાધ્ય દેવ છે અને ખડીરમાં પ્રથમ મેહ વરસ્યે ગીંધના નિશાનવાળી ધજા એ જાતરથડા ઉપર તેઓ ચઢાવે છે.તેમજ બાજુમાં આવેલું ભીમગુડા નદીમા કોઠી આકારનું કોતર જાણે મહા ગદાનું માથું બેસવાથી બન્યું હોય કે કોઈ પ્રચડ ગોઠણ બેસાડીને એ ખાડો બનાવ્યો હોય એવું લાગે છે. મહાભારતની ઊંડી ઊતરેલી સંસ્કારભરી લોક કલ્પનાએ તેમાં હિંડીબ રાક્ષસને ધરતીમાં ધમરોળતા ભીમપાંડાની અતુલ શક્તિનું દર્શન થાય છે અને ત્યાં ઘડીઘટુકાનું સ્થાન ખડું કરી દીધું કે પછી ખરેખર હિંડિબનો ખડીરમાં વધ થયો હતો?
સહદેવ તો આ કચ્છ એટલે જળસમીપના પ્રદેશમાં ગયાનો મહાભારતમાં ઉલ્લેખ છે(ભા.સ.ચ ૩૨) તો ભીમ પણ આ પ્રદેશમાં કાં ન પ્રવેશ્યો હોય? ભારતભરમાં જે અનેક ભીમગુડા છે, તેમાં ખડીરનું ભીમગુડા હૈડિમ્બેયની કથા આપણા લોકસંસ્કારમાં જીવંત રાખી જાય છે.
ઘડીઘટુકાના પાળિયામાં લિપિમાં લખાણ જોવા મળતું નથી આ જાતરથડા ટેકરા ઉપર આપણને પુરાતત્વીય સ્થળ હોય તેમ અનેક અવશેષો જોવા મળે છે એટલે અહીંયા પણ લોકો રહેતા હશે તેનું કારણ એ છે કે બાજુમાં ભીમગુડો નદી આવેલી છે તે ડો ભૂડીયા સાહેબ જણાવે છે કે ૧૭ કરોડ વર્ષ જૂની નદી છે, એટલે જ્યાં જ્યાં પાણીના સ્ત્રોત હોય ત્યાં જ સાંસ્કૃતિ વિકસી છે.એટલે આ ટેકરો અને આ પાળિયાનું મહત્વ વધી જાય છે.
ભીમના પાળિયા અને આ ટેકરો ખડીરબેટમાં આવેલ જનાણગામ થી ઉત્તર દિશામાં આશરે પાંચ કિલોમીટર દૂર છે અને વગડામાં આવેલ છે એટલે સ્થાનીક જાણકાર ને લઈ જાઓ તો જ આ જગ્યા સુધી પહોંચી શકાય છે.અને બાજુમાં ભીમગુડો નદી આવેલી છે તે પણ જોવાલાયક સ્થળ છે અને અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય છે.
ખડીરમાં અનેક પુરાતનકાળના અવશેષો આવેલા છે, તેમાંની એક ભીમગુડો નદી જોવા જેવી છે.કુદરતની કમાલ જોવા જેવી છે. ખડીરબેટની લોકવાયકા પ્રમાણે અહીંયા પાંડવો અજ્ઞાતવાસમા રોકાયા હતા અને ભીમ એ ગુડો માર્યો હતો. એટલે અહીંયા પાણી અવિરત ચાલુ હોય છે,ક્યારેય ખૂટતું નથી.