પાટડી ના ઝાલા કુંવરો નુ રક્ષણ કરનાર ક્ષત્રિય વીર આહીર જગસા ડાંગર

પાટડી ના ઝાલા કુંવરો નુ રક્ષણ કરનાર ક્ષત્રિય વીર આહીર જગસા ડાંગર

Bipinladhava

પાટડી ના ઝાલા કુંવરો નુ રક્ષણ કરનાર ક્ષત્રિય વીર આહીર જગસા ડાંગર 

વૈરસિંહના અવસાન પછી પાટડીની ગાદી સંભાળતા રાજા રણમલજીએ ઝાલાવાડને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવા તથા પાટડીના  રાજના સીમાડાઓ સુરક્ષીત કરવા ચોબારી કચ્છથી ડગાયચા ડાંગરના વંશજ નાગપાળ ડાંગરના દીકરા જગસા ડાંગરને આહીર પરિવારો સાથે માનભેર પોતાના રાજમાં વસાવતા જગસા ડાંગરે દેગામનું તોરણ બાંધ્યું. અને તેની સાથે ઝાલાવાડના અઢારસો ગામોમાં આહીરો વસ્યા. આહીરોએ  લોહીપાણી એક કરી પુર્ણ નિષ્ઠા થી મહેનત કરતા પાટડી રાજ ને સમૃદ્ધ અને તાકતવર બનાવ્યું. રણમલજીના લગ્ન સંભર(મારવાડ)ની કુંવરી સાથે થયા હતા. પોતાના બનેવી અને પાટડીના રાજા રણમલજીની શક્તિ અને સામર્થય વધતા તે જોઈ સંભરના રાજા વિરમદેવ ચૌહાણ ઇર્ષા કરવા લાગ્યો હતો, અને ઇર્ષાની આગથી પીડાતા તેણે પાટડી સાથેના સંબંધો સીમીત કરી દીધા હતા. 

વિરમદેવ ચૌહાણે સંભરની કુંવરીનો લગ્ન પ્રસંગ આવતા કપટથી પાટડીનું રાજ કબજે કરવાનું કાવત્રુ પાર પાડવાના ઇરાદાથી પોતાની બહેન-બનેવી અને ભાણેજને લગ્નનું આમંત્રણ મોકલી આગ્રહપૂર્વક તેડાવ્યા હતા. રાજા રણમલજીને વર્ષો પછી સંભરનું આમંત્રણ મળતા તેમણે સાવચેતી રાખતા મિત્ર જગસા ડાંગર અને કેટલાક વિશ્વાસુ સાથે પરિવારને લઈ કુંવરીના લગ્નમાં પહોંચ્યા હતા.  
રાજા વિરમદેવ ચૌહાણે લગ્નોત્સવ પૂરો થતા બહેન-બનેવી અને ભાણેજને થોડા દિવસ વધારે રોકવાનો આગ્રહ કરતા રણમલજી સંભરમાં રોકાયા હતા. એક દિવસ રાજમહેલમાં રણમલજી સાથે ચોપાટ રમતા વિરમદેવ ચૌહાણે જાણી જોઈ તેમનું અપમાન કરી અગાઉથી નક્કી કર્યા મુજબ રણમલજીની હત્યા કરી નાંખી હતી.
 
રણમલજીની હત્યા કરી વિરમદેવ પોતાની બહેન અને ભાણેજ શત્રુશલ્યને કેદ કરવાના આદેશ આપ્યો હતો. રાજમહેલમાં રાજા રણમલજીની હત્યાની જાણ સેનાપતિ જગસા ડાંગરને થતા મર્યાદીત સૈનિકો સાથે સંભર સેનાનો મુકાબલો કરવો મુશ્કેલ લાગતા પળનોય વિલંબ કર્યા વગર ચૂપચાપ મહારાણી અને રાજકુમાર શત્રુશલ્યને લઈ પાટડી તરફ ભાગ્યા હતા.



જગસા ડાંગર સુનંદા સાથીઓ સાથે ઘોડાઓ ઉપર રાણી અને કુંવરને બેસાડી પાટડી તરફ ભાગતા વિરમદેવ ચૌહાણ અશ્વદળ સાથે પાછળ પડ્યો હતો. રણમલજીના મિત્ર સાથે પાટડીના સેનાપતિ તરીકે જગસા ડાંગરે પોતાની ફરજ નિભાવવા જીવની પરવાહ કર્યા વગર સંભરથી ભાગતા થરપાકરનો માર્ગ લીધો હતો. જગસા ડાંગરે કચ્છના રણમાં પ્રવેશ્યા તોય વિરમદેવ ચૌહાણે તેમનો પીછો ન છોડતા તેમણે  ક્યાંય વિરામ કર્યો ન હતો, જોકે આવા વિકટ સમયમાં વિરામ કરવો પોસાય તેમ પણ ન હોય લાંબા સમયથી દોડી રહેલા ઘોડાઓ થાક્યા હતા. થાકેલા ઘોડાનીની ગતી ઘીમી પડતા દુશ્મન સેના સાથેનું અંતર ધીરેધીરે ઘટી રહ્યું હતું, એ જોઈ જગસા ડાંગર મુંઝાયા હતા. 

કચ્છના વેરાન રણમાં પાટડી તરફ ઘોડા દોડાવી રહેલ જગસા ડાંગરની નજર અચાનક જાળના ઝાડના છાંયામાં પોતાના ઘોડાઓને છુટા મુકીને બેઠેલા માણસો ઉપર પડતા તે તેમની નજીક ગયા હતા. જગસા ડાંગર નજીક જઈ જોતા ટોળા વચ્ચે બેઠેલા પડછંદ કાયા ધરાવતી વ્યક્તિને ઓળખી ગયા હતા. એ વ્યક્તિ બીજો કોઈ નહીં કચ્છ સાથે થરપારકરના રણમાં હાહાકાર મચાવનાર કચ્છ સામે બહારવટે ચડેલ જેતો જત હતો. જેતા જતનું નામ સાંભળતા જ ડરતા હતા. લુંટફાટ અને હત્યા જેતા જત માટે સામાન્ય વાત હતી. જેતા જતે પોતાને જોઈ ભાગતા લોકોની જગ્યાએ નજીક આવી રહેલા ઘોડેસ્વારને જોઈ તેને નવાઈ લાગી હતી. જેતો જત ઘૂળથી મેલાઘેલા થયેલા કપડા સાથે પરસેવે રેબઝેબ ચહેરાના કારણે જગસા ડાંગરને ઓળખી શક્યો ન હતો. 

“સલામ માલેકુમ જેતાભાઈ..” ”અરે જગસાભાઈ તમે ? રામ રામ ભાઈ શું છે આ બધું ?” અવાજ ઉપરથી ઓળખી જતા જેતા જતે ઉભા થઈ જગસા ડાંગરના ઘોડાનું ચોકડું પકડી લીધું હતું.  ”જેતાભાઈ વાત કરવાનો વખત નથી; રાજા રણમલજીની દગાથી હત્યા કરી સંભરનો વિરમદેવ રાણી અને કુંવરને પકડવા પાછળ પડ્યો છે !”
“ઓહો પોતાના બનેવીને મારનાર એ નરાધમની તમે ચિંતા ન કરો; તમે બેઘડી આરામ કરો !” ”જેતાભાઈ, પાટડી માથે સંકટ આવી પડ્યું હોય મારાથી આરામ કેમ થાય ?”
“જગસાભાઈ, સાચી વાત છે, પણ એક કામ કરો ! આ થાકેલા ઘોડા અહીં મુકી અમારા ઘોડા લઈ પાટડી પહોંચો બાકી બધું અમારી ઉપર છોડી દ્યો !”
જગસા ડાંગરે કચ્છના બહારવટીયા જેતા જતની વાત સ્વીકારી ઘોડા બદલ્યા હતા, 



એટલામાં દૂરથી ઘૂળની ડમરીઓ ઉડાડતો વિરમદેવ સેના સાથે ધસમસતો આવી રહેલો નજરે પડ્યો હતો. જેતા જતે દુશ્મનને નજીક આવતો જોઈ રાણી-કુંવરને લઈ જગસા ડાંગરને સલામત રીતે પાટડી તરફ રવાના કરી વિરમદેવનો માર્ગ રોકવા સાથીઓ સાથે સાબદો થયો હતો.  સંભરસેના નજીક આવી પહોંચતા કચ્છના ખુંખાર બહારવટીયા જેતા જતે પોતાના ત્રીસ સાથીઓ સાથે વિરમદેવને આગળ વધતો અટકાવી ઘમસાણ યુદ્ધ શરૂ કર્યુ હતું.  જેતા જતે સાથીઓ સાથે મોતની પરવાહ કર્યા વગર સંભર, મારવાડના અનેક સૈનિકોનો કચ્ચરઘાણ વાળી દેતા વિરમદેવ મુંઝાયો હતો. 
સંભરની વિશાળ સેના સામે એકત્રીસ મરજીવાઓએ મોતનું તાંડવ રમતા કચ્છ-વાછરાના રણમાં લાશોના ઢગલા ખડકી દીધા હતા, વતન પ્રેમી જેતા જત અને તેના સાથીઓ શરીર ઉપર અનેક ઘા જીલતા જીલતા અદ્વિતીય શૌર્ય બતાવતા સંભર સેનાને વેરવિખેર કરી નાંખી વીરગતિ પામ્યા હતા. વાછરાના રણમાં આ કારમા યુદ્ધની યાદ અપાવતા વીર જેતા જત અને તેના ત્રીસ શૂરવીર સાથીઓની શહીદીના પાળિયાઓ આ વીરગાથાની સાક્ષી પુરતા ઉભેલા જોવા મળે છે.

વિરમદેવ ચૌહાણને વાછરા(કચ્છ)ના રણમાં જેતો જત ભારે પડતા રણમલજીના વારસદાર કુંવર શત્રુશલ્ય અને રાણીને લઈ જગસા ડાંગર સલામત રીતે પાટડી પહોંચી ગયા હતા. ઝાલાવાડની પ્રજાના લાડીલા રાજા રણમલજીની હત્યાની ઘટનાથી ચારેબાજુ શોકનો માહોલ ફરી વળ્યો હતો. પરંતુ જગસા ડાંગરે પોતાની ફરજ સમજી  રાજગાદી ઉપર બાળકુંવર શત્રુશલ્યને ગાદીનશીન કરવા તજવીજ હાથ ધરી હતી. 
“રાણી સાહેબા.....” 
”રાણી સાહેબા નહીં જગસાભાઈ બહેન કહીને બોલાવો તો મને સારું લાગશે !” 
ડુસકું ભરતા પાટડીના મહારાણીએ કહ્યું.

“ભાઈ-બહેનના સંબંધને તો વિરમદેવે કલંક લગાવ્યું છે એટલે જીભ ઉપડતી નથી !” ”જગસાભાઈ, લોહી કરતા લાગણી મોટી છે, સંભરમાં તમે ન હોત તો હું અને કુંવર આજ હયાત ન હોત !”
“સંભરમાં હોવા છતાં હું મહારાજાને બચાવી ન શક્યો તેનું દુ:ખ છે !” 
”ભાઈ, મહારાજાને તમે ના પાડી તોય તે એકલા રાજમહેલમાં ગયા ઈ’ મોકાનો લાભ લઈ વિરમદેવે દગો કર્યો એમાં તમે શું કરી શકો ? વિરમદેવ તો મહારાજા પાછળ મને સતી કરી; પાટડી કબજે કરવા માંગતો હતો પણ તમે એને ફાવવા ન દીધો. !”
“હા, બહેનબા ઈ’ નરાધમે હદ વટાવી દીધી પણ આ જેતા જતે રંગ રાખી દીધો પોતાના જીવને ભોગે પાટડીની લાજ રાખી ધન્ય છે જેતાને...”
“હા, ભાઈ જેતાભાઈએ અણીને સમયે મદદ કરી ઈ’ ક્યારેય ભૂલી શકાય તેમ નથી !” 
“બહેનબા, દુશ્મન શાંતિથી નહીં બેસે ગમે ત્યારે આક્રમણ કરે તેમ હોય પાટડીની ગાદી ઉપર તાત્કાલીક કુંવરને રાજતિલક કરી તેના વતી તમે શાસન ધુરા સંભાળી લ્યો !” ”જગસાભાઈ, રાજકાજમાં મને શું ખબર પડે ? મારી સમજણ બહારની ઈ’ વાત છે !” ”બહેનબા, તમે ચિંતા ન કરો તમે ભાઈ કહી મને બાંધી દીધો હોય હવે તમે ચિંતા કરશો નહીં ?” 
”જગસાભાઈ, તમને જે સારું લાગે તેમ કરો !” 
આમ કહેતા રાણી રાજા રણમલજીને યાદ કરી રડવા લાગ્યા. 

જગસા ડાંગરે તાત્કાલીક રાણીસાહેબાના આદેશ મેળવી પાટડીનો રાજદરબાર બોલાવી બીજા દિવસે વિજય મુહુર્તમાં રાજકુંવર શત્રુશલ્યના રાજતિલકનો ઢંઢેરો પીટાવ્યો હતો. શુભ મુહુર્તમાં રાજપુરોહીતે શાસ્ત્રોક્ત વિધીથી રાજતિલકની વિધી હાથ ધરતા હજારો લોકો પાટડીમાં એકત્ર થયા હતા. ઝાલાવાડની પ્રજામાં લોકપ્રીય રાજા રણમલજીની સંભરમાં થયેલી હત્યાથી રોષ ફેલાયો હતો. તો જગસા ડાંગરની હિંમત અને વફાદારી તથા જેતા જતના બલિદાનથી પાટડીનો વારસદાર હેમખેમ બચી જતા લોકો ઇશ્વરનો આભાર માની રહ્યા હતા. 
પાટડીના મહારાણીએ કુંવર શત્રુશલ્યને રાજતિલક કરી તેનો હાથ હજારો લોકોની હાજરીમાં રાજદરબારમાં ધર્મના માનેલા ભાઈ જગસા ડાંગરના હાથમાં સોંપ્યો હતો. 

“ભાઈ, આજથી પાટડીના રાજા અને પ્રજાની જવાબદારી તમારા હાથમાં સોંપુ છું !”
“બહેનબા, ચિંતા ન કરતા જગસો ડાંગર તમારા ભરોસાને આંચ આવવા દેશે નહીં !”
જગસા ડાંગરે પાટડીના સેનાપતિ પદ સાથે રાજા રણમલજી સાથેની મિત્રતા નીભાવતા કુંવર શત્રુશલ્યને તેના હક્ક સાથે પાટડીની ગાદી અપાવી હતી. પાટડીના રાજમાતાનું પદ સંભાળતા રાણીએ રાજની જવાબદારી જગસા ડાંગરને સોંપી હતી. જગસા ડાંગરે જવાબદારી સંભાળતા જ શાસન વ્યવસ્થા સુદ્રઢ કરી રણમલજીની હત્યાના સમાચાર દિલ્હી સલ્તનતને મોકલ્યા હતા. 
પાટડીના સમાચાર સાંભળતા જ સુલતાન મહમદ આદીલ બીન તઘલકના મૃત્યુ પછી દિલ્હી સલ્તનતની ગાદીએ બેઠેલા તેના પિતરાઈ ભાઈ સુલતાન ફીરોઝશાહ તઘલકે વિશાળસેના સાથે સંભર પર ચડાઈ કરતા વિરમદેવ ચૌહાણે આવી પડેલ મુશ્કેલીમાંથી સુલતાનને આકરો દંડ ચૂકવી છૂટકારો મેળવેલ હતો. તો બીજી બાજુ સુલતાને જગસા ડાંગરને રાજા શત્રુશલ્ય સાથે દિલ્હી તેડાવી પોતાનું સમર્થન જાહેર કરેલ હતું.


રાજા શત્રુશલ્ય ઉંમરલાયક થતા રાજકીય ઠાઠ સાથે તેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. જગસા ડાંગરની વફાદારી, નીતિમત્તા અને ખંત સાથેની મહેનતના કારણે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધતા પાટડીની શક્તિશાળી રાજ તરીકે ગણના થવા લાગી હતી. પાટડીની સમૃદ્ધિની સાક્ષી પુરતા ઇતિહાસના પાનાઓ ઉપર રાજા શત્રુશલ્યએ લક્ષહોમ યજ્ઞ કરાવેલ હોવાનું જોવા મળે છે. 
જગસા ડાંગરે પણ પોતાના પૂર્વજોની કીર્તિ કાયમ રાખવા પાટડીમાં ભવ્ય તળાવ ગળાવવાનું શરૂ કર્યુ હતું. આ અંગે સુપ્રસિદ્ધ કૃષ્ણભક્ત અલુજી બારોટની રચનાઓમાં જગસા ડાંગરના પરોપકારી સત્કર્મનો ઉલ્લેખ થયેલો હોવાનું સોખડાના બારોટ સ્વ. દેવદાનભાઈ બારોટના વહીવંચા ચોપડાઓમાં જોવા મળે છે. 

જગસા ડાંગરે આભીર(ત્રિકૂટક) સંવત 1122(ઇ.સ. 1371 એટલે કે વિક્રમ સંવત 1428), મહાસુદ બીજ, સોમવાર ના રોજ તળાવ બંધાવી લોકાર્પણ કરતા તે જગસાસર તરીકે પ્રસિદ્ધ થયેલ હતું. નાસીક-ત્રંબક પ્રદેશના આહીરવંશના રાજા મહાક્ષત્રપ ચષ્ઠણે કચ્છ-સૌરાષ્ટ્ર ઉપર મેળવેલા વિજયની યાદમાં આભીર સંવત શરૂ કરેલ હતો. જે ઇસુ 249 અને વિ. સં.થી 306 વર્ષ પછી શરૂ કરવામાં આવેલ હતો. જોકે પાટડી શહેરની શોભા વધારતું જગસાસર આજે વિવેકસાગર તરીકે ઓળખાય છે. 
જગસા ડાંગરે બારોટોના ચોપડાઓમાં થયેલ નોંધો મુજબ પોતાના પિતા નાગપાળ ડાંગરની ઉત્તરક્રિયામાં ચોવીસેય પરજના આહીરોને દેગામ તેડાવ્યા હતા. એ સમયે આહીરોમાં આજના જેવા કોઈ વાડા ભેદ જોવા મળતા ન હતા. આહીર એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગરનો એક માત્ર આહીર એવો અર્થ થતો હતો. આજના જેવા સોરઠીયા, મચ્છુયા, પંચોળી, પ્રાથળિયા, બોરીચા, આહીરા જેવા કોઈ ભેદભાવ ન હતા. આહીર એટલે સૌને સમાન એક જ પરિવારના સભ્ય માનવામાં આવતા હતા. 

જગસા ડાંગરની આગેવાની હેઠળ દેગામમાં ભેગા થયેલા આહીરોનું આ સૌપ્રથમ સંમેલન હોવાનું માનવામાં આવે છે. જગસા ડાંગરે દેગામના સંમેલનમાં આહીર સમાજના જન્મ, સગાઈ, લગ્ન, છૂટાછેડા, પુન: લગ્ન, મરણ વગેરેને લગતા સામાજીક ધારા ધોરણો સાથેનું બંધારણ તૈયાર કરવામાં આવેલ હતું. 
જગસા ડાંગરને લાખા ડાંગર, રામ ડાંગર અને માવ ડાંગર નામે ત્રણ દીકરા હતા. લાખા ડાંગર અને રામ ડાંગરે પિતા જગસા ડાંગરની સેવાકીય પ્રવૃત્તિ આગળ વધારતા દેગામમાં લાખાસર અને રામસર નામે વિશાળ તળાવો બંધાવ્યા હતા, તો માવ ડાંગરે દહીંસરા ગામ વસાવી પિતાની કીર્તિ અમર બનાવી હતી. 

ઝાલાવાડમાં આહીરોનું વર્ચસ્વ વધવા સાથે પાટડીમાં આહીરોનો દબદબો જોઈ ઇર્ષાળુઓએ યુવાનીને ઉંમરે ઉભેલા રાજા શત્રુશલ્યના કાન ભંભેરવાનું શરૂ કર્યું હતું. 
જગસા ડાંગરના પરાક્રમ, નિષ્ઠા અને વફાદારીને કારણે પાટડી સમૃદ્ધ થયું હતું. જોકે ઉંમર થતા જગસા ડાંગરે રાજકાજમાં રસ લેવાનું ધીરેધીરે ઓછું કરતા સંપૂર્ણ નિવૃત્તિ લઈ પ્રભુભજનમાં સમય વ્યતિત કરવા લાગ્યા હતા. જગસા ડાંગર રાજકાજમાંથી નિવૃત્ત થતા રાજા શત્રુશલ્યના રાણી, રાણીના સગાઓ તેમજ સ્વાર્થી લોકો ઝાલાવાડમાં પોતાનું રાજકીય વર્ચસ્વ વધારવા પ્રયત્નશીલ થયા હતા. 

પાટડીના રાજા શત્રુશલ્યની આજુબાજુ ગોઠવાઈ ગયેલા ખુશામતખોરોના કારણે રાજમાતાને ચિંતા થવા લાગી હતી. પાટડીના હીતમાં વફાદાર, ખમીરવંતા અને નીતિવાન આહીરો રાજકાજથી દૂર રહે તે પાટડીના હીતમાં ન હોય રાજમાતાએ જગસા ડાંગરની જવાબદારીઓ તેના મોટા દીકરા લાખા ડાંગરને સોંપી હતી.  લાખા ડાંગરનો તેના પિતા જગસા ડાંગરની જેમ પાટડીમાં ભારે દબદબો હતો. લાખો ડાંગર રૂપ, ગુણ અને ઉમદા સ્વભાવના કારણે લોકોમાં ખૂબજ લોકપ્રીય હતો, જે જોઈ રાજા શત્રુશલ્ય અકારણ લાખા ડાંગર પ્રત્યે ઇર્ષાથી પીડાતો હતો. લાખો ડાંગર બીનજરૂરી સંઘર્ષ ટાળવા રાજા શત્રુશલ્ય સાથે જરૂર મુજબના સંબંધ રાખી કામમાં વ્યસ્ત રહેતો હતો. જોકે પાટડી રાજમાતાની ધાકના કારણે રાજા શત્રુશલ્ય અને તેની રાણી દ્વારા લાખા ડાંગરનો અનાદર કરવો શક્ય ન હતો. તો ઇર્ષાળુઓએ આહીરોની પ્રગતિ જોઈ પાટડી રાજાના કાન ભંભેરવાનું શરૂ કરતા ખટપટના ખેલ શરૂ થયા હતા. 
રાજા શત્રુશલ્ય જગસા ડાંગરનો આદર કરવા સાથે તેમની આમાન્યા જાળવતો હતો, પરંતુ લાખા ડાંગરની આમાન્યા જાળવી રાજ કરવું શત્રુશલ્યને ગમતી વાત ન હોય તે સ્વતંત્ર રીતે શાસન કરવા માંગતો હોય તેણે એક ગુપ્ત યોજના બનાવી હતી. 
રાજા શત્રુશલ્યએ પિતાનું વેર લેવા સંભર ઉપર આક્રમણની મંજૂરી માંગતા લાખા ડાંગરને સાથે રાખવાની શરતે રાજમાતાએ મંજૂરી આપી હતી. ઇસુની પંદરમી સદીના ત્રીજા દશકાના અંતભાગ એટલે કે લગભગ ઇ.સ. 1428-29માં રાજા શત્રુશલ્યએ વિશાળસેના સાથે સંભર ઉપર આક્રમણ કર્યું હતું. રાજા વિરમદેવ ચૌહાણે કિલ્લાના દરવાજા બંધ કરતા પાટડી સેનાએ સંભરને ઘેરો ઘાલ્યો હતો. 

રાજા શત્રુશલ્યએ અગાઉથી નક્કી કર્યા મુજબ રાણીનો ગુપ્ત સંદેશ લઈ આવેલા ખેપીયા પાસેથી સંદેશો વાંચી લાખા ડાંગરને સંભરની જવાબદારી સોંપી પોતે વફાદાર સૈનીકો સાથે તાત્કાલીક પાટડી પાછો ફર્યો હતો. જોકે બીજા દિવસે લાખા ડાંગરના ગુપ્તચરે મારતે ઘોડે સંભર આવી પાટડી રાજમહેલમાં ચાલી રહેલા ષડયંત્રની જાણ કરી હતી. રાજા શત્રુશલ્યના દેગામ વિરુદ્ધ કાવત્રાની જાણ થતા જ લાખો ડાંગર સંભરનો ઘેરો ઉઠાવી સેના સાથે દેગામ તરફ પળનોય વિલંબ કર્યા વગર નીકળી પડ્યો હતો. 
રાજા શત્રુશલ્ય પાટડી પહોંચતા રાણીએ જગસા ડાંગર અને તેના દીકરાઓ ઝાલાવાડ કબજે કરવા માંગતા હોવાની વાત કરી રાજાને ઉશ્કેર્યો હતો. 



શત્રુશલ્યએ રાણીની વાત સાચી માની રાજમાતાની જાણ બહાર  આક્રમણ કરતા દેગામને ચારેબાજુથી ઘેરી લીધું હતું. રાજા શત્રુશલ્યએ દેગામને અચાનક ઘેરતા નવાઈ પામેલા વયોવૃદ્ધ જગસા ડાંગર ચિંતા સાથે હકીકત જાણવા તેની પાસે પહોંચ્યા હતા. શત્રુશલ્યએ આહીરો પાટડી કબજે કરવા માંગે છે, તેવી વાત કરી જગસા ડાંગરને અપમાનીત કરતા રાજાની વજુદ વગરની વાત સાંભળી તેઓ નિરાશ થતા પાછા ફર્યા હતા. લાખા ડાંગર સાથે દેગામના આહીરો મારવાડ ગયા હોય જગસા ડાંગરની વાત સાંભળી ગામમાં રહેલા ગણ્યા ગાંઠ્યા આહીરોએ આઘાતની લાગણી અનુભવી સંકટમાંથી ઉગારવા મુરલીધરને પોકાર કર્યો હતો. આહીરોની પ્રાર્થના જાણે ભગવાન શ્રીદ્વારકાધીશે સાંભળી હોય તેમ રણ તરફથી અચાનક ધુળની ડમરીઓ ઉડતી જોતા થોડીવારમાં લાખો ડાંગર સેના સાથે આવી પહોચ્યા હતા.
રાજા શત્રુશલ્યને દેગામને ઘેરો ઘાલી બેઠેલો જોઈ લાખા ડાંગરે હકીકત જાણવાની કોશીશ કરતા તૈયારી કરી બેઠેલી પાટડી સેનાએ આક્રમણ કરતા દેગામમાંથી જગસા ડાંગર સાથીઓ સાથે યુદ્ધમાં ઉતરી પડ્યા હતા. જગસા ડાંગર યુદ્ધમાં ઉતરતા મરણીયા થયેલા આહીરોએ પાટડીસેનામાં હાહાકાર મચાવી દીધો હતો. તો બીજીબાજુ રાજા શત્રુશલ્યએ સંભરથી અચાનક પાછા ફરી દેગામ ઉપર આક્રમણ કર્યા અંગેની જાણ રાજમાતાને થતા તેઓ મારતે વેલડે યુદ્ધભૂમીમાં દોડી આવ્યા હતા. 

રાજમાતાએ યુદ્ધ મેદાનમાં પાટડીસેનાના અનેક સૈનિકો સાથે દેગામના આહીરોના મૃતદેહો અને અસંખ્ય લોકોને ઘાયલ હાલતમાં જોઈ ખૂબજ દુ:ખી થતા તાત્કાલીક યુદ્ધ રોકાવ્યું હતું. દેગામ યુદ્ધમાં પાટડીના રાજા સહિત સૈનિકોની મોટાપાયે ખુવારી થઈ હતી, તો દેગામના જગસા ડાંગર સાથે એકસો ચાલીસ (સાતવીસુ) આહીરો મરાયા હતા. 

ઝાલાવાડમાં આવેલા આહીરોના અઢારસો ગામોમાં દેગામ યુદ્ધની વીજળીવેગે વાત ફેલાતા આહીર સમાજ  દેગામમાં ભેગો થવા લાગ્યો હતો. યુદ્ધમાં ઘાયલ થયેલા આહીરોની સારવાર સાથે એકસો ચાલીસ શહીદોના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવતા લાખાસરના કાંઠે એકસો ચાલીસ ચીતાઓ ખડકી શહીદોના અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. અને એ સાથે સાતવીસુ સળગતી ચીતાઓની સાક્ષીએ જગમાલ કાનગડની આગેવાની હેઠળ દેગામનો બદલો લેવા પાટડી તરફ આહીરોએ કૂચ કરી હતી. 
આહીરો કાળજાળ થતા પાટડી આવી રહેલા હોવાના સમાચાર સાંભળી ચિંતાતુર થયેલા રાજમાતા કોઈને સાથે લીધા વગર એકલા વેલડામાં બેસી આહીરોને મળવા દેગામ તરફ સામે આવ્યા હતા. આહીરો પાટડીના સૈનિકોની જગ્યાએ રાજમાતાને એકલા આવેલા જોઈ ગમ ખાઈ ગયા હતા.



રાજમાતાએ આહીરોને ગુસ્સો થુંકી પાછા ફરવા વિનંતી કરી હતી, પરંતુ આહીરો રાજમાતાની કોઈ વાત ન માનતા તેમણે જગસા ડાંગર સાથે પોતાના ભાઈ-બહેનના સંબંધોની આંખોમાં આંસુ સાથે યાદ અપાવી પાટડીને માફ કરવા વિનંતી કરી હતી. રાજમાતાએ બહેન તરીકે વિનંતી કરતા ખાનદાન આહીરો વિવશ થઈ પાછા ફર્યા હતા. દેગામ પાછા ફરેલા આહીરો એકસો ચાલીસ શહીદોની વિધવાઓને જોઈ દુ:ખી થતા હવે શું કરવું ? તેવી મુંઝવણ અનુભવતા આહીર સમાજને દેગામમાં ભેગા કરવા ચારેબાજુ માણસો દોડાવ્યા હતા. દેગામમાં એકત્ર થયેલો આહીર સમાજ પણ ભાઈ-બહેનના સંબંધોની ઉપરવટ પાટડી ઉપર આક્રમણ કરવાના મત વિરુદ્ધ હતો, પરંતુ એ સાથે આવા વિશ્વાસઘાતના માહોલમાં ઝાલાવાડમાં રહેવું પણ તેમને આહીર ખમીર વિરુદ્ધ લાગતું હતું.

પાટડી રાજાનો દેગામ ઉપરનો કારમો ઘા આહીરોથી કેમેય ભૂલી શકાય તેમ ન હોય દુ:ખની ભારે લાગણી સાથે લાખાસરના કિનારે એકસો ચાલીસ પાળિયાઓ ઉભા કરી શહીદોને શ્રદ્ધાંજલી આપી. એ સાથે સૌએ ઝાલાવાડના અઢારસો ગામોના સામુહિક ત્યાગ અને દેગામ-પાટડીના અપૈયાના નિર્ણય ઉપરાંત એકસો ચાલીસ શહીદોની વિધવાના દુ:ખમાં સહભાગી થવા સમગ્ર આહીર સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા ઓઢણા સાથે હાથમાં રંગીન ચૂડીઓની જગ્યાએ સફેદ બલોયા પહેરવાનું ઠરાવ્યું હતું. જે સમય વિતતા આહીર સ્ત્રીઓમાં ઘેરા કાળા ઓઢણા અને હાથમાં સફેદ બલોયાનો રીવાજ બની ગયો હતો. 

આહીરોએ ઝાલાવાડમાંથી ઇસુની પંદરમી સદીના ત્રીજા દશકાના અંતભાગમાં સ્થળાંતર કરતા વાગડ, પ્રાથળ, મજોકાંઠા, સોરઠ, ચોરાડ વગેરે પ્રદેશોમાં જઈ વસ્યા હતા. તો ખમીરવંતી આહીર જ્ઞાતિ વગર નબળા પડેલા ઝાલા રાજવંશે સલામતીના કારણોસર પોતાની રાજધાની પાટડીથી માંડલ, માંડલથી  કચ્છના અખાતમાં આવેલ કંકાવટી અને કંકાવટીથી હળવદમાં વારંવાર ફેરવી પોતાની શક્તિ અને સામર્થ્ય ગુમાવતા તે નાના નાના અનેક રજવાડાઓમાં વિભાજીત થયા હતા.  


ઝાલાવાડના સ્થળાંતર પછી આહીરો જે પ્રદેશમાં વસ્યા તેના ઉપરથી સોરઠીયા, મચ્છુયા, બોરીચા, પ્રાથળિયા, ચોરાડા, વાગડીયા, પંચોળી, કામળીયા, વણાર, નાઘેરા જેવા અનેક વાડાઓમાં વિભાજીત થયા હતા.
To Top