કલાવીર_માનપુરા તા,થરા
ગૌમાતા_માટે_પ્રાણ_દેનારા_કલાવીર આહીર ક્ષત્રિય યોદધા,જે હિન્દવા પીર તરીકે પુજાય છે,
કાંકરેજીના છેવાડે, પોઢેલ કલોવીર.
ધાર્યા કામ આજેય કરે,પરગટ હિન્દવો પીર.
બનાસના કાંકરેજ તાલુકાના છેવાડે આવેલું નાનકડું ગામ એટલે માનપુરા આ માનપુરા ગામની સીમમાં નિજ્યા પંથના વિરલ સંતની સમાધિ જેવી સમાધિ જોવા મળે છે (જેમ કે શ્રી રામદેવપીર ખીમડીયો કોટવાળ સતી લોયણ લાખો) આવી જ સમાધિ અહીંયા જોવા મળે છે જે કલાવીર દાદા તરીકે ઓળખાય છે
ત્યાં જ બાજુમાં સતી માતાનું મંદિર આવેલું છે
આ કલાવીર દાદા ના ઇતિહાસ વિશે દરેક લોકો પાસેથી અલગ અલગ દંત કથાઓ સાંભળવા મળે છે ત્યારે આ વિષયમાં ઊંડા ઊતરી અને પૂરેપૂરું સત્ય લોકો સમક્ષ મુકવાનો મારો આ વિનમ્ર પ્રયાસ છે
કલાવીર દાદાના ઇતિહાસને બહાર લાવવા માટે હું ઘણો વર્ષોથી સંશોધન કરી રહ્યો હતો. ઘણા પુસ્તકોનો અભ્યાસ કર્યો. વંશાવલીઓનો પણ અભ્યાસ કર્યો પણ ક્યાંય થી આ કથા ના છેડા નહોતા મળતા આખરે કલા વીર દાદા ની પ્રેરણાથી મારા ઓગડ નાથની કૃપાથી ગૌરવ ગ્રંથ નામના પુસ્તકમાંથી કલાવીર દાદા વિશે થોડી થોડી આછેરી માહિતી પ્રાપ્ત થઈ જેના ઉપરથી આ જ આ કથા આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું
ગૌરવ ગ્રંથ મુજબ સવંત 1365 માં આ પ્રદેશ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો અહીં અરણ્યનાશા એટલે કે પર્ણાશા જે આજે બનાસ ના નામે ઓળખાય છે જેના કાંઠે વસવાટ કરતો વિસ્તાર એટલે આજનો બનાસકાંઠો
સવંત 1365 ના સમયમાં આ વિસ્તારમાં આભિર સમાજ ની વસ્તીનું અહીંયા પ્રભુત્વ હતું આભીર જે આજે આહીર તરીકે ઓળખાય છે છેક ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ સુધી આહીર વસાહતો હતી જેના પુરાવા અનેક ગ્રંથોમાં જોવા મળે છે
જેમાં થરા એ ભરવાડ આહીર રબારી આ સૌ ગોપાલક સમાજનું મુખ્ય શ્રદ્ધા કેન્દ્ર હતું અને સાડા પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરેલી જે ઝાઝાવડા ગ્વાલિનાથ તરીકે આજે પ્રસિદ્ધ છે.
સવંત 1365 નો સમય એટલે હિન્દુત્વની આકરી કસોટી નો સમય હતો એ સમયે દિલ્હીની ગાદીએ પાંડવોના પવિત્ર સિંહાસન ઉપર અપવિત્ર બાદશાહ અલાઉદ્દીન આરુઢ થયેલો અને આ ક્રુર બાદશાહે સમગ્ર ભારત વર્ષમાં હિન્દુ દેવ દેવીઓના મંદિરોનો વિધ્વંશ શરૂ કરેલો અને બળજબરીથી હિન્દુઓને મુસલમાન બનાવવામાં આવતા
ત્યારે ગોપાલક સમાજ ભરવાડ આહીર રબારી વગેરે સૌ થરા ઝાઝાવડા ની જગ્યામાં જસરાજ ઝાઝાવડાના નેતૃત્વમાં એકત્ર થયા અને એમાંથી સાત સતિયા ને સનાતનની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી એ સાત સતિયા ના નામો આ પ્રમાણે હતા
૧ જહરીઓ
૨ કલો
૩ મેવાડો
૪ જગો
૫ સિંધવો
૬ દુબળો
૬ ગોહિલ
જેમાં જહરીઓ જેના દીકરા ગમારા એ ગ્વાલીનાથ મહાદેવ ના શિવલિંગ ઉપર કમળ પૂજા કરી આત્મ બલિદાન દીધેલું અને દીકરાના મોતનો બદલો લેવા દિલ્હી જઈ જેને દિલ્હીના બાદશાહ કુતુબુદ્દીનનું મસ્તક કાપી લાલ કિલ્લા ઉપર થી યમુના નદીમાં ફેંકી દીધેલું
કુતબુદ્દીનનો બદલો લેવા ગ્યાસુદ્દીન તુગલકની આગેવાનીમાં દિલ્હીની ફોજે થરા ગ્વાલીનાથ મંદિર પર આક્રમણ કર્યું જેના રક્ષણ માટે જશરાજ ઝાઝાવડા સાથે પાંચ હજાર ભરવાડો એ વીરગતિ પ્રાપ્ત કરી હતી
બીજા સતિયા એટલે જગો
જગા નામના સતિયા એ એકલા હાથે વિશાળ તળાવ ગાળી અને પોતાની સિદ્ધિ દ્વારા એ તળાવને છલોછલ ભરી દીધેલું જે આજે થરામાં જાગોસર તળાવના નામે ઓળખાય છે
"જગા જાગોસર ગાળીયુ હતું ખાલી હજુર
અનગળ પાણી આવીયા ને ભરાણુ ભરપૂર"
હવે વાત આવે છે કલાની
"પીરસ્યું ઘી પંગત મહી વાડી ભરીને વીર
પચાસ હજારે પોગતુ કર્યું ધારે કલો રણધીર"
માત્ર એક વાડી ઘીમાં પચાસ હજાર ની પંગતને જમાડી હશે એ સતિયા કલા માં સિદ્ધિ કેવડી હશે?
આજ કલો પાછળથી કલા વીર તરીકે પ્રસિદ્ધ થયા.
આ સતિયા કલાનો નેહડો થરા થી બારેક કિલોમીટર દૂર હાલનુ માનપુરા ગામ છે ત્યાં હતો જ્યાં પોતાના કુટુંબીજનો સાથે રહીને ગૌપાલન અને ભગવત્ ભક્તિમાં દિવસો ગુજારતા હતા. સતિયા તરીકે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને તેઓ પરમાર્થના કામમાં લગાવતા.
એ સમયમાં મોટા પાયે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલતો પડોશના મુસ્લિમ સુબા દ્વારા હિન્દુઓને યેનકેન પ્રકારે મુસલમાન બનાવવામાં આવતા ત્યારે આ સતિયા એ સનાતન ધર્મની જાળવણી માટે ધર્માંતરણ કરતા હિન્દુઓને પરત લાવવાના અથાક પ્રયત્નો આદર્યા.
જરૂર પડે ત્યારે પોતાની સિદ્ધિઓ દ્વારા પરચા અને ચમત્કાર પણ બતાવતા
ધીરે ધીરે આ સતિયો કલો આ મુલ્લાઓની આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યો અને પછી તો છેક પાટણના દરબારમાં એ વખતના સુબા આલાપ ખાન સુધી આ વાત પહોંચી આલાપખાન એટલે સનાતન નો કટ્ટો શત્રુ
પાટણની ગાદીએ બેઠેલા અલાપ ખાનના ગલેફા માંથી હુકમ છૂટી ગયો
કોણ છે આ કલો? એને જીવતો કે મુવો મારી સામે હાજર કરો
ત્યારે બાજુમાં ઉભેલા મોલવી એ કીધું કે એ આહિર છે અને આહીરોને ગાય ઉપર બહુ મમતા હોય છે ગાયને એ માતાથી પણ વિશેષ માને છે એટલે એની ગાયોનું હરણ કરો. ગાયોને બચાવવા એ સામે ચાલી અને મોતના મોઢામાં આવી જશે
અને તરત જ યોજના બનાવવામાં આવી
બીજેદી કલાના નેહડાની દેવાંગી ગાવડિયો વગડે ચરી રહી હતી ત્યાં જ સુબાના માણસો એ ગાયોનું હરણ કરી પાટણની વાટ પકડી બે ચાર ગોવાળોએ સામનો કર્યો પણ ઝાઝા સૈનિકો સામે ટકી ન શક્યા
એક ગોવાળે માંડ માંડ જીવ બચાવી નેહડા ભણી દોટ મૂકી
જ્યાં સતિયો કલો હાથમાં માળા નો બેરખો લઈ તુહી ઠાકર તુહી ઠાકર ના જાપ જપી રહ્યા છે ત્યાં ગોવાળે આવીને કીધું કે કલા આપા આપણી ગાયોને ઓલ્યા પાટણના સપઈડા લઈ ગયા એટલું કહેતા ગોવાળના ખોળિયા માંથી પ્રાણ નીકળી ગયા.
ત્યાં તો કલા આપા ના હાથમાંથી માળા નો બેરખો છૂટી ગયો ધ્રખેલ ત્રાંબા જેવી આંખો થઈ રૂવાડે રૂવાડે આગ લાગી ને ત્રાડ નાખી ને કલા આપા એટલું બોલ્યા કે અમારા સાત સતિયા માંથી એક પણ સતિયો જીવતો હોય ને અમારી ગાય માતાનું રુવાડુય ખાંડુ થાય તો તો ધૂળ પડી અમારા જીવવામાં ,કઈ દિશામાં ગયા છે આ સપૈડા?
કે આપા ઉગમણી દિશામાં પાટણના મારગે
અને તરત જ હાથમાં બબ્બે ખુલ્લી તલવારો સાથે કલાઆપા ઘોડે સવાર થયા ઘોડાને એડી મારી પાટણના માર્ગે દોડાવ્યો
આ બાજુ યોજના મુજબ હળવે હળવે સુબાના સૈનિકો ગાયોને હાંકીને જઈ રહ્યા છે ત્યાં તો કલા વીર નો ઘોડો નજીક આવી ગ્યો કરાવીને છેટેથી ત્રાડ નાખી.
ખબરદાર જો એક ડગલું આગળ માંડ્યું છે તો ,છોડી દો અમારી ગાવડીઓને.
સપૈડા બધા ત્યાં ને ત્યાં જ થંભી ગયા એક સિપાહીએ પોતાની બકરા જેવી દાઢી પર હાથ ફેરવતા કીધું કે કોણ છે તું પાછો વળી જા નહિતર વેતરાઈ જઈશ
કલાવીરે કીધું કોણ વેતરાહે એની હમણાં જ ખબર પડી જાહે
કદાચ મને ઓળખતા નથી હું એ સાત સતિયા માયલો સતીયો છું અમારા એક સતિયા જહરિયાએ તમારા કુતબુદ્દીન એના જ મહેલમાં જઈ અને વેતરી નાખેલો.
એટલે કોણ? સિપાઈ સાલારે કીધું
હું એ સાથ સતિયા માયલો એક સતિયો કલો છું
હા કલા તારો બંદોબસ્ત કરવા તો અમારા સુબા આલાપખાને અમને અહીં મોકલ્યા છે તું અમારા સુબાને કણાની જેમ ખટકે છે આજ તારો કાળ બનીને અમે અહીં આવ્યા છીએ
કોણ કોનો કાળ બનશે એની તો હમણાં ખબરુ પડી જશે
અને જેમ દક્ષના યજ્ઞને રગદોળવા વીરભદ્ર નામનો ગણ ઊતર્યો હોય એવું સ્વરૂપ લઈને કલોવીર રડે ચડ્યા હાથમાં રહેલી બબ્બે તલવારો બરક બરક ફરી રહી છે ઘડીના છઠ્ઠા ભાગમાં તો દોઢસો વીધર્મીઓના ડોકા ઉડાવી દીધા પાછળથી કલાપીરની પીઠમાં એક કસાઈએ ખંજર માર્યું પછી અભિમન્યુની જેમ ચારેય બાજુથી ઘેરીને એક પછી એક તલવારો ભાલા અને બરછી જેવા અનેક શસ્ત્રો કલાવિરના શરીરમાં પરોવી દીધા તેમ છતાં પણ કલાવીર વિધર્મીઓ પર ઘાયલ થયેલા સાવજ ની જેમ તૂટી પડ્યા કલાવિરનું રોદ્ર સ્વરૂપ જોઈ જેટલા બચ્યા તેટલા જાન બચાવી ભાગી છૂટ્યા
આ બાજુ કલાવીર જેના શરીર ની આરપાર ભાલા બરછી તલવાર જેવા અનેક શસ્ત્રો પરોવાયેલા હોવા છતાં ત્રાડ નાખી શત્રુઓને પડકારી રહ્યા છે ત્યાં તો થોડી જ વારમાં નેહડાના માણસો આવી ગયા.
કલાવીરને પાણી પાયું
કલાવીર એટલું બોલ્યા જોઈ લો ભાઈઓ આપણી બધી એ ગાવડિયું હેમખેમ છે ઇ કસાઈઓ ઉભી પૂંછડીએ ભાગી ગયા
હા આપા પણ આપની આ હાલત?
હમણાં જ વૈદને બોલાવીએ આપને સાજા કરી દઈએ
ના ભાઈ મારો સમય હવે પૂરો થયો છે
હું આ શરીર છોડી રહ્યો છું દેહ તો નશ્વર છે પ્રત્યક્ષ રૂપે હું ભલે ના રહું પરંતુ પરોક્ષ રીતે અહીં કાયમ મારો વાસ રહેશે
જે ધરતીના ખોળે જન્મ લીધો છે એ જ ધરતીમાં મને સમાધિ આપજો ,મારું વચન છે જ્યારે પણ કોઈ ભક્તને ભીડ પડે તો મારી સમાધિએ આવી સાચા હૃદયથી મને પોકારશે તો હું જરૂર એની મનોકામના પૂર્ણ કરીશ.
આટલું કહી કલાવીરે નશ્વર દેહનો ત્યાગ કર્યો
બીજેદી આજુબાજુના તમામ નેહડા અને ગામડામાંથી હજારો માનવ કલાવીરને વિદાય આપવા આવ્યા છે કલાવીર વીરની સાથે સિદ્ધ સતિયા પણ છે એટલે સર્વાનુમતે સમાધિ આપવાનો નિર્ણય લેવાયો ઢોલીઓના ઢોલના નાદ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા નરનારી અબાલ વૃદ્ધ સૌ કલાપીરનો જય જય કાર કરી રહ્યા છે સનાતન પરંપરા ના સંતોની હાજરીમાં વિદ્વાન બ્રાહ્મણો ના વૈદિક મંત્રોચ્ચાર સાથે સિદ્ધ સતિયા કલાવીરને સમાધિ આપવામાં આવી.
સમય જતા સમાધિ સ્મારકને જાળવવા માટે બુદ્ધિશાળી લોકો દ્વારા એના ઉપર એક મજાર બનાવવામાં આવી જેનાથી મુસ્લિમ આક્રમતાઓ થી તેને બચાવી શકાય (જેમકે ડાકોર રણછોડરાય મંદિરને મસ્જિદના મિનારા જેવો આકાર આપવામાં આવ્યો હતો)
ધીરે ધીરે સિધ્ધ સતિયા કાલવીર ની સમાધિએ આવતા લોકોની મનોકામના પૂર્ણ થવા લાગી આ સમાધિ આસપાસના લોકોની શ્રદ્ધા કેન્દ્ર બની ગઈ.
કલા વીર ની સમાધિની બાજુમાં જ એક સતી માતાનું મંદિર આવેલું છે કહેવાય છે કે એ વખતના શાસકના અન્યાય અને જુલમ સામે એક આહિરની સ્ત્રીએ પોતાનું લોહી છાંટી બલિદાન લીધેલું જે આજે સતી માતા તરીકે હાજરાહજૂર પરચા પુરે છે
આ ઘટના બન્યા પછી આહીરોના અંતર કકળી ઊઠ્યા અને આહીરોએ આ ધરતી છોડી કચ્છ અને સૌરાષ્ટ્ર ભણી પ્રયાણ કર્યું
ત્યારબાદ આ જગ્યા નિજ્યા પંથના સંતોએ સંભાળી તેનું જતન કર્યું અને કલા વીર ની જગ્યાએ કલાપીર શબ્દથી આ સમાધિ સ્થાન ઓળખાવા લાગ્યું.
સવંત 1615 માં રાણકદેવ વાઘેલાના વંશજ આંબાજી વાઘેલાએ અહીં બાજુમાં ઉણ ગામની સ્થાપના કરી અને તેમના કુંવર માનસિંહજી વાઘેલાએ અહીંયા એક નાનકડી ગામડી વસાવી જેનું નામ માનપુરા રાખવામાં આવ્યું.
અને એ માનપુરા ગામમાં વસવાટ કરતા તમામ લોકોએ કલાવીર દાદા ને પોતાના ઈષ્ટદેવ માની પૂર્ણ શ્રદ્ધાથી આ જગ્યા સાથે પોતાનો નાતો જોડ્યો.
માનપુરા ગામના લોકો છેલ્લા 400 વર્ષથી કલાવીર દાદાના થાનકે પરંપરાગત રીતે ઉત્સવો ઉજવે છે.
દર બેસતા વર્ષે આજુબાજુ માંથી હજારો ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે થી આવે છે.
અષાઢવદ પૂનમના દિવસે માનપુરા ગામના તમામ લોકો ભેગા મળી ઉજાણી કરે છે સંયુક્ત પ્રસાદ બનાવી અહીં ભોજન પ્રસાદ લે છે અને પ્રસાદ વહેંચે છે.
ગામમાં જેટલા પશુ એટલા શ્રીફળ અહીં દાદાને ધરાવે છે અને એ દિવસે દૂધ પણ અહીં દાદા ના થાનકે વાપરવામાં આવે છે.
દર પુનમે અહીં યજ્ઞ કરવામાં આવે છે દર શુક્રવારે લોકો અહીં અચૂક દર્શને આવે છે
અહીં શ્રદ્ધાપૂર્વક રાખેલી માનતા જરૂર ફળે છે કેન્સર જેવી અસાધ્ય બીમારી પેટની ગાંઠ અને અન્ય રોગો મટાડ્યાના અનેક દાખલા અહીં ગામ લોકો પાસે સાંભળવા મળે છે
અહીં પોતાના પશુઓ માટે પણ માનતા રાખવામાં આવે છે.
ગામ લોકો કહે છે કે એકવાર મુંબઈના કોઈ ભક્તે માનતા માની તેનું કામ પણ થયું પછી એ માનતા પૂરી કરવા માનપુરા દાદા ના થાનકે આવ્યા દાદા ને લાડુનો પ્રસાદ ધરાવ્યો એ વખતે એવી માન્યતા હતી કે દાદા ને ધરાવેલો પ્રસાદ ત્યાં ને ત્યાં જ વહેંચી નાખવો બહાર લઈ જઈ શકાય નહીં અને આ વાતથી અજાણ આ મુંબઈના ભક્ત પ્રસાદ લઈ અને સ્થાનકની બહાર નીકળી ગયા અને ઘેર જઈ ને જોયું એક એક લાડુ પથ્થર નો બની ગયો પછી પાછા માનપુરા આવી દાદા ને ક્ષમા યાચના કરી અને ફરીથી લાડુનો પ્રસાદ બનાવી દાદાને ધરાવી અને ત્યાં જ વહેંચી દીધો અને પેલા પથ્થર બનેલા લાડુ આજે પણ દાદા ના સ્થાનકમાં મોજુદ છે.
એવો જ એક બીજો પરચો સાંભળવા મળે છે કે દાદાના પરિસરમાં ઉગેલા એક ખીજડાના ઝાડનું લાકડું કાપી ને એક ખેડૂત પોતાના ગાડાનો સમાર બનાવવા લઈ ગયેલો સમાર બનાવ્યા પછી મહિના બાદ એ સમારમાંથી લીલી કુંપળો ફૂટી ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ.
આવા અનેક પરચાઓ લોકમુકે સાંભળવા મળે છે અત્યાર સુધી માત્ર કલાવીર દાદાનુ સમાધિ પરિસર જ હતું
સવંત ૨૦૬૯ ના માગસર સુદ બારસ તેરસ અને ચૌદસ તારીખ 22 ,23 ,24 ફેબ્રુઆરી 2013 ના રોજ દાદા નો ભવ્ય શિખરબંધ મંદિર બંધાવી અને એમાં કલા વીર દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આજે શિખર બંધ મંદિરમાં વિરતાના દર્શન કરાવતા ઘોડેસ્વાર દાદા કલા વીર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
માનપુરા ગામ અને ટ્રસ્ટી મંડળ દ્વારા દાદા ના સ્થાનકને ખૂબ જ રમણીય બનાવવામાં આવ્યું છે દૂર દૂરથી આવતા ભક્તોને ત્યાં રૂડો આવકાર મળે છે ખૂબ જ સુંદર રીતે મંદિરનુ વ્યવસ્થાપન કરવામાં આવે છે અને એનો પારદર્શક વહીવટ ઊડીને આંખે વળગે તેવો છે.
આ કથામાં વખત જતા અતિશયોક્તિના અંશો ભલે ઉમેરાયા હોય પણ સનાતન ધર્મની ધજા માટે દેવાયેલ બલિદાન સદાય મારા અને તમારા જીવનને પ્રેરણા ની ચિનગારી રૂપે ઉજાળીયા જ કરશે
એ જ અભ્યર્થના.....
આપનો દિપક જોષી લોક સાહિત્યકાર થરા
આ પોસ્ટ કોપી પેસ્ટ કરવાની છૂટ છે પણ લેખકનું નામ કાપ્યા વગર કારણકે આ લખવામાં ખૂબ મહેનત થાય છે અને બીજાની મહેનતને પોતાના નામે ન ચડાવાય
જય કલાવીર દાદા જય જસરાજ ઝાઝાવડા જય ઓગડનાથ,આહીર ક્ષત્રિય આપા,સંકલન કર્તા,લોકસાહીત્કાર દિપકભાઇ જોષી ,થરા,