વાગડના શૂરવીર કુંભોજી ગોહિલ રુંભોજી ગોહિલ
કચ્છનો પુર્વનો પહેરેદાર એટલે વાગડ પ્રદેશ અને આજે વાત કરવી છે વાગડ પ્રદેશની વાગડના ભીમાસરના રાજપુતો રાયધણજીના સમયમાં રાજભોગ ભરતા નહિ એટલા માટે એ સમયના સર સેનાપતિ જમાદાર ફતેહમામદને વાગડના ભીમાસર રાજપુતો પાસે કર ભરાવવા માટે જમાદાર ફતેહમામદ એક એક ગામધણી ઉપર જુલમ ગુજરતો વાગડ પવેશે છે.વાગડમાં જમાદાર ફતેહમામદ એ બાદરગઢ અને ફતેહગઢ એ બે ગામ પોતાના નામ પરથી વસાવેલ છે અને જમાદાર ફતેહમામદ ને કચ્છનો ક્રોમવેલ તરીકે ઓળખવામાં આવે છે!બાદરગઢથી ફતેહગઢ જતી વખતે વચ્ચે આવતા ગામોની ગાયો જમાદાર ફતેહગઢ લઈ જાય છે એમાં વચ્ચે ભીમાસર ગામ આવતા ભીમાસરની ગાયો ફતેહમામદ વારે છે! જે સમયે ભીમાસરમાં કાળુભા ગોહિલની(કલાજી) વારી ચાલતી હતી કાળુભાને જવામર્દ ત્રણ દીકરા કુંભોજી,રુંભોજી અને હામરોજી જ્યારે ગામની ગાયો હરાણી (હરાણી એટલે લઈ ગયા) ત્યારે કાળુભા લોકાઈ પ્રસંગે ગામતરે ગયેલ પણ એમના જવામર્દ દીકરા કુંભોજી અને રુંભોજી ઘરે હાજર હતા!ત્યાંતો ગામમાં બુગીયો ઢોલ વાગ્યો થાજો વારે.. ત્યાંતો કુંભોજી અને રુમ્ભોજી એ પોતાની કેહર નામની ઘોડીઓ માથે સવાર થઈ વારે ચડ્યા.
*હરીયલ ઘરે ના હોય,ફળીયા માં કુંજર ફરે,પછી એને વયની વાટુ નો હોય,કેહર બચ્ચા ને કાગડા,*
સત્તર અઢાર વર્ષના કુંભોજી અને રુમ્ભોજી પોતાની એળીના(ઉમરના) યુવાનીયાઓને સાથે લઈ વારે ચડયા છે! ગામના પધારમાં જ જબર ધીંગાણું જામ્યું છે! ફતેહમામદની સામે ફોજમાં પણ ઘણાં માણસો હતા પણ રાજપુતોની અપૂર્વ વીરતા જોઈ ફતેહમામદ ગામની ગાયો પાછી વાળી આગળ ચાલતો થયો પણ આ ધીંગાણામાં કુંભોજી અને રુભોજી બન્ને ભાઈઓ કામ આવ્યા અને ગાયો માટે થઈને વીરગતિ પામ્યા!
*ભીમાસર કેરે પાદરે,જો ન હોત ગોહિલ બાળ,*
*ભંગાત તારું ભીમાસર,ભર બપોરે ભીમડાં,*
(હે ભીમાજી મકવાણા જો આજ ગોહિલ બાળ હાજર ન હોત તો તારા આબાદ ગામને દુશમનો ભાંગી જાત)
કુંભાજી અને રુમ્ભાજી ગોહિલનો વાગડ પંથકમાં એમનાં નામનો એક રાસડો પણ ગવાતો જે હાલમાં લૂંપ્ત થઈ ગયો છે!
કાળુભા ગામતરેથી ઘરે પહોંચતા પહેલા ખબર મળ્યા કે કુંભોજી અને રુભોજી ગાયોની વારે ચડી કામ આવ્યા છે!અને દુશ્મનની ફોજ હજી ગામના સીમાડા વટી નથી પોતાના દીકરાઓ એ આજે બાપનું કામ કર્યું અને ગામની ગાયો બચાવી એ વાતનું સુરાતન ચડ્યું અને તરત જ કાળુભા એ પોતાની ઘોડીથી દુશ્મનનો પીછો કરી ભીમાસરના ભગોળા વિસ્તારમાં દુશ્મનોને આબી જઈ ને મોટું ધીંગાણું કર્યું કઈક દુશ્મનના માથા વાઢી કાળુભા ગોહિલ પણ ધીંગાણામાં કામ આવ્યા અને કાળુભાના કામ આવ્યા પછી એમના સાળા પતાજી ધીંગાણીની ગામમા વારી આવી (વારી એટલે ત્યારે ગામના મુખ્ય કર્તાહર્તા) એમને કાળુભાના નાના દીકરા હામરાજી એ મોટા કરેલા હામરોજી મારી નવમી પેઢીએ દાદા થાય છે!વાગડ વિસ્તારમાં ગામડે ગામડે અનેક ઇતિહાસ સંઘરાઈ ને બેઠા છે!
*નરેશસિંહજી ગોહિલ(વાગડ)*