સંત ધનસુખનાથ બાપુ
જેમનો આશરા ધર્મ વિખ્યાત છે, એવા આહીર સમાજના એક તપસ્વી બાવલીયાના જીવન દર્શન વિષે આજે વાત કરવી છે.
જામનગર જીલ્લાના જામખંભાડિયા તાલુકામાં આહીર સિંહણ નામના રળિયામણા ગામમાં આજથી સાઇઠ વર્ષ પહેલાં ઇ.સ. ૧૯૫૮ માં એક બાળકનો જન્મ થયો, માતા અમરીબેન અને પિતા અરશીભાઈ કરમુરને ત્યા પુત્ર જન્મની વધાયુ આપવા આખું ગામ ઉમટયું છે. ફઇબાએ નામ પાડ્યું ગોગન નાનકડા ગામમાં હરખ સમાતો નથી. તેજસ્વી મુખમુદ્રા. કેરીની ફાડ જેવી આંખો ગૌરવર્ણ ભવ્ય, દિવ્ય અને વિશાળ લલાટ જાણે કે જન્મથી જ ભગવા ભેખ માટે જન્મેલો આ બાળક સૌને અનહદ વાલો લાગે છે. મોસાળનું ગામ સામોર મામાનું નામ ડાડુભાઈ રાજાભાઈ ગોજીયા.
અરશીભાઈને આંગણે સાધુ-સંત ભગત-ભિખારી જમ્યા વિના ન જતા. ઉદાર દિલના આહીરના હૈયામાં હરખની હેલી ઉપડી છે. એક દિવસ ગોરદાદાએ કીધું આ બાળકના લલાટમાં ભગવો ભેખ લખ્યો છે,
"બ્રહ્ય_વાક્ય_જનાર્દનમ્" માતા અમરીમાં વ્રત, નિયમ ધ્યાન ધારણા, પૂજાપાઠ અને ભજન કિર્તનમાં મસ્ત રહેતા નાનકડા બાળકને સૌ "ભગત" કહીને જ બોલાવતા. ભગત વાડીએ જ રહેતા ફક્ત કોથળો પહેરતા. નાનકડો સુંદર ધુણો બનાવી પૂજા કરતા. ભોંય પથારીએ સુતા. વાડીએ સાધુ-સંત સત્સંગી ભાઈ બહેનો ભજન કરતા.
અઢાર વર્ષની ઉંમરે ભગતે કહ્યું બાપા ! મારે સાધું થવું છે. માં મને મંગલનાથ બાપુ પાસે જૂનાગઢ લય જાઓ - મારે બાપુની સેવા કરવી છે.
માતા_મળી_મહાન જેવી પામ્યા ગોપીચંદ હાથે પકડી સોંપીયો, મંગલનાથને અંકહે મુરલીધર ! હે ભોળાનાથ ! હે માં કૂળદેવી ! અમારા દીકરાને નવ નાથ માયલો નાથ બનાવજે. કરમુર આહીર કૂળ ઉજાળે, નામ રોશન કરે એવો બાવલિયો બનાવજે. આવી અંતરનાં ઉંડાણથી પ્રાર્થના કરી માં-બાપ વતન જવા ઉપડયા.
ઇ.સ. ૧૯૭૬ માં અઢાર વર્ષની ઉંમરે મંગલનાથ બાપુની આજ્ઞાથી યોગીરાજ નેમીનાથે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ગોગનને નાથ સંપ્રદાયની દિક્ષા આપી ગુરુ મંત્ર આપી. ભગવા ધારણ કરાવી "ધનસુખનાથ" નામ આપ્યું. સંતવાણીની ઠોર બોલતી હતી. દૂરદૂરથી ભજનના "મારે લલાટે લખેલો ભગવો ભેર રે ભરથરી". થોડા વરસ જૂનાગઢ મુકામે સેવા કરી ગુરુ મહારાજ નેમીનાથ બાપુની સાથે ધનસુખનાથ બાપુ સાવરકુંડલા તાલુકાના ઠવી વીરડી નાળ - ગામના ત્રિભેટે આવેલી "બાપુની મઢી" યે આવ્યા.
બાર વરસ સતત ગૌ સેવા - ગુરુ સેવા - માનવ સેવા કર્યા બાદ ગુરુકૃપાથી ઓઘડ સુખનાથ "દર્શનયોગી" બન્યા મહારાષ્ટ્રના મછન ગામના મહંત રવિનાથજીએ ધનસુખનાથના કાન ફાડી, શિરાગુરુ બન્યા, ત્રણ બાજુ ધારવાળી ધારદાર છરીથી ઓઘડનાથના કાન ફાડવાની વિધિ પણ કાળજુ કંપાવી નાખે એવી હોય છે.
નવ દિવસ નવ રાત એકાંતમાં રહેવાનું હોય છે.
દર્શની યોગી બન્યા પછી ધનસુખનાથજીએ કઠિન તપશ્ર્રર્યા શરૂ કરી. અષાઢ શુદ અગિયારસથી મહાશિવરાત્રી સુધી નિદ્રાનો પણ ત્યાગ કર્યો. ફરાળ પણ નહી કરવાનું. સતત ધ્યાન અને ભજનમાં મશગૂલ રહેવા લાગ્યા. છતા ગૌ-સેવા ગુરુ સેવા, મંગેલેશ્ર્વર મહાદેવની આરતી વગેરે તમામ કાર્ય શરૂ રાખ્યું. ગુરુ મહારાજના સાનિધ્યમાં રહી, ગુરુ શિષ્ય સાથે રહી "મહાકાળી આશ્રમ" મંગલેશ્ર્વર મહાદેવનો અદ્ભૂત સેવા કરી ગુરુ મહારાજ "નેમીનાથ બાપુ" સાત વર્ષ પહેલાં કૈલાસવાસી બન્યા છે.
તા. ૩૦-૮-૧૮ નાં રોજ સાતમી પૂણ્યતિથિ નિમિતે સંતવાણીનું ભવ્ય આયોજન મહાકાળી આશ્રમે રાખવામાં આવ્યું હતું.