વાગડનું પ્રખ્યાત સૂર્યનારાયણ મંદિર માખેલ

વાગડનું પ્રખ્યાત સૂર્યનારાયણ મંદિર માખેલ

Bipinladhava
વાગડનું પ્રખ્યાત સૂર્યનારાયણ મંદિર માખેલ

રાપર તાલુકા મથકથી ૪૬ કિમીના અંતરે કર્કવૃત્ત ઉપર અને નેશનલ હાઇવે ૨૭ની બાજુમાં સૂર્યનારાયણ મંદિર આવેલું છે. જેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. ભૂતકાળમાં જઈએ તો માખેલ સૂર્યમંદિર સૌ પહેલા કાઠીઓએ બંધાવેલું જે બે માળનું ભવ્ય સૂર્યમંદિર હતું. જ્યારે મુસ્લિમ આક્રાતા મહંમદ ગઝનવી વિક્રમ સવંત ૧૦૩૦ માં સોમનાથ ચડી આવ્યો ત્યારે ભીમદેવ સોલંકીએ કંથકોટ ખાતે આશરો લીધો તે પગેરું લેતો આવતો હતો ત્યારે રસ્તામાં વચ્ચે માખેલ સૂર્યમંદિરનો નાશ કર્યો તે બાબતે "શ્રી સૂર્યભક્ત ત્રિકમરાય" પુસ્તકમાં લખેલ છે કે કાઠી ડાયરો બેઠો છે ત્યાં એક ઘોડે સવાર મારતે ઘોડે આવી પહોંચે છે અને તરત બોલે છે કે સાવધાન! યવનો આવે છે. આ સમાચાર સાંભળી તરત કાઠી ડાયરાએ આસપાસમાં ખેપિયા દોડાવ્યા " મંદિરની વ્હારે આવો, યવનો આવે છે. સંદેશા આસપાસ પ્રસરી જતા ખમીરવંતા રાજપૂતો સાથે વાઘેલા દરબારો આવ્યા, અડીખમ આહીરો સાથે આડેસર થી જાડેજા આવ્યા, આજુબાજુના નેસમાંથી ચારણો આવ્યા, પૂજારી સાથે બ્રાહ્મણો પણ શસ્ત્ર સજી તૈયાર થઈ ગયા. બધાજ મંદિરના ચોકમાં ભેગા થઈને નક્કી કર્યું કે મંદિરનો એક પત્થર ડગવા નહિ દઈએ જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે. સૌ પૂજારીજીની આગેવાની નીચે કેસરીયા કરવાનું નક્કી કર્યું અને સવા પાંચસો યોધ્યાઓ કેસરીયા કરવા થનગની રહ્યા હતા. 


બીજા દિવસની સૂરજ રક્તરંગી ઊગ્યો અને સૂરજે પોતાના રક્તરંગી કિરણો રૂપી છાંટથી વોરોને વધાવ્યા અને ચારેબાજુથી નારાઓ ગુંજી ઉઠ્યા "સૂર્યનારાયણનો જય" અને યવનો આવતા જ યુદ્ધ થયું યોદ્ધાઓ ગઝનીની સેના સામે ટકી ન શક્યા અને મંદિર નજીક પહોંચ્યા ત્યારે બ્રાહ્મણ, આહીર, ચારણ, ક્ષત્રિયોની વીરાંગનાઓ મંદિર ફરતે કોટ રચીને રક્ષા કરતી ઊભી છે અને રણચંડી થઈને સૌર્ય બતાવીને તેમના પતિદેવો પાછળ સ્વર્ગે સિધાવી હતી. માત્ર સાત ચંડિકાઓ બચી જેમણે આગળનો મોરચો સંભાળ્યો જેમાં મુખ્ય પૂજારીની પત્ની ગોરાણી ધનબાઈ અને અમર કાઠીયાણીએ પૂર્વ બાજુનો મુખ્ય દરવાજો સંભાળ્યો જ્યારે ચારણ સોનબાઈ અને વાઘેલી રાજબાએ ઉત્તર બાજુ સંભાળી જ્યારે સેજલ બ્રાહ્મણી અને કનકબા જાડેજાએ દક્ષિણ બાજુ સંભાળી જ્યારે પશ્ચિમ દિશા એકલી જેઠી આહીરાણીએ સંભાળી અને એક એક વિરાંગનાએ સાત વિશું માથાઓ ઉતારીને સ્વર્ગે સિધાવી હતી. આ બાજુ સૈન્ય મંદિરને તોડીને કંથકોટ માર્ગે ગયું હતું.

માખેલમાં આવેલું ભવ્ય સૂર્યમંદિર તોડ્યું ત્યારે સૂર્યમંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યું જેમાં સૂર્યમંદિરના મુખ્ય પૂજારી વ્રજઋષિ બ્રાહ્મણ હતા જેમનો પરિવાર યુદ્ધમાં કામ આવ્યો માત્ર તેમના પુત્રવધુ પાર્વતી જેમને આ યુદ્ધના બે માસ પૂર્વે પુત્ર જીવનેશ્વરનો જન્મ થયો એટલે આણે ઝિંઝુવાડે ગયેલા તેમને સમાચાર મળતા તેમના મનેલા ભાઈ ખેતા રબારીને લઈને ભાઈ બહેન ઊંટ પર માખેલ આવવા નીકળે છે પણ અહીંયા આવતા જ મડદાના ઢગલા જોયા જેમાં એક કણસતો અવાજ સાંભળીને ત્યાં ગયા તો વ્રજઋષિ મળી આવ્યા અને બદકમાંથી પાણી મુખમાં રેડ્યું અને અસ્પષ્ટ હોઠોમાંથી બબડાટ બહાર આવ્યો અને બોલ્યા કે આ મંદિર મારા દાદાનું મંદિર ત્યાં સામે તેમણે કહ્યું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે મારો વંશજ સૂરજ દાદાનું મંદિર ઉભુ કરશે ત્યાં જ વ્રજઋષિનો આત્મા દાદા સૂરજના તેજમાં વિલીન થઈ ગયો. ઋષિરાય બ્રાહ્મણનો દીકરો ત્રિકમરાય સતત ખોવાયેલા ખોવાયેલા રહેવા લાગ્યા ત્યારે તેમના તેમના માતૃશ્રી અમરીમા એ પૂછ્યું બેટા કેમ તું આવી રીતે હમણાં રહે છે ત્યારે તે કહે છે કે મને રાત્રે ઉંઘ આવતી નથી જાણે કે કોઈ સાદ પાડે છે કે ઉઠ બેટા! તારા પૂર્વજોનું સ્વપ્ન પૂર્ણ કર મારે તારા હાથે પુજાવુ છે અને ત્યાં મારી ઊંઘ ઉડી જાય છે. ત્યાં એક ઉટ સવાર ઘરે આવે છે જેનું નામ છે ઉગરાભા ચારણ જેઓ તેમના ગોર ઋષિરાયને મળવા આવ્યા છે અને કહ્યું કે ગલઢેરા મથર બાપા તમને ખૂબ સંભારે છે. ચારણે કહ્યું કે બધાજની ઈચ્છા છે કે ગોરભા નેશમાં વાગડ આવે તો સારું કોઈ પ્રસંગે દૂરથી બોલાવવા ન પડે તો તમારા માલ સાથે અમારા નેસમાં વાગડ રહેવા આવો એવી સૌની મરજી છે.

વ્રજઋષિ વંશમાં સાતમી પેઢીએ રખીયો જેમનું સાચું નામ ઋષિરાય બ્રાહ્મણ હતું તેઓ ઝીંઝુવાડાથી વિક્રમ સવંત ૧૨૮૫ કારતક સુદ-૫ ના તેમના પૂર્વજોની ભૂમિ વાગડમાં પાધરોડ ખાતે સૌ પ્રથમ રહેવા આવ્યા તેઓ ઉગરાભા ચારણના નેસથી એકાદ ગાઉં દૂર પૂર્વમાં પોતાનો નેસ બનાવીને રહેવા લાગ્યા તેમના પુત્ર ત્રિકમરાયને દિવ્ય સંકેતો થાય એટલે રાત્રે જાગી જાય અને તેમના પૂર્વજોએ આપેલા બલિદાન ખાતે ખંડેર સૂર્યમંદિરના અવશેષો પર જાય અને ત્યાં ધ્યાનમગ્ન થઈ જતાં અને આખરે સૂર્યનારાયણ સપનામાં આવીને રાત્રે ઊઠાડીને કીધું કે સૂરજધારના નૈઋત્ય ખૂણામાં એક બખોલમાં મારી મૂર્તિના અવશેષો છે જે ટુકડાઓ સજોડીને મારી મૂર્તિને મૂળ જગ્યાએ સ્થાપિત કર એટલે સ્વપ્નમાં દર્શાવી જગ્યા જઈને જોયું તો સૂર્યની મૂર્તિના ટુકડા મળ્યા જેમાં મૂર્તિના હાથ અને મુખ ન મળવાથી તેઓ સવાર સુધી ગોતતા રહ્યા ત્યાં સવાર થઈ ગઈ અને તેઓ નેસમાં આવ્યા અને ઉગરાભા ચારણને વાત કરી તો તેમણે કહ્યું કે અહીંયા ખંડેરોમાં નાના બાળકો ટુકડાઓ થી રમતા એટલે થયું કે મૂર્તિનું અપમાન કહેવાય  એટલે મે જ ત્યાં ગુફામાં સતાડ્યા હતા. મૂર્તિના હાથ અને મુખ મળ્યા નહિ એટલે ચારણની આજ્ઞાથી ઝાલાવાડના કોઈ અનામી કારીગર પાસે રેતિયા પથ્થરમાં ખાચ કરીને બધાજ અવશેષો જોડીને તેમાં નીજમુખ અને હાથ જોડીને મૂર્તિ બનાવી અને ઓરડો ઓસરી વારા ગાર માટીના મકાનમાં વિક્રમ સવંત ૧૨૮૫ અષાઢ સુદ ૨ ના મૂર્તિની સ્થાપના કરવામાં આવી ત્યારથી માખેલના મઢવીઓ મેડી બનાવતા નથી આ પરથી મેડીવારાની મેડી બનાવવાની પ્રતિજ્ઞા કલ્પી છે અને મઢવી  પેટા અટક મેડી પરથી પડી છે તેવું અમૃતલાલ છગનલાલ બારોટના ચોપડામાં નોંધ જોવા મળે છે.

સૂર્યનારાયણ મંદિર માખેલ ૨૦૦૧ ના ગોઝારા ધરતીકંપ પહેલાં નળિયા વારું અને ચડવા માટે સીડી અને સીડીની બન્ને બાજુ મોટા પ્રમાણમાં પાળિયા હતા પરંતુ ધરતીકંપમાં મંદિરને નુકશાન થવાથી શ્રી સૂર્યનારાયણ મંદિર માખેલ શીલારોપણવિધિ વિક્રમ સવંત ૨૦૫૯ વૈશાખ સુદ ૬ ને બુધવાર તારીખ ૭/૫/૨૦૦૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટના શ્રી રમણીકલાલ કાળાભાઈ મઢવીના શુભ હસ્તે થયેલ છે. આ મંદિર વિશાળ બે માળનું બનાવેલ છે જેમાં નીચે માખેલ ગામના સ્થાપક ત્રિકમરાય દાદાનું મંદિર તેમની બાજુમાં સૂર્યની અલગ અલગ સમયની ખંડીત મૂર્તિઓ જોવા મળે છે અને એક તાજેતરમાં તળાવ ઊંડું કરતા આરસ પથ્થરની સૂર્યના પત્નીની મૂર્તિ હોય એવું લાગે છે તે પણ ત્યાં રાખવામાં એવી છે. ત્રિકમરાય દાદાના મંદિર સામે મોટા પ્રમાણમાં પાળિયો જોવા મળે છે અને ઉપર સૂર્યનારાયણ મંદિર જ્યાં સૂર્ય ઉગતા સીધા કિરણ સામે સૂર્યનારાયણ મૂર્તિ ઉપર પડે છે. ધરતીકંપ પછી સૂર્યમૂર્તિના મુખમાં નવું બનાવેલ છે,જ્યારે સૂર્યમૂર્તિનું મુખ્ય મુખ મૂર્તિની બાજુમાં રાખવામાં આવેલ છે. સૂર્યમંદિર પાછળ રાખીયાસર તળાવ જેમાં આવેલા કૂવામાંથી પૂજારી જલ લઈને સૂર્યનારાયણને ચડાવે છે આ તળાવ મંદિરનું છે. સૂર્યમંદિર પાસે શિવ મંદિર પણ આવેલું છે અને મંદિરના પાછળના ભાગે જ્યાં જૂનું ગામ હતું તેના અવશેષો જોવા મળે છે. સૂર્યનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખશ્રી દિપકભાઈ મઢવી મંત્રી નાગજીભાઈ મઢવી અને માખેલના સરપંચશ્રી ભરતભાઈ મઢવી જણાવે છે કે નેશનલ હાઇવે ૨૭ ઉપર આવેલું આ ઐતિહાસિક સૂર્યમંદિર ગુજરાત સરકારના પવિત્ર યાત્રા ધામ બોર્ડ દ્વારા ગ્રાન્ટ આપીને વિકસાવવામાં આવે જેમાં પ્રવાસીઓને રહેવા માટે રૂમો બનાવી આપે આસપાસમાં બાગ બગીચો બનાવે અને રાજ્ય સરકાર પ્રચાર પ્રસાર કરીને દર વર્ષે સરકાર તરફથી મોઢેરા જેવો કોઈ ઉત્સવ ઉજવે તો વાગડનું એકમાત્ર આ હયાત સૂર્યમંદિર જેના ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે તે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સૂર્યમંદિર હાઇવે ઉપર હોવાથી અનેક પદયાત્રીઓ અહીંયા રાત્રિ રોકાણ કરે છે અને તેમના માટે આ સ્થળ આર્શીવાદરૂપ છે. સૂર્યમંદિરના પૂજારી તરીકે સ્વ રઘુપૂરી હેમપૂરી ગૌસ્વામી પરિવાર જેઓ સેવા પૂજા કરે છે.

માહિતી સૌજન્ય: "શ્રી સૂર્યભક્ત ત્રિકમરાય પુસ્તક, સૂર્યનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સરપંચ ભરતભાઈ મઢવી.

To Top