*માથા સાટે માથુ઼*
*જેસર ગઢ જોરાણ, દેસળ વળ મૂછે દિયે;*
*અર છાંટે એંઠાણ, ત્રીજી ધર ટોકા કરે.*
જોગીદાસ ખુમાણ ના બહારવટા નો સૂરજ બરોબર મધ્યાન્હે તપ્યો છે. ભાવનગર ના એક પછી એક ગામ ધબેડે છે.
એ જ સમયને માથે ભાવનગર ના જેસરમાં દેશળજી સરવૈયો પણ ડાંખરો પુરુષ.
એક વખત જોગીદાસ ખુમાણ ને ભાણ ખુમાણ જેસર ની ખળાવડ પાસે થી નીકળ્યા. ખળામાં ચણા ના ઢગલા જોઇ ભાણ ખુમાણે પોતાના ઘોડા ઢગલાં માથે છૂટા મેલી દીધા. ઘોડા મંડ્યા કરડ કરડ ચણા ચાવવા.
દેશળજી સરવૈયાની ખળાવડ નો ખેડુ બારૈયો કોળી. ચણા વાવલતો વાવલતો બીના વગર જ સામો થયો. અને સામે જ જોગીદાસ.
આખી કાઠીયાવાડ જેના નામ માતર થી થરથરેઃ
*ઘણા જોર હાંકી વજર ભુપ કીધા ધડે,*
*સરહ ડાબે ફણી પતાળા સર ચડે;*
*તેગ વારાહરું રુપ ધર્યુ તોગડે,*
*જમી જાતી કરી દાઢ સર જોગડે.*
*કરડ ગજ અંબાડિયા ધરડ ફોજા કથી*
*સુર જોવા મળે રણંકે સારથી*
*હેક નેત્ર કરી કૃંત ભારત હથી,*
*મહણસર કાઢીયા રતન ચૌદ મથી.*
*ઝંડા દાખે તેના તરતબળ ઝડિયા*
*અંબર ચડિયા તેના ડંમર ઉતારિયા;*
*પરજ ઉગારવા શત્રુ કંઇક પાડિયા,*
*આંગળી ટચી પર મેર ઉપાડિયા.*
*હેક હાદલ તણાં રેતી મોટપ હરી,*
*કઠોડે દોહિજે ઝણકંતી કાંકરી;*
*ખાગ ખુમાણરી અણીધારા ખરી,*
*કાઠિયાવાડ ને બ્રાડ્ય જોગે કરી.*
પણ આતો જેસરના દેસળજી સરવૈયા જેવા મરદ નો ખેડુ ને પાછો બારૈયો કોળી. પરબારો તાડુક્યોઃ
“આ કાંઇ થોડો બાપ નો માલ છે, તે ઘોડા ને ખવરાવો છો?”
જોગીદાસના ભાઇ ભાણ ખુમાણ કહેઃ “બાપનો તો નથી, પણ દેસળજી અમારા ભાઇ જણાય, તો ભાઇયું નો માલ ભાઇયું ખાય.”
“હવે ભાયુંવાળો જોયો નો હોય તો , ક્યાં તેં પરસેવો પાડી ને આ માલ પેદા કર્યો છે, મલક ના ચોલટા!”
ભાણ ખુમાણ કહેઃ “તારી લુલી બંધ કર્ય, આ બરછી તારી મા નહિ થાય, ભાળી છે? ” એમ કહી ને કોળી ઉપર બરછી તોળી.
જોગીદાસ ખુમાણ ભાણ ખુમાણ ને વારવા માંડ્યાઃ ભાઇ! હશે. એને બોલવાનું ભાન નથી.”
ત્યાં તો કોળીને મોઢે હોળીના ફુલ ઝરવા માંડ્યા અને ભાણ ખુમાણે કોળી ને બરછી એ વીંધી નાંખ્યો.
આપો જોગીદાસ કહેઃ “ભાઇ ભાણ! તેં ભુલ કરી.”
ભાણ ખુમાણ કહેઃ “આપાભાઇ!”ગાળ્યુ સહન ન થયુ.”
“તો હવે ભાગો!” કહેતાકને ઘોડા ઉપાડી મેલ્યા.
ગામમાં દેસળજી દરબારને ખબર પડી કે આપણા ખેડુ ને બહારવટીયાએ બરછીએ દીધો.
દેસળજી એ એકદમ હથિયાર લીધા. બકાકજામ કરતો આવ્યો ઘોડા માથે. ખળાવડે ખેડુતને એના જ લોહીમાં તરફડીને મરતો જોયો. એક બે ને ત્રણ ખેતરવા આઘા બહારવટીયાના ઘોડા ભાગતા ભાળ્યા.
દેસળજી વંટોળિયો ઉપડે એમ ઘોડા ને ઉપાડ્યો. બહારવટિયા લગોલગ સૂરનાળાને વોંકળે દેસળજી પહોંચ્યા.
ભાણ ખુમાણે ઘોડાના ડાબલા ગાજતા સાંભળ્યા, ને ઓળખી જઇ ને જોગીદાસ ખુમાણ ને કહ્યુઃ
“આપાભાઇ! દેસળજી આંબી જશે, એને બરછીએ દી દઉ?”
જોગીદાસ કહેઃ “ના ભાઇ! આપણે જ ભુલ કરી છે. ગુનેગાર છીએ. વળી દેસળજીને મારતાં સરવિઅયા ના ચોસઠ ગામ માં ઊતરાશે નહિ. માટે એના ઘોડા ને મારવો હોય તો બરછીએ દે!”
ભાણ ખુમાણે સામા મરડાઇ બરછીને આંગળી ને ટેરવે ચડાવી ને ઠબકારી દેસળજી ના ઘોડા ના પાટમાં. દેસળજી અને ઘોડો બેય ભોં ભેગા થઇ ગયા.
પણ શૂરવિર દેસળજી એકદમ ઊભા થઇ તરવાર તાણી બહારવટિયા સામે દોટ્ય દીધી.
ભાણ ખુમાણ કહે. “જોગીદાસ ભાઇ! હવે?”
જોગીદાસ કહે. “ભાઇ ! તુ ઉતાવળ કરતો નહિ, હુ ને દેસળજી સમજી લેશુ.”
એમ કહેતાંક જોગીદાસ ઘોડે થી હેઠાં ઉતરી દેસળજીની સામે હાલ્યાં પાસે જઇ પાઘડી ઉ્તારી ને પોતાનુ માંથુ દેસળજી સામે ધર્ય. જે અણનમ માંથુ ભાવનગર ના ધણી ને નહોંતુ નમ્યું. માથું ધરી ને બોલ્યાઃ “બાપ દેસળજી! તમારો માણસ અમે માર્યો, તો માથા સાટે આ માથું , લણી લ્યો!”
ત્યાં તો ઉમરાવ દિલ દેસળજી નુ હ્રદય પીગળી ગયુ. હાથ મા તરવાર થંભી ગઇ. “આ હાહહા, જોગીદાસ જેવો ધરા ધ્રુજાવનાર પુરુષ મને નમી પડ્યો. એને મારું તો સો ટકા ની ખોટ બેસે.”
દેસળજી સરવૈયાએ તરવાર જોગીદાસ ના પગે ધરી દીધી ને પછી તો બેય બથું લઇ ને એકબીજા ને મળ્યા.