સ્વામી વિવેકાનંદ
જન્મ : ૧૨ જાન્યુઆરી ૧૮૬૩
મૃત્યુ : ૪ જુલાઇ ૧૯૦૨
સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો. તેમની વિચારસરણી પર તેમના માતાપિતાની ગાઢ અસર હતી - પિતાના બૌધ્ધિક દિમાગની અને માતાના ધાર્મિક સ્વભાવની. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુસેવા છે તેવુ શીખવ્યું હતું. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્રનિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.
તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. [૧૨] તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.
નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, " તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો. તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો." જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.
કોલેજ અને બ્રહ્મો સમાજ
નરેન્દ્રનાથે સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.સને ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
તેમના પ્રોફેસરોના કહેવા મુજબ વિદ્યાર્થી તરીકે નરેન્દ્રનાથ મેઘાવી હતા. તેઓ સને ૧૮૮૧-૮૪ દરમિયાન સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા. તેના આચાર્ય ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે "નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા. હું દુનિયા ફર્યો છુ પરંતુ જર્મન યુનિવર્સિટિઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ મને તેના જેવો પ્રતિભાસંપન્ન અને સંભાવના વાળો યુવક જોવા મળ્યો નથી"[૧૭] તેમને શ્રુતિધર કહેવામાં આવતા, એક એવી વ્યક્તિ જેની યાદશક્તિ વિલક્ષણ હોય, જાણવા મળ્યા મુજબ નરેન્દ્રનાથ સાથે ચર્ચા થયા બાદ ડૉ. મહેન્દ્રલાલ સરકારે કહ્યુ હતું કે , "આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં કદી વિચાર્યુ પણ નહોતું!"
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.
કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. નરેન્દ્ર હર્બર્ટ સ્પેંસરના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત થયા હતા તથા સ્પેંસરના શિક્ષણ પરના પુસ્તકનો પોતાના પ્રકાશક ગુરુદાસ ચટ્ટોપાધ્યાયમાટે બંગાળીમાં અનુવાદ પણ કર્યો હતો. નરેન્દ્રએ થોડો સમય માટે સ્પેંસર સાથે પત્રવ્યવ્હાર પણ કર્યો હતો. તેમના પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસની સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પવિત્ર ધર્મગ્રંથોથી અને બંગાળી રચનાઓથી પણ સુપેરે પરિચિત હતા.
સાહિત્યના એક વર્ગમાં તેમણે આચાર્ય હેસ્ટીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ધ એક્સકર્ઝન (The Excursion) ,અને તેના પ્રકૃતિ-ગુઢવાદ પર પ્રવચન કરતા સાંભળ્યા હતા ત્યારે રામકૃષ્ણ સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. કવિતામાં આવતા સમાધી શબ્દને સમજાવતી વખતે હેસ્ટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દનો સાચો અર્થ સમજવા માંગતા હોય તો તેમણે દક્ષિણેશ્વરના રામકૃષ્ણને મળવું જોઇએ. આનાથી નરેન્દ્રનાથ સહિતના અમુક વિદ્યાર્થીઓ રામકૃષ્ણને મળવા પ્રેરાયા.
નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. આ મુલાકાત વિષે નરેન્દ્રનાથે કહ્યુ હતું કે "તેઓ [રામ્કૃષ્ણ] માત્ર એક સાધારણ માનવી જેવા દેખાતા હતા, તેમનામાં નોંધ પાત્ર કંઇ જણાતુ નહોતું.તેઓ સાવ સામન્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. મેં વિચાર્યું, શું આ માણસ મહાન શિક્ષક હોઈ શકે?' હું તેમની નજીક ગયો અને તેમને એ સવાલ પૂછ્યો, જે સવાલ હું મારી સમગ્ર જિંદગી દરમિયાન અન્યોને પૂછતો રહ્યો હતો.
'શું તમે ઇશ્વરમાં માનો છો, ગુરુદેવ?' 'હા,' તેમણે જવાબ આપ્યો.
‘તમે તે પુરવાર કરી શકો, ગુરુદેવ?’
‘હા’.
‘કઇ રીતે?’
‘કારણકે હું તને જોઈ શકું છું, તે જ રીતે તેમને જોઈ શકું છું, એટલું જ કે વધારે તીવ્રતાથી.’
એમનાથી હું એજ વખતે અભિભૂત થઈ ગયો. હું તેમની પાસે જવા લાગ્યો, રોજેરોજ. અને મેં વાસ્તવમાં જોયું કે ધર્મ ખરેખર આપી શકાય છે.એક સ્પર્શ, એક નજર, તમારું સમગ્ર જીવન બદલી નાંખે છે."
પ્રારંભમાં નરેન્દ્રએ રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો, તેમ છતાં તેઓ તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા. શરૂઆતમાં તેમને રામકૃષ્ણના ઉદ્રેકો અને વિચારો ‘‘કલ્પનાના ગુબ્બારા’’, ‘‘માત્ર ભ્રામકતા’’ જેવા જ લાગ્યા હતા.". બ્રહ્મો સમાજના સભ્ય તરીકે, તેમણે મૂર્તિ પૂજા અને બહુઇશ્વરવાદ અને રામકૃષ્ણની કાલી માતાની ભક્તિ સામે બળવો કર્યો હતો. તેમણે નિરપેક્ષતા સાથેના અદ્વેત વેદાંતવાદ ની એકાત્મતાને પણ નકારી કાઢી હતી અને મોટેભાગે તે વિચારની મજાક ઉડાવતા હતા.
નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. કંઈ પણ સ્વીકારતા પહેલાં તેનું સર્વાંગી પરીક્ષણ કરવું એ નરેન્દ્રનો સ્વભાવ રહ્યો હતો. તેમણે રામકૃષ્ણની પરીક્ષા લીધી અને રામકૃષ્ણએ પણ ક્યારેય નરેન્દ્રને તર્ક ત્યજવાનું કહ્યું નહોતું. તેમણે નરેન્દ્રની તમામ દલીલો અને પરીક્ષણોનો ધીરજપુર્વક સામનો કર્યો. ‘‘સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો,’’ એ તેમનો જવાબ હતો. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા અને સ્વીકાર હ્રદય-પુર્વકનો અને એક અનુયાયીની સંપુર્ણ શરણાગતિ સાથે હતો.
1885માં રામકૃષ્ણને ગળાનું કેન્સર તેઓ કોલકોતા રહેવા ચાલ્યા ગયા અને પાછળથી કોસીપોર ગયા. વિવેકાનંદ અને તેમના સખા અનુયાયીઓએ રામકૃષ્ણની તેમના અંતિમ દિવસોમાં શુશ્રુષા કરી. રામકૃષ્ણના માર્ગદર્શન હેઠળ તેમનું આધ્યાત્મિક જીવન ચાલુ જ રહ્યું હતું. કોસીપોર ખાતે વિવેકાનંદને વારંવાર નિર્વિકલ્પ સમાધિ નો સાક્ષાત્કાર થયો હોવાનું કહેવાય છે. રામકૃષ્ણના છેલ્લા દિવસોમાં વિવેકાનંદ અને તેમના કેટલાક અનુયાયીઓને રામકૃષ્ણએ સન્યાસીના વસ્ત્રો આપ્યા, જે રામકૃષ્ણ મઠના સન્યાસી બન્યા.
વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે. એવું નોંધાયું છે કે જ્યારે વિવેકાનંદેઅવતાર , અંગેના રામકૃષ્ણના દાવા સામે શંકા ઉઠાવી ત્યારે તેમણે એવું કહ્યું હોવાનું મનાય છે કે, ‘‘એ જે રામ હતા, એ જે કૃષ્ણ હતા, હવે તે પોતે રામકૃષ્ણના શરીરમાં છે.’’ અંતિમ દિવસોમાં રામકૃષ્ણએ વિવેકાનંદને મઠના અન્ય અનુયાયીઓની સંભાળ લેવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેમને વિવેકાનંદને તેમના નેતા તરીકે સ્વીકારવા જણાવ્યું હતું. રામકૃષ્ણની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ હતી અને તેઓ કોસીપોરના ગાર્ડન હાઉસમાં ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬એ વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા. તેમના અનુયાયીના જણાવ્યા પ્રમાણે, તેમણે મહાસમાધિ લીધી હતી.
બારાનાગર મઠ
ગુરુના મૃત્યુ પછી મઠવાસીઓએ વિવેકાનંદના નેતૃત્વમાં ગૃહસ્થ અનુયાયીઓની નાણાકીય મદદથી ગંગા નદીના કાંઠે બારાનગર ખાતે એક અર્ધ ખંડેર મકાનમાં એક સમાજની રચના કરી. તે અનુયાયીઓનો પ્રથમ મઠ બન્યો. આ અનુયાયીઓ રામકૃષ્ણના પંથના પ્રથમ અનુયાયીઓ બન્યા.
બારાનગોરના જીર્ણ મકાનની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કે રામકૃષ્ણનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે કોસીપોર ઘાટની નજીક આ મકાન હતું અને તેનું ભાડું પણ ઓછું હતું. નરેન્દ્ર અને મઠના અન્ય સભ્યો તેમનો સમય ધ્યાન ધરવામાં, વિવિધ તત્વચિંતનો અંગે તેમજ રામકૃષ્ણ, શંકરાચાર્ય, રામાનુજ અને જીસસ ક્રાઇસ્ટ સહિતના આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશો અંગે ચર્ચા કરવામાં વીતાવતા હતા. મઠના પ્રારંભિક દિવસોને નરેન્દ્ર યાદ કરતા કહેતા, ‘‘બારાનાગોર મઠ ખાતે અમે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરતા. વહેલી સવારે 3.00 કલાકે અમે ઉઠી જતા હતા અને જપ અને ધ્યાનમાં ડુબી જતા હતા. એ દિવસોમાં વિતરાગની કેવી તીવ્ર વૃત્તિ અમારામાં હતી! દુનિયા અસ્તિત્વ ધરાવે છે કે નહીં એનો પણ વિચાર અમને આવતો નહોતો.’’ .’’ ૧૮૮૭ના પ્રારંભિક સમયમાં નરેન્દ્ર અને અન્ય આઠ અનુયાયીઓએ મઠની ઔપચારિક પ્રતિજ્ઞાઓ લીધી. નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું.
૧૮૮૮માં વિવેકાનંદે મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા. ‘‘કોઈ પણ નિશ્ચિત ઘર વિનાના, સંબંધો વિનાના, સ્વતંત્ર અને અજાણ્યાની પેઠે’’ ભ્રમણ કરતા સાધુનું હિન્દુ ધાર્મિક જીવન એટલે પરિવ્રાજક. તેમનો એકમાત્ર અસબાબ હતો કમંડલ , કાયા અને તેમના બે પ્રિય પુસ્તકો—ભગવદ્ ગીતા અને ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ . નરેન્દ્રનાથે ભારતના ચારે ખૂણામાં 5 વર્ષ સુધી પ્રવાસ કર્યો, શિક્ષણના મુખ્ય કેન્દ્રોની મુલાકાત લીધી, વિવિધ ધાર્મિક પરંપરાઓ અને સામાજિક જીવનની વિવિધ તરાહો સાથે પોતાની જાતને પલોટી. તેમણે લોકોના દુઃખ અને ગરીબી માટે સહાનુભૂતિ કેળવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ કર્યો. મુખ્યત્વેભિક્ષા કે ભીખ પર નભતા નરેન્દ્રનાથે મોટાભાગનો પ્રવાસ પગે ચાલીને અને પ્રવાસ દરમિયાન તેમને મળતા ચાહકોએ આણેલી રેલ્વે ટિકીટો પર કર્યો.આ પ્રવાસો દરમિયાન તેમણે વિદ્વાનો, દિવાનો, રાજાઓ અને જીવનના તમામ ક્ષેત્રોના લોકો—હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, અછુતો , સરકારી અધિકારીઓ - સાથે ઘરોબો કેળવ્યો અને તેમની સાથે રહ્યા.
ઉત્તર ભારત
૧૮૮૮માં તેમણે વારાણસીથી તેમના પ્રવાસની શરૂઆત કરી.વારાણસીમાં તેઓ પંડિત અને બંગાળી લેખક ભુદેવ મુખોપાધ્યાય તેમજ શિવ મંદિરમાં રહેતા વિખ્યાત સંત ત્રેલંગ સ્વામી ને મળ્યા,અહીં, તેઓ જાણીતા સંસ્કૃત વિદ્વાન બાબુ પ્રમદાદાસમિત્રાને મળ્યા, હિન્દુ શાસ્ત્રોના અર્થઘટન માટે તેમની સલાહ માગતા અસંખ્ય પત્રો વિવેકાનંદે લખ્યા હતા. વારાણસી પછી તેમણે અયોધ્યા, લખનૌ, આગ્રા, વૃંદાવન, હાથરસ અને ઋષિકેશની મુલાકાત લીધી. હાથરસ ખાતે તેઓ શરદચંદ્ર ગુપ્તાને મળ્યા, એક સ્ટેશન માસ્ટર, જેઓ પાછળથી સ્વામીના સૌ પ્રથમ શિષ્યોમાંના એક બન્યા અને સદાનંદ નામ ધારણ કર્યું. ૧૮૮૮-૧૮૯૦ દરમિયાન તેમણે વૈદ્યનાથ, અલ્હાબાદની મુલાકાત લીધી. અલ્હાબાદથી તેમણે ગાઝીપુરની મુલાકાત લીધી, જ્યાં તેઓ પવહારી બાબાને મળ્યા, જેઓ એક અદ્વેત વેદાંત સન્યાસી હતા અને મોટા ભાગનો સમય ધ્યાનમાં વીતાવતા હતા. ૧૮૮૮-૧૮૯૦માં તેઓ બારાનાગોર મઠ માં કેટલોક સમય પાછા ફરતા રહ્યા, કેમ કે તેમની તબિયત કથળતી હતી અને મઠ ને મદદ કરનારા, રામકૃષ્ણના અનુયાયીઓ બલરામ બોઝ અને સુરેશચંદ્ર મિત્રા મૃત્યુ પામ્યા હતા, તેથી મઠ માટે નાણાકીય વ્યવસ્થા પણ કરવાની હતી.
હિમાલય
જુલાઈ, ૧૮૯૦માં તેમના સખા સાધુ સ્વામી અખંડાનંદની સાથે તેમણે પરીવ્રાજક તરીકેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પશ્ચિમની તેમની મુલાકાત પછી જ તેઓ મઠ માં પાછા ફર્યા. તેમણે નૈનિતાલ, અલમોડા, શ્રી નગર, દહેરાદૂન, ઋષિકેશ, હરિદ્વાર અને હિમાલયની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમને વ્યાપકતા અને સૂક્ષ્મતાનો સાક્ષાત્કાર થયો. પાછળથી પશ્ચિમમાં તેમણે આપેલા જ્ઞાન યોગ પરના ભાષણ, "‘બ્રહ્માંડ —બૃહદ બ્રહ્માંડ અને ગુરુ બ્રહ્માંડ " તેનું પ્રતિબિંબ પડ્યું હોવાનું જણાય છે. આ પ્રવાસો દરમિયાન તેઓ તેમના સખા સાધુઓ —સ્વામી બ્રહ્માનંદ, શારદાનંદ, તુરીયાનંદ, અખંડાનંદ, અદ્વેતાનંદને મળ્યા. તેઓ થોડા સમય માટે મેરઠમાં રહ્યા, જ્યાં તેઓ તેમનો સમય ધ્યાન, પ્રાર્થના અને શાસ્ત્રોના અભ્યાસમાં વીતાવતા હતા. જાન્યુઆરી ૧૮૯૧ના અંતમાં, સ્વામી તેમના સખા સાધુઓને છોડીને એકલા દિલ્હી ગયા.
દિલ્હીમાં, ઐતિહાસિક સ્થળોની મુલાકાત પછી તેઓ રાજપુતાનાની ઐતિહાસિક ભૂમિ અલવર ગયા. પાછળથી તેમણે જયપુરનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે પણિનીના અષ્ટાધ્યાયીનો સંસ્કૃતના એક વિદ્વાનની મદદથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અજમેરની મુલાકાત લીધી, જ્યાં તેમણે અકબરના મહેલ અને વિખ્યાત દરગાહની મુલાકાત લીધી અને માઉન્ટ આબુ ગયા. અહીં તેઓ ખેત્રીના મહારાજ અજિતસિંહને મળ્યા, જેઓ તેમના પ્રખર ભક્ત અને ટેકેદાર બન્યા. તેમને ખેત્રીની મુલાકાત લેવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે રાજા સાથે ચર્ચાઓ કરી. ખેત્રીમાં તેઓ પંડિત નારાયણદાસની સંગતમાં રહ્યા અને પણિનીના સૂત્રો પરના મહાભાષ્ય નો અભ્યાસ કર્યો. ખેત્રીમાં અઢી વર્ષ વીતાવ્યા પછી ઓક્ટોબર ૧૮૯૧ના અંતભાગમાં તેઓ રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા.
પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો. લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. જ્યારે તેઓ પરિવ્રાજક તરીકે ભ્રમણ કરતાં લીંબડી આવ્યાં હતા ત્યારે ત્યાંના ઠાકોર સાહેબે સ્વામીજીને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત સ્વામી વિવેકાનંદે સૌ પ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી.પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા, વડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાન પંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું.
પાછળથી તેમણે મહાબલેશ્વરનો પ્રવાસ કર્યો અને પછી પૂણે ગયા.પૂણેથી તેઓ જુન ૧૮૯૨ની આસપાસ ખંડવા અને ઇન્દોર ગયા. કાઠિયાવાડમાં તેમણે વિશ્વના ધર્મોની સંસદ અંગે સાંભળ્યું હતું અને તેમના અનુયાયીઓએ તેમને સંસદમાં હાજરી આપવા વિનંતી કરી હતી. તેઓ ખંડવાથી મુંબઈ જવા નીકળ્યા અને જુલાઈ ૧૮૯૨માં ત્યાં પહોંચ્યા. પૂણે જતી ટ્રેનમાં તેઓ બાલ ગંગાધર ટિળકને મળ્યા. પૂણેમાં થોડા દિવસો ટિળક સાથે રહ્યા પછી સ્વામી ઓક્ટોબર ૧૮૯૨માં બેલગામ ગયા. બેલગામ ખાતે તેઓ પ્રો. જી. એસ. ભાતે અને સબ-ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર હરિપદ મિત્રાના મહેમાન બન્યા. બેલગામથી તેમણે ગોવામાં પંજીમ અને માર્ગગોવાની મુલાકાત લીધી. જ્યાં લેટિનભાષાનું દુર્લભ ધાર્મિક સાહિત્ય હસ્તપ્રતો અને મુદ્રિત સર્જનોમાં સચવાયું છે તેવી ગોવાની અધ્યાત્મવિદ્યાની સૌથી જુની કોન્વેન્ટ કોલેજ રેચોલ સેમિનરીમાં તેમણે ત્રણ દિવસ ગાળ્યા. અહીં તેમણે ખ્રિસ્તી ધર્મી મહત્વની અધ્યાત્મિક કૃતિઓનો અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. માર્મગોવાથી સ્વામી ટ્રેનમાં ધારવાર ગયા અને ત્યાંથી સીધા મૈસુર રાજ્યમાં આવેલા બેંગ્લોર ગયા.
દક્ષિણ ભારત
બેંગ્લોરમાં સ્વામીએ મૈસુર રાજયના દિવાન સર કે. શૈષાદ્રી ઐયર સાથે ઘરોબો કેળવ્યો અને પાછળથી તેઓ મૈસુરના મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડીયારના મહેમાન તરીકે મહેલમાં રોકાયા. સ્વામીના અભ્યાસ અંગે સર શેષાદ્રીએ એવું કહ્યું હોવાનું નોંધાયું છે કે, ‘‘એક ચુંબકીય વ્યક્તિત્વ અને એક દૈવી તાકાત, જે તેમના દેશના ઇતિહાસ પર પોતાની છાપ છોડી જવા નિર્માયા હતા.’’ મહારાજાએ સ્વામીને કોચીનના દિવાન પર ભલામણપત્ર લખી આપ્યો અને તેમને રેલ્વેની ટિકીટ આપી.
બેંગ્લોરથી તેમણે ત્રિશુર, કોડુંગલુર, એર્નાકુલમની મુલાકાત લીધી. એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા.[
એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો. કન્યાકુમારી ખાતે વિવેકાનંદને ‘‘એક ભારતનો વિચાર’’ આવ્યો હોવાનું કહેવાય છે. તેમણે લખ્યું, {{"At Cape Camorin sitting in Mother Kumari's temple, sitting on the last bit of Indian rock - I hit upon a plan: We are so many sanyasis wandering about, and teaching the people metaphysics-it is all madness. Did not our Gurudeva used to say, `An empty stomach is no good for religion?' We as a nation have lost our individuality and that is the cause of all mischief in India. We have to raise the masses"."}}
કન્યાકુમારીથી તેમણે મદુરાઈની મુલાકાત લીધી, જ્યાં તેઓ રામનદના રાજા ભાસ્કર સેતુપતિને મળ્યા, જેમના માટે તેમની પાસે ઓળખાણપત્ર હતો. રાજા સ્વામીના અનુયાયી બન્યા અને તેમને શિકાગો ખાતે ધર્મોની સંસદમાં જવાની વિનંતી કરી.મદુરાઈથી તેમણે રામેશ્વરમ, પોંડિચેરીની મુલાકાત લીધી અને તેઓ મદ્રાસ ગયા અને અહીં તેઓ તેમના સૌથી પ્રખર અનુયાયીઓને મળ્યા, જેવા કે અલસિંગા પેરુમલ, જી. જી. નરસિંહાચારી. આ અનુયાયીઓએ અમેરિકા ખાતે સ્વામીના પ્રવાસ માટે ભંડોળ એકઠું કરવામાં અને પાછળથી મદ્રાસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.મદ્રાસથી તેમણે હૈદરાબાદનો પ્રવાસ કર્યો. મદ્રાસના તેમના ભક્તો, મૈસુર, રામનદ, ખેત્રીના રાજાઓ, દિવાનો અને અન્ય અનુયાયીઓ એકઠા કરેલા ભંડોળની મદદથી વિવેકાનંદ ૩૧મી મે, ૧૮૯૩એ મુંબઈથી ખેત્રીના મહારાજાએ સૂચવેલું વિવેકાનંદ નામ ધારણ કરીને શિકાગો જવા નીકળ્યા.
જય ગુરુદેવ જય હિન્દ