ઓગણત્રીસ શૂરવીરો અને બે સતીઆઈ
જૂનાગઢ થી બીલખા જતા રસ્તામાં ગિરનારની ગોદ માંથી નીકળતી ગુડાજલી નદીના કાંઠે વસેલું સુંદર મજાનું નાનું ગામ ખડીયા એ ખડીયા ગામથી તોરણીયા ગામ તરફ જતા રસ્તામાં ગિરનારની ગોદ માંથી ખળખળ વહેતી એ ગુડાજલી નદીના નિર્મળનીર ના કાંઠે ઓગણત્રીસ શૂરવીરો અને બે સતી આઈની ખાંભીઓ ગુડાજલી નદીના કાંઠે આજે પણ તગતગે છે.
જેમાં સંવત ૧૮૬૫ ના સમયમાં ગુડાજલી નદીના નિર્મળ જળના વહેંણના મધુર અને ખળખળ કલશોર સાથે કોઈના લાડકવાયાના લગ્નગીતની ચકોર સાથે શરણાઈ સુર અને ઢોલના ધબકાર વાગતા વાગતા જાડેરી જાન લઈને આ રસ્તે પસાર થયા ત્યારે ચોતરફ ખૂંખાર ચોર લૂંટારાઓએ ફરતી બાજુએ ડેરા તાણ્યા અને ચોર લૂંટારાઓએ આ જાડેરી જાનને લુંટવામાં આવી અને લગ્નના ગીત મરશિયામાં ફેરવાય ગયા શરણાઈના સુર જાણે બચાવો બચાવોની ચીખ થી ગુંજી ઉઠ્યા અને લગ્નના ઢબુકતા ઢોલના ધબકાર જાણે બુગિયાં ઢોલમાં પરિવર્ત થયા ત્યારે
"વાર કરજો ધણી કોઈ હો તો ધણી,
એવા સુરનો થાય ભેટો:
પછી કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે,
કેમ બેસી રહે ક્ષત્રિય બેટો?"
ખમીરવંત ખાંટ દરબારો આ જાનની વારે ચડ્યા અને લૂંટારાઓની સામે મારો કાપોની જાકાજીક બોલી અને લૂંટારાઓ અને ખાંટ રાજપૂતો વચ્ચે ઘમસાણ ધીંગાણું થયું જેમાં કેટલાય લૂંટારાઓ મરાણા અને કેટલાક નાસી છૂટ્યા અને લૂંટારાઓની સામે બાથ ભીડનાર ખાંટ રાજપૂત રામબાપુ ચાવડા,ભાભાજી ચાવડા અને હમીરજી ચાવડા સાથે દુદાજી રાઠોડ, દેભાજી ભોકિયા-ચૌહાણ સાથે ખાંટ રાજપૂત મકવાણા શાખના શૂરવીરો,એક કણબી પટેલના શૂરવીર અને એક વાંણદ જ્ઞાતિના શૂરવીર અને ચારણ જગદંબા સોનબાઈ અને રાણબાઈ પણ કોઈના લાડકવાયાની લૂંટાતી જાનની રક્ષાકાજે વીરગતિ પામ્યા,
આજે પણ ગુડાજલી નદીના કાંઠે આ લૂંટાતિ જાનની રક્ષા માટે કામ આવેલા ઓગણત્રીસ શુરવીરો અને બે સતીઆઈ ના પાળિયાઓ આ વાતની સાક્ષી પૂરતા આજે પણ ગુડાજલી નદીના કાંઠે ઘેઘુર પીપળના ઝાડ નીચે અડીખમ ઉભા છે, આ શૂરવીરો અને સતી આઈના પાળિયાઓને ચાવડા, રાઠોડ, ભોકિયા-ચૌહાણ અને મકવાણા શાખના ખાંટ રાજપૂતો આજે પણ શુરાપુરા તરીકે પૂજીને પાળિયાઓને ચોખા જૂઆરે છે.
જય માતાજી