મકવાણા આહિરો અને આઈ શ્રી રવેચી માતાજી
રામજીભાઈ આલાભાઈ બારોટ રચિત ‘આહીરનો આશરા ધરમ
ભોજો મકવાણો પુસ્તકના પાના નં. 78માં દર્શાવ્યા મુજબ કેસર મકવાણાના પૌત્ર અને કેસરીયા(કેહર) મકવાણાના દીકરા ખેમરાજ મકવાણાને ઠેબો, સાંગો, સોઢો, કાનો, હરપાળ, ખોડો અને લાખા નામે સાત દીકરા થયા, જે આહીર સમાજમાં ભળ્યા.
ખેમરાજ મકવાણાના મોટા દીકરા ઠેબો મકવાણો આદ્યશક્તિનો પરમ ઉપાસક હતો, જેની ઉપર મા જગદંબા પ્રસન્ન થતા તેના હાથે વાગડમાં રાપર નજીક આવેલ રવ ગામમાં આદ્યશક્તિ સ્વરૂપ રવેચી માતાજીનું સ્થાપન થયું. જોકે એક માન્યતા મુજબ પાંડવોએ બાર વર્ષના વનવાસ દરમિયાન કચ્છમાં આવ્યા ત્યારે રવેચી માતાજીની સ્થાપના કરી સૌપ્રથમ મંદિર બાંધ્યું હોવાનું મનાય છે.
કચ્છ-વાગડમાં આવેલ રવેચી માતાજીનું મંદિર તિર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. ઠેબા મકવાણાને સંતાનમાં લીલા નામે એક માત્ર દીકરી હતી. જેના લગ્ન ઠેબા મકવાણાએ રવેચીમાના આશીર્વાદથી જેસલમેરના રાજકુંવર ભોજરાજ ભટ્ટી સાથે કર્યા.
મળે મકવાણ તણી, ચડતી રાગે રવરાય; કેસર હરા કુળ વટે, ચાલી આવે એ સદાય.
વિક્રમ સંવત 1878માં રવેચીમાના પરમ ઉપાસક સામબાઈમાએ મોટી રવ ગામમાં મંદિર બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. ઉત્તરાભિમુખ મંદિરમાં રવેચી માતાજી સાથે અંબાજી, મોમાઈ, આશાપુરા, ખોડીયાર અને સામબાઈની મૂર્તિઓ આવેલી છે. સામબાઈમાને આ મંદિર બાંધવામાં 24000 કોરીનો ખર્ચ થયો હતો. મંદિરની બાજુમાં આવેલ તળાવ તેની શોભામાં અનેરો વધારો કરે છે. રવેચી માતાજીના મંદિરે ભાદરવા સુદ આઠમનો ભવ્ય મેળો ભરાય છે.
કેહર મકવાણાના દીકરા ખેમરાજ મકવાણાને ઠેબો, સાંગો, સોઢો, કાનો, હરપાળ, ખોડો અને લાખો નામે દીકરા થયા. જેમાં સોઢા મકવાણાના વંશજો સેગલીયા, કાના મકવાણાના વંશજો કાનગડ, હરપાળ મકવાણાના વંશજો હુંબલ, ખોડા મકવાણાના વંશજો ખાંભરા અને લાખા મકવાણાના વંશજો લાવડીયા તરીકે ઓળખાયા. આ ઉપરાંત મકવાણામાંથી બંભાણીયા, જોસરફાડ વગેરે અટકો છૂટી પડી. ખેમરાજ મકવાણાના સાત દીકરામાંથી ઠેબા મકવાણાને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેનો વંશ આગળ વધ્યો ન હતો, જ્યારે ખેમરાજ મકવાણાના બીજા દીકરા સાંગા મકવાણાએ મચ્છુકાંઠામાં આવેલા દહીંસરા ગામમાં વસવાટ કરતા તેના વંશજોએ મકવાણા અટક જાળવી રાખી.
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ‘સલ્તનત કાલ’માં હેમપ્રભસૂરિ કૃત ‘ત્રૈલોક્ય પ્રકાશ’ ગ્રંથ મુજબ હરપાળ મકવાણાની નવમી પેઢીએ સાંતલજી થયા. જેનો શાસનકાળ ઇ.સ. 1259(સંવત 1305) પહેલાનો ગણાવ્યો છે. અંગ્રેજ લેખક એચ. વિલ્બફોર્સ બેલે તૈયાર કરેલ ઝાલા વંશની વંશાવળીમાં સાંતલજી ઇ.સ. 1305માં પાટડીની ગાદીએ આવ્યાનું જણાવે છે. સાંતલજીના પુત્ર વિજયપાલના સમકાલીન હેમપ્રભસૂરિ કૃત ‘ત્રૈલોક્ય પ્રકાશ’ ગ્રંથની માહિતી વધુ આધારભૂત લાગે છે.
પાટડીના રાજા સાંતલજીએ બનાસકાંઠામાં આવેલ સાંતલપુર વસાવી સૌથી નાના કુંવર સૂરજમલજીને જાગીરમાં આપ્યું. સાંતલજી પછી વિજયપાલજી, રામસિંહ અને વૈરીસિંહ, રણમલજી, શત્રુશલ્ય અને જૈતસિંહજી એમ એક પછી એકે પાટડીની ગાદી ભોગવી.
વૈરીસિંહ પછી પાટડીની ગાદીએ આવેલા રણમલજી ઝાલાએ ડગાયચા ડાંગરના વંશજ અને નાગપાળ ડાંગરના દીકરા જગસા ડાંગરને ચોબારીથી તેડાવી પોતાના રાજમાં વસાવ્યા. જગસા ડાંગરે સગા-સબંધીઓ સાથે રણની કાંધીએ દેગામ વસાવી ઝાલાવાડના વિકાસમાં સહયોગ આપ્યો. જગસા ડાંગર સાથે મકવાણા આહીરો પણ ઝાલાવાડમાં આવી વસ્યા. જગસા ડાંગર સાથે ઝાલાવાડના અઢારસો ગામોમાં આહીરોએ વસવાટ કરતા આ મહેનતકશ વિશ્વાસુ પ્રજાએ પાટડીની સુખ-સમૃદ્ધિ સાથે શક્તિ વધારી હતી.
પાટડીના રાજા રણમલજી ઝાલાને સંભર, રાજસ્થાનમાં તેના સાળા વિરમદેવ ચૌહાણે લગ્નમાં તેડાવી દગાથી મારી નાંખતા જગસા ડાંગરે જીવના જોખમે પાટડીની રાણી અને કુંવરોને બચાવી પાટડી ભેગા કર્યા. અને પાટડીની ગાદી ઉપર રણમલજીના કુંવર શત્રુશલ્યને બેસાડ્યો. રાજા શત્રુશલ્ય મોટો થતા સ્વતંત્ર રીતે ગાદી સંભાળવા લાગ્યો. કાચા કાનનો રાજા શત્રુશલ્ય લોકોની ઉશ્કેરણીમાં આવી આહીરો ઉપર અવિશ્વાસ કરવા લાગ્યો. અને એક દિવસ લોકોની ઉશ્કેરણીમાં આવી દેગામ ઉપર અચાનક ચડાઈ કરતા જગસા ડાંગર સહિત એકસો ચાલીસ (સાત વીસુ) આહીરો આ યુદ્ધમાં શહીદ થયા. આ અંગે જયંતિભાઈ આહીર કૃત ‘દેગામ-વ્રજવાણી દર્શન’ પુસ્તકમાં વિસ્તૃત માહિતી આપી છે.
પાટડીના રાજાએ દગો કરતા આહીરોએ દેગામના અપૈયા સાથે ઝાલાવાડના અઢારસો ગામોનો ત્યાગ કર્યો. અને સોરઠ, મજોકાંઠા, ચોરાડ, પંચાળ, વાગડ, પ્રાથળ, નાઘેર, વણાર વગેરે પ્રદેશોમાં આહીરો સ્થિર થયા. ઇસ્વીસન 1430 પહેલા ઝાલાવાડનો ત્યાગ કરી આહીરો જે પ્રદેશમાં જઈ વસ્યા તે પ્રદેશ ઉપરથી તેની નવી ઓળખ ઊભી થઈ, જેવી કે સોરઠીયા, મચ્છુયા, ચોરાડા, વાગડીયા, પંચોળી, પ્રાથળિયા, નાઘેરા, વણાર વગેરે. આહીરોએ ઝાલાવાડના અઢારસો ગામોનો ત્યાગ કરતા રણની કાંધી ઉપર જગસા ડાંગરે વસાવેલ દેગામ પાટડીના રાજાએ ઇસ્વીસન 1430માં ચારણ ડુંગરશી કાના મ્હેડુને તાંબાના પતરે લખી આપ્યું. દેગામ ચારણોને લખી આપતા આ ગામનો ગરાસ ઇ.સ. 1947માં ભારત આઝાદ થયું, ત્યાં સુધી ચારણોએ વધતા-ઓછા પ્રમાણમાં ભોગવ્યો.
સાંગા મકવાણાની બારમી પેઢીએ દહીંસરામાં સઘો મકવાણો થયા. સઘા મકવાણાને ભોજા નામે પ્રતાપી પુત્ર થયો, જે શક્તિમાનો પરમ ઉપાસક હતો. ભોજા મકવાણાએ પિતાના નામે દહીંસરામાં સંઘાસર તળાવ બંધાવી તેની પાળે શક્તિમાની સ્થાપના કરી, જે આજેય જોવા મળે છે. એ વખતે દહીંસરામાં રહેતા ભોજા મકવાણા ઉપરાંત નગો બવો, ભારો મિયાત્રો અને સુરો મૈયડ આહીર સમાજના આગેવાનો તરીકે ખૂબ માન ધરાવતા. તો દહીંસરાના આહીરોના ઘર મુરલીધરની મહેરથી ધન-ધાન્યથી ઉભરાતા હતા.
એવું કહેવાય છે કે સુરા મૈયડે પોતાની દીકરીને દહીંસરામાં જ પરણાવેલી. એક વખત દીકરીને તેની સાસુએ મહેણું મારતા સુરા મૈયડે દીકરીનું મહેણું ભાંગવા દહીંસરામાં સુંદર તળાવ બંધાવ્યું. તો નગા બવા અને ભારો મિયાત્રો પણ દાન-ધર્મમાં કોઈથી ઓછા ઉતરે તેમ ન હતા. એ વખતે દહીંસરા ગામ ફરતે અને તેની સીમમાં ચોવીસ તળાવો બાંધવામાં આવેલા, એ ઉપરાંત પાણીના અનેક પીયાવા અને વાવો દહીંસરાની સમૃદ્ધિની સાક્ષી પુરતા, જેના અવશેષો આજેય જોવા મળે છે.
દહીંસરામાં આહીરોની જુદીજુદી શાખના નવસો પરિવારો સંપથી રહેતા, ગામમાં ભાગ્યેજ કંકાસ થતો અને જો કોઈ પ્રત્યે મનદુ:ખ થાય તોય સંકટ સમયે સૌ એક થઈ જતા. દહીંસરાની બહોળી ખેતી, ગાયોના વિશાળ ધણ અને જાતવાન ભેંસુના ખાડુ ગામની સમૃદ્ધિના ચારેબાજુ ચાડી ખાતા. દહીંસરા એ વખતે કચ્છના મહારાવ ભોજરાજજીના ભાયાત ગણાતા વાગડમાં આવેલ કંથકોટના જામ કરણજીના તાબામાં હતું. કચ્છ અને કંથકોટના રાજાઓએ અમદાવાદના સુલતાન મહમદ બેગડાની આણ સ્વીકારી હોય મજોકાંઠામાં રાજકીય સ્થિરતા સાથે સુખ-શાંતિ જોવા મળતા. મહારાવ ભોજરાજજી તથા જામ કરણજી સાથે ભોજા મકવાણા, ભારા મિયાત્રા, નગા બવા અને સુરા મૈયડના ઘનિષ્ઠ સંબંધોના કારણે ગોકુળીયા ગામ જેવા દહીંસરામાં લોકો આનંદથી રહેતા.
વાગડમાં આવેલા કંથકોટના જામ લાખાજીના કુંવરો જામકરણજી અને વીરભદ્રજી દહીંસરા ચોવીસીનો વહીવટ કરતા. દેદાવંશના જામકરણ અને વીરભદ્રે પોતાની ચોવીસીનો વહીવટ દહીંસરાના ચાર આહીરોના સોંપ્યો, જેમાં 1. ભોજો મકવાણો 2. નગો બવો 3. ભારો મિયાત્રો અને 4. સુરો મૈયડનો સમાવેશ થતો.
દહીંસરામાં આવેલા આહીરોના નવસો ઘરોમાંથી ઘર દીઠ ઘીનો એક ઘડો કંથકોટના રાજાને કર તરીકે ચૂકવવામાં આવતો. આહીરોના દાન, ધરમ, ટેક, વીરતા અને વફાદારીને કારણે રંકથી લઈ રાજા સુધી સૌ તેનો આદર કરતા.
‘આશરો તો આહીરનો’ પુસ્તકમાંથી સાભાર
જય મુરલીધર