સમે માથે સરધારપર

સમે માથે સરધારપર

Bipinladhava

સમે માથે સરધારપર

જેતપુર દરબાર દેવાવાળા એમના કાઠીઓ ખાંટો અને આયરોથી ઉજળા હતા. પણ આયરોના અદાવતીઆ કાઠી-ખાંટ દેવાવાળાના દીકરા મુળુવાળાના કાન આયરો વિરુદ્ધ ભભેર્યા કરતા. છેવટે મુળુવાળા અને આયરોના આગેવાન ડોહલ મારુ વચ્ચે એવી ખટકી કે સામસામે તલવારૂં તાણવાની જ બાકી રહી 
    
જેતપુરના ગાદી વારસ  મુળુવાળાએ આયરો ને જાકારો દીધો કે કાં તો સરધારપુરમાં આયરો નહિ કાં જેતપુરના કોઠારમાંથી પોતાનો કણકો ખૂટયો.
  
આથી દરબાર દેવાવાળાએ ઘણુ સમજાવ્યા છતાં ડોહલ મારૂ હાલી નીકળ્યા. સરધારપર આવી આયરોને ભેગા કરી વાત કરી. ગામ આયરોનું પણ તે દિવસે ગામમાં માત્ર ચૌદ જ આયરો હતા બાકીના ગીરમાં ગયેલા.



લૂંઘીયા બાવાવાળા ને જેતપુર ઉપર ખટકો. એનો મેલીકાર પાસેના મોરવાડા ગામે પડેલો. પચાસ માણસો સાથે એના કાકા લખમણવાળા, ભાઈબંધો સાથે ગોલણવાળા પોણોસોક જણ સાથે કાઠીઓના બાવડાના બળ જેવો જેમલ ખાંટ.
      
પાસેના મોરવાડા ગામના પીયાવે સરધારપરના બે આયર જુવાનો જેતપુર દરબારની સાચવવા રાખેલી રૂપાળી ઘોડિયુંને પાણી પાય. જેમલ ખાંટની આંખમાં ઘોડિયું વસી ગઈ. પોતાના માણસોને ઈશારો કર્યો ત્યાં પડકારો આપીને આયરો ઉપડી ગયા કે જેને પેટમાં દુખતું હોય એ હાલ્યા આવે આ સામે દેખાય તે સરધારપર.
   
જેમલે સરધારપર ભાંગવાનું વિચાર્યું. બાવાવાળે સમજાવ્યા કે આયરો સાથે તો આપણે સારા સારી છે ને એ આંકડે મધ જેવું નથી, ઇ માલ માથા સાટે કેવાય. પણ ફાટેલ પ્યાલા જેવો જેમલ ન માન્યો.
  
રાતોરાત બાવાવાળાએ પોતાના કાકા લખમણવાળાને સરધારપરના આયરોને સમજાવા મોકલ્યા કે બે દીવસ ઘોડિયું લઈને આડા અવળા થઈ જાય. અમારે જેતપુર હારે સારાસારી નથી અને સરધારપર ભાંગવું છે.
    
ત્યારે આયરોએ કહેરાવ્યું કે સરધારપરનું પાણી તો અમે અગરાજ કરીને બેઠા છીએ, પણ તમે ભાંગવા આવવાના હો તો અમારૂં લોહી જેતપુરના ધણીની ધરતીમાં જ ભલે છંટાય. દરબાર દેવાવાળાને પણ કહેરાવજો કે સરધારપરનું પાણી અગરાજ કર્યું છે પણ જીવતાં જીવત જેતપુરનું ગામ ભાંગવા નથી દીધું.


    
લખમણવાળાએ આવીને બાવાવાળાને વાત કરી. બધા હેરત  પામી ગયા. જેમલ ને બોલાવીને બહુ સમજાવ્યો પણ ન માન્યો. સવારે બાવાવાળાના ચારસો માણસોનું કટક સરધારપર ચડ્યું ત્યારે એને પાધર ત્રેવીસ જણ મર્દાનગીનું સામૈયું કરવા તલવારું તાણી જ ઉભા હતા ચૌદ આયર, એક રણચંડી સોનબાઇ, ત્રણ હરિજન, એક કણબી પટેલ, એક ત્રાજુડીનો તોળવાર વાણિયો. અને કાનપર ગામના ત્રણ મહેમાન. એક દેવદાન શિયાળ, બીજો જીવો આગરીયા અને ત્રીજો પીઠો બોરીચો.

આયર આગેવાન જગા ચાવડાએ ત્રણે વ મહેમાનુને હોંશેથી જમાડી વિદાય આપી ત્યારે મહેમાનો કહે :" હવે તમારા જેવો સરગાપરનો સાથ ફરી કે'દી મળે ? એટલે બીજું બોલશો જ માં.
     
આયરોએ પોતાની ઘરવખરીના ગાડાં ભરીને પાદરમાં ઉભાં રાખી દીધેલાં. ત્યાં તો તલવારું ની તાળીયું પડી ગઈ. આયરો સામે જેમલના ખાંટ અને થોડા કાઠી ઉતરેલા. પણ મરણીયા ત્રેવીસે એમને પાછા પગ લેવરાવ્યા ને જેમલ કામ આવી ગયો.
    
જેમલ ખાંટને કામ આવી ગયેલો જોઈ બાવાવાળા બદલ્યા. પછી તો ત્રેવીસે ય ઉપર આખું કટક ત્રાટક્યું. ભાલા, બરછી ને તલવારુંનો તાશીરો બોલી ગયો. પણ ત્યાં સુધીમાં ત્રેવીસેય  રણવિરોએ કૈં કને વાઢી નાખ્યા ને પછી કટકે કટકા ઉડી ગયા ત્યાં સુધી ઝઝૂમ્યા.
 
ડોહલ મારૂ મરતાં મરતાં એવું બોલ્યા કે "જેતપુરના ધણી દેવાવાળાને વધાઈ દેજો કે તમારા ગામનું પાણી છોડીને પણ પાણી રાખ્યું છે, અને મુળુવાળાને કહેજો કે માણસને ઓળખતા શીખે. મારા વંશને કેહેજો કે સરધારપર છોડી દયે. મેં દેવાવાળાને કોલ દીધો છે"
 
મુળુવાળા તે દી બાજુના વાવડી ગામે હતા. ખટકો હતો ને ખબર મળ્યા કે બાવાવાળાના કટક સામે લડતાં એક રણચંડી સાથે ગામમાં રહેલા એક એક જણ કામ આવી ગયો છે.
  
કહેવાય છે કે પછી ગીરમાં રહેલા ડોહલ મારૂના પરીવાર ને સરધારપરમાં રહેવા ઘણું સમજાવ્યા, પણ કોઈ માન્યા નહિ અને રાજકોટ પાસેના ભાયાસર ગામે જઈ વસ્યા
   
આ વાતની ખુશ્બો રેલાવતી ખાંભીઓ આજેય અડીખમ ઉભી છે. કહે છે કે તે જેતપુર દરબારે જ આ ખાંભીઓ ઉભી કરાવી છે. એમાં સૌથી ઉંચી ખાંભી ડોહલ મારૂની છે. વરદ હસ્ત છે તે રણચંડી સોનબાઇનો છે અને નિશાન કરેલું છે તે મર્દ વાણીયા મોનજીની ખાંભી છે. ઘણે ભાગે આ પાળિયા સં, ૧૮૭૧ ની સાલના છે


સંદર્ભ :- ઊર્મિ નવરચના દીપોત્સવી વિશેષ અંક ખાંભી અને પાળિયા ૧૯૭૫

લેખ :- દરબાર શ્રી પૂંજાવાળા 

ફોટો સૌજન્ય :- આહીર પ્રફુલ રાવલિયા
To Top