મોડપીર દાદા તથા સમા અને સંઘાર વીરો
ઇતિહાસ હંમેશા બલિદાનો, શૂરવીરતા, અન્યાય સામેની લડાઈઓ અને વીરોની વીરગતિનો સાક્ષી બની રહ્યો છે. આજે મારે વાત કરવી છે એ સમા અને સંઘાર વીરોની,કે જેમણે કચ્છની ધરતી માટે પોતાને ખપાવી નાખ્યા..
સવંત ૧૩૦૧ માં જામ જેહાજી કચ્છના જખૌના ધણી હતા. જેહાજીના ત્રણ પુત્રો હતા. જામ રાયધણજી, જામ સાડજી અને જામ અબડોજી. સૌથી મોટા પુત્ર જામ અબડોજી પ્રભાવશાળી અને પ્રતાપી હતા. સમય જતાં અબડોજી પરંપરા મુજબ જખૌનું રાજ સાંભળવા લાગ્યા. અબડોજીને ખોટ હતી તો માત્ર સંતાનની. એક વખત અબડોજી કચ્છમાંથી હિંગળાજ માતાજીના દર્શન કરવા જતાં હતા ત્યાં વચ્ચે એક ફકીરથી ભેટો થયો. અબડોજીના આદર-સત્કાર અને વ્યવહારથી પ્રસન્ન થયેલા એ સાંઈએ એક વચન માંગવા આગ્રહ કર્યો. અબડોજીએ પોતાની શેર માટીની ખોટ ફકીર સામે ધરી. ફકીરે ત્રણ પુત્રોના શુભાષિશ આપી વિદાય લીધી. સમય જતાં અબડોજીના રાણી ચાવડી સોહાગદેને સારા દિવસો વીતવા લાગ્યા. આ સાથે કચ્છમાં ભારી દુષ્કાળનો કહેર વર્તવા લાગ્યો.
અબડોજી પોતાના મિત્રો અને પરિવાર સાથે સિંધ તરફ રવાના થયા. નગરસમેની ગાદી જામ ઘાહો લાખાણીએ હડપી લીધી હતી. અબડોજીએ ત્યાં જઈ પોતાનું ભાગ માંગવાનું નક્કી કર્યું પણ પરિણામ વિપરીત આવ્યું. વિવિદે ઝઘડાનું રૂપ ક્યારે લઇ લીધું જાણ જ ન પડી. સમાઓ વચ્ચે યુદ્ધ ન થાય તેથી ન્યાય માટે દિલ્હીના બાદશાહ પાસે જવાનું નક્કી થયું, આ નિર્ણયથી દિલ્હી તરફ પ્રયાણ થયો. દિલ્હીના બાદશાહે નિર્ણય ઘાહો લાખાણી તરફ બતાવ્યું અને સામે અબડોજીને રોજની એક વચ્છ(પાડી) આપવાનું નક્કી કરાવ્યું.
રોજની એક વચ્છ ઘાહોના સૈનિકો અબડોજીની વાઢમાંથી લઈ આવે. એક દિવસ વારો આવ્યો ઘમાઓજી સંઘારનો.. ઘમાઓજી સંઘાર સંઘારોના મોભી હતા. ઘમાઓજીની વચ્છ સાત ભેંસોને દોહવામાં કામ લાગતી અને સાત ભેંસોના દૂધથી હુષ્ટ-પુષ્ટ વચ્છ ઘાહોના સૈનિકોની નજર ખેંચવા લાગી. ઘમાઓજીએ ઘાહો પાસે જઈ વિનમ્રતાથી વાત કરી પણ સામે ઘાહોએ પોતાના હોદ્દાનો ઉપયોગ કરી ઘમાઓજીનું અપમાન કર્યું. ઘમાઓજી રોષે ભરાયા અને વાત જામ સાડજીને કરી; સાડજી ઘમાઓજીના અપમાનને પોતાનું અપમાન સમજી ગમાઓજી સાથે મળી તકનું લાભ ઉઠાવી ઘાહોને અંગરક્ષકો સાથે ઢેર કરી નાખ્યાં.
ઘાહોવચ્છ સે મરઈ,
જે તે મૈયું મેડે સત;
તેં કે સાડ મારયો,
સિસી દઈ લત.
(અર્થ:- જે પાડી પર સાત ભેંસો દુઝતી હતી તેને ઘાહોએ મારી અને તે ઘોહોની ગરદન પર સોડજીએ લાત દઈ ઠાર કર્યો.)
બીજી તરફ પોતાના પિતાના મૃત્યુની વાત સાંભળી ઘાહોના પુત્ર સંજરે પોતાનું સૈન્ય તૈયાર કર્યું. અબડોજીના વાઢમાં પણ ઘટનાની જાણ થતાં હાહાકાર મચી ગયો જાણે કે યુદ્ધની જ તૈયારી થતી હોય તેમ ભાગદોડ મચી રહી. ઘણા સમયથી શાસ્ત્રો ચલાવવા ઇચ્છતા યોદ્ધાઓ તૈયાર થવા લાગ્યા. અબડોજીએ યુદ્ધની તૈયારી માટે વાઢના પાંચ સમજદાર અને જ્ઞાનીઓની સલાહ લેવાનું નકકી કર્યું.
બ જેહા ઑઠો ચો,
મોડ ગાલાણી ચાર;
અબડો જામ સલા પોછે,
કોઠે અલણ સોનાર.
(અર્થ:- બે જેહા, ત્રીજો ઑઠો નેતિયાર, ચોથો મોડ ગાલાણી સંઘાર અને પાંચમું અલણ સોનાર; આમ પાંચ જણની જામ અબડોજીએ સલાહ પૂછી.)
યુદ્ધના નગરાઓ વાગવા લાગ્યા, સંઘારો અને સમાઓમાં મરણીયાના સુરો રેલાવા લાગ્યા. સંજરના સૈન્ય સામે બહાદુર સંઘારો અને સમાવીરો ખંભે-ખંભા મિલાવી કુદી પડ્યા. તલવારોની ઝાંકાઝીક-ઝાંકાઝીક વચ્ચે મરુ કા મારુના ધેકારા થવા લાગ્યા. સંઘાર અને સમાવીરોના પરાક્રમો સંજરના લશ્કર પર ભારી પાડવા લાગ્યા. સૌથી મોટું પરાક્રમ ભલડજી સંઘારે કરી બતાવ્યું. યુદ્ધમાં ઝુઝુમતા ભલડજી સંઘારે સંજરના નેજાનીશાન અને નગારા કબજે કરી યુદ્ધ જીતની ઘોષણા કરી. નિશાનધ્વજ અને નગારા ભલડજીએ જામ અબડોજીના ચરણે ધર્યા.
વચ્છ સંધે વેર,
સાડ ઘાહો મારે;
ભલડ ખટી ભેર,
દને અબડે જામકે.
(અર્થ:- વચ્છના વેરમાં સોડજીએ ઘાહોને માર્યો, તેથી યુદ્ધમાં ભલડજી સંઘારે ઘાહોના પુત્ર સંજરના નગારા અને નિશાનનેજા જામ અબડોજીને આપ્યા.)
આ બાજુ સંજરે દિલ્હીના બાદશાહ પાસે મદદની યાચના કરતા ઘાહોના મૃત્યુના સમાચાર આપ્યા.
દિલ્હીના બાદશાહે પોતાનું જબર લશ્કર સંજર સાથે રવાના કર્યું. ફરી એકવાર યુદ્ધની ઘોષણા થઈ અને જાણે કે લાડવૈયાઓ તેની જ રાહ જોઈ રહ્યા હતા. દિલ્હીના લશ્કર સામે જોઈ એક વખત તો વીરોને પોતાની મોત સામે દેખાઈ જ રહી હતી પણ પાછી-પાની કરે તે શૂરવીર શાનો? ફરી એકવાર સંઘાર અને સમા વીરો મેદાને ઉતરી પડ્યા. ધીરે ધીરે સંજરના ચહેરા પર સ્મિતના દરવાજા ખુલ્યા અને સ્મિત અટહાસ્યમાં બદલી ગઈ. યુદ્ધ અંત તરફ જઈ રહ્યો હતો. તક જોઈ અબડોજીએ નાનાભાઈ રાયધણજીને કુટુંબ સાથે ગિરનાર મોકલી દીધા. છેલ્લે યુદ્ધના અંતે ઘણા વીરો વીરગતિ પામ્યા.
જેમાં અબડોજી જામ, સાડજી જામ, ઘમાઓજી સંઘાર, ભલડજી સંઘાર વગેરે વીરોએ પોતાના જીવ ખપાવી દીધા.
દાદા મોડપીર
ગીરમાં ગર્ભવતી રાણી સોહગદે ચાવડીએ એક બોરના વ્યાપારી વાણીયા પાસે ચાખવા ખાતર બે-ચાર બોર લીધા; તે વખતે રાણીને અવાજ આવ્યો કે ચુકવણી વગરની કોઈ વસ્તુનું ગ્રહણ ન કરો. એ અવાજ તેના ઉદરમાંના બાળકનું હતું. આવી વાણી ઉદરમાંથી જ બોલનાર બાળકના જન્મ પહેલાં મોડજી નામની ખ્યાતિ મળી ગઈ હતી. પાછળથી મોડપીર જે સમરે તેને પરચા આપતા આવ્યા. મોડજી પીર થઈ પાંચડામાં પૂજવા લાગ્યા અને આજે પણ મોડપીરના નામ પરથી મોડકુબા અને તેમના ભાઈ જામ અબડાજી (અબડોજીના પુત્ર પણ અબડાજી હતું. જ્યારે અબડોજીના બીજા રાણી સોઢી રૂપદેને પણ સારા દિવસો વીતવા લાગ્યા. રાણી સોઢી રૂપદેને ત્રણ વર્ષનું ગર્ભ થયું ત્યારે મોડજીએ માના ઉદરમાંના ભાઈને સંબોધીને કહ્યું ભાઈ હવે માને દુઃખ ન દે આ રાજ તમે સાંભળજો અને પિતાનું નામ ધારણ કરજો. આમ અબડોજીના પુત્રનું નામ પણ અબડાજી પડ્યું.) તેમના નામ પરથી અબડાસા જે આજે પણ કચ્છનો એક તાલુકો છે. મોડપીરદાદાએ જ્યાં પરચા બતાવ્યા ત્યાં મંદિરો આવેલા છે. જેમાં મોડકુબા, ગુંડિયાળી, ભોજાય વગેરેનો સમાવેશ થાય છે.
ધન વાડી, ધન વંગધ્રો
ધન ધન મોડ મુછાર;
ધન કુબો કોટેસરી,
ધન કચ્છડે જો આધાર.
સંદર્ભ પુસ્તક
કચ્છ કલાધર (દુલેરાય કારાણી)
સંકલન/લેખન
જયેશ સંઘાર ભોજાય,માંડવી