ખેડુત પર અન્યાય કરનાર પોરબંદરના માલકારીને નાથા મોઢવાડિયાએ ચામડામાં સીવી દીધો હતો
લેખક: ભરત બાપોદરા
એક દિવસ નાથો મોઢવાડિયો પોતાના પાંચ સાથીદારોને લઈ આંટો દેવા નીકળ્યો છે.
ગામડાં પાર કરતાં-કરતાં સહુ માધવપુરની
સીમમાં જઈ ચડ્યા. આખીયે સીમમાં જુવાર
પાલીપાલીના લોથા કાઢી રહી છે. કણસલાં
જાણે મોતીએ મઢેલાં હોય તેવા કસદાર દાણા
ચડેલા છે. આવો રૂડો મોલ જોઈને ખેડુઓના
ગાલે હરખની લાલી ચડવી જોઈએ, એને બદલે બધાનાં મોઢાં ઊતરી ગયેલાં છે.
વાત એમ હતી કે, જુવારમાં વાઢ પડવાને હજી ઘણા દિવસની વાર હતી અને પોરબંદર નરેશ રાણાસાહેબનો મહાલકારી કૃપારામ મહેતા અગાઉથી વસૂલાત ઉઘરાવવા આવ્યો હતો.એટલે ખેડુઓને વેપારી જે ભાવ કહે, તે ભાવે જુવાર મંડાવી દેવા કોઈ છૂટકો નહોતો.
ખેડુઓ ભેગા મળીને વસૂલાતનો સમય પાછો ઠેલવા કૃપારામ સામે હાથ જોડીને વિનવણી
કરતા હતા, પરન્તુ કૃપારામ ખેડુઓ પ્રત્યે રહેમ દાખવવાને બદલે ઊલટાની બબ્બે કટકે ગાળો ભાંડતો હતો. નાથાને કાને એ ગાળો પડતાં
બાજુના ખેતરમાં કામ કરી રહેલા એક ખેડુને
પૂછ્યું : 'અલ્યા, કાનના કીડા ખરે પડે ઇવી
ગાર્યુ કાઢનાર ઈ કુણ છે ? ઈણા ડાચામાં સરગતું કીં ભરાણુંહ ?'
'અમારો કાળ !' એમ કહીને ખેડુએ નાથા મોઢવાડિયાને માંડીને આખી વાત કહી.
સાંભળતાં તો નાથાને રૂંવેરૂંવે કાળી લા ફરી ગઈ. ચહેરો ધગેલ ત્રાંબા જેવો બની ગયો :
ગરીબ ખેડુઓ પર આવો અન્યાય ?
જ્યાં કૃપારામ મહેતો બેઠો હતો, તે તરફ
નાથાએ પોતાની ઘોડીને હંકારી. ખેડુઓના
ઘરે ઘીથી રસબસતા લાડુનું જમણ કરી આવ્યા બાદ તકિયાને આધારે આડો પડીને કૃપારામ મહેતા મીઠા સાકર જેવા પોંકના
ફડાકા બોલાવી રહ્યો હતો. નાથાએ એને
ધમકાવ્યો : 'અલ્યા પોતડીદાસ ! ખેડુઓના લાડવા ખાઈખાઈને ખૂંટિયા જીવો બનેગોહ ની પાછાં ઈણાં જ લોઈ પીવા બેઠોહ ?'
અમલદારીના રોફ સાથે બેઠો થતાં કૃપારામ તાડૂક્યો :'એ ઠીંગણા ! તું કોની સામે જીભ ચલાવે છે એનું તને કંઈ ભાન છે ?'
'બહાદુરના બેટા !' નાથાએ પોતાનો જમણો પગ પેંગડામાંથી બહાર કાઢતાં પૂછ્યુું: 'તારું નામ બોલ જોઈએ : હુંય જાણેલાં કે તું કુણ છે ?'
'પોરબંદર સ્ટેટના મોટા માલકારી કૃપારામ
મહેતાને તું ઓળખે છે ? એ પોતે જ હું છું,
સમજ્યો ?' કૃપારામેરુઆબથી જવાબ દીધો અને પછી પોંકનો મોટો ફાકડો મોઢામાં મૂકતાં ઉમેર્યું : 'આખી રૈયત મારા નામથી થરથરે છે !'
એ સાથે જ નાથો મોઢવાડિયો છલાંગ મારીને ઘોડી પરથી નીચે ઊતર્યો અને
કૃપારામની ગળચી પકડતાં બોલ્યો : 'સાલ્લા હરામી ! તારા નામથી તાં બિચારી રૈયત થથરતી હીંહે,પણ મારા નામથી તાં નવસો
નવાણું પાદરનો ધણી જામ રણમલ પણ થથરે છે !'
નાથાનો આ જવાબ સાંભળતાં તો કૃપારામના છક્કા છૂટી ગયા.હવે એને ખબર પડી કે પોતે અત્યાર સુધી જેની સામે રોફ જમાવ્યો એ તો નાથો મોઢવાડિયો ! બરડાનો
બહારવટિયો ! હવે શું થશે ? બે હાથ જોડી કૃપારામ કગરવા મંડ્યો : 'નાથા ભગત ! મને માફ કરો ! મેં તમને ન ઓળખ્યા !'
પરન્તુ આવા નરાધમને માફ કરાય ? નાથા મોઢવાડિયાએ પોતાના એક આદમીને મરેલા ઢોરનું ચામડું લેવા માધવપુર દોડાવ્યો.નાથાનો આદમી માધવપુરથી મરેલા ઢોરનું ચામડું લઈ આવ્યો. નાથાએ કૃપારામના લાલ ટમેટા જેવા શરીર પર ગાંડી બંદૂકના કુંદા ફટકારતાં- ફટકારતાં એને ચામડા પર ચત્તોપાટ સુવડાવ્યો ચામડાને ચારે છેડેથી ભેગું કરીને સીવી દીધું.
ચામડાની અંદર ગૂંગળાઈને કૃપારામના રામ રમી ગયા.
મ્હેતો માધમપુર તણે ગજરે ખાતો ગામ,
કુંદે કિરપારામ, નેતર કીધો નાથિયા !
કૃપારામના આવા કરપીણ મોતની ખબર સાંભળીને રાજ્યના બીજા અમલદારો
આપોઆપ સુધરી ગયા...!