,, સંત જાલા ભગત અને સંત પરમાબાઇ ,,
સતિ, સંત, શૂરા અને સાવઝ સૌરાષ્ટ્ર ની પાવન ભૂમિ ની આગવી ઓળખ છે..! અઢારે વરણમા શૂરા અને સંતો થયા છે..!
સંત જાલા ભગત નો જન્મ વાંકાનેર પાસે મેસરીયા ગામે માલધારી રબારી સમાજમાં થયો હતો, તેમનાં પિતા સુખી સંપન્ન નાતના આગેવાન હતા,જાલા ભગત થીં ત્રણ મોટા ભાઈઓ હતા, બહોળો માલ અને આઠ દશ સાતિની જમીન હતી.
પિતાનાં પરલોકગમન બાદ જાલાને પરણાવી સૌ ભાઈઓ જુદા થયાં, પરણેતર આવ્યા પછી જાલો પોતાની જમીન ખેડવા લાગ્યો ,જાલાની ઘરવાળી નું નામ પરમા હતું, સુખી સંપન્ન અને સંસ્કારી પરિવાર ની એક માત્ર ભજનાનંદી દીકરી હતી,પરમા બચપણથી જ ભક્તિ નાં રંગે રંગાયા હતા, ભજનો ગાવા, સાધુ સંતો સાથે બેસવું,મેળા ભંડારામાં પિતા સાથે જવું પરમાને ખુબજ ગમતું,જાલા અને પરમા શેઠ સગાળશા અને ચંગાવતી જેવા પરમાર્થી અને આંગણે આવેલા ભુખ્યાને ભોજન કરાવતાં.
પરમા ગુરુ મુખી હતાં એટલે જાલાને કોઈ નામી સંત પાસે કંઠી બંધાવવાની ઉતાવળ હતી,, પતિ પત્ની નાં સંત સમાગમ અને અભ્યાગતોને આવકારવા ની રીત જાલાના ભાઈઓને પસંદ ન હતી,તેઓ સદાય મનોમન ઈર્ષા અને દ્વેષ કરતાં..!
સદગુરુ શરણની પૃચ્છા કરતાં મોલડી નાં આપા રતાં નું નામ ઉત્તમ જણાયું..! આપા રતાં નાં ધર્મ પત્ની પણ ધર્મ અનુરાગી અને પરગજુ સ્વભાવ નાં હતાં.
એક દિવસ જન્મ મરણ નાં ફેરા ટાળવા જાલો અને તેમનાં પત્ની પરમા આપા રતાં નાં આશરે પંહોચ્યા,પરમા એ આપા રતા નાં ધર્મ પત્નીને જીવતરના ફેરા ટાળવા આરદા કરતાં તેમણે કહ્યું !
, બેટા પરમા..! બહું મોટી પીરાઈ અમારામાં નથી..! દીકરી..! અમે કાઠી છીએં , અભ્યાગતો નેં આશરા ધર્મ જાળવી પોંખી એ છીએ..! આજે અષાઢી બીજ હોવાથી પધારેલ સંતોની હાજરીમાં આપા રતાં એ જાલા અને પરમા નેં કંઠી બાંધી માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને દર બીજનાં દિવસે સત્સંગ માં આવવાનાં નીમ લેવડાવ્યા, , ગુરુ ધારણા, પછી દર બીજે જાલો અને પરમા જવા લાગ્યા,આખી રાત ભજનભાવ કરી સવારે ખેતી કામમાં લાગી જતાં, પછી તો મેસરીયા નાં ભુદેવ હરિશંકર મહારાજ પણ મોલડી જવા લાગ્યા.
જાલા અને પરમા ની ગુરુ ધારણા કાઠી સંત આપા રતાં એ કરી અને દર બીજનાં દિવસે ત્યાં આ બન્ને નું જવાનું કેટલાક સંકુચિત વાળા લોકો ને પસંદ ન પડતાં જાલાના મોટા ભાઇઓને ઉશ્કેરતા ત્રણેય ભાઈઓ ભેળાં મળી ને જાલા અને પરમા નેં,ડારા ડફારા, દેતાં કહ્યું : જાલા - પરમા..! જો તમારે જીવવું હોય તો મોલડી નાં માર્ગ સામે હવે જોતા નહિ...!, સમય પારખી તે વખતે હા પાડી પણ બીજ આવતા જ મોલડી ગયા એટલે જાલાના ભાઈઓ એ રસ્તામાં જ તેમનું પુરું કરી નાખવાં નિર્ણય કર્યો , હરિશંકર મહારાજ પણ મોલડી ગયા હતા ,જાલાના ભાઈઓ મોલડી માં કોઈ સગાને ત્યાં રોકાયા, બીજની રાત્રે સંતો ભક્તો ની હાજરી માં આરાધ શરૂ થયાં , સવારે સૌ છુટા પડ્યા.
જાલા અને પરમા એ ગુરુ ની રજા માગી ત્યારે આપા રતાં એ કહ્યું : જાલા..! આજે તું અને પરમા જમીને જાઓ , ઠાકર ધણી અત્યાર જવાની નાં પાડે છે ...!, ગુરુ આદેશ થતાં જાલો અને પરમા રોકાયા પણ હરિશંકર મહારાજ તાણ કરવા છતાં ઉતાવળાં થઈ ચાલી નીકળ્યા...! ઠાકર ધણી ની ઝાલર શંખ વાગતા જ જાલાના ભાઈઓ જાલા અને પરમા નો , કાંટો કાઢી નાખવા, ઓડવા બાંધી બેસી ગયા..! મોલડી નાં માર્ગેથી જાલા કે પરમાને આવતા જોયા નહીં પણ હરિશંકર મહારાજ નેં એકલા ને આવતા જોઈ પડકાર્યો અને પુરો કરી નાખી તેની લાશ નજીક વોંકળામાં ફેંકી દીધી..! હવે ત્રણેય ભાઈઓ જાલા અને પરમા ની રાહ જોઈ ઉભા રહ્યા..! લાંબા સમય સુધી રાહ જોઈ અંતે છુટા પડ્યા..! જમીને આપા રતાં પાસે જાલા અને પરમા એ રજા માંગતા આજે તો તમારે જવાનું નથી એવો આદેશ થતાં ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી રોકાઇ ગયા, આપા રતા નાં રોકાઈ જવાનાં આદેશ માં ભાવીના સંકેત હતાં..!! રાત રોકાયા .
મધરાતે જાલા નેં ભાસ થતાં બહાર આવ્યા ત્યારે આપા રતાં મંદિરમાં માળા ફેરવતા બોલ્યા : જાલા...! ઉંઘ નથી આવતી ,જો ઠાકર કેવાં રુડાં છે આવતી મુસીબતને પંહોચી વળવા કાલે તૈયાર રહેજે..! બેસ માળા લઈને થોડા જાપ કર..!,
જાલો માળા લઈને બેસી ગયો, ગુરુ શિષ્યે માળા ફેરવતા સવાર કરી,પ્રાગડ પહેલા જાલો અને પરમા મેસરીયાના પંથે પડ્યા, રસ્તામાં સમડી ગીધડાઓ નેં જોઈ નજીક જવાનું વિચારી પાસે જતાં જ શબ હરિશંકર મહારાજ નું હતું તે ઓળખી અફસોસ કરવાં લાગ્યાં, ,પરમા..! કોઈ કાળો કામ કરી ગયા, રાંકનાં છોકરા રખળી પડ્યાં..!, આજુબાજુ માંથી લાકડા ભેળાં કરી ,ગોવાળીયાઓ નેં બોલાવી પૂછપરછ કરતાં કાળો કામ કરનાર જાલાના ભાઈઓ જ હતાં તેમ જાણવા મળ્યું,ગોવાળીયાઓ કહ્યું : જો તમે બન્ને સાંજ સુધીમાં આવ્યાં હોત તો તમારી પણ આજ દશા થાત..!!,
સૌએ સાથે મળીને હરિશંકર મહારાજ ની ,દેન ક્રિયા, પુરી કરી મેસરીયા પંહોચ્યા, બન્ને નાં દિલમાં બ્રહ્મ હત્યા નો મોટો આઘાત લાગ્યો, ઘેર આવી ઢોલી નેં બોલાવી ,ત્રઘાટો, ટીપાવી પોતાની તમામ સંપત્તિ લૂંટાવી દીધી..!
જાલાએ કહ્યું : પરમા...! તું આ બધું શું કરે છે..? , ત્યારે પરમા એ કહ્યું : ભગત..! આપણાં કાજે થઈ ને હરિશંકર બ્રાહ્મણ મર્યા,આ કાયાના મોહ હવે શીદને રાખવાં..! હું તો સમાધી માં બેસી જવાની..! એટલે ઘરની પીડા ઓછી કરતી જાઉં છું, ભગત..! તમે સત્સંગ કરજો, જે કુળમાં બ્રહ્મ હત્યારા હોય તે કુળ અને ગામની વહું તરીકે પરમા હવે જીવે નહિ..!,
,પરમા..! હું પણ તમારી સાથે આવવા તૈયાર છું.., આમ કહી મેસરીયા થીં ઉગમણી બાજુ ,ગાલ કુંડ,નામે સ્થાનક આવ્યાં , સમસ્ત ગ્રામજનો નેં બોલાવી કહ્યું : હે ધર્મના માવતરો..! અમારા ભાઇઓ એ બ્રહ્મ હત્યા કરી એટલે અમારે સમાધી માં બેસવું છે, છેલ્લી વિદાય આપવા સમાધી ગાળી આપો..!, ત્યારે ગામના શેઠ બોલ્યા : જાલા ભગત - પરમા ..! તમે બન્ને વર વહું હજુ જુવાન છો, તમારા ભાઇઓ એ મુર્ખાઈ કરી બ્રહ્મ હત્યા કરી એનાં પાપ તેઓ ભોગવશે તમે શીદને આત્મ હત્યા કરો છો..?!, ત્યારે પરમા એ કહ્યું : શેઠજી... ગ્રામજનો! આત્મ હત્યા નથી કરતા અમે સમાધી નાં કાંઠે બેસીને જ દેહ મુકીશું, જીવતા તમારે અમારાં પર માટી વાળવાની નથી, જો પ્રાણ ન જાય તો અમને સમાધી માં બેસાડવાના નથી..!!,
ગ્રામજનો નેં વાત સમજાણી સમાધી તૈયાર થઈ , સમસ્ત ગ્રામજનો દર્શન કરવા અધીરા થયા બન્ને પતિ પત્ની સજોડે સમાધી નાં કાંઠે પૂર્વ તરફ મોં કરી કુંડ પાસે બેઠાં, દબાતા પગલે શરમથી નીચાં જોઈ જાલાના ભાઈઓ આવી બન્ને ને પગે પડ્યા..! પરમા એ કહ્યું : જેઠજી..! વહુવારુ ની લાજ રાખવા તમે નકામી બ્રહ્મ હત્યા કરી..! હવે સાંભળો..! આવતા ભવે તમારો ભાઈ લોહાણા સમાજ માં અવતરશે, ગિરનાર ની છાંયામાં વિરપુર..! હું પણ તેમની ઘરવાળી હોઇશ, મારાં દાન લેવા દીનાનાથ ખુદ આવશે અને મારા ધણી આજની અધુરી વાત બીજાં જન્મમાં પુરી કરશે..! અમારી કિર્તી ત્યારે વિશ્વમાં ફેલાશે..! આટલું કહેતાં તમામ લોકોને નમ્યા ત્યાં તો પ્રાણ પંખેરા ઉડી ગયા..! ધાર્મિક વિધિ પૂર્ણ કરી સમાધી પૂરવામાં આવી ,જય નાદ થયાં..!
આજે પણ વાંકાનેર પાસે મેસરીયા ગામે સંત જાલા ભગત અને સંત પરમાબાઇ ની સમાધિ હયાત છે , સ્થાનક પર ધર્મ ધજા ફરકી રહીં છે, અસંખ્ય લોકો સંતો ની સમાધિ નાં દર્શન કરી પોતાની બાધા આખડી રાખે છે..અને સૌની મનોકામના પૂર્ણ થાય છે..!
લોકોક્તિ પ્રમાણે પરમાબાઈ અને જાલા ભગત નાં વચન સત્ય ઠર્યા બીજા અવતારમાં જાલા ભગત જલારામ થયાં અને પરમાબાઇ માં વિરબાઈ થયાં પરમાત્મા એ સંત જલારામ બાપા પાસે તેમના અર્ધાંગિની માંગતા હંસતા મુખે આપી દીધાં હતાં..!
ધન્ય છે માલધારી સમાજ ને કે જેણે જાલા ભગત અને પરમાબાઈ જેવા સંત રત્નો આપ્યાં..! ધન્ય છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતીને..!
શ્રી કિશોરભાઈ વાણિયા