વનરાજ ચાવડા
જન્મ વૈશાખ સુદ પૂર્ણિમા વિક્રમ સંવત ૭૫૨
મૃત્યુ ફાગણ વદ અગિયારસ વિક્રમ સંવત ૮૬૨
આજથી આશરે ચૌદસો વરસ પહેલાંની વાત છે. વનરાજના પિતા જયશિખરી ગુજરાતના ખૂબ જ બહાદુર રાજા હતા.તેમના રાજ્યની રાજધાની પંચાસર હતી. તેમના રાજયની જાહોજલાલી જાણીને કલ્યાણ કટક ના ભુવડ નામના રાજાએ ઉત્તર ગુજરાત પર ચડાઇ કરવા તેના સરદાર મિહિરને મોકલ્યો. જયશિખરીએ પોતાના સાળા સૂરપાળને તેની સામે લડાઇ કરવા મોકલ્યો. પછી ભુવડ પોતે મોટું લશ્કર લઇને આવ્યો અને પંચાસરને કિલ્લાને બાવન દિવસ સુધી ઘેરો ઘાલ્યો. જયશિખરીને લાગ્યું કે પોતે હારી જશે. તે ચેતી ગયો. તેણે પોતાની પત્ની રૂપસુંદરી અને સૂરપાળને વનમાં મોકલી દીધાં. જયશિખરી ખૂબ વીરતાથી લડ્યો અને વીરગતિ પામ્યો. ભુવડે પંચાસર કબજે કર્યું. વનમાં રૂપસુંદરીએ બાળકને જન્મ આપ્યો.વનમાં જન્મ થયો હોવાથી તેનુ નામ વનરાજ પડ્યુ.
વનના ભીલ લોકોએ રાણી રૂપસુંદરીને માનપાન આપીને સાચવ્યાં. એ રીતે વનરાજ મોટો થવા લાગ્યો. તેના મામા સૂરપાળ તેને તીર છોડતાં, તલવાર ચલાવતાં અને ઘોડેસવારી કરતાં શીખવવા લાગ્યા. તે સમજણો થયો ત્યારે પિતાએ ગુમાવેલું રાજય પાછું મેળવવાની ઇચ્છા તેનામાં જાગી ઊઠી. તેના મામા તેને માર્ગદર્શન આપતા રહ્યા.તેને અણહિલ નામનો ભરવાડ સાથિદાર મળ્યો .ચાંપા નામનો મિત્ર પણ બન્યો. તેણે મિત્ર બનીને રાજય પાછું મેળવવા વનરાજને મદદ કરવાનું વચન આપ્યું.
ચાંપો વીર તો હતો જ, સાથે જ ધનવાન પણ હતો. તેની મદદ મળતાં વનરાજ અને તેના મામાએ મોટું લશ્કર તૈયાર કર્યું. પછી ભુવડ સામે યુદ્ઘ કરીને તેને હરાવ્યો અને ૫૦ વર્ષની ઉંમરે વનરાજે પોતાનું રાજય પાછું મેળવ્યું ! વનરાજે પાટણમાં પોતાની રાજધાની બનાવી. રાજા તરીકે તે ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને ઉદાર હતો. તેણે જૈન ધર્મને રાજયાશ્રમ આપ્યો; અનેક મંદિરો બંધાવ્યા. પોતાને કપરા દિવસોમાં મદદ કરનાર દરેકને તેણે યાદ રાખ્યા હતા. મિત્ર અણહિલના ઉપકારના બદલામાં તેણે પોતાની રાજધાનીને ‘અણહિલ-પાટણ’ નામ આપ્યું.
ચાંપા વાણિયાની કદર કરવા વડોદરા નજીક પાવાગઢ પર્વતની તળેટીમાં નગર વસાવીને તેને ‘ચાંપાનેર’ નામ આપ્યું, પાટણમાં પંચાસરા પાર્શ્ર્વનાથનું દેરાસર બંધાવ્યું. તેમાં પ્રજાના આગ્રહથી પોતાની પ્રતિમા પણ મૂકી. આજે પણ ત્યાં વનરાજની પ્રતિમા જોવા મળે છે. વનરાજે લાંબું આયુષ્ય ભોગવ્યું અને સાઠ વરસ રાજય કર્યુ.
શત શત નમન જય ગુજરાત જય હિંદ