સિદ્ધ યોગી શ્રી હરિહરાનંદજી બાપુ ( ગુરુ શ્રી નિત્યાનંદ બાપુ )
શ્રી હરિહરાનંદજી બાપુ રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામના બ્રાહ્મણ પરિવારના હતા. તેમના પિતાશ્રીનુ નામ પુરુષોત્તમ વ્યાસ તથા માતાનુ નામ સંતોકબા હતું.
તેમના માતુશ્રી સંતોકબા નારાયણ ના પરમ ભક્ત હતા. માતુશ્રીનો ભક્તિ નો વારસો શ્રી હરિહરાનંદજી બાપુમા ઉતર્યો હતો.
જન્મ : સવંત ૧૯૬૫ અષાઢ સુદ દશમી સોમવાર
તારીખ ૧૨/૭/૧૯૦૯
નિર્વાણ : સવંત ૨૦૨૩ જેઠ વદ આઠમ શુક્રવાર તારીખ ૩૦/૬/૧૯૬૭
જન્મભૂમિ હલેન્ડામાં પાંચ વર્ષ માતાજીના સાનિધ્યમાં પ્રભુ ભક્તિ કરી બાદમાં પીઠડીયા ગામે તેમના ગુરુ શ્રી નિત્યાનંદજી બાપુ પાસે દીક્ષા ધારણ કરીને સન્યાસ ને પંથે ચાલ્યા.
હલેન્ડા ગામના પાદરમાં મહાદેવજીના સાનિધ્યમાં વર્ષો સુધી પંચ ધૂણી ધખાવી લીમડાના રસનું સેવન કરીને આજીવન ફળાહાર વ્રત લઈને કઠોર તપસ્યા કરી.
બાદમાં આટકોટ ગામે નારાયણની ભક્તિ કરી સવંત ૧૯૯૯ મા સરધાર ( જીલ્લો રાજકોટ ) ગામની બહાર શ્રી વિશ્વનાથ સંન્યાસ આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં બે શિવાલય અને એક અંબામાનુ મંદિર બનાવ્યું. આ ઉપરાંત એક ગૌશાળા બનાવી જેમાં ૬૦ ગાયો રાખેલ.
દર વર્ષે શ્રી શિવ પુરાણ, શ્રીમદ ભાગવત પારાયણ, શ્રી રામ પારાયણ, શ્રી દેવી ભાગવત જેવી ઘણી પારાયણો કરી અસંખ્ય ભક્તોએ ભજન-ભોજન અને કથારસ માણ્યો.
શ્રી હરિહરાનંદજી બાપુનું સૂત્ર હતુ 'નારાયણ ભજો,
હરિહર કરાવો' બાપુ પોતે માત્ર ચા ઉપર જીવન જીવતા. આશ્રમમાં આવનાર અતિથિઓને હરિહર કરાવતા અને વિસામો અને શાંતિ આપતા.
પૂજ્ય બાપુએ ભક્તિ કાલ દરમ્યાન ચાર વેદ, 18 પુરાણ, ષટ શાસ્ત્ર,૧૦૮ ઉપનિષદના નિચોડ સ્વરૂપે માળાની રચના કરી જે લોકમુખે ગવાય છે.
પૂજ્ય હરિહરાનંદજી બાપુનુ રચેલ પદ ઘણુ ભક્તિસભરછે. જે ટૂંકમાં આપેલ છે.
ગુરુજીના નામની હો માળા છે ડોકમા
નારાયણ નામની હો માળા છે ડોકમા
જૂઠુ બોલાય નહી ખોટુ લેવાય નહી
અવળુ ચલાય નહી હો માળા છે ડોકમા
ક્રોધ કદી થાય નહી પરને પીડાય નહી
કોઇને દુભવાય નહી હો માળા છે ડોકમા
પરને નીંદાય નહી હું પદ ધરાય નહિ
પાપને પોષાય નહી હો માળા છે ડોકમા
સુખમા ચકાય નહી દુ:ખમા રડાય નહી
ભક્તિ ભૂલાય નહી હો માળા છે ડોકમા
ધન સંઘરાય નહી એકલા ખવાય નહી
ભેદ રખાય નહી હો માળા છે ડોકમા
બોલ્યુ બદલાય નહી ટેકને તજાય નહી
બાનુ લજવાય નહી હો માળા છે ડોકમા
હરિહરાનંદ કહે સત્યને ચૂકાય નહી
નારાયણ વિસરાય નહી હો માળા છે ડોકમા
પૂજ્ય નારાયણ સ્વામી (શક્તિદાન ગઢવી)
મૂળ ગામ દેરડીથી તેમના પિતાશ્રી મહિદાન ગઢવી તથા માતુશ્રી જીવુબાઈ હલેન્ડા બાપુના દર્શને આવ્યા હતા.
આહિર મેણંદ લખમણભાઇ જળુએ નારાયણ સ્વામીના કુટુંબને છ માસ આશરો આપી સાથે રાખ્યા. તેમના પિતા મહિદાન પૂજ્ય બાપુના આશ્રમમાં સેવા અર્થે જતા હતા ત્યારે તેની સાથે નારાયણ સ્વામી પણ જતા હતા. તેમનો કંઠ સારો હતો પરંતુ તાલમાં ફેરફાર રહેતો. એક દિવસ પૂજ્ય બાપુએ બાળ નારાયણના ગળા પર જમણો હાથ ફેરવ્યો અને મુખ ખોલાવી જીભ બહાર કાઢવાનું કહ્યું.
પૂજ્ય બાપુએ તેમના જમણા હાથની ટચલી આંગળીનો સ્પર્શ બાળ નારાયણની જીભ ઉપર કર્યો.
ત્યારબાદ તેમના મુખ પર કાયમ સરસ્વતીનો વાસ થયો.
પૂજ્ય બાપુના આશિષથી ભજનની દુનિયામાં નારાયણ સ્વામીનું નામ અમર થયુ.
સવંત ૨૦૨૩ ના જેઠ વદ આઠમ ને શુક્રવારે તારીખ
૩૦/૬/૧૯૬૭ ના રોજ પૂજ્ય હરિહરાનંદજી બાપુ નારાયણ સ્વરૂપમાં સમાઈ ગયા.
હાલમાં સર્વે જીવમાં નારાયણના દર્શન કરીને કોઈ પણ જાતના ભેદભાવ વગર આશ્રમમાં અન ક્ષેત્ર ચાલે છે.
શ્રી હરિહરાનંદ બાપુના શિષ્ય જસદણના કાળા ભગત હતા.
જય નારાયણ જય ભોલેનાથ