શૌર્યતા ભારા આહિર ની
માયકાંગલાની રીતે જીવવા કરતાં મર્દાનગીથી મરવું એમાં ઈશ્વર પણ રાજી છે !
તેને સહેદે પુષ્પક નામનું વિમાન લઈને આવા નર પટાધર યોદ્ધાઓ ને તેડવા આવે છે, ત્યારે સ્વર્ગની અપ્સરાઓ પરણવાની હોડ લગાવીને ઉભી હોય છે, સોરઠમાં ડેરવાણ ( તાલુકો કેશોદ ) ગામે ભારો બકોત્રા અડાભીડ આહીર થયો, અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન દ્વારકાધીશની દયાથી આહીરાણી ની કુખે આવા મર્દ આહીરનો જન્મ થયો છે, જ્યારે દીનોનાથ નવરો હશે ત્યારે આવા ભડવીર ભારા આહીરની કાયા ઘડી હશે, પાંચ હાથ પૂરો, ગીરના ડાલામત્થા નર કેશરી સિંહ જેવી વિશાળ છાતી કસાયેલ દેહ, અણીદાર મૂછો આછી આછી દાઢીના કાતરા વધી ગયેલા, ખુન્નસભરી આંખો, લાંબા લાંબા હાથ, બાવળા ની ભુજા માં બળ છે.
આવા પાણીદાર જવામર્દની ચોવીસ ગામમાં સોરઠના રાજવીએ રખોપીયા તરીકે નિમણૂક કરી હતી, બળુકા પાણીદાર માટીની તે દી કાયમી કિંમત થતી, ભલ ભલા લૂંટારાઓ નું પાણી ભારા બકોત્રા એ ઉતાર્યું હતું, એ સમયે ચોર લૂંટારા ભારા બકોત્રા નું નામ સાંભળતા થર થર કાંપતા, ગામ પરગામ પાંચમા પુછાય એવું નામ, ક્યાંય કજિયા કંકાસ કે વેર અણબનાવ અબોલા હોય તો ભારો આહીર બંને પક્ષની વાત સાંભળીને સમાધાન કરી આપે, ભેગા બેસીને ચા દૂધ કાવા કસુંબા અરસ પરસ પીવડાવી દીયે, આવો આહીર કુળમાં કર્મી વ્યક્તિ હતો, એટલે તો ભારા આહીરના આશરે કાયમી પાંચ દશ પંદર મહેમાનો નો જમાવડો રહેતો. ભારો જેટલો શુરવીર એટલો જ ઉદાર હતો, કાયમ આશરા ધર્મરૂપે યાચકો શીખ લેવા આવતા, ડાયરાની હિંક બોલતી, દૂધ, કાવા, કસુંબા, હોકાની ગડેડાટી, કથાઓની બિરદાવલિયું સંભળાતી.
માણસ વેલા મોડો વયો જાય છે, એક દિવસ મરી જવું એ સનાતન સત્ય છે, પણ કરણી થકી માણસ અમર બની જાય છે, જ્યારે કવિરાજ વાણી સંભળાવે, પોતાન વડવાઓ ના જીવતર કહે, ત્યારે ભારા આહીરને પોરહના પલ્લા છૂટે, એટલે ભારો આહીર જાજરમાન જીવન જીવે છે, ભારા આહીરની વીરતા, ધીરતા અને ઉદરતાની ભભક સારાયે સોરઠના સીમાડા વટાવીને ક્યાંય સુધી પ્રસરે છે.
આજ ભારા આહીરને ત્યાં ખોખરડાથી નાગદાન આહીર લુશાળાથી લખમણ આહીર ખોરસાથી ખોડા આહીર જેવા નામાંકિત વ્યક્તિઓ મહેમાન છે, બરાબર નો ડાયરો જામ્યો છે, કાવા કસુંબાની તાણ્યું કરી ને કસુંબા પાય છે, લે ને મારો ભાઈ ભાઈનો હાથ પાછો થોડો ઠેલાઈ સોગંધ અપાય છે, જેમાં અંતર ના ભાવ છે, લાગણી હેત પ્રીતના મીઠાં ઓવારણાં છે,
એવા વખતે એક જુવાન ભારા આહીરને ફરિયાદ કરે છે, મૂળ ડેરવાણના સંધિઓ માંગલા ( મંગલપુર તાલુકો કેશોદ ) માં ભરાણા છે જે ગામની આબરૂ માથે ઘા કરે છે, બાપ તારા જીવતા ચીર લૂંટાય તો આ ધરતી રસાતાળ થઈ જાય, સોરઠના સરદારે તને રખોપીયા તરીકે શુ કામ બેસાડ્યો છે ?
આ વાત ભારા આહીરે સાંભળતા હાડોહાડ લાગી આવ્યુ, આંખોમાં લોહીના ના લાલ ટસ્યા ફૂટવા માંડયા, ખુન્નસના કારણે શરીરના રૂંવાડા સમ સમ સમ ઉભા થઇ ગયા, મોઢું લાલ હિંગોરડા જેવું થઈ ગયું, કાવાની પ્યાલી એક ઝાટકે પેટમાં પધરાવી દીધી, એ ભાઈ આટલા તારા શબ્દોરૂપી બાણ બસ છે, તુરંત જ કુંભકર્ણ જેમ નીંદ્રામાંથી સફાળો જાગે એમ ભારો આહીર સડાક દઈને ઉભો થઇ ગયો, ધરતી ઉપર પાણીની અંજલી છાંટીને કહે છે કે કાલનો સૂરજ આથમતા પહેલા એ નિમકહલાલ સંધિઓ આ ધરતી માથે નહિ હોય.
ત્યાં તો ડાયરામાં સોપો પડી જાય છે મહેમાનો ને બે હાથ જોડીને કહે છે આજનો દિવસ રોકાઈ જાવ કાલે સવારે છાશુ પી ને જજો, હવે મારે જવાબદારી રૂપે કામ આવી ગયું છે, એટલે જીવ્યા મુવા ના ઝાઝા થી જે મુરલીધર, કાં બાપ તારી વાત સાંભળતા અમેં કોઈ આલી મવાલી નથી કે પારોઠ ના પગલાં ભરીએ, અમે પણ આહીરાણી ના પેટ જન્મ લીધો છે, હવે તારા ભેગા અમે પણ ધીંગાણે ચડશું, જો જીતશું તો જશના ભાગીદાર થશું, નહિતર સ્વર્ગે સિધાવશું, એક એક કરતાં દશ બાર જવામર્દ આહીરો તૈયાર થયા સાથે ભારા બકોત્રા ના મામા પુનો લાવડીયા પણ અગ્રેસર થયા.
ઘોડા હથિયારો બધું તૈયાર થયું, આ બાજુ ઘરના બધા ને જાણ કરી ભારો પાછો વળ્યો, ત્યાં ઘરની ઓસરીના નેવામાં માથું ભટકાયું ને માથા પરની પાઘડી પડી ગઈ, ત્યારે ભારા ના માતૃશ્રી કહે છે દીકરા આજે મને અપશુકન જેવું લાગે છે, તારા માથા ઉપરથી પાઘડી પડી ગઈ છે એટલે આજનો દિવસ ખમૈયા કરી જા કાલે સવારે જજે આમ પણ આજે આંગણે મેમાન છે.
મા વાત તો તમારી સાચી છે પણ આજ ને કાલમાં શુ ફેર પડવાનો છે, ઇ બધાય મેમાન મારી સાથે આવવા તૈયાર થયા છે, સોરઠના રાજવીએ મારા પર ભરોસો કરીને ચોવીસીની પાગ પહેરાવી છે, મોત તો માં ગમે ત્યારે આવે એટલે ફાટી ને ધુમાડે ગયેલા સંધિઓ ને માંગલા માંથી કાઢ્યા વીના છૂટકો નથી, મને પ્રેમથી રજા દે માં
ખમ્મા મારા લાલને જા પારોઠના પગલાં ભરતો નહીં
ભારા આહીર અને બીજા જુવાનો એ માંગલા તરફ પ્રયાણ કર્યું, એક ગામ બીજું ગામ એમ કરતાં સેંદરડા ના પાદરમાં આવે છે, ત્યાં એક ઓળખીતા સંબંધી મળે છે, કાવા કસુંબા પીવે છે અને હાલવાની તૈયારી કરે ત્યાં ગધેડા એ ભુંકવાનું શરૂ કર્યું, સબંધી કહે છે ભારા આ ભુંકવામાં મને અપશુકન લાગે છે.
અરે શુકન અને અપશુકન શુ વળી ? મોત તો ગમે ત્યારે આવી ને ઉભું રહેશે એમ બોલતાં આગળ વધે છે, આ તરફ એક જાણભેદુ સંધીએ માંગલાના સંધિઓ ને જાણ કરી દીધી કે ભારો આહીર આવે છે એટલે તમે કોઈ જીવતા રહેવાના નથી, ત્યાં તો સંધિઓ ના હોંશકોશ ઉડી જાય છે, એક કહે આપણે ભારે ભુલ કરી છે, એક તો ડેરવાણ માંથી આપણને હાંકી કાઢ્યા અને હવે અહીંથી પણ ભાગવાનો વારો છે, બીજો કહે કે પણ હવે એ આપણને જીવતા જવા દીયે તો ને ? આ ભૂમિ હવે આપણને ક્યાંય સંઘરશેે નહિ, એટલે હવે તો કા મરવું ને કાં મારવા એવો નિર્ણય કરી ને બેસી ગયા.
દારૂગોળા હતો તે લઈને બધા સંધિઓ એક ઘરમાં ભરાઈ ગયા, આ બાજુ ભારા આહીર અને બીજા જુવાનોએ ઘરને ઘેરી લીધું બારણાં પાસે થી બરોબર ભારો વંડી ઠેકવા ઉપર ચડે ત્યાં તો ડેલીના બારણાંના કાણામાંથી ભારાનું પેટ જોયું અને ગોળી છોડી ગોળી સીધી ભારા ના પેટ સોસરવી નીકળી ગઈ, ભારો નીચે પડ્યો.
પુનો લાવડીયો દોડતો દોડતો ભાણેજ પાસે આવે છે ભારો પેટ ઉપર ભેટાઈ વારતાં કહે છે મામા આજે એક પણ સંધી જીવતો ના જવો જોઈએ
હા.. હા.. ભારા એમજ થશે પુના એ ઈશારો કરતા ગામમાંથી નિસરણી લાવી એક સામટા આહીરો સંધિઓ ઉપર તૂટી પડે છે, ભારા ને ગોળી માર્યાનું નું વેર વાળતાં સંધિઓ ના ટુકડે ટુકડા કરી નાખ્યા કોઈ ને ગોળીયે દીધા એક પણ સંધિ ને જીવતો જવા દીધો નહિ.
ભારાનું લોહી જાજુ વહી જવાથી ભારો આહીર મર્દાનગી રૂપે સોરઠના રખોપીયા તરીકે સ્વર્ગે સિધાવે છે, તેમના દેહ ને ડેરવાણ લાવી પુનો એની સ્મશાન યાત્રા કાઢે છે અને રિવાજ મુજન ઉત્તરક્રિયા કરે છે, પુનો આહીર વિચારે છે કે ભારાના ઘરેથી આહીરાણીને મીઠા થુંકરૂપે આઠમો માસ ચાલે છે, જો દીકરાનો જન્મ થાય તો હું એનું મોઢું જોતો જાવ, ભારાને ઘરેથી આહીરાણી લક્ષ્મીરૂપી દીકરી ને જન્મ આપે છે, પુનો આહીર બે માસ માં લાંબુ ગામતરું કરે છે.
સોરઠ સરકારે ભારા આહીરની મર્દાનગી, વફાદારી, ત્યાગ, સમર્પણ, બલિદાન ની કદર કરી માંગલા ગામે આઠસો વીઘા જમીન આપી પણ ભારાના વંશજો આ જમીન સ્વીકારી નહીં અને માંગલા ગામના પાણી નો અપૈયો કર્યો હતો.
આહીરના ઉજળા મોતી ( ભાગ ૧ )
લેખક : નટુદાન બારોટ
જય હો ભારા બાપા ની જય મુરલીધર