કારગિલ યુધ્ધ
કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી આતંકવાદીઓ જેવો વેશ ધારણ કરીને એલઓસી( જે બે દેશો વચ્ચેની ડે ફેક્ટો, de facto બોર્ડર છે.) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી. યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને, પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવા કાશ્મીરી વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યા, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોના દસ્તાવેજો પરથી પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સંડોવણી સામે આવી, પછીથી પાકિસ્તાની વડાપ્રધાન અને મુખ્ય સૈન્ય અધિકારીના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઇ. પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આગેવાન જનરલ અશરફ રશીદ હતા. એલઓસીની ભારતીય બાજુ પરની ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ભારતીય ભૂમિદળે વાયુસેનાના સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કર્યો. આંતરરાષ્ટીય સ્તરે રાજદ્વારી વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાને બાકીના ભારતીય વિસ્તારમાંથી પીછેહઠ કરી.
આ યુદ્ધ પર્વતીય ભૂપ્રદેશમાં ઉચ્ચ ઊંચાઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધના બંને દળો માટે નોંધપાત્ર લોજિસ્ટિક સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણુ રાજ્યો (એટલે કે, પરમાણુ શસ્ત્રો ધરાવતા લોકો) વચ્ચે સીધો, પરંપરાગત યુદ્ધનો પણ આ એકમાત્ર દાખલો છે. ભારતે 1974 માં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું, પાકિસ્તાને, તે જ સમયથી ગુપ્ત રીતે તેની પરમાણુ ક્ષમતા વિકસાવવા માંડી હતી, ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના માત્ર બે અઠવાડિયા પછી પાકિસ્તાને 1998 માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
1947 ભારતના ભાગલા પેહલા કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વના ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. 1947-1948 ના ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા(એલઓસી) આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો.(જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે) 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી બંને દેશોએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને દેશોએ એલઓસી સીમાનું પાલન કરી સશસ્ત્ર સંઘર્ષ ટાળવા માટે વચન આપ્યું.
કારગિલ શહેર શ્રીનગરથી 205 કિમી (127 માઇલ) પર સ્થિત છે, કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ બાલ્ટીસ્તાનનો વિસ્તાર આવેલો છે. હિમાલયના અન્ય વિસ્તારોની જેમ જ કારગિલનું વાતાવરણ વિષમ છે, ઉનાળામાં પણ ઠંડી અને રાતમાં તો થીજી જવાય એવી ઠંડી હોય છે, જયારે શિયાળો લાંબો અને અત્યંત વિષમ હોય, શિયાળામાં તાપમાન ઘણીવાર − 48° સેલ્સિયસ(−54 ° ફે) જેટલું નીચું હોય.
શ્રીનગરને લેહથી જોડતો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) કારગિલથી પસાર થાય છે. જે વિસ્તારોમાં ઘૂસણખોરી અને લડાઈ થઇ એ 160 કિલોમીટર લાંબો વિસ્તાર પર્વતોની એક હારમાળા જેવો હતો, જ્યાંથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) ને અવલોકી શકાતું હતું. આ પર્વતોની હારમાળા ઉપર ગોઠવાયેલી લશ્કરી ચોકીઓની સરેરાશ ઊંચાઈ 5,000 મીટર હતી, ઘણી ચોકીઓ તો 5,485 મીટર જેટલી ઊંચાઈ પર હતી. યુદ્ધરેખા નજીકના અને વસ્તી ધરાવતા વિસ્તારોમાં જિલ્લા પાટનગર કારગિલ સિવાય મુશ્કો ખીણ, દ્રાસ, દક્ષિણ-પશ્ચિમ કારગિલ, બટાલિક અને ઉત્તર-પૂર્વ કારગીલનો સમાવેશ થતો હતો.
ઘૂસણખોરી માટે કારગિલ વિસ્તાર પસંદ કરાયો તેને પાછળ કારણ એ હતું કે, ભારતને ભાળ ન પડે એ રીતે આ વિસ્તારની ઘણી ખાલી પડેલી ચોકીઓ પર કબ્જો કરી શકાય એમ હતો. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે, શિખરોની ટોચ પર રક્ષણાત્મક ચોકીઓ ચણીને ગોઠવાયેલ પાકિસ્તાની સૈન્ય રક્ષણાત્મક ભૂમિકામાં હતું, એક કિલ્લા જેવી સંગીન રક્ષણાત્મક સ્થિતિ તેમના પક્ષે હતી. જયારે આ ચોકીઓ ફરીથી કબ્જે કરવા માંગતા ભારતીય સૈન્યએ પર્વતીય યુદ્ધ કરવાનું હતું અને મોટા ગુણોત્તરમાં સૈનિકોની જરૂર પડવાની હતી, ઉત્તુંગ શિખરો અને વિષમ ઠંડી તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાની હતી.
પાકિસ્તાની નિયંત્રણ હેઠળના સ્કર્દુથી કારગિલ માત્ર 173 કિમી (107 માઇલ) દૂર છે, જે પાકિસ્તાની લડવૈયાઓને લોજિસ્ટિક અને આર્ટિલરી પૂરા પાડવામાં સક્ષમ હતું. કારગિલને સ્કર્દુ સાથે જોડતો રસ્તો પહેલેથી જ હતો, જે 1949માં બંધ કરવામાં આવ્યો હતો.
ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ પછી પરિસ્થિતિ ઘણા સમય સુધી શાંત હતી, સામસામેના સશસ્ત્ર સંઘર્ષ પ્રમાણમાં ખુબ ઓછા હતા. આમ છતાં જયારે 1980ના દશકામાં બંને દેશોએ સિઆચેન હિમનદી વિસ્તારમાં કબ્જો મેળવવા તેની આજુબાજુની પર્વતમાળા પર લશ્કરી ચોકીઓ સ્થાપવાનું શરુ કર્યું ત્યારે લશ્કરી અથડામણ થઇ હતી. 1990ના દશકામાં જયારે કાશ્મીરમાં ભાગલાવાદી પ્રવુત્તિઓ થઇ, જેમાંની કેટલીક પાકિસ્તાન પ્રેરિત હતી, ત્યારબાદ 1998માં બંને દેશોએ પરમાણુ પરીક્ષણો કર્યા, આ તમામ પ્રવૃત્તિઓએ બંને દેશો વચ્ચેનો તણાવ વધાર્યો અને યુદ્ધની સંભાવનાઓ વધી. પરિસ્થિતિને સુધારવા બંને દેશોએ 1999માં લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શાંતિપૂર્ણ અને દ્વિપક્ષીય રીતે લાવવાનું વચન આપ્યું.
1998–1999ના શિયાળા દરમિયાન, પાકિસ્તાની સશસ્ત્ર દળના કેટલાક તત્વો છૂપી રીતે પાકિસ્તાની સૈનિકો અને અર્ધસૈનિક દળોને તાલીમ આપી રહ્યા હતા અને કેટલાકને મુજોહિદ્દીનોના વેશમાં એલઓસી પાર કરાવીને ભારતીય બાજુએ આવેલા પ્રદેશમાં મોકલ્યા હતા. ઘૂસણખોરીના આ ઓપરેશનનું કોડનેમ "ઓપરેશન બદર" હતું, ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનું જોડાણ કાપી નાખવાનો હતો, તેમ કરવાથી વિખુટા પડતા ભારતીય દળો સિઆચેનમાંથી પીછેહઠ કરી લે, અને છેવટે ભારતને કાશ્મીરના મુદ્દા પર વાટાઘાટો કરવા દબાવ લાવી શકાય. પાકિસ્તાનનું માનવું એમ પણ હતું કે આ વિસ્તારમાં આવતા કોઈ પણ તણાવ કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવશે, જેનાથી ઝડપી નિવારણ લાવવામાં મદદ મળશે. બીજો ધ્યેય એ પણ હતો કે આનાથી કાશ્મીરના દાયકાઓથી ચાલતા બળવાઓને વેગ મળશે.
પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝ અને ત્યારબાદ આઈએસઆઈ એનાલિસિસ વિંગના વડાએ પુષ્ટિ કરી છે કે કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા પાકિસ્તાનના સૈન્યના નિયમિત સૈનિકો હતા કોઈ મુજાહિદ્દીન નહિ. લેફ્ટનન્ટ જનરલ અઝીઝે જાન્યુઆરી, 2013 માં ધ નેશન દૈનિકમાં છપાયેલા તેમના લેખમાં લખ્યું "ત્યાં કોઈ મુજાહિદ્દીન ન હતા, ઝીલેલા વાયરલેસ સંદેશા કોઈને મૂર્ખ ન બનાવી શક્યા, આપણા સૈનિકો હાથમાં હથિયારો અને દારૂગોળો લઈને વેરાન પર્વતમાળા કબ્જે કરવા ગયા હતા".
કેટલાક લેખકોનું અનુમાન એવું પણ છે કે ઓપરેશનનો ઉદ્દેશ 1984 માં ભારતના ઓપરેશન મેઘદૂતનો બદલો લેવા માટેનો હોઈ શકે જેમાં ભારતે સિઆચેન ગ્લેશિયરનો લગભગ તમામ ભાગ કબજે કર્યો હતો.
ભારતના તત્કાલીન સૈન્ય પ્રમુખ વેદપ્રકાશ મલિક અને ઘણા વિદ્વાનોના જણાવ્યા મુજબ, લોજિસ્ટિક, સપ્લાય માર્ગોના નિર્માણ સહિતનું પૂર્વ આયોજન યોજના ઘણા સમય અગાઉ હાથ ધરવામાં આવ્યું હતું. 1980 અને 1990 ના દાયકામાં ઘણા પ્રસંગોએ, પાકિસ્તાની સેનાએ નેતાઓને (ઝિયા ઉલ હક અને બેનઝિર ભુટ્ટો) કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી માટેના આવાજ સમાન પ્રસ્તાવો આપ્યા હતા, પરંતુ આ યોજનાઓ બે દેશો વચ્ચે એક ભીષણ યુદ્ધ નોતરી લાવશે એવી બીકે પડતી મુકવામાં આવી હતી.
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, ઓક્ટોબર 1998 માં પરવેઝ મુશર્રફને સેનાના ચીફ તરીકે નિયુક્ત થયા પછી તરત જ હુમલાની બ્લુપ્રિન્ટ ફરીથી સક્રિય થઈ હતી. યુદ્ધની સમાપ્તિ પછી, કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન રહેલા નવાઝ શરીફે દાવો કર્યો હતો કે તેઓ આ યોજનાઓથી અજાણ હતા, અને તેમને પહેલી વાર આ પરિસ્થિતિ અંગેની જાણ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અનપેક્ષિત ફોન કોલ દ્વારા મળી. શરીફે મુશર્રફને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા અને "તેમનાં બે અથવા ત્રણ જાણી દોસ્તો", કેટલાક પાકિસ્તાની લેખકોના મત અનુસાર મુશર્રફ સહિત ફક્ત ચાર જનરલોને આ યોજના અંગેની જાણકારી હતી. જોકે મુશર્રફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે શરીફને 20 ફેબ્રુઆરીએ વાજપેયીની લાહોરની યાત્રાના 15 દિવસ અગાઉ કારગિલ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.
3 મે સ્થાનિક ભરવાડ દ્વારા કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરીની જાણ.
5 મે ભારતીય સૈન્યની પેટ્રોલીંગ ટીમ રવાના કરાઈ; પાંચ ભારતીય સૈનિકને બંદી બનાવવામાં આવ્યા, ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાયા,
9 મે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલ ભારે તોપમારામાં કારગિલ ખાતેનો દારૂગોળાનો ભંડાર નુકસાન પામ્યો.
10 મે સૌપ્રથમ દ્રાસ, કાકસર અને મુશકોહ સેક્ટરમાં ઘુસણખોરી ધ્યાનમાં આવી.
મધ્ય મે ભારતીય સેનાએ વધુ સૈનિકો કાશ્મીર ખીણથી કારગિલ રવાના કર્યા.
26 મે ઘૂસણખોરો પર ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા કર્યા.
27 મે ભારતીય વાયુસેનાના બે મિગ-21 અને એક મિગ-27 વિમાનોને પાકિસ્તાની સૈન્યની એર ડિફેન્સ કોર્પે એન્ઝા એમકે-2(ખભે રાખીને દાગી શકાતી મિસાઈલ) વડે તોડી પાડ્યા;[૬૪] ફ્લાઇટ લેફટનન્ટ કંબામ્પતી નચિકેતાને યુદ્ધકેદી તરીકે બંદી બનાવ્યા
28 મે ભારતીય વાયુસેનાનું મી-17 હેલીકૉપટર પાડવામાં આવ્યું; ચાર યાત્રિકો મૃત્યુ પામ્યા.
1 જૂન પાકિસ્તાને હુમલાઓ વધાર્યા; એનએચ-1 પાર તોપગોળા દાગ્યા.
5 જૂન ભારતીય સેનાએ પાકિસ્તાનની સંડોવણી સૂચવતા ત્રણ પાકિસ્તાની સૈનિકો પાસેથી હસ્તગત કરેલા દસ્તાવેજો પ્રકાશિત કર્યા.
6 જૂન ભારતીય સેનાએ કારગિલમાં મોટા આક્રમણની શરૂઆત કરી.
9 જૂન ભારતીય સેનાએ બટાલિક ક્ષેત્રે બે મુખ્ય શિખરો ફરીથી કબજે કર્યા.
11 જૂન ભારતે પાકિસ્તાનની સેનાની સંડોવણી સૂચવતી વાતચીત જાહેર કરી, જે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ (ત્યારે ચીનની મુલાકાતે હતા) અને ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફટન્ટ જનરલ અઝીઝ ખાન(રાવલપિંડી ખાતે) વચ્ચે થઇ હતી અને ભારતે આંતરી હતી.
13 જૂન ભારતીય સેનાએ દ્રાસ ખાતેનું તોલોલીંગ કબ્જે કયું
15 જૂન યુ.એસ.ના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટેલિફોનિક વાતચીતમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને કારગિલ છોડવા ફરજ પાડી.
29 જૂન પાકિસ્તાની સેનાની ખાદ્યસામગ્રી અને શસ્ત્રોની સપ્લાય લાઇન તેમના જ વડાપ્રધાને કાપી નંખાવી, જેથી તેઓએ પીછેહઠ કરી અને ભારતીય સેના ટાઇગર હિલ તરફ આગળ વધી.
2 જુલાઈ ભારતીય સેનાએ કારગિલમાં ત્રિપક્ષી હુમલો કર્યો.
4 જુલાઈ ભારતીય સેનાએ 11 કલાકની લડત બાદ ટાઇગર હિલ પર કબજો કર્યો.
5 જુલાઈ ભારતીય સેનાએ દ્રાસ સર કર્યું. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ક્લિન્ટન સાથેની મુલાકાત બાદ કારગિલથી પાકિસ્તાની સેનાની વાપસીની ઘોષણા કરી.
7 જુલાઈ બટાલિકમાં ભારતે જુબાર હાઇટ્સ પર કબજો કર્યો.
11 જુલાઈ પાકિસ્તાની સેનાએ વાપસી શરુ કરી, બટાલિકમાં ભારતે મુખ્ય શિખરો કબજે કર્યા.
14 જુલાઈ ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયને સફળ જાહેર કર્યું. સરકારે પાકિસ્તાન સાથે વાતચીત માટે શરતો નક્કી કરી.
26 જુલાઈકારગિલ સંઘર્ષનો સત્તાવાર અંત આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને સંપૂર્ણ રીતે હાંકી કાઢ્યાની ઘોષણા કરી.
કારગિલ યુદ્ધના ત્રણ મુખ્ય તબક્કાઓ હતા. પ્રથમ તબબકામાં પાકિસ્તાને કાશ્મીરના ભારતીય નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થળો પર કબજો કરી લીધો, જેથી એનએચ-1 પાકિસ્તાની આર્ટિલરી ફાયરની મર્યાદામાં આવી ગયો. આગલા તબક્કામાં ભારતે ઘૂસણખોરોને શોધ્યા અને તેનો જવાબ આપવા માટે સૈન્ય દળો એકત્રિત કર્યા. અંતિમ તબક્કામાં ભારત અને પાકિસ્તાનના સૈન્યો વચ્ચે થયેલી મોટી લડાઈઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતે પાકિસ્તાન સૈન્ય દ્વારા કબ્જે કરાયેલો મોટા ભાગનો પ્રદેશ પાછો મેળવ્યો અને છેવટે આંતરરાષ્ટ્રીય દબાવને લીધે પાકિસ્તાને તેનું સૈન્ય એલઓસીની પાછળની તરફ બોલાવી લીધું.
જય જવાન જય હિન્દ