રામબાઈ માં અને વવાણિયાનો ઈતિહાસ
મોરબી જિલ્લાના માળિયા તાલુકાનું વવાણિયા ગામ દરિયા કિનારાનું જુનું બંદર છે. વવાણિયા ગામ ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્ર, નિમ કરૌલી બાબાની આદિ તપોસ્થલી, આદ્રોજા પરિવારના શુરાપુરા કુબેરદાદા, અન્નપૂર્ણા રામબાઇ માની કર્મભૂમિ અને મુસ્લિમ સમાજના સમનશાહ પીરની ધરતી તરીકે પ્રખ્યાત છે.
રામબાઇ માં ની વાતનું મૂળ સંવત ૧૮૮૦નો કાળમુખો દુકાળ છે. નવી પેઢીને દુકાળની કલ્પના નહીં હોય, પણ એ જમાનામાં દર ત્રણ વર્ષે દુકાળ પડતો. ભુખમરામાં દશ ટકા, વીસ ટકા કે અડધી વસ્તી સાફ થઇ જતી. કોઇ રાજા, કોઇ ખમતીધર દાતા કે કોઇ કોઇ સંતો અન્નક્ષેત્ર ખોલી સેવા કરતાં, પણ આભ ફાટે ત્યાં કયાં થીગડા મારવા ? દુકાળમાંથી ઉગરવાનો કોઇ ઉપાય નહોતો. ત્યારે આજના જેવી વાહનવ્યવહારની સગવડ નહોતી. રાજના સિમાડા ઓળંગવા મુશ્કેલ હતા. આ કાળમાં દુકાળિયા માબાપ વિહોણા બાળકોના ટોળેટોળા ગામેગામ હડિયું કાઢતાં હતાં. ગામેગામ આ ભૂખ્યાં ડાંસ બાળકોને મારીને હાંકી કાઢવા લઠ્ઠાધારી યુવાનોની ટોળીઓ રચાયેલી હતી.
બ્રાહ્મણી નદીના કાંઠે ઝાલાવાડના વાંટાવદર (હાલનું મયુરનગર) ગામે આહીર લોકોની વસ્તી છે. જસાભાઇ ચાવડા (આહીર ) અને તેમના ધર્મપત્ની રાજીબાઇ બંને ધર્મવત્સલ હતાં. ઘર સુખી હતું, સુખી ઘરે ભુખ્યાને ભોજન અને આશરો આપવાની પરંપરા હતી. તેમને ત્યાં સંવત ૧૮૩૪માં દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ સુમરીબાઇ રાખેલું. દીકરી પણ સેવાના રંગમાં રંગાયેલી છે. સુમરીબાઇના લગ્ન રાઠોડ કુટુંબમાં નાનપણમાં જ થઇ ગયેલા પણ હજું આણું કરેલ નથી. સુમરીબાઇને લાડમાં મા-બાપ મારો રામ કે મારી રામબાઇ કહીને બોલાવતાં. રામબાઇ ની ઉંમર સોળ વર્ષની થતાં આજે સાસરેથી આણું તેડવા લોકો આવેલા છે. ઘરમાં માણસો માતા નથી. ડાયરામાં કસુંબાની રમઝટ બોલી રહી છે. આવા સમયે રામબાઇ છેલ્લીવાર ગામના દર્શન કરવા બેડું લઇ પાણી ભરવા જાય છે.
સવંત ૧૮૫૦નો કારમો દુકાળ ચાલી રહ્યો છે. પાણી ભરી કુવેથી પાછી ફરવા જાય છે ત્યાં સીમ તરફથી કીકીયારી કરતું દુકાળિયા બાળકોનું ટોળું આવતું જુવે છે. તરસ્યા-ભુખ્યા હોવાથી કુવો જોઈ હોંશે હોંશે આ તરફ જ આવી રહ્યા છે.
વાટાવદરના લઠ્ઠાધારી યુવાનોનું ટોળું આ દુકાળિયાઓને મારીને હાંકી કાઢવા તૈયાર જ હતું. યુવાનો લાકડીઓ લઈને દુકાળિયા બાળકો પર તુટી પડે છે. કોઇ બાળકના હાડકાં ભાંગે છે, તો કોઇના માથા ફૂટે છે. રામબાઇથી અનાથ બાળકો પર થતો આવો અત્યાચાર જોઇ શકાતો નથી. તેથી બાળકોને બચાવવા ગામના યુવાનોની સામે થાય છે. રામબાઇને જોઇ યુવાનો શરમાઈને જતાં રહે છે.
રામબાઇ તરસ્યા બાળકોને પાણી પાઇ વાગેલાની સાડી ફાડીને રડતી-કકળતી પાટાપીંડી કરે છે.
રામબાઇ દુકાળિયા બાળકોને લઇ ઘરે આવી ડાયરા સામે ઉભી રહે છે.
ડાયરો આખો હબક ખાઇ ગયો. રામબાઇના પિતાને ધરતી મારગ આપે તો સમાઇ જવાની સ્થિતિ સર્જાઇ, ભોંઠાપણ લાગતા બોલ્યા, " દીકરી રામબાઇ, ડાયરામાં આમ ઉઘાડે છોગ ? સાસરિયાની લાજ તો રાખ !!"
"બાપુ, લાજ તો મારો ઠાકર રાખશે એની રહેશે" પાછળ ઉભેલા દુકાળિયા બાળકોને બતાવી આગળ રામબાઇ બોલી, "લાજ તો આ બાળકો માટે છોડી છે." રામબાઇનો રૂપાની ઘંટડી જેવો અવાજ ડાયરામાં રણકી ઉઠ્યો. રામબાઇના મુખ પરનું તેજ જોઇને તેને એક શબ્દ પણ કહેવાની ડાયરામાંથી કોઇની હિંમત ન'હોતી.
“બાપુ ! મારું મન હવે આ સંસારમાં લાગતું નથી. મારે આ દુકાળિયા બાળકોને સાચવવા છે. એમનું કોઇ નથી, મારે એ દુકાળિયાઓની મા થવું છે. માવતર અને સાસરિયા બેઉ પક્ષ મને રજા આપો.
“ડાયરો આખો સજ્જડ થઇ ગયો છે. કોઇ ન બોલે કે ન ચાલે. ડાયરાએ અણદીઠ્યુ ને અણસાંભળ્યું નજરો નજર ભાળ્યું. એક આયરની દીકરી આણું વળાવાને દિવસે જ રંગમહેલમાં રમવાના ભર્યા ભર્યા કોડને બદલે દુકાળીયાંની મા થવાના કોડ પૂરા કરવા માવતર પાસે આરજુ કરી રહી હતી. માણસુર આતા ઠુઠવો મુકે એમ રડી પડે છે. દીકરીને આશીર્વાદ આપે છે. સસરા નાગાજણ રાઠોડની આંખો પણ ભીની થઇ જાય છે. "બેટા, જા તુ હવે છુટી છો. મોરલીધર તારી રક્ષા કરશે." કહી સો કોરી આપી. અને જે કામ કોઇથી ન થયું તે કરવાના આશિષ આપ્યાં. પિતા જસાભાઇ પણ બસો કોરી આપી આશીર્વાદ આપે છે.
ઓરડામાંથી છાતીફાટ રોવાના અવાજ આવતા રામબાઇ ઓરડે માની પાસે ગઇ. અંગેથી એક પછી એક ઘરેણા ઉતારતી મા સામે ઢગલો કરતી ગઇ. માથી દુઃખ સહન ન થતાં દીકરીને બથ ભરી ગઇ. પણ માએ દીકરીમાં કોઇ અનેરી શાંતિ- ટાઢક અનુભવી.
બંને પક્ષની રજા લઇ, સફેદ વસ્ત્રો પહેરી સાંજની વેળાએ રામબાઇ એકસો દુકાળિયાને લઇ ચાલી નીકળી. પિતા, સસરા અને ગામલોકોએ આપેલું એકાદ માસ ચાલે તેટલું ધન સાથે હતું. રામબાઇના એક હાથમાં રામસાગર અને એક હાથમાં ભિક્ષાપાત્ર છે. રામસાગરથી કરુણા રેલાય છે, લોકોના હ્દયનો રામ પણ જાગે છે. દુકાળીયાં બાળકોના ટોળાં વધતા જાય છે ને લોકોના હદયમાં પડેલો રામ પણ વધતો જાય છે. દુકાળ તરી પાર ઊતારવા રામબાઇ કંકાલોનાં ટોળાંને લઇને ફરતા રહે છે, વાટાવદર(મયુરનગર)થી નીકળી દેવળીયા, ચકમપર, જેતપર, વાઘપર, બહાદુરગઢ, મેઘપર, સરવડ, મોટાભેલા, નાના ભેલા, ચમનપર થઇ ફરતા ફરતા વવાણિયા આવી પહોંચે છે. વવાણિયામાં ઝુંપડી બાંધી ભૂખ્યા જનોની સેવા કરે છે. લોકો પણ રામબાઇના ચરણોમા અન્ન, વસ્ત્રો, રોકડ આપી યથાશક્તિ મદદ કરે છે.
દુકાળમાંથી નોધારા બાળકોને બચાવી રામબાઇ સામાજિક ક્રાંતિ સર્જે છે. અને અનાથોના અન્નપૂર્ણા મા બને છે. રામબાઇની ઝુંપડી ની જગ્યાએ આશ્રમ થઇ જાય છે.
એક દિવસ તેઓ સાયલા પહોંચી લાલજી મહારાજને મળે છે. લાલજી મહારાજ ઉમરમાં તેમનાથી નાના હતાં. છતાં તેમની કંઠી બાંધવાની ઇચ્છા હોવાથી લાલજી મહારાજની હાજરીમાં બોળકાવાળા કૃષ્ણદાસજીએ કંઠી બાંધી. ત્યારથી વવાણિયાની જગ્યાની ગુરુગાદી સાયલાના લાલજી મહારાજની જગ્યા ગણાય છે.
અન્ય કથાનક મુજબ વાટાવદર(મયુરનગર)થી નીકળ્યા પછી રસ્તામાં કોઇ ગામે વવાણિયાના કડિયા ભંડારી કૈલાસગિરિ મહારાજની ખ્યાતિ સાંભળી ભૂખ્યા બાળકોને લઇ વવાણિયા આવે છે. કડિયા ભંડારી શિવમંદિર પાસે કુટિર બનાવી આપી આશરો આપે છે. તેઓ રામબાઇને અન્નપૂર્ણા સિદ્ધિ મંત્ર આપે છે. અને હવે ભીખ નહીં માગવા જણાવે છે. રામબાઇ કહે છે કે હું મારા માટે ભીખ નહોતી માગતી, પણ ભૂખ્યા બાળકો માટે ભીખ તો શું મારો જીવ પણ આપવા તૈયાર છું.
"મરું તોય માગુ નહીં, અપને તન કે કાજ.
પરમાર્થને કાજ, મને માંગતા આવે ન લાજ."
રામબાઇએ કડિયા ભંડારી દાદાના ભજનો બનાવી ગાયા છે. સંવત ૧૮૫૫માં ૨૧ વર્ષની ઉમરે અષાઢ સુદ બીજે કડિયા ભંડારીના શિષ્ય મંગલગિરિ અને આદ્રોજા હરિગિરિની હાજરીમાં દીક્ષા લીધી હતી.
૧૮૫૭ના બળવા બાદ ૧૮૬૦માં થોડાક સ્વાતંત્ર્ય સેનાનીઓ રામબાઇના આશ્રમમાં આવી આશરો લે છે.
અનાથોની અન્નપુર્ણા રામબાઇ સંવત ૧૯૩૨ના મહા મહિનામાં ૯૮ વર્ષની ઉંમરે દેવલોક પામ્યાં. ત્યારબાદ જગ્યાના મહંતપદે રામબાઇના ભાણેજ રામદાસજી આવ્યા. રામદાસજી સારા કથાકાર હતાં. એમના સમયમાં સરવડના દરબાર ગગુભા જગ્યાને બે સાંતીની જમીન ભેટ આપે છે. જયાં સંવત ૧૯૪૬માં નવા મંદિર તૈયાર થતાં તેમાં રામબાઇએ સ્થાપેલ મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરાય છે. રામદાસજી સંવત ૧૯૬૯માં ૮૦ વર્ષની ઉમરે પરલોક સિધાવે છે. રામદાસજી પછી ફક્ત ૨૩ વર્ષની ઉંમરે રામરતનદાસજી સંવત ૧૯૭૦માં ગાદી સંભાળે છે. ૨૭ વર્ષની ભરયુવાનીમાં તેમનું મૃત્યુ થતાં સંવત ૧૯૭૫માં દયારામજી ગાદીએ આવે છે. મોરબીમાં એ સમયે વાઘજી ઠાકોર રાજગાદીએ હતાં. સંવત ૧૯૯૯માં દયારામજીનુ અવસાન થતાં લખીરામજી જગ્યાનો વહીવટ સંભાળે છે. હાલનાં નવા મંદિરનું બાંધકામ તેમના સમયમાં સંવત ૨૦૧૪માં થયેલું છે. લખીરામજીના અવસાન બાદ જગજીવનદાસજી(જગન્નાથજી) જગ્યાનો કારભાર સંભાળે છે. જેમનું મૃત્યુ હાલમાં જ પાંચેક માસ પહેલાં થયેલ છે. હાલ જગ્યાનો કારભાર કિશન મહારાજ ચલાવે છે. આશ્રમનું સંચાલન આહીર સમાજ કરે છે. રામબાઇમાની સાખ પૂરતો આશ્રમ આજે ય મોરબીના વવાણીયા ગામે ઊભો છે. નવા મંદિરમાં હાલ ઠાકરમંદિર, રસોડું, ભોજનાલય, સભાખંડ, આરોગ્ય સુવિધા, ગૌશાળા, અતિથિ વિશ્રામ ગૃહ, જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.