🚩🚩બ્રાહ્મણ વ્યાસ પરિવાર ના સતી માઁ ગોગલ🚩🚩
Location📍 : નારીચાણા ગામ (ધ્રાંગધ્રા તાલુકો,સુરેન્દ્રનગર જિલ્લો)
➡️1️⃣⬅️
'બેટા, ગોગલ....ગોગલ દિકરી.... એવી નાસમજમાં થયેલી નાનકડી ભૂલની આટલી આકરી સજા ન હોય, ભૂલ તો માણસ માતરની થાય..અને તે ક્યાં જાણી જોઈને એને બોલાવ્યો હતો' સોળ સત્તર વરસની ઉગીને ઉભી થતી, ખીલતા પોયણાના ફૂલ જેવી જુવાન દીકરીને એની માઁ બે હાથ જોડીને કરગરતી હતી,કાકલૂદીઓ કરીને પોતાની દીકરીએ લીધેલા નિર્ણયને છોડી દેવા સમજાવતી હતી.
પરંતુ માતાની એકેય વાતનો એકેય શબ્દ કાને પહોંચતો ન હોય તેમ ગોગલ પાષાણમૂર્તિ જેવી અડગ, અબોલ અને અવિચળ ઉભી હતી. તે કંઈ જવાબ આપતી નહોતી કે આપવા ઇચ્છતી નહોતી.
પણ જ્યારે પોતાને જન્મ આપનારી જનેતાને હાથ જોડતી જોઈ ત્યારે તેની પાંપણ સહેજ ઉંચકાઈ, હોઠ ખુલ્યા અને તેમાંથી મોતી વેરાતાં હોય તેમ શબ્દો સર્યા, 'માઁ...તમે હાથ જોડીને મને પાપમાં ન નાંખો. આપ ગમે તે કહો,કરો છતાંય હું મારો નિર્ણય ફેરવવાની નથી...'
કઈક વિચારીને વળી બોલી, 'અને હવે જીવીને પણ શું કરું..? હું ધરમ ચૂકીને જીવું, એ કરતા મને હસતાં મોંએ રજા આપો..'
'ગોગલ...,તમે રજા આપીને તો મારે મારો જ ખોળો ખાલી કરાવવાનો ને...? માટે તું થયેલી ભૂલ ભૂલીને ઘરે ચાલ...અમારા જીવતર ઉજાળ્ય..' બોર બોર જેવડા આંસુડા પાડતી વૃદ્ધા આગળ વધતી બોલી.
ગોગલને લાગ્યું કે 'આજ પોતાની માઁ મમતાના મોહમાં ફસાવીને મને ધરમના માર્ગેથી વિમુખ કરવા માંગે છે એટલે બોલી, 'માઁ...તમે તમારા ખોળાને લીલો રાખવા આમ બોલો છો, પણ મને કે તમને ક્યાં ખબર છે કે, આપણે સદા સાથે જીવવાના છીએ...કદાચ કાલે મોતના તેડા આવશે તો..? એ કરતા મને મારા માર્ગે જવા દ્યો...'
➡️ 2️⃣ ⬅️
વાત જાણે એમ બની હતી...
આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાં મધ્ય ઝાલાવાડમાં ખળખળ અવાજે મીઠાં ગીતડાં ગાતી ફલકું નદીને આથમણે કાંઠે વસેલા નારીચાણા નામનાં ગામમાં બ્રાહ્મણના લગભગ પચાસેક ખોરડાં હતા..જુદી જુદી શાખના બ્રાહ્મણો કર્મકાંડ કરીને મસ્તીથી જીવતા હતા
જુદી જુદી શાખના બ્રાહ્મણો હોઈ એકબીજાના સંતાનોના વેવિશાળ ગામમાં થાય ત્યાં સુધી બહારગામ જવાનું ટાળતા.
એવા આ ગામમાં જીવરાજશંકર વ્યાસે પોતાની પાછલી ઉંમરે દેવે દીધેલી એકની એક દીકરીનું વેવિશાળ નાનપણમાં જ દેવશંકર ભટ્ટના દીકરા સાથે કરી નાખ્યું, અને રિવાજ પ્રમાણે મોં ગળ્યા કરી લીધા
આ વાતની જાણ ગામની ન્યાતના ઘરડાંઓ જાણતા હતા અને જુવાનિયાઓને આવી વાતની જાણ કરવાની કોઈને જરૂર જણાતી નહોતી
દિવસો ઉપર દિવસો વીતતા જતા હતા ઘરડેરાઓ પણ આ થયેલ સગપણને હવે ભૂલી જવા આવ્યા હતા કારણ કે સંતાનો ઘરે બહારે થાય તેવડા થાય ત્યાં સુધી આ વાત યાદ રાખવી એવી અને એટલી ગંભીરતા એમના સાલસ સ્વભાવ અને સાદા જીવનમાં જરૂરી જણાતું નહોતું
આ બાજુ ભાંખોડીયા ભરીને હાલતી ગોગલ હવે આંગણુ છોડીને શેરીમાં રમવા લાગી, એમ રમતમાં ને રમતમાં જ તે પંદર વર્ષ વિતાવી ગઈ બાળપણને યાદોમાં ડુબાડીને એને જુવાનીનો અંચળો ઓઢી લીધો ...રૂપ,ગુણ અને બુદ્ધિમાં તેની વિસાતમાં તેની ઉંમરના કોઈ ન આવતું
સરખે સરખી સાહેલીઓ સાથે શેરીમાં રમતી યુવાન - ચંચળ ગોગલને જોઈ દેવશંકર ભટ્ટને થયું કે, 'હવે જીવરાજશંકરના કાને વાત નાખવી જોઈએ...'
એક શુભ સવારે સારા શુકન જોઈને દેવશંકરે જીવરાજશંકર ના ઘરનો રસ્તો લીધો..ઘેર જઈ થોડી આડીઅવળી વાતો કરી પછી પોતાના હૈયે રમતી વાત ઉચ્ચારી, 'વ્યાસજી,...જો હવે આપની ઈચ્છા હોય તો આપણા ન્યાત રિવાજ પ્રમાણે આગળ વધીએ...'
'આપ શાની વાત કરો છો..? મગનું નામ મરી પાડો તો કંઈક ખબર પડે ને...' દેવશંકર ભટ્ટની ગોળગોળ વાતની સમજ ન પડતા જીવરાજશંકરે કહી નાખ્યું.
'આપની દીકરી ગોગલના લગ્નની વાત કરું છું..'
ગોગલના લગ્નની વાતથી ઝટકો વાગ્યો હોય એવું જીવરાજશંકરને લાગ્યું.પણ, મનને સંભાળી લેતાં હળવેકથી કહ્યું, 'એટલી બધી શી ઉતાવળ છે.....?
'ઉતાવળ તો શું હોય..? પણ, હવે છોકરા મોટા થયા છે અને મોટા છોરું એનાં ઘેર સારા..'દેવશંકર ભટ્ટ ગંભીર થતા બોલ્યા.
'તમારી વાત છે સોનાની પણ ગોગલ તો હજુ બાળક છે, હજુ તે પરણાવવા જેવડી ક્યાં થઈ છે...બેએક વર્ષ ખમી જાવ તો સાં....' કહી કાંઈક વિચારીને બોલ્યા, 'આપણે વેવાઈ થયા તે થયા એ બાબતે તમારે કઈ શંકા ન રાખવી...બેએક વરસ ખમી જાવ તો સાં...'
'એવી વાત નથી, પણ આ તો મોટા થયેલા છોકરાઓને જોઈને ગોરાણી એ મોકલ્યો હતો... પણ, જેવી તમારી ઈચ્છા બે વરસમાં કઈ ખાટુંમોળુ નથી થઈ જવાનું....' કહેતાં ભટ્ટજીએ હસીને વિદાય લીધી.
પણ, ભટ્ટજીનું એ હાસ્ય જીવરાજશંકરને દિલમાં કાંટા ભોંકતું ગયું.ખૂબ લાડકોડમાં ઉછેરેલી પોતાની દીકરીને અળગી કરવા મન નહોતું માનતું એટલે જ તો, 'હજુ બાળક છે...' નું બહાનુ બતાવ્યું, ને વેવાઈએ સ્વીકારી પણ લીધું હતું એટલે હમણાં ગોગલ છૂટી નહીં પડે એવી આશાનો દિવડો એમના અંતરને અજવાળતો હતો.
જ્યારે માતા ફુલજીબેને આ વાત જાણી તો એમના કાળજે એક સબાકો આવી ગયો પોતે એકની એક દીકરીને લાડ લડાવવામાં કશું કામ શીખવ્યું જ નહોતું. જ્યારે વેવાઈ લગનનું પૂછવા આવ્યા ત્યારે જ એમને ખબર પડી કે હવે દીકરી ગોગલ જુવાન થઈ ગઈ છે
પછી તો ફુલજીબેને ગોગલને ઘરના તમામ કામમાં પલોટવા માંડી. તે સિવાય યજ્ઞના લાકડા - છાણાં લાવવાનું પણ તેની માથે નાખી દીધું
ગોગલ પોતાના માથે લાદવામાં આવેલ કામથી થાકી, ઘણીવાર પોતાના પિતાને ફરિયાદ કરતી , 'મારી માઁ મને પગ વાળીને બેસવા પણ નથી દેતી..'
ફરિયાદ સાંભળી, હસીને જવાબ આપવાનું તેના પિતાજી ટાળતા ત્યારે માતા છણકો કરતી, 'કાલ સવારે તું પારકે ઘરે જઈશ ત્યાં તને કોઈ જંપ લેવા દેવાનું નથી... પછી આ માઁ સાંભળશે...'
માઁ નો આવો જવાબ સાંભળી ગોગલનાં ગાલે ખંજન પડતા તે મલકાઈને કહેતી, 'હું પરણીને ક્યાંય જવાની જ નથી...' અને તે શરમાઈને ઓરડામાં ચાલી જતી.
ગોગલના માતા-પિતા આ જોઈને હસી પડતા
આમ દિવસો પસાર થવા લાગ્યા, ગોગલ પોતાને સોંપાયેલ કામ ચપળતાથી છતાં ચોકસાઈથી પાર પાડતી. ગામની સ્ત્રીઓ વાતો કરતી, 'આ છોકરીને એની માએ કઈ શીખવ્યું નહોતું અને આજ એના કામમાં કઈ કહેવાપણું હોતું નથી...'
તો બીજી કહેતી, 'ગોગલ દેવશંકરકાકાના ઘરને ઉજાળશે....'
આવી વાતો સાંભળી ફૂલીબેનનો આનંદ સમાતો નહોતો તેઓ ગોગલને એક પછી એક કામમાં પાવરધી કર્યે જતા હતા.
➡️ 3️⃣ ⬅️
રોજના ક્રમ મુજબ આજે ફૂલીબેને ગોગલને કહ્યું, 'બેટા, આજ અડાયાં (છાણા) વીણવા જવું પડશે...'
'ભલે...માઁ ' કહેતી ગોગલ કોઈ સથવારો શોધવા હરિણી શી ઠેકતી બહાર નીકળી ગઈ, અને ગઈ તેવી જ પાછી આવી કાઈ જ બોલ્યા વિના ઘરેથી સુંડલો લઈને છાણાં વીણવા ઉપડી ગઈ
બે કલાકમાં તો તેણે છાણાનો ગજ (ઢગલો) એકઠો કરી સુંડલામાં ગોઠવી દીધા, સુન્ડલો ઉપડાવવા ચોપાર નજર કરી પોતાની સહેલીઓને શોધી, પણ એકેયનો ક્યાંય પતો નહોતો
થોડીવાર રાહ જોઈ, બુમો પાડી બોલાવી,પણ કોઈનો પ્રત્યુત્તર ન મળ્યો.
તે કંટાળીને બેઠી, કુદરતને કરવું હોય તેમ એ જ વખતે દેવશંકર ભટ્ટનો દીકરો,ગોગલનો મંગેતર કોઈ કામેથી ત્યાંથી નીકળ્યો
એને જતા જોઈ ગોગલે બૂમ પાડી, 'એ..., ભાઈ....આ સુંડલો ઉપડાવતા જાવને....'
અને 'હમણાં તે પાછો વળીને સુંડલો ઉપડાવશે એ આશાએ નિ:સાસો નાંખતી ઉભી રહી.
એ વખતે જ તેની સહિયરો પણ આવતી દેખાઈ,તેણે ગોગલનાં મંગેતરને લપાઈને ચાલ્યો જતો જોયો,ને કૈક કૌતુક જોતી હોય એમ જોઈ રહી.
એ જોઈ ગોગલ બોલી, 'ચાલને... મોડું થાય છે...'
ગોગલે બોલાવેલી સહિયરે પાસે આવતા પૂછ્યું, 'તું કોને બોલાવતી હતી...?
'દેવશંકરકાકાના દીકરાને..' કાંઈ જ છુપાવ્યા વિના જ તેણે જવાબ આપ્યો.
'તું એને બરાબર ઓળખે છે...?' વાતનો ક્યાસ કાઢતી હોય એમ એની સહિયરે પૂછ્યું.
'હા....હા...એને તો હું બરાબર ઓળખું છું... પણ, તું શા માટે ગભરાય છે..? સાહેલીની આંખોમાં ડોકાતાં ભયને પારખતાં ગોગલે પૂછ્યું.
તેની સાહેલીએ નવાઈથી ઘટસ્ફોટ કર્યો, 'એ તારો મંગેતર છે...'
'હેં... એ...' તેની આંખો આશ્ચર્યથી ફાટી જ રહી.
ઘણીવારે વિચારીને તે બોલી, 'મેં તો તેને ભાઈ કહ્યો...'
''પતિને ભાઈ કહ્યો....? રામ... રામ..''
પણ, એનો જવાબ આપવાને બદલે ગોગલ ગહન વિચારમાં પડી ગઈ, અને કોઈ નિર્ણય પર આવતા બોલી, 'બહેનો...અહ્યા જ મારી ચિતા ખડકો...હવે મારે જીવવું નથી...'
તે આટલું બોલી ત્યાં તો તેના મુખમંડળ પર અનોખી આભા પ્રસરવા માંડી. ગુલાબી ગાલો રતાશ પકડવા માંડયા. આંખોમાંથી અલૌકિક તેજ છલકાવા માંડ્યું.
ગોગલનો આવો નિર્ણય સાંભળતાં જ તેની સઘળી સાહેલીઓ હાંફળીફાંફળી દોડતી ગામમાં આવી, એક છોકરીએ જીવરાજશંકરના ઘરે જઈ આ હકીકત જણાવી.
વાત જાણતા જ ફૂલીબેન અને વ્યાસજી ગોગલ પાસે પહોચવા ઉતાવળે પગલે દોડ્યા.
ગામમાં જેણે જેણે આ વાત જાણી તે સૌ ત્યાં જવા માંડ્યા.
'પોતાની ગુલાબ શી દીકરીએ સતી થવાનો સંકલ્પ કર્યો છે...' એની ચિંતામાં તેઓ દોડ્યા...પણ આ આઘાત ન જીરવાતા તે અડધે રસ્તે જ ફસડાઈ પડ્યા.
ફૂલીબેને દોડતા જઈ ગોગલને ઘણું સમજાવી, કાકલૂદીઓ કરી, પણ ગોગલ પર તેની કોઈ જ અસર પડી નહિ એ તો ત્યાંની ત્યાં જ ઉભી ઉભી 'જય અંબે....જય અંબે...' નો જાપ જપતી પાષાણમૂર્તિ બની ઉભી રહી
ગામલોકોએ પણ ગોગલને ઘણું મનાવી, પણ તે એકની બે ન થઈ તે ન જ થઈ. આખરે ગામલોકો એ ઇચ્છા ન હોવા છતાં ચિતા ગોઠવી.
ગોગલ ધીમા પગલે ચાલતી ચિતા પર ગોઠવાઈ કે તુરંત એના અંતિમ દર્શન માટે પડાપડી થવા માંડી.
થોડાક મોટિયારાઓએ મળીને ગોગલનાં મા-બાપને ભાનમાં લાવ્યા.પણ, બેમાંથી એકેયને બોલવાના હોંશ નહોતા, તેઓ ચૂપચાપ ગોગલને ચિતાએ ચડેલી જોઈ જ રહ્યા.
અત્યારે ગોગલના શરીરમાંથી અનેરી આભા ફેલાતી હતી, બધાય બે હાથ જોડી તેમને નમન કરી તેઓ પાછળ હટી ગયા.
'જય અંબે....જય અંબે...' કરતી ગોગલનાં શરીરમાંથી અગ્નિ પ્રગટ્યો, ને જોતજોતામાં જ તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો.
જે જગ્યાએ 'સતી આઈ ગોગલ' નો દેહ ભસ્મ થયો, ત્યાં ગામલોકોએ દેરી બનાવી, તે દિવસથી ગોગલ ગોગલ મટી ''ગોગલ ફઈ'' થયા.
વ્યાસ કુટુંબના નવદંપતી આજે પણ ગોગલ ફઈના દર્શને આવે છે. આ દેરી આજેય ફલકું નદીનાં આથમણા કિનારે વિદ્યમાન છે.
માહિતી : સ્વ. જયંતિલાલ ગૌરીશંકર વ્યાસ (આઈ ગોગલનાં આઠમી પેઢીના વારસદાર)
સંદર્ભ : " ઝાલાવાડ નું ઝમીર - મહાદેવભાઇ અંબારીયા....