ભોજા ભગત : ઈશ્વર સાથે અંતરનાં તાર જોડનાર સંત

ભોજા ભગત : ઈશ્વર સાથે અંતરનાં તાર જોડનાર સંત

Bipinladhava
ભોજા ભગત : ઈશ્વર સાથે અંતરનાં તાર જોડનાર સંત 

"શિષ્ય કીધાં બે જેમણે, વાલમ ને જલિયાણ, 
સાચા કીધાં ગુરુપણા , ભલો ઇ ભોજલરામ."
      - રવજી ગાબાણી 

     સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે. આ ભૂમિનાં સંત પરંપરાના લાંબા ઇતિહાસને જોતા અવશ્ય લાગે કે, આ ભૂમિને, અને સંત પરંપરાને કંઇક વિશેષ નાતો રહ્યો છે. સૌરાષ્ટ્રના આ મનોહર પ્રદેશે આપણને અનેક મહાન સંતોની ભેટ ધરી છે. અહીંના સંતોએ પોતાના સંતત્વ થકી સમાજને સુધારવા માટે જીવનભર સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. અહીંના સંતોએ સામાજિક ઉત્થાનનું સુંદર કાર્ય કર્યાના અનેક દાખાલા આપણે ત્યાં મોજુદ છે. કોઇ સંતે પોતાના ઉપદેશથી તો કોઇ સંતે પોતાના જીવનકવનથી સમાજ સુધારાનું બહુમૂલ્ય કામ કર્યું છે. કોઈ સંતે વળી ભજનો કે પદો રચીને કે ગાઈને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી બદીને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. કોઈકે સદાવ્રતો ખોલી ભૂખ્યાને ભોજન કરાવ્યું છે તો કોઈએ દીનદુ:ખિયાની સેવા કરી છે.

    સંતોની પવિત્ર શ્રેણીમાં આવું જ એક આદરપાત્ર નામ છે સંત ભોજલરામનું. જેમને આપણે ભોજા ભગતના નામથી પણ ઓળખીએ છીએ. પોતાના ભજનો-પદો  (ચાબખા) થકી ભોજલરામે સમાજ સુધારણાનું યુગદર્શી- દુરોગામી કાર્ય કરી સમાજજીવન પર પોતાની આગવી, અમીટ છાપ છોડી હતી. ભોજલરામે પોતાના કટાક્ષ મિશ્રિત બોધથી લોકોને જાગૃત કરવાનું બહુ મોટું કાર્ય કર્યું હતું.

     ભોજલરામનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં થયો હતો. ભોજલરામની જન્મતિથિ ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી. પણ, એમની જન્મજયંતી વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. એથી એમ સમજી શકાય કે એમનો જન્મ વૈશાખી પૂર્ણિમાનાં રોજ થયો હશે.



રાજાશાહી વખતે ખેડૂતો એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખેતી કરવા જતા હતા. સ્થળાંતરના એ કાળમાં "જ્યાં ગાજે ત્યાં ગરાસ" એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ થયો હોય, ત્યાં જઈને ખેડૂત વસતા. રાજ એને આશરો આપતું. આવા જ કોઈ કારણે ભગતનું કુટુંબ દેવકીગાલોળથી નીકળી વડોદરા સ્ટેટનાં અમરેલીથી આઠ દસ કિમી દૂર ચક્કરગઢ ગામે આવેલું. અહીં ભગતના માસિયાઈ નારણબાપા ધોરાજિયા રહેતા હતા, પણ ભગતને તો કોઈ શાંત સ્થળે રોકાઈ ભક્તિ કરવી હતી. એટલે થોડું રોકાણ કરી, ભોજા ભગત અમરેલીથી દક્ષિણે ૬ કિમી દૂર આવેલા ટીંબે ઉતારા કરે છે. આ ટીંબા ૫૨ કોઈ રહેતું નહીઁ, કેમ કે લોકો માનતા હતા કે ટીંબા ઉપર ભૂત થાય છે. આ વાત ભોજા ભગતે જાણી એટલે લોકોનાં આ વહેમને દૂર કરવા તેઓ આ સ્થળે આશ્રમ બાંધી રોકાઈ ગયા. આ ટીંબો એટલે અમરેલી પાસેનું ફતેપુર ગામ.

    ટીંબે ભક્તિના સૂર રેલાતા ગયા એમ એમ લોકો આવવા લાગ્યા. વહેમી લોકોનો વહેમ દૂર થયો. વહેમ ઉપર ભગતે ફતેહ મેળવી એટલે પછીથી ગામનું નામ ફતેપુર પડ્યું. કોઈ કહે છે કે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી છે, તો કોઈ કહેતું કે ભૂત પર ફતેહ મેળવી છે. સમય જતા ધીમે ધીમે લોકો અહીંયા આવીને વસ્યા એટલે અહીં ફતેપુર નામે ગામ વસ્યું. જેને લોકો તીર્થધામ 'ભોજલધામ' તરીકે પણ ઓળખે છે. ભોજલરામે પછી તો ફતેપુરને પોતાની કર્મભૂમિ જ બનાવી દીધું.

    પિતા કરસનભગત અને માતા ગંગાબાઈની કૂખે જન્મેલ ભોજલરામના અમર સંતત્વનો ખ્યાલ આપણને એમના પાવન શિષ્યોનું નામ લેતા જ ખબર પડી જાય છે. ગારિયાધારમાં થઈ ગયેલ વાલમરામ બાપુ અને વીરપુરમાં થઈ ગયેલ જલરામ બાપુ જેવા સમર્થ સંતોના ગુરુ હોવું; એ જ બતાવે છે કે ભોજલરામ કેવડા મોટા અને સમર્થ સંત હશે ! એક વાર તો એવું બનેલું કે, ફતેપુરમાં મોટો મેળો ભરાયેલો. જેમાં સેંકડો ભક્તો અને સંતો પધારેલા. જેમને જમાડવાની જવાબદારી શિષ્ય જલારામના માથે હતી. નાની ઉંમરનાં શિષ્ય જલારામને વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટી પડશે તો ? એટલે તેઓ વારે વારે ગુરુ ભોજલરામ બાપાને પૂછવા જતા કે, બાપા ! મને લાગે છે કે, રસોઈ ખૂટી પડવાની. હવે હું શું કરું ? એટલે બાપાએ રમૂજમાં કીધેલું કે "જા પાટમાં પડય." ને સાચે જ જલારામ બાપા આખી રાત પાણીની પાટ્યામાં ઊભા રહેલા. સવારે ભોજલરામને ખબર પડી તો તેઓ જલારામ બાપાને બોલાવી ને ભેટી પડેલા. કેવી અજોડ ગુરુભક્તિ... કેવો અજોડ શિષ્યપ્રેમ...!

    ભોજલરામ લેઉઆ પટેલ જ્ઞાતિમાં સાવલિયા અટકધારી પરિવારમાં જન્મ્યા હતા. એવું કહેવાય છે કે, એમણે બાર વર્ષની વય થઈ ત્યાં સુધી ભોજન લીધું ન હોતું. માત્ર દૂધ પર રહેવાના કારણે નાનકડા ભોજલરામને એ સમયે લોકો 'દુધાધારી બાલયોગી' કહેતા હતા. કોઈ વળી કહે છે કે, ગિરનારથી આવેલા રામેતવન નામના કોઈ અતીત યોગીના આશીર્વાદથી 'કુંડલિની શક્તિ' જાગૃત થતા ભોજલરામ ગુરૂકૃપાએ મહાન સંત બની શક્યા હતા.


     ભોજલરામે આત્મકલ્યાણ અર્થે લખેલા પદો ઇતિહાસમાં 'ચાબખા' તરીકે મશહૂર થયા છે. અમરેલીના દિવાન વિઠ્ઠલરાવની કસોટીમાંથી પાર ઉતરનાર ભોજલરામે દિવાનને સંભળાવેલા ૧પ૦ પદો ગુજરાતી સાહિત્યમાં 'ચાબખા' નામથી જાણીતા બન્યા છે. આ તમામ પદો મૌલિક તો છે જ, સાથે માર્મિક પણ છે. સમાજમાં વ્યાપ્ત પાખંડો, ધર્મની અંધતા, વહેમ અને રૂઢિઓ તથા જડતા ઉપર તીખો ઘા કરવા માટે વેધક ભાષામાં ભોજલરામે ચાબખાની રચના કરી હતી. તળપદા શબ્દોવાળી, ગ્રામિણ છતાં મનને ગમે એવી માર્મિક વાણી ભોજલરામના 'ચાબખા'ની વિશેષતા ગણાય છે. 

'દેશી સંત તણી લાવી રે, ભેળા ફરે બાવોને બાવી રે 
મોટા કપાળે ટીલા કરે ને વળી ટોપી ખટકાવી રે, 
કંથોને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવી રે.
સંત સેવામાં સુખ ઘણું ને, કરે સેવા મનભાવી રે, 
તન, મન, ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવી રે.
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી રે ,
ભોજા ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવી રે.'
   
નકલી બાવા અને નકલી ભક્તોની ભરમાર વિશે ભોજા ભગતની આ અવળવાણી ભારે ઘા કરે છે. બની બેઠેલા સંતો વિશે ભોજા ભગત સમાજને આ પદ થકી સતેજ કરે છે.

જોઈ લો જગતમાં બાવા રે, ધર્યાં ભેખ ધૂતી ને ખાવા રે , 

જયાં પ્રેમદા ઘણી પાણી ભરે, ત્યાં જાય નિત નિત નાવા રે, 

રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે.'

'ભરમાવી દુનિયા ભોળી રે, બાવો ચાલ્યો ભભૂત ચોળી રે, 

ભોજા ભગત કહે ભવસાગરમાં બાવે માર્યા બોળી  રે !'

'મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે, 

ભર્યાં કોઠાર તારા ભર્યાં રહેશે, નહીં આવે સાથે દાણો રે,

મસાણની રાખમાં રોલયા કંઇક, કોણ રંકને કોણ રાણો રે,

'મંદિર માળિયા મેલી કરીને, નીચે જઈ ઠેરાણો રે,

ભોજા ભગત કહે મૂઆ પૂંઠે, જીવ ઘણો ઘણો પસ્તાણો રે.'

     જેવા અનેક પદોમાં આત્મજ્ઞાની ભોજા ભગતે પાખંડોને ઉઘાડા પાડયા છે. ભોજા ભગતે ચાબખા દ્વારા પાખંડીઓની ખાલ ઉતારી છે.

'કીડી બીચારી કીડલી ને કીડીના લગનિયા લેવાય..

 હાલોને કીડીબાઇની જાનમાં.' જેવા તત્વજ્ઞાનની ગૂઢ વાણીવાળા અમરપદ દ્વારા ભોજા ભગતે અધ્યાત્મની નવી ઊંચાઇ સર કરી હતી. 'પ્રાણિયા ભજી લે ને કિરતાર..'ના ગાનાર ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેપુર ખાતે એના સ્મૃતિચિહ્નોને સાચવીને રાખવામાં આવ્યાં છે. એમની ચરણપાદૂકાની આજે નિત્ય પૂજા કરવામાં આવે છે. સને ૧૮પ૦માં ભોજાભગતે શિષ્ય જલારામને આપેલ વચન પ્રમાણે વીરપુરમાં દેહત્યાગ કર્યો હતો.
To Top