જુનાગઢ નવાબ અને ચારણ

જુનાગઢ નવાબ અને ચારણ

Bipinladhava
"જુનાગઢ નવાબ અને ચારણ"

એકવાર જુનાગઢ નવાબ માંગરોળ જતા વચ્ચે માણેકવાડાથી નીકળ્યા. માણેકવાડા એટલે મુળ બાટી શાખાના ચારણોનુ ગામ. એમા એક બાટી શાખના ચારણ ગામના ટિંબે પોતાની મસ્તીમા ભજન ગાતા હતા, નવાબ ને કાને અવાજ ગયો પણ આ તો શુધ્ધ ચારણનો પ્હાડી અવાજ. પશુ પંખી પણ બે ઘડી ધ્યાનમા જાતા રે એવો અવાજ.

નવાબે ગાડી રોકાવી, સેવકને બોલાવી પૂછપરછ કરાવી. ગાડી પાછી જુનાગઢ લીધી ને આદેશ કર્યો કે માણેકવાડાના એ ચારણ ને જુનાગઢ બોલાવો. કચેરી ભરો, મારે એમને સાંભળવા છે.
અહીંયા માણેકવાડા ચારણની ડેલીએ જઇ સેવકે ખબર દિધા કે નવાબને આપનુ કામ છે ને જુનાગઢ તેડાવ્યા છે, ચારણ ઘડી વિચારે પડ્યા પણ ખેર આ તો નવાબનુ તેડુ.

ચારણને લઈ સેવકો જુનાગઢ આવ્યા. ચારણ કંઇ વાત જાણે નહી, નવાબે શીદ બોલાવ્યો ! બધી વાતથી અજાણ પણ અડાભીડ ચારણ.

ધીરેક દય કચેરીમા આવ્યા, નવાબે સામે ઉભા થઈ માન દઇ જોડેના આસને બેઠાડ્યા. ચારણ ને ખબર અંતર પૂછીને વાત કરી કે આપા હુ માંગરોળ જાતો તો ને વચ્ચે માણેકવાડાના ટિંબે આપના ભજન સાંભળ્યા. મારાથી રેવાણુ નહી એટલે માંગરોળ જવાનુ સ્થગિત કરી તમને અહીંયા બોલાવ્યા છે.

આ તો અડાભીડ ચારણ ચહેરા પર સહેજ પણ ફેર નો પડ્યો,એ જ અલગ મોજથી બેઠા હતા જાણે નવાબ સામે કોઇક નવાબ બેઠ્યો, એ જ ઠાઠ એ જ તાવ.

નવાબે વાત કરી કે હવે કંઇક સંભળાવો ગઢવી, ત્યા તો આપાએ ચોખ્ખી ના પાડી દિધી કે મારે સોણ નથી, અને એમેય હુ કોઇના માટે ગાતો નથી, હુ ચારણ છુ, હુ તો મારા આત્મ'રાજ ને રિજવવા , મનમા આવે તો ગાવ છુ, કચેરી માટે નહી.

નવાબને કચેરીના માણસો બે ઘડી સ્તંભ થઇ ગયા. નવાબના માણસોમાથી એકનો ઉંચા ગળે અવાજ આવ્યો 'ચારણ નવાબની કચેરીમા છો ભાન છે ને! ' ચારણે સામે એ જ અંદાજથી 'હા' પાડી.



નવાબ ચારણોના હઠ અને સંસ્કૃતિથી પરિચિત હતા , હળવેકથી ચારણ સામુ જોયુ અને બોલ્યા ચારણ કંઇક ભજન ગાવ તો તમે કહો એ તમારે પાંચ ગામ લખી દવ.

ત્યા તો આપાએ કિધુ "પાંચ ના પાંચ સૌ ગામ લખી દો તોય મારે ગાવુ નથી. હુ તો મારી ભગવતી અને મારા આત્મ-રાજા ને રિજવવા ગાવ છુ."
નવાબ સમજી ગયા. 

ચારણ આપા કચેરીને રામ રામ કરી માણેકવાડા આવતા રહ્યા , જુનાગઢ  નવાબ નેય મોઢા તોડ ના કહી દેતા એવા હતા ચારણો.
To Top