આજનું ચરિત્રઃ ૧૯-૦૫-૨૦૨૪ વૈશાખ સુદ ૧૧ રવિવાર...જય શ્રી સ્વામિનારાયણ.....

આજનું ચરિત્રઃ ૧૯-૦૫-૨૦૨૪ વૈશાખ સુદ ૧૧ રવિવાર...જય શ્રી સ્વામિનારાયણ.....

Bipinladhava
આજનું ચરિત્રઃ ૧૯-૦૫-૨૦૨૪ વૈશાખ સુદ ૧૧ રવિવાર...
જય શ્રી સ્વામિનારાયણ.....

    એકવખત ગઢાળી ગામે આંબા શેઠના ઘરે શિયાળાના સમયમાં ભેંસોનું દૂઝાણું હતું, તેથી તાજું ઘી બે ત્રણ ડબા ભેળું થયેલ. સુગંધીમાન થીણું તાજેતાજું ઘી જોઇ આંબા શેઠને સંકલ્પ થયો કે આ તો શ્રીજી અને સંતોને દોથે દોથે જમાડવા જેવું છે; પણ નકરૂં ઘી સારું હોય છતાં ન ભાવે ! માટે તેની સાથે ભળે અને સૌ ખાંતે ખાંતે ખાય એવો અત્યારે ખજુર આવે છે. આમ વિચાર કરી ઘીના ત્રણ ડબા અને ખજુરનું એક ગાડું ભરીને સવારમાં ગઢપુર આવ્યા.

    એ વખતે શ્રીજીમહારાજ દરબારગઢમાં લિંબતરું તળે ઢોલીયે બેસતા થકા સંતો-ભક્તો અને પાર્ષદોની મોટી સભામાં વિરાજમાન હતા, ત્યાં આવી આંબા શેઠે કહ્યું કે “હે મહારાજ, આજ તો હું સારો માલ લાવ્યો છું. તે સહું રોકડિયા ગ્રાહકોને મોકલો તો મારું વાણિયાનું કામ થઇ જાય. અમારે વાણિયાને માલ જલ્દી ખપે ને વેપાર સારો થાય ને ઝાઝા ગ્રાહકો મળે એટલે બસ; એમાંય વળી આવા ભવસાગરથી મુકાવે એવા ગ્રાહકો મળે તો અમે બીજે ક્યાંય જઇએ જ નહીં.” એમ કહી આંબા શેઠ શ્રીહરિ પાસે આગ્રહ કરી કરીને સહું સંતોને ઘી અને ખજૂર ખૂબ આગ્રહ કરી પ્રેમથી જમાડવા લાગ્યા. તાજું થીણું ઘી દોથેને દોથે જેટલું જે જમી શકે તેટલું તેને આપે. આ રીતે વારંવાર આગ્રહ કરી ઘણાં જ પ્રેમથી સંત, સત્સંગીઓને જમાડીને પ્રસન્ન કર્યા. 

    આમ શેરડી, ચણા, ઓળા વગેરે જુદી જુદી ચીજો લાવી આંબા શેઠ ઘણીવાર સંતો અને શ્રીજીને જમાડતા. એમનો પ્રેમ અનવધિક હતો; તેમણે તન, મન અને ધન એ ભાવથી સત્સંગની સેવામાં સમર્પણ કર્યું હતું.

    એકસમયે ગઢાળીથી આંબા શેઠે આવી પગે લાગી પ્રાર્થના કરી કહ્યું કે, “મહારાજ ! મેં નવા મકાન કર્યા છે માટે સંતો સહિત આપ પધારો.” ત્યારે શ્રીજીમહારાજ કહે છે, “તમે પ્રેમીભક્ત છો. તમે ખર્ચ બહુ કરો, માટે અમે નહિ આવીએ.” ત્યારે શેઠે કહ્યું, “મહારાજ, તમે કહેશો તે પ્રમાણે ખર્ચ કરીશ, પણ આપને જરૂર પધારવું જોઇશે.' પછી મહારાજ કહે, “દાળ રોટલા કરો તો આવીએ.” ત્યારે આંબા શેઠ બોલ્યા, બહુ સારું મહારાજ, એમ કરીશ. પછી મહારાજે સાધુ બ્રહ્મચારીને શેઠ સાથે ગઢાળી જવાની આજ્ઞા કરી અને શેઠને કહ્યું કે, તમે અત્યારે જાઓ, અમે કાલે આવીશું. શેઠે ઘેર જઈ સાધુ બ્રહ્મચારી પાસે દૂધપાકને માલપુવાની રસોઇ કરાવી.

     બીજાદિવસે રસોઇ તૈયાર થઇ ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા અને પૂછ્યું, “રસોઇને શી વાર છે ?” ત્યારે આંબા શેઠે કહ્યું કે, તૈયાર જ છે. પછી એક બાજોઠ ઉપર મહારાજ બેઠા, બીજા બાજોઠ ઉપર થાળ પીરસીને મેલ્યો, તે જોઇ મહારાજ કહે, “શેઠ ! તમે આ શું કર્યું? અમે તમને રોટલા દાળનું કહ્યું હતું ને ?” ત્યારે શેઠ કહે, “હા મહારાજ, આ ધોળી દાળને રોટલા જ છે તે જમો. કોઇકને ત્યાં ધોળી દાળ થાય, હળદર નાખવી ભૂલાઇ ગઇ હશે, તમારે વળી સાધુને સ્વાદ શા? જેવું હોય તેવું જમી લેવું.”
પ્રેમીભક્ત આંબાશેઠની આ રીતની મર્માળી વાણી સાંભળી શ્રીજી મહારાજ હસીને કહેવા લાગ્યા કે, “તમારો પ્રેમ બહુ જ છે. લાડુ કરવાની ના પાડી તો દૂધપાક ને માલપુવા કરાવ્યા !” પછી મહારાજે જમીને જળપાન કરી મુખવાસ લઇ પોતાને હાથે વારંવાર સંત હરિભક્તોની પંક્તિમાં પીરસી આંબા શેઠને રાજી કર્યા.

    જમીને જમાડીને શ્રીજી સભામાં વિરાજમાન થયા. એટલે શેઠે ઉત્તમ વસ્તુઓની ભેટ ધરી ચંદન પુષ્પથી પૂજા કરી, આંબા શેઠે બે હાથ જોડી કહ્યું કે, “હે મહારાજ ! મેં આપનું એક નામ પાડ્યું છે.” ત્યારે મહારાજ કહે, “વાણિયાના જેવા અમારા નામ પાડશો નહિ.”ત્યારે શેઠ કહે, તમારું નામ મેં ન્યાલકરણ પાડ્યું છે. ત્યારે મહારાજ કહે, “એવું વાણિયાના જેવું અમારૂ નામ પાડ્યું, તે કોઇ શાસ્ત્રમાં છે ?”

ત્યારે આંબા શેઠ કહે, “આ તમારા નામનો અર્થ તો બહુ જ સુગમ ને પ્રસિદ્ધ છે. તમે અનેક નરનારીઓને ન્યાલ કરી દીધા છે. માટે તમારું નામ ન્યાલકરણ”, એમ કહી દસ મણ સાકર મંગાવી પ્રસાદીની કરાવીને ગામમાં બધા માણસોને વહેંચી મહારાજ કહે, “શેઠ આવડું મોટું ખર્ચ શા માટે કર્યું?” શેઠ કહે, “મહારાજ, તમે અમારા ગામમાં પધાર્યા અને ગામ લોકોને આપની પ્રસાદી ન મળે પછી એ ક્યારે પવિત્ર થશે ?” પછી શ્રીજીમહારાજની પધરામણી પોતાના ઘરમાં કરી અને ચાલ્યા ત્યારે ધામધુમથી ગઢપુર સુધી વળાવવા ગયા.

- સદગુરૂ બ્રહ્મચારીશ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…



To Top