ગુજરાત : સ્થાપના ૧ મે ૧૯૬૦
ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા.
ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિધાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.
આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.
દર વર્ષે ગુજરાત દિવસની ઉજવણી રૂપે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે, જેમ કે- સાંસ્ક્રુતિક કાર્યક્રમો, સાહિત્ય સંબંધિત ગોષ્ઠીઓ, વિશ્વ અને ઇતિહાસલક્ષી પરિસંવાદ, લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં અવનવા કાર્યક્રમો થતાં હોય છે.
જય ગુજરાત જય હિન્દ