વીર મોખડાજી ગોહિલનો રાહડો
( ઢાળ : સૂની રે ડેલી ને સૂના ડાયરા )
મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો
તેજ મેવાડી ધરી એ તલવાર રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
માથે કર હતા મહાકાળીના
શિવ આરાધી કરે એ સંભાળ રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
ખોખરા ને ઘોઘા કર્યા ખાલસા
ભેળવી એ ઉમરાળા ને ભીમડાદ રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
કેશરીના કટકા કાંઠે કરીયા
બેઠો બેટે પીરમને એ બાર રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
દિલ્હીથી કટક ઘોઘે દોડીયા
શૂરા તેં તો મહિના રોક્યા ચાર રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
ઘોઘે એ કાઢ્યા કચ્ચરઘાણ જે
વાવટો ધોળો જોઇને થોભ્યા વાર રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
મીટુ અવળી ભાળી મહમદની
બેઉ હાથે ફરી કરી એ બે ધાર રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
સેંકડોને ખજુરિયે એ ચીરીયા
પડ્યુ શિષ ને ધડ કરે પ્રહાર રે
રંગ છે રાણાના મોખરે હાલ્યો એ ગોહિલ મોખડો !
ખદરપરે સુતો ખેલ ખેલીને
સાત કોષ એ કરીને સંહાર રે