જાનબાઇ માં દેરડી

જાનબાઇ માં દેરડી

Bipinladhava
જાનબાઇ માં દેરડી

આવડ તું અવતાર જાનલ થઇ જગમાંય,
રાતડિયો રણ રોળિયો વાતડિયું વંચાય.

કાઠિયાવાડની ધરતીને કડાકા લેવરાવતો, ભલભલા ભૂપના નેજા નમાવતો, ખંડણીના કોથળા ભરાવતો, ગાયકવાડી સૂબો ફત્તેસિંહરાવ ગોહિલવાડમાં ઊતર્યો.

સિરોહ વેગળું મૂકીને અમરેલીનો મારગ સાધ્યો. હાથી પર આરૃઢ થયેલા સૂબાની પડખે અસવારોના ઘોડા ડાબા દઇ રહ્યાં છે. પાછળ ડેરા તંબૂ તાણનારનો રસાલો આવી રહ્યો છે. વિજયનું ઘેરું ઘેન જેની આંખમાં ઘુંટાઇ રહ્યું છે એવા ફત્તેહસિંહરાવની નજર શકરાની જેમ દશેય દિશાઓને માપી રહી છે.

સૂરજ મા'રાજે મેર બેસવાની તૈયારી કરી. સંધ્યાને કંકાવટીમાં કંકુ ઘોળી છાંટણાં છાંટયાં. આથમણા આભની અટારીએ કુમકુમવરણા બુટ્ટા પડયાં. સૂબા ફત્તેસિંહરાવનો હાથી નેસને અડીને આગળ વધતા મારગને ટૂંકો કરવા લાગ્યો. સૂબાની નજર નેસ માથે તોળાઇ રહી.

વડલા લીંમડા, આંબલી, પીપર, પીપળાની પાંખી પાંખી વનરાજી ગાયું ભેસુંના વાડા ટંકે અધમણ દૂધ દેનાર ભેંશુંના ફાટફાટ થાતા આઉ જોયા. ફૂલ જેવી ધડકિયું નાખીને ઢોલીએ બેઠા બેઠા રૃપા મઢ્યા હોકાની ઘૂંટયુ લેતા દાઢીઆળા દેખ્યા. હેમના ઘરેણે અરધતી નારીયું નિરખી આઇના સ્થાનકે વાગતી ઝાલરના ઘંટનાદ વચ્ચે સરતી જગદંબાની સ્તુતિના સ્વર સાંભળ્યા. દેવના દરબાર જેવો નેસ ફત્તેહસિંહરાવની નજરમાં રમી રહ્યો. લેવાય એટલું નાણું એકઠું કરીને ગાયકવાડની તિજોરી તર કરવા નીકળેલા સૂબાએ પંડયના પાસવાને પૂછટયું :

'આ નેસ ક્યા રાજાની હદમાં આવે છે ?'

''બાપુ એનો કોઇ ધણી નથી.''

'' એટલે ? ''

'' એ ચારણોનો નેસ છે ચારણો તો દેવીપુતર લેખાય''

'' કોને કર ભરે છે ?''

'' કોઇને નહીં. ''

ગોહિલવાડ અને મધ્ય કાઠિયાવાડને ખૂંદનાર સૂબાને એક એક જવાબે તાજૂબીમાં નાંખ્યો.

''આપણે કર વસૂલ કરો ''

'' બાપુ ચારણો માથે કર કોઇ જુગમાં અમે જોયા નથી ''

'' હું ફત્તેહસિંહરાવ કોઇને છોડું નહીં. મોટા મોટા નરેશને ેનમાવનારને આ નેસડું શું વિસાતમાં ?''

ત્યાં તો કાંઠાની ડુંગરમાળ દેખાણી. ઉતાવળી નદીનો કાંઠો વળોટી ગજરાજ જેવો હાલ્યો કે તરત જ સૂબાનું ફરમાન છૂટયું :

'' પડાવ નાંખો ''

રસાલો થંભી ગયો. ડુંગરની અધોલમાં તંબૂનાં ખીલા ઠોકાણા. સૂબાના પથારી પાગરણ પથરાણાં પાણીના ચંબુ મૂકાણા. ઘોડાનાં પાખર છૂટયાં. સૂબાનો હાથી ઝૂક્યો. બીજું ફરમાન છૂટયું :

'' નેસના મોવડી પાસેથી કર વસૂલ કરો''

સૂબાનું મન રાજી રાખવા પડખીઆ નેસમાં જઇને વાત કરી પાછા વળ્યા વાટ જોઇને બેઠેલા સૂબાએ તરત પુછ્યું :

'' વસૂલાત થઇ કે નહીં ?''

'' બાપુ ! કર આપવાની ઘસીને ના પાડી''

'' મારી સામે આ હિંમત, એના મોવડીને મારી સામે ખડો કરો ''

'' મોવડી તો માવડી જેવી જાનબાઇમા છે. એને પકડયે સારવાટ નંઇ રે''
 શું કહ્યું એક બાઇ એની આવડી મોટી બીક ?

ફત્તેહસિંહરાવ કઇ નવું નિરખી રહ્યો હતો. કંઇ નવું સાંભળી રહ્યો હતો. જવાબ સાંભળવા એના કાન હુકમ ઉઠાવનાર સામે મંડાઇ રહ્યાં હતાં.



'' જાનબાઇ જોગમાયાનો અવતાર લેખાય છે. એના પરચાના પાર નથી ''

'' કોણે જોયું. કોણે સાંભળ્યું ? ''

સૂબાનું મન પરચાની વાત કબૂલ કરવા રાજી નો'તું.

'' અમે સાંભળ્યું, અમે જોયું''

'' શું જોયું ?''

આતોભાઇ ચિત્તળનો ભાંગીને ભૂક્કો કરી પાછો વળતો હતો તે દિ' એના પાનશે (પાંચસો) અસવારોને ઘોડા પાણી પાણી કરતાં હતાં તે દિ'આઇએ એક વીરડામાંથી હજારને મોઢે પાણી પૂગાડયું. આ તે દિ'થી આઇની આરતિયું ઉતરે છે.

''એને હાજર કરો ''

''એ આઇ છે, પંડયે ક્યાંય જતા નથી ''

'' તોનેસડાને તોપે દેવરાવું.''

'' ઝેરનાં પારખ્યાં ન હોય અને કરવા હોય તો તમે ધણી છો ''

'' મારે કરવાં છે''

સત્તાના મદે સૂબાની સમજણ આડા પરદા પાડયા. અસવારો છૂટયા. અમરેલીની બે તોપો રવાના થઇ.
પ્રાગડયના દોરા ફૂટયા, સૂરજ નારાયણે ઉજાસ આભમાં પાથર્યાં.

પાંકો ફફડાવી તોપની નાળચાં નેસડામાંથે નોંધાણા.

હુકમ દેવાણા પણ નેસડો ક્યાં ? કોઇની નજરમાં આવતો નથી. સૂબાએ પંડયે ઉઠીનેનિશાન પર નજર માંડી પણ એનેય નેસડો દેખાણો નહીં.

સૂબાના ચહેરા પરની કાળી ધોળી મૂછોના મરોડદરા કાંતરા ફરક્યા. સફળતાના ફડાકા દેતા વાવટાની આડશ અળગી થતા વાર ન લાગી. ખબરદાર અને સમજદાર સૂબો હતો. અનુભવના કોંતલમાંથી ક્ષણમાં સમજદારીની સરવાણી ફૂટી. પળ પહેલાની કરડી કરચલિયો સંકેલાઇ ગઇ. ચહેરા પર સમતા છવાણી અનેકમાંથી એકને મળે એવી સાચા મોતી જેવી પાણીદાર આંખોમાં ખામોશીના ભાવ ઉઠયાં. હાથી પર અંબાડી મૂકાવી નેસડા ઢાળો હાલ્યો. મોવડયા ચોપદારે છડી પોકારી.

''સૂબા પધારે છે''

વલોણું કરતાં આઇ જાનબાઇ અને પૂત્રવધૂ ધાનબાઇના કાન ચમક્યા. ફળી તરફ નજર કરી તો ગજરાજ માથે બેઠેલા સૂબાને આંગણે દીઠયો.

આઇ ઓસરીની કોર ઉતરીને ફળિયે જઇ ઉભાં રહ્યાં ને હાથી પર બેઠેલા સૂબાનાં ઓવારણાં લીધાં, આશીર્વાદ દીધા.

સૂબાએ આઇનો પરચો પારખ્યો તેનો દૂહો રચાણો.
સમરથ ગાયકવાડ સૂબો,
આવ્યો ફતેહસિંહ ચડી,
શિર ચમર છત્ર ધરી,
રડી બંબ નોબત પડી.
તે દિન લીધાં વારણાં,
કર લંબાવી કરી કીરતી,
જગદંબ જય જય દેવી તણી,
જયોત જગમાં જાગતી.




નોંધ : કહેવાય છે કે, ફત્તેસહસિંહરાવે ગાયકવાડ સરકારમાંથી રૃ।.૧૨૫નું વર્ષાસન બંધાવી આપ્યું હતું.
આઇ જાનબાઇના સમાધિસ્થ થયા પછી આ નેસડામાં તેમની દેરી બંધાયેલી. તે પછી ગામનો ટીંબો બંધાયેલો તે ગામ 'જાનબાઇની ડેરી' ના નામે (મુંબઇ ગેઝેટીયર પુસ્તક ૮ કાઠિયાવાડ પૃષ્ઠ ૪૧૨) કરકોલિયા, આંબરડી અને હીરાણા ગામની જમીન મેળવીને આ ગામનો ટીંબો બંધાયેલો કર્નલ વોકરના સેટલમેન્ટપત્રમાં 'ડેરી જાનબાઇ' એવું નામ નોંધાયેલું છે.

આ ગામનો ગરાસ લાંગાવદરા (લાંભાવધરા) શાખાના ચારણોનો રહ્યો હતો.

આજે પણ આઇની લાપસીની માનતાઓ થાય છે. આ ગામ ઢસા અને ચાવંડ વચ્ચે ભાવનગર રાજકોટના ધોરી માર્ગ પર આવેલું છે. તે  દેરડી (જાનબાઇ) નામે ઓળખાય છે. હાલ લાઠી તાલુકામાં ગણાય છે.
To Top