મહાભારતમાં અક્ષયપાત્ર સંબંધિત એક કથા છે. પાંડવો જ્યારે 12 વર્ષના વનવાસ માટે વનમાં જાય છે. તેઓ વનમાં ઝૂંપડી બનાવીને રહેતા હોય છે. ત્યારે અનેક બ્રાહ્મણો અને ભ્રમણશીલ સાધુ-સંતો એમની ઝૂંપડીએ યાત્રા દરમિયાન આવતા હોય છે.
.
ત્યારે એમના માટે પ્રશ્ન એ હતો કે અહીંયા આવતા એ હજારો બ્રાહ્મણો, સાધુસંતોને ભોજન કેવીરીતે કરાવવું?
.
ત્યારે પુરોહિત ધૌમ્ય યુધિષ્ઠિરને સૂર્યનારાયણના 108 નામો સાથે એમની આરાધના કરવાનું જણાવે છે. યુધિષ્ઠિર આસ્થાપૂર્વક સૂર્યના 108 નામના જાપ કરે છે. ત્યારે સૂર્યદેવ પ્રસન્ન થઈને એમને પૂછે કે આ પૂજા-અર્ચનાનું કારણ શું છે?
.
ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે "પ્રભુ" હું હજારો લોકોને ભોજન કરાવવા અસમર્થ છું. હું તમારી પાસે અન્નની અપેક્ષા રાખું છે. કેવી યુક્તિથી હજારો લોકોને ભોજન કરાવી શકાય એવું કોઈ સાધન માગું છું.
.
ત્યારે સૂર્યદેવ એક તાંબાનું પાત્ર આપીને કહે છે કે " યુધિષ્ઠિર! તમારી મનોકામના પૂર્ણ થાઓ. હું 12 વર્ષ સુધી તમને અન્નદાન કરીશ. આ તાંબાનું પાત્ર હું તમને આપું છું. તમારી પાસે ફળ, ફૂલ, શાક આદિ 4 પ્રકારની ભોજન સામગ્રી અક્ષય રહેશે જ્યાંસુધી દ્રૌપદી પીરસતી રહે." તાંબાનું એ અક્ષયપાત્ર લઈને યુધિષ્ઠિર હર્ષ પામે છે.
.
કથા અનુસાર દ્રૌપદી હજારો લોકોને ભોજન પીરસીને જ છેલ્લે ભોજન કરતા હતા.જ્યાંસુધી તેઓ ભોજન ગ્રહણ નહોતા કરતા ત્યાંસુધી એ અક્ષયપાત્રમાંથી ભોજન સમાપ્ત નહોતું થતું. .
.
કેટલાક ઘરોમાં આજે પણ ઘરની સ્ત્રીઓ ઘરના બધા સભ્યોને ભોજન કરાવીને છેલ્લે પોતે ભોજન કરતી હોય છે. એ પ્રથા કદાચ આ મહાભારતની કથાને સંબંધિત હશે.