આહિર નોડો ડાંગર
અંદાજે ચારેક સદીઓ ઉપરના સમયની વાત છે જ્યારે દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું.કચ્છમાં એ સમયે રાવ દેશળનું રાજ તપતું હતું.રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ,વફાદાર અને દેશળના દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર.રાવ દેશળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું…!નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ વિના નોડો પણ ડગ ના માંડે.
નોડો ડાંગર આહિર કુળનો હતો.મુળ તો એ મોરબી પાસેના વાડાછડા ગામનો વતની.પણ કચ્છના રાવ દેશળના દરબારમાં ફરજ બજાવતો.આહિરોની વફાદારીની તો ઘણીયે વાતો છે.આહિરનો આશરો અને આહિરની નમકહલાલીની વાતો ગુર્જરવાડના ગૌરવસમાન છે.
દુનિયા જાકારા દીયે અને રાખે નહી ઘરમાં રાણ
માથા સાટે મુલવે ઈ આહિર તણાં એંધાણ !
એકવાર રાવ દેશળ પોતાનો કાફલો લઇને દિલ્હીની મુલાકાતે ગયાં.સાથે નોડો ડાંગર પણ હતો.દિલ્હીમાં કચ્છે ઉતારો લીધો.અને રાવ દેશળ દિલ્હી જોવા લાગ્યા,અકબરનું દિલ્હી !ઘણા દિવસો વીત્યા.દિલ્હીની બજારે બજારોની ધુળ કચ્છી માઢુઓએ પારખી લીધી.
એક દિવસની વાત છે.સાંજ ઢળી રહી હતી.ઉંચા મિનારાઓ સૂર્યના છેલ્લા કિરણોને તગતગાવીને પાછા ફેંકતા હતાં.એવે ટાણે નોડો ડાંગર દિલ્હીની બજારમાં એક વાણિયાની દુકાને બેઠો છે.મોં પર સોરથની ધરતીનું તેજ આભા બનીને ઉભરી રહ્યું છે.ધારદાર મુછોના થોભિયામાં હવે તો સફેદ વાળોએ પણ દેખા દિધી છે.કડિયું અને ધોતીનો સફેદવર્ણો પહેરવેશ શોભી રહ્યો છે.દિલ્હીના અમીરોનો ભવ્ય ઠાઠ જોતો નોડો ડાંગર ઉદાસીન નજરે બેઠો છે.હવે દિલ્હીમાં કોઇ હિંદુ બચ્ચો પહોંચી શકે એમ નહોતો.કોની તાકાત હતી કે હવે દિલ્હી પર કબજો જમાવી શકે ? હાં,હતો એક મેવાડમાં.પણ એ પણ એકતા માટે વલખતો…!આમ,નોડો ડાંગર વિચાર કરે છે ત્યાં એક બ્રાહ્મણ વણિકની દુકાને આવ્યો.
બ્રાહ્મણ ઉદાસીન અને ખિન્ન જણાતો હતો.વણિક અને બ્રાહ્મણ વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી.એનો અવાજ બહાર બેઠેલા નોડા ડાંગર સુધી પહોંચ્યો :
“હવે મર્દાનગી મરી પરવારી છે ધરતી ઉપરથી !નહિં તો આજે એક બ્રાહ્મણ ઉપર આવું અઘટિત ન ગુજરે.”
“કેમ ભૂદેવ શું થયું છે?” વણિકે પૂછ્યું.
બ્રાહ્મણ ખિન્ન થયો.એના ચહેરા પર ગુસ્સો અને લાચારી સ્પષ્ટ જણાઇ આવતા હતાં.”અરે ! મારી દિકરીને આજ રાતે દિલ્લીના કાફરો લઇ જવાના છે.બાદશાહનો પેલો દિપડા જેવો હલકો સેનાપતિ અયુબખાન ! એને…એને મારી દિકરી જોઇએ છે !” અને બ્રાહ્મણની આંખમાંથી એક આંસું ખરી પડ્યું.નોડાને લાગ્યું કે ગમે તે થાય આ ભૂદેવ માટે બનતું કરી છૂટવું.
બ્રાહ્મણે ધા નાખી : “આજે ભારતમાં કોઇ ક્ષત્રિય જીવતો નથી લાગતો ને જીવે છે તો અકબરનો કુતરો બનીને…!નકર કોની તાકાત છે કે ક્ષત્રિયનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બ્રાહ્મણ સામે કોઇ આંખ ઉંચી કરી શકે ?”
હવે નોડાથી ના રહેવાયું.એ બ્રાહ્મણ પાસે ગયો અને બોલી ઉઠ્યો -“ભૂદેવ ! ચિંતા ના કરો.આ ધરતી ઉપર બધાં ક્ષત્રિય મરી નખી પરવાર્યાં.હજી અમુક જીવે છે હોં ! મારી જાનને સાટે પણ હું તમારી દિકરી પર એ કાફરનો હાથ નહિ પડવા દઉં.”
રાત્રિના બાર વાગ્યા પછીનો સમય હતો.દિલ્હીની બજારો સુમસામ થઇ ગઇ હતી.એવે ટાણે દક્ષિણ તરફની એક નાનકડી શેરીમાં ચાર-પાંચ ઓળા ઉતર્યાં.એક કદાવર ઓછાયો બધાંની મોખરે ચાલતો હતો.એ હતો – અયુબખાન ! બ્રાહ્મણના ઘર તરફ ધીમી ચાલે બધાં જવા લાગ્યા.અને પછી એની પાછળ એકદમ ચુપકીદીથી શેરીમાં વળી એક માણસ દેખાયો.ગુપ્ત પહેરવેશમાં દેખાતો આ માણસ કુતુહલથી અને સાવચેતીથી પેલાં માણસો ક્યાં જાય છે એ જોતો એની પાછળ ચાલ્યો.
અયુબખાન બ્રાહ્મણના ઘર આગળ પહોંચ્યો.અને બારણું ખટખટાવ્યું.બરાબર એ જ વખતે ઘરના ટોડલા પાછળથી એક સ્ત્રી બહાર આવી.અયુબખાન ભડક્યો.”કોણ છે?” અયુબે અવાજ માર્યો.સામેથી પણ એ જ પ્રશ્ન અથડાયો,”તું કોણ છે અડધી રાતે ગમે તેના બારણા ભટકાવનારો ?”આ બાઇની આટલી હિંમત જોઇને અયુબખાન ધુંધવાયો.એણે કમરે રહેલી તલવાર પર હાથ નાખ્યો.અને તલવાર ખેંચે એ પહેલાં જ સામેથી તલવારનો જનોઇવઢ ઝાટકો પડ્યો અને અયુબખાનનું માથું ધડથી અલગ થઇ ગયું.
ચુપાઇને આ ઘટના જોઇ રહેલો અકબર હવે તરત બહાર આવ્યો.એને ખાતરી થઇ ગઇ કે,આવો જોરાવર ઘા કરનાર અ માણસ સ્ત્રીના વેશમાં છૂપાયેલો મરદ જ હોય શકે ! એણે પૂછ્યું,”કોણ છો?”સામેથી જવાબ મળ્યો,”નોડો ડાંગર ! રાવ દેશળનો માણસ છું.અને તમારા રાજમાં જો કોઇ બેન-દિકરીની આબરૂને મથે આવા કાફરો હાથ નાખે તો એની આ હાલત કરવાનું કામ હતું એટલે આવ્યો હતો.”
અકબર નોડા ડાંગરની આ વિરતા જોઇ અભિભૂત થઇ ગયો.અને એ સાથે પોતાના રાજમાં આવા કાળા કામો કરનારા સેનાપતિ છે એનો પણ એને ખ્યાલ આવ્યો.
“કચ્છ ક્યારે જવાના છો?”
“બસ,આવતી કાલે.”
“રાવ દેશળને કે’જે કે’ જતી વખતે મને મળતા જાય.”અકબર બોલી રહ્યો.
બીજે દિવસે ભર દરબારમાં અકબરની વિદાય લેવા માટે રાવ દેશળ આવ્યા.
“પાદશાહ ! ઘણો આનંદ કર્યો દિલ્હીમાં.હવે જતી વેળાં અમે અપને કાંઇક બક્ષીસ આપવા માંગીએ છીએ.માંગો શહેનશાહ !”રાવ દેશળે અકબરને કહ્યું.
“એમ ? આપશો”
“હાં,વચનબધ્ધતા અમારા લોહીમાં છે શહેનશાહ ! માંગી લો.”
“તો નોડા ડાંગરને આપતા જાઓ,રાવ !”
વચન એટલે વચન શું થાય ?રાવે નોડાને અકબરની ફરજમાં રહેવા કહ્યું.માલિકના હુકમનો નોડાએ અનાદર ના કર્યો.નોડો દિલ્હીના દરબારમાં રહ્યો.
પછી સોરઠમા આવી પોતાના ભાઈ વાસણ આપા ડાંગર પાસે વિ.સ.1624 મા વાડાસડાનુ તોરણ બાંધી બાર ગામની ખંડણી વસુલવાની સતા અકબર બાદશાહના જુનાગઢના સુબા પાસેથી મેળવેલ.આ વિસ્તારમા ચાર ચારણ બહેનો બાલવી બુટ બહુચર અને બલાડ માના બેસણા હતા. આ નોડા આપા ડાંગર ના વંશજો તાકાતવાન હતા.
આ ગામ ત્રણ સ્ટેટ ગોંડલ પોરબંદર અને જુનાગઢ ની સરહદે આવેલુ છે. આ ગામ એક પણ સ્ટેટને કર ચુકવતુ નહી. અને ગામ બહુ જ સમૃદધ હતુ તેથી બારવટીયા અને લુટારાની નજરમા હતુ.
આ ગામ પર વિ.સ.1711 .વિ.સ.1721.વિ.સ.1745 મા લુટારુઓએ હુમલો કરેલ .ત્યારે ગામની આહીર ક્ષત્રિયાણીઓ અને આહીર યુવાનોએ લૂંટારાઓ સાથે યુદ્ધ કરી ગામને બચાવેલ.
આહીર યુવાનો યુદધમા કામ આવેલ તેની પાછળ આહિર ક્ષત્રિયાણીઓ સતીઓ થયેલ.
યુદ્ધમાં કામ આવેલ યુવાનો અને તેની પાછળ સતી થયેલ આહીર ક્ષત્રિયાણીઓના પાળીયા વાડાસડાના પાદરમા અડીખમ ઉભા છે. આવા 40 થી 50 પાળીયા છે.
આ ગામમા એક ચમત્કારી વાવ હતી જેનુ પાણી પીવાથી માણસ શુરવીર થાય. તેની ખાતરી કરવા જુનાગઢ નવાબે મલ્લને વાડાસડા યુદ્ધ કરવા મોકલેલ .ત્યાંના એક ખેડુતે મલ્લને એક મુકામા જ મારી નાખેલ. તેથી નવાબે આ વાવમા ઝેર નાખી બુરાવી દીધેલ.
આ ગામને ચાર ચારણ માતાજી હજરાહજુર હતા.એક વખત લુટારાઓનુ મોટુ પાળ આવેલ ત્યારે ગામના યુવાનો બહાર હતા. ગામમા સાંગો ડાંગર એક જ હતા તેથી તેણે માતાજીને પ્રાર્થના કરતા માતાજીએ ચુંદડી આપી સહાય કરી બલાડ માતા બિલડી સુધી સાથે ગયેલ. બીજી ત્રણ બહેનોએ સહાય ના કરી તેથી બલાડ માતા આ ત્રણ બહેનો બાલવી મા બહુચર મા બુટ ભવાની મા થી રીસાઇ ગયા અને બીલડી રોકાય ગયા ત્યા હાઇવે પર બલાડમાનુ મંદીર છે.
શત શત નમન શુરવીરો ને જય મુરલીધર જય માતાજી