બિરસા મુંડા

બિરસા મુંડા

Bipinladhava


બિરસા મુંડા

જન્મ : ૧૫ નવેમ્બર ૧૮૭૫ બોકારો ઝારખંડ

મૃત્યુ ; ૯ જૂન ૧૯૦૦ 

બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા.

જીવન

તેમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.



૧ ઓક્ટોબર ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો "ધરતી બાબા" નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

૧૮૯૭ ના વર્ષથી ૧૯૦૦ ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી ૧૯૦૦ ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.



બોકારો શહેર ખાતે બિરસા મુંડાનું પૂતળું

બિરસા મુંડાએ ૯ જૂન ૧૯૦૦ ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.

સન્માન

આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા (war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યાર પછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી ૧૫ નવેમ્બર ૧૯૮૮ ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.



કોટિ વંદન જય જવાન જય હિન્દ
To Top