મરદની જનેતા

મરદની જનેતા

Bipinladhava


મરદની જનેતા

ડીમ! ડીમ! ડીમ! મરફો વાગી રહ્યો છે. ઘરાં ઘરાં ઘરાં નગારાને માથે ચોબ પડતી આવે છે, શેવડીવદર, શેવડીવદર, શેવડીવદર યુધ્ધનો બોલ સંભળાઈ રહ્યો છે. એમ સોરઠની ધરતીમાં જીતના ડંકા દઈ ગિરનારને પ્રદક્ષિણા કરી ભૂખ્યા અજગરની જેમ ફૂંફાડા મારતી વીજા ખસીઆની ફોજ બગસરા નજીક ધીમી ગતિએ વહી આવે છે.

બગસરામાં દરબાર સામતવાળાનો ખાસદાર ઘોડી ધમારીને ડેલીમાં દાખલ થયો. ઘોડીના અંગ ઉપર દરબારે મેલના ડાઘ ભાળ્યા. માણસ પાસેથી ઘોડી લઈ દરબાર સામતવાળો ઝબ્બ દઈ અસવાર થઈ આવ્યા નદીએ. ઘોડીએથી ઊતરી કપડાં ઉતાર્યા. કાછડી કરી કડેક સમાં પાણીમાં ઘોડીને માંડયા ધમારવા. ઘોડી થર્ય થાતી નથી. ડાબલા પછાડે છે. ફરડકા બોલાવે છે અને દરબાર સામતવાળા હાકલા કરી કરીને ઘોડીને સાંસતી પાડે છે. કાથાનો હાથલો લઈ ચોળી ચોળીને ધમારી રહ્યા છે.

એવામાં વીજા ખસીઆની ફોજના ચાર ઘોડેસવારો નદીમાં ઊતર્યા. એકની નજર પડી સામતવાળાનાં કપડાં ઉપર. ચોરણામાં નાડી છે. નાડીનાં પણોસીઆમાં સાચા મોતી સૂરજની સામે ઝળાંહળાં ઝળાંહળાં થાય છે. કોળી કૂદકો મારી હેઠો ઊતર્યો. ચોરણો ઉપાડ્યો અને નાડી ખેંચી ત્યાં દરબાર સામતવાળાની નજર ગઈ. ઘોડીને મેલી દીધી. હાકલો કરીને બહાર નીકળ્યા.

રકઝક થઈ. મદઘેલા કોળીઓએ નહી જેવી બાબતમાં દરબાર સામત વાળાને રોંધી નાખ્યા. ત્યાં ફોજનો મોવડી આવ્યો. સામતવાળાને ઓળખ્યા. માણસોને ઠપકો દીધો અને " હવે ઝટ ભાગો ! આ ઘડીએ કાઠીઓનાં ઘોડાં છૂટશે અને ગજબ થાશે. " કહી મિતીઆળાને માથે ઉપડતે પગે વીજા ખસીઆની ફોજ હાલી નીકળી.

બગસરામાં બોકાસો બોલ્યો, હાહાકાર થઈ ગયો. કાઠીઓ કુંડાળે પડ્યા. બાપુ સામતવાળા જેવાનું ઢીમ ઢાળી દીધું. દરબાર સામતવાળાના કારજ ઉપર સાડા ત્રણસોક ઢોલણીઓ ઢળાણી છે. એમાં ખાચર, ખુમાણ અને વાળા દરબારો ગોઠણ નીચે તલવારો દાબી ઢાલુંના ટેકા દઈને બેઠા છે. પંદરસો જેટલા બીજા મહેમાનો નીચે જાજમ ઉપર બેઠા છે. ટંકે સવા શેર અફીણનો કસુંબો થાય છે. શોકાતુર વાતાવરણ છવાઈ ગયું છે. ક્યારેક ક્યારેક વૈરાગની વાતું નીકળે છે. કે - એક દી સૌને મરી જાવું છે, અને મોટા રાવણ જેવાનેય કાળે છોડ્યા નથી.

"વીશભૂજા હતી વકર, ( જેનો ) દશ માથાળો દેહ ;
 અંતરંગ રાવણ એહ ( એને ) મેલ્યો ન કાળે માનડા. "

એવામાં ચણભણ વાત થઈ કે દરબાર સામતવાળાને ઘરેથી આઈ માકબાઈ મોં નથી ઢાંકતાં. " હેં ! નથી ઢાંકતાં ?" દાયરામાં કોઈકે અચંબાથી પ્રશ્ન કર્યો.

" વગર વાંકે સામતવાળા જેવા અડાભીડ કાઠીનું કાસળ કાઢી નાખીને વીજો ખસીયો મિતીયાળાને માંથે ખોંખારા ખાય છે અને કાઠીઓ કરકલિયો માછલાં ગળે એમ સાતવાનાનું સુખડું અને જલેબી ગળી રહ્યાં છે. એમાં મોં કેમ ઢાંકે ? " એક વયોવૃધ્ધ આપાએ દાયરાને ટકોર કરી.

દાયરામાં છાંઈ ઢળી ગઈ. જાણે કોઈના મોઢામાં જીભ જ નથી. મધરાતે ભાદરવા મહિનાનાં દેડકાં લવતાં હોય એમ હોકા બોલી રહ્યાં છે.

કુંડલાના સામત ખુમાણથી ન રહેવાણું. ઊભા થઈને કીધું કે " ગઢમાં કેવરાવો કે આજથી એક મહિને હું બાપુ સામતવાળાના મારતલને મારીશ. "

પછી જ કાઠિયાણીએ મોં ઢાંક્યું.

કારજ પછી મહેમાન દાયરો વીંખાણો. વીજા ખસીઆને
ખબર પડી કે " સામત ખુમાણે મને મારવાનું પણ લીધું છે. સામત ખુમાણને ખબર નથી કે કોણ કોને મારશે ! " એમ કહી વીજો ખસીઓ ક્રોધે ભરાણો.

એ વખતે વીજા ખસીઆની ચારે બાજુ હાકધાક વાગતી. જૂનાગઢ, જામનગર, ભાવનગર કે ગાયકવાડ જેવાથી વીજા સામે આંગળી ચીંધાતી નહીં, એવો વીજાનો કડપ હતો.



" કંથડા હળવો બોલ્ય, સાચે જ વીજો સાંભળે ;
ખસીઆ પાડે ખોળ્ય, પાગેથી માથા લગે. "

સામત ખુમાણને પણ લેતાં તો લેવાણું. જોઈએ તેવો સાથ મળ્યો નહીં, પછી થાય શું ? થૂંક્યું થોડું જ ગળાઈ છે ! મિતીઆળાને માથે ચડવાના મનસૂબા ઘડે છે. એમાં વીજાએ સામેથી કહેવરાવ્યું કે : " આજથી આઠમે દી આવું છું. સામત ખુમાણને રે' વું હોય એમ રહે. બાઈ માણસ તાવડીમાં રોટલો ફોરવે એમ કુંડલાને ન ફેરવી નાંખું તો હું વીજો ખસીઓ નહીં. "

મીંદડાનો સંચળ સાંભળીને કૂકડાં અકળાય એમ કુંડલાનું મહાજન અકડાણું. વસ્તી વિચારમાં પડી કે હવે શું થાશે ! સામત ખુમાણે તૈયારી કરવા માંડી. હુકમ કર્યો કે ઘરદીઠ પાંચ ઘાંસી કાંટા સૌએ લાવવાના છે. ગામ ફરતી ગઢ જેવી વાડય કરો. ખેડૂતો ને ઊભડ હલક્યાં. કોદાળીયુંની ઝપટ બોલી. કાંટાની ઘાંસિયું આવવા માંડી. ગામ ફરતી ઘાંસિયો ગોઠવાય છે. ખેડૂત, ઊભડ, વેપારી, ઘાંચી, મોચી, સઈ, સુથાર, બ્રાહ્મણથી વાલ્મિકી સુધી સૌ કામે લાગી ગયાં છે. પસાયતા માથે ઊભા રહીને વાડય કરાવે છે.

એમાં દરબાર સામત ખુમાણ ગામ ફરતો આંટો દેવા નીકળ્યા. જોતાંજોતાં આથમણે ઝાંપે આવ્યા. ત્યાં એક નાંગળે ખાલું ભાળ્યું. બોલ્યો કે, " અહીં કેમ કાંટા નાખ્યા નથી ? "

પસાયતે ઉત્તર વાળ્યો કે : " ફૂઈ રાણબાઈ કાંટા નાખવાની ના પાડે છે. "

રાણબાઈ એટલે ખુમાણની દીકરી. આડા કાઠીમાં આપેલ, જેનો ઘણી એકવીસ વરસ પહેલાં ધીંગાણામાં કામ આવી ગયેલ. બે દીકરા. એકની ઉંમર બાવીસ વરસની અને મોટાની ઉંમર છવીસ વરસની. મોટો દીકરો બહારગામ ગયેલ. નાનાની આંખ્યું દુઃખે. ખારીલી સિંહણ હોય તેવી આધેડ ફૂઈ રાણબાઈ ફળિયામાં વાસીદું કરે છે. તેમાં સામત ખુમાણ આવ્યા. રાણબાઈએ વાસીદું પડતું મૂકી આવકાર આપ્યો.



" બાપ ! ઘણે દિવસે સંભાળ લીધી ? "

" હા ફૂઈ આવવું જ જોઈએ ને ! "

એમ સામત ખુમાણે ઢોલણીએ બેસતાં જવાબ આપ્યો ને કીધું કે :

" વીજા ખસીઆ જેવો દુશ્મન આવે છે, આખા ગામે મળીને ગઢ જેવી વાડય કરી છે એક આ નાંગળું ખાલી છે તો બે ઘાંસી કાંટા નખાવી દયો."

" રામભાઈ ઘરે નથી. નનકુની આંખ્યું દુખે છે. બાપ ! કાંટા લેવા કોણ જાય ? " એમ ફૂઈ રાણબાઈ હસતાં હસતાં બોલ્યાં.

સામત ખુમાણ કહે : "ફૂઈ, કાંટા અમે નખાવી દઈએ ! "

" ના બાપ ! અમારે કાંટા નથી વેરવા. સાચી વાડય તો માણસની. કાંટાની વાડય શું કામની ? " ફૂઈ રાણબાઈએ જવાબ આપ્યો.

સામત ખુમાણ કહે : " ફૂઈ, તમે સમજતાં નથી. "

" બાપ ! હું બધુંય સમજું છું. જો અમારે નાંગળેથી વીજો ખસીઓ આવે અને ગામ લૂંટે તો સવારે મારા બે દીકરા અને મને ભોંમાં ભંડારી દેજયે. મારે અહીં કાંટા નથી વેરવા. પેલો વિચાર ન કરીએ ને મોટે ઉપાડે પણ લઈ બેઠો છે અને હવે ગાઢ રહેતા નથી ! " કાંઈક જૂની વરાળ કાઢતાં હોય તેમ ખીજાઈને ફૂઈ રાણબાઈ બોલ્યાં.

સામત ખુમાણ રીસ કરીને ઊભા થઈ ગયા. બરાબર 
મા' રાજ મેર બેઠા. દીવે વાટ્યું ચડિયું. એવે ટાણે મિતીઆળાને માથે ભૂતાવળ ભેળી થઈ હોય એમ મશાલું દેખાણી.

કુંડલા આખું ગામ બહાર નીકળી ગયું છે. મિતીઆળા માથે મીટ માંડી સૌ બેઠા છે. ' હમણાં વીજાની ફોજ આવશે, ગામને ધમરોળી નાખશે. એ વખતે સામત ખુમાણની ફોજમાં નવે ય રસ પરવારી ગયા. આખુંય ગામ ટગર ટગર જોઈ રહ્યું છે કે " એ આવ્યો ! એ આવ્યો ! "

ફૂઈ રાણબાઈ ઘડીક ઘરમાંથી બહાર નીકળી હજીયે ' મોટો ભાઈ ના આવ્યો ! કેમ નહીં આવ્યો હોય ? ' એમ બોલીને ડુંગરા જેવો નિસાસો નાખ્યો. નનકુ આંખ્યમાં ભરણ ભરી એના ઓરડામાં સૂતો છે અને કહે છે કે :
" માડી, ભાઈનું શું કામ છે ? "

" અરે બાપ ! વીજા ખસીઆની ફોજ કુંડલાને હતું ન હતું કરી નાખશે. મારાથી વધુકું બોલાઈ ગયું છે અને વીજો કુંડલા ભાંગશે પછી હું સવારે શું મોઢું દેખાડીશ ? મોટો ભાઈ આવ્યો હોત તો કાંઈક આડા ઘા ઝીલત. " ફૂઈ રાણબાઈ વિચાર કરતાં કરતાં બોલ્યાં.

તરત જ બોડયમાંથી આળસ મરડી સાવઝ બહાર નીકળે એમ ઊભો થઈ નનકુ ઓરડામાંથી બહાર આવ્યો. મોઢું ધોઈ કપડાં પહેર્યા. ભેટ બાંધી. પાધડી સરખી કરી બોકાનું વાળ્યું. પીઠ ઉપર ઢાલ પડી. ભેટયમાં જમૈયો નાખ્યો. નનકુની આ તૈયારી જોઈ રાણબાઈએ પટારો ઉઘાડયો. બાવીશ વરસથી ભૂખી - તરસી પડેલી પોતાના પતિની તલવાર લઈ નનકુના હાથમાં આપી. રસોડામાંથી ગોરસનો પેડો લીધો. ગોરસની ત્રાંસળી ભરીને કીધું કે : " લે બાપ ! શુકન
કર્ય. "

એમ કહેવાય છે કે ગોરસ ઝાળાવાળા જેવું હોય તો હાર થાય. મોળું હોય તો નુકશાન ન થાય. સહેજ ખટુંબરૂ હોય તો જરૂર ખાટીને જ આવે એવી માન્યતા છે.


પતાસા જેવું ગોરસ આંગળીએ હલાવી નનકુ પી ગયો. ઘોડી છોડી અસવાર થયો. જાંગ નીચે તલવાર દબાવી. હાલતી વખતે પૂછયું કે : " માડી, વીજાના એંધાણ શું ? "

માએ ઓળખાણ આપી કે : " માથે સોનેરી મેકર, હેમને કૂબે ઢાલ, સોનેરી મૂઠ્યે તલવાર, પડછંદ દેહ, ઊંટ જેવો ઘોડો હોય ઈ વીજો ખસીઓ."

જન્મભૂમિને નમસ્કાર કરી ભાથામાંથી તીર છૂટે એમ નનકુની ઘોડી છૂટી. કોઈ ન જાણે એમ મિતીઆળાને માર્ગે. ખસીઆની ફોજ એક ઢોળ ચડે, એક ઉતરે. ઘડીક મશાલું દેખાય, ઘડીક દેખાતી બંધ થાય, એમ પહાડી રસ્તો કાપતા કુંડલા ઉપર વહ્યા આવે છે. દારૂ વહેંચાતો આવે છે. કેફમાં ગાંડાતુર બન્યા છે. વીજાને દારૂમાં પૂરું ભાન રહ્યું નથી.

રસ્તામાં એક નેરડામાં કંટાળાની ઓથે નનકુની ઘોડી ઊભી રહી ગઈ. પડખે ઊંડા મારગમાં ફોજ વહી આવે છે. સાંકડા રસ્તાને લઈ બે ઘોડાથી વધારે હાલી શકાય તેમ નથી, અડધી ફોજ પસાર થઈ ગઈ બરાબર મધ્ય ભાગે વીજાનો ઘોડો મશાલના અજવાળે દેખાણો.

મોકો જોઈ નનકુ પડખે ચડી ગયો. ફોજના માણસોને દારૂના કેફમાં કોઈ ભાન રહ્યું નથી. તક જોઈ વીજાની જાંગ ઉપર તલવારનો ટોચો કર્યો. વીજો લથડ્યો. ત્યાં માથેથી મોળિયું અને હનામાંથી તલવાર નનકુએ ખેંચી લીધાં અને ઘોડી ફટ દઈને તારવી લીધી.

વીજાનું પગરખું લોહીથી ભરાઈ ગયું,. ઘા ઠર્યો, બળતરા ઊપડી ત્યારે બોલ્યો કે : " મને કાંઈક ઊઝરડો થયો હોય તેમ લાગે છે, માળું પીડા બહુ થાય છે. "

મશાલુંવાળા પાસે આવ્યા. જુએ તો જાંગ વેતરાઈ
ગઈ છે. રેંટો ફાડીને પાટો બાંધ્યો પણ પીડા અનહદ ઉપડી. દારૂનો કેફ ઊડી ગયો. સરખા તળિયામાં આવીને અસવારો ભેળા થઈ સૌ વિચારે ચડ્યા : " આ બન્યું શું ? કેમ કરતાં વાગ્યું ? મોળિયું ક્યાં પડી ગયું ? એલા તલવાર નથી ? "

એમ વિચારને વંટોળે ચડ્યા. વીજો ખસીઓ કહે છે કે, " ભારે કરી, પીડા બહુ થાય છે. "

વીજાના ભાણેજે કહ્યું કે : " આજે શુકન વાડયે 
કરીએ. "

એ વાત સૌને ગમી. પરિયાણ કરીને સૌ પાછા ફર્યા. નનકુની ઘોડી તો કોઈ ન ભાળે એમ આવીને ઠાણમાં બંધાઈ ગઈ. માએ તલવાર ને મોળિયું પટારામાં મૂક્યાં ને સુખેથી સૂતાં.

સામત ખુમાણની ફોજના માણસોને આશ્ચર્ય થયું કે કુંડલા ભણી આવતી મશાલું મિતીઆળા તરફ કાં પાછી જાય ? આનું કારણ શું ? વીજો ખસીઓ પાછો ફરી ગયો કે આપણું મગજ ફરી ગયું છે ? એની ખાતરી કરવા પાંચ ઘોડેસવારો છૂટ્યા. આવ્યા મિતીઆળા નજીક. ઓધારે ઊભા રહી વાતો સાંભળે છે કે : " માળું કો' ક તલવારનો ઘા કરી ગયું. ઘા તો કરી ગયું પણ વીજા આતાની તલવાર ને મોળિયું પણ ઊપાડી ગયું હશે કે શું ? "

બીજો કહે : " ભાઈ, આતાનો રોટલો આડો આવ્યો. મોળિયું લઈ ગયો તેમજ માથું લઈ ગયો હોત તો શું કરત ? "

ત્રીજો કહે : " રાખો ! રાખો ! ઈ તો સાંકડય માં કો' કની તલવારની પીંછી અડી ગઈ હશે. તલવાર ને મોળિયું દારૂના કેફમાં ક્યાંક પાડ્યાં હશે. કોના બાપનું ગજું છે કે માણસની વચ્ચે કોઈ ચાળો કરી જાય? "

આ વાતને સામત ખુમાણનો સરદાર જળુ અટકનો કાઠી પી ગયો. ઘોડા પાછા વાળ્યા. પાંચે યે પરિયાણ કર્યા. ઘાટ ઘડ્યો કે : વીજાની ફોજને પાછા વાળ્યાનો જશ જળુને અપાવીએ.'

ઘોડાં આવ્યાં, ફોજના માણસોએ અધીરા બની પૂછયું : " કાં ભાઈ શું બન્યું ? "

એક કાઠી બોલ્યો કે : " ઈ તે કાળઝાળ કાંઈ પાછો ફરે ? ઈ તો આપણને વે' મ હતો. પણ જળુએ જામો પાડી દીધો. કરકલિયો પડે એમ ત્રાટક્યો. વીજા ખસીઆને ઝાટક્યા માર્યા. એમાં દેકારો બોલ્યો. અંધારે કોણ કોને ઓળખે ? માલીપા ને માલીપા કાપા કાપી હાલી. જળુ તો છળીઓ માણસ. ક્યારે નીકળી ગયો તે ખબર ન પડી અને અંદરો અંદર કંઈક લોથો ઢળી ગઈ. " દાયરાએ શાબાશી આપી : " વાહ મરદ ! રંગ છે. જળુ ધન્ય છે તારા માત - પિતાને ! બાપુ જળુએ અખીઆત કરી."

વીજાની ફોજ પાછી ગઈ ને કુંડલાની વસતીએ રાહતનો દમ લીધો.


સવારના ચડતે પો' રે સામત ખુમાણની ડેલીએ હકડેઠઠ્ઠ દાયરો ભરાણો છે. શાબાશીનો મેહ વરસે છે. સામત ખુમાણે દસ સાંતીની જમીન તાંબાને પતરે લખી આપવાની તૈયારી કરી છે. કુંડલાના ઘરેઘર એક જ વાત છે કે : " જળુએ ઝાટક્યા માર્યા, ગામને ઊગાર્યું. મરદ હોય તો આવા હોય. "

આ શબ્દો પડ્યા ફૂઈ રાણબાઈને કાને. ફૂઈએ તો છાશ વલોવવી પડતી મેલી. ઊભાં થયાં. પટારો ઊધાડ્યો. તલવાર ને મોળિયું બગલમાં દબાવી આડસોડિયું વાળ્યું. આવ્યા સામત ખુમાણની ડેલીએ. કાળઝાળ કાઠિયાણી કોઈની રોકી રોકાણી નહીં. દાયરામાં આવી ત્રાડુક્યાં કે :

" ક્યાં છે સામત ખુમાણ ! કોના શરપાવની તૈયારી થાય છે ? વગતે વાત તો કરો ! હુંય જાણું કે ફોજ તગડનાર કયો બખતરિયો છે ? "

" ફૂઈ વિચારીને બોલો ! વીજા ખસીઆની ફોજને પાછી વાળી કુંડલાને આફતમાંથી બચાવ્યું એની આપણે કદર તો કરવી જ જોઈએ ને ! " સામત ખુમાણ બોલ્યા.

" તારા જેવા બેકદરા કદર શું કરતા ' તા ! એનું મોઢું નથી જોતો કે આ જળુ ઝાટક્યા મારે " ફૂઈ રાણબાઈ રીસમાં બોલ્યાં.

સામત ખુમાણનાં રૂંવાડાં ઊભાં થાવા લાગ્યાં. આંખ્યુંમાં દોરિયા દેખાણા. દાયરાને માથે વીજ ત્રાટકી હોય તેમ થયું. સામત ખુમાણ ભભક્યા કે : " ફૂઈ થાવ છો એટલે શું કરું ? ભરદાયરામાં જળુને ઊતારી પાડો એ ઠીક નહીં. જળુએ જીવને જોખમે આપણી આબરૂ રાખી
છે. "

" રાખ્યો રાખ્યો, જળુ શું આબરૂ રાખે ! આબરૂ તો રાખે આ કોઠામાં આળોટ્યા હોય ઈ. "

એમ કહી દાયરામાં તલવાર અને મોળિયું પડતાં મેલ્યાં. જળુ ઝાંખો પડી ગયો. જે પતરામાં જળુના નામનો લેખ થવાનો હતો તે દસ સાંતીની જમીન નનકુના નામે લખાણી. દાયરામાંથી " વાહ જનેતા ! વાહ મરદ ! " એવા વેણના ભલકારા છૂટ્યા.

To Top