કુંવરબાઈનું મામેરુ
શ્રી ડૉ મહેશ ભાઈ મકવાણા સાહેબનું સંશોધન
ઉનામાં કુંવરબાઈનું મામેરું અહીં પુરાયું હતું.
કોઈ આપણને પૂછે કે ભક્ત શ્રી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના લગ્ન કયા ગામે કરવામાં આવેલા ? તો આપણામાંથી કેટલાક કહેશે કે ઉનામાં. થોડી વધારે માહિતી પણ મળી જશે, કે ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે કુંવરબાઈના લગ્ન થયેલા. એ પછી પૂછવામાં આવે કે કુંવરબાઈનું મામેરું ઉનામાં કઈ જગ્યાએ પુરવામાં આવેલું ? તો ?
આપણા ભવ્ય ઇતિહાસ પ્રત્યે આપણે ખૂબ નીરસ રહ્યા છીએ. જનશ્રુતિઓ, કથાઓ કે વાતોને સાંભળ્યા પછી તેને સીધેસીધી લખી નાખવાની જગ્યાએ તે સ્થળની રૂબરૂ મુલાકાત લઈને જનશ્રુતિના અંકોડા મેળવવા જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું.
આમ તો વર્ષ ૨૦૧૯માં ધોમધખતા તાપમાં આ સ્થળ મહામહેનતે શોધેલું. હાલ વેકેશનમાં મારા બંને ભાણેજ ઉના આવ્યા છે. મોટા ભાણેજ રાહુલને લઈને આજે ઢળતી સાંજે આ સ્થળની મુલાકાત લીધી.
ઉનાની મચ્છુન્દ્રી નદીના કાંઠે નાઠેજ જતા રસ્તા પર આમોદરા તરફ જવાનો ફાંટો પડે છે. ત્યાં ડાબી બાજુ વળી જતાં થોડા અંતરે આ સ્થળ આવેલું છે. એક ખેતરમાં આ જગ્યા છે. અહીં કુંવરબાઈનું મામેરું પુરવામાં આવેલું હતું. જેનું આ જૂનું ઐતિહાસિક સ્થળ છે.
હાલ અહીં માત્ર ઉજ્જડ જગ્યામાં એક ઓટો રહ્યો છે. પણ કહેવાય છે કે અહીં જૂના જમાનામાં એક દહેરી હતી. જે આઠ ફૂટ લાંબી તેમજ આઠ ફૂટ પહોળી હતી. તે દેરીમાં 'સંવત ૧૫૦૩ના મહા સુદિ ૫ મે મોસાળું' તેવો તદ્દન જીર્ણ અવસ્થામાં એક પાળિયા આકારનો એક પથ્થર લેખ સ્વરૂપે મોજુદ હતો. જે આશરે ત્રણ ફૂટ લાંબો તેમજ દોઢ ફૂટની પહોળાઈ ધરાવતો હતો. આ પથ્થર ઉપરથી ત્રિકોણાકાર અને નીચે ચોરસ હતો. આ પથ્થરની વચ્ચે એક ફૂટથી વધારે અને સવા ફૂટની અંદર લખાણ ફક્ત પાંચ લીંટીમાં હતું. હાલ તો એ લખાણ પણ કાળની થપાટો પડતા ક્ષારના લીધે ભૂંસાઈ ગયું છે.
એ અરસામાં મહેતાજી અહીં પધાર્યા હશે એવું અનુમાન સહેજે થઈ શકે. વિસ્તારની દૃષ્ટિએ હાલનું ઉના ત્યાં સુધી લંબાયેલું નથી. પરંતુ ઈ. સ. ૧૩૦૦ સુધી ઉનેવાળોનું રાજ્ય ઘણા વિસ્તારોમાં હતું; ઉના શહેરનો વિસ્તાર આ દહેરી સુધી હતો. ઉપરાંત ઉનામાં નાગરોની વસ્તી ઘણી છે અને સેંકડો વર્ષોથી અહીં રહે છે.
એક પરંપરાગત લોકવાયકા મુજબ એ સમયે આ સ્થળે જ્યાં મામેરાની છાબ પુરાયેલી ત્યાં સૂર્યનો પ્રકાશ પડતો નથી. આ ચમત્કાર વિશે સાચું ખોટું તો મહેતાજી જાણે. પણ હાલ નરસિંહ મહેતાનું આ ઐતિહાસિક સ્થળ છે એમાં શંકાને સ્થાન નથી.
આ સ્થળ સાથે સંકળાયેલા ઉનાના અન્ય સ્થળો વિશેની ઘણી વિગતો છે. જે ફરી ક્યારેક. આર્ષવાણીના સર્જક મહેતાજીના ચરણોમાં વંદન સહ જય શ્રી કૃષ્ણ.
✍️ ડૉ. મહેશકુમાર મકવાણા ✍️